યુવાપેઢી કયા રસ્તે? – દિનેશ પાંચાલ

(પ્રસ્તુત લેખ રીડ ગુજરાતીને મોકલવા બદલ શ્રી દિનેશભાઈ પાંચાલનો ખૂબ ખૂબ આભાર)

યુવા પેઢી અંગે વિચારીએ અને ચકાસીએ કે એ અંગે દિમાગમાં કેટલું ‘ભંડોળ’ છે ત્યારે દુઃખદ અહેસાસ થાય છે, અધધધ… યુવાનો સામે આટલી બધી ફરિયાદો છે ? કાકા કાલેલકરનું કથન અચૂક યાદ આવે છે. એમણે કહેલું, ‘યૌવન પાસે બધું છે માત્ર સુકાન નથી !’ પણ અમારા બચુભાઈ કંઈક જુદું જ કહે છે, ‘યુવાનો પાસે માત્ર સુકાન જ નહીં, સંસ્કાર, સદ્દબુદ્ધિ, સમજદારી, દુનિયાદારી, કોઠાસૂઝ… બધું જ ઓછું છે. એમની પાસે તનનો તરવરાટ છે. મનના મનસુબાઓ છે અને ધનના ઢગલાઓ છે પણ સ્વતંત્ર વિચારશક્તિ નથી. નક્કર ઇરાદાઓ છે પણ સારુનરસુ પારખવાની વિવેકબુદ્ધિ નથી. દિલમાં લાગણીઓ છે પણ દિમાગમાં લક્ષ્ય નથી. પગમાં ગતિ છે પણ દિશાસૂઝ નથી. એમના અંતરમાં આવેગ છે. અને ઉમળકો તો દુનિયાભરનો છે પણ વર્તનમાં ગંભીરતા અને ઠરેલતા નથી. પરિપક્વતાનો ખાસ્સો અભાવ છે. એમની પાસે યૌવનની મસ્તી જ મસ્તી છે પણ દીર્ઘદ્રષ્ટિ નથી. કપાયેલો પતંગ ગમે તે દિશામાં ઘસડાઈ છે તે રીતે યુવા પેઢી દિશાવિહીન બની ગઈ છે. પરીક્ષાના પરિણામો પ્રગટ પછી તેમની બેવકૂફીનું રિઝલ્ટ પણ પ્રગટ થાય છે. કોઈ ૯૮ ટકાવાળો હોશિયાર વિદ્યાર્થી મેડિકલમાં પ્રવેશ મેળવે એટલે તેના પચાસ ટકાવાળા મિત્રો મેડિકલમાં જવાની જીદ પકડે છે. માબાપ દેવુ કરીને ય દીકરાને દૂરની કૉલેજમાં પ્રવેશ અપાવે છે પછી ત્યાં તે ભણવાને બદલે હોસ્ટેલના મિત્રો સાથે એકી શ્વાસે બિયરની આખી બાટલી પૂરી કરી જવાની શરત લગાવે છે અને બિયર ન પી શકવાને કારણે ૫૦૦ રૂપિયા હારી જાય છે. (બાપના પરસેવાને બિયર સમજીને પી જનારા એવા નમૂનાઓના કરતૂતો ક્યારેક અખબારમાં પણ પ્રગટે છે.)

દોસ્તો, કારના સ્ટિયરીંગ પાર બેઠેલા ડ્રાઈવરે અમદાવાદ જવું હોય તો અમદાવાદ કઈ દિશામાં આવ્યું તેની તેને ખબર હોય છે. પણ દિશાવિહીન યુવાન અમદાવાદ જવા માગતો હોય અને મુંબઈની દિશામાં ગાડી ધમધમાવે છે. બાપના પૈસે ખરીદેલું નવું ‘હીરો’ હોન્ડા લઈને એ રોડ પર નીકળે છે ત્યારે બાઈકના સ્પીડો મિટર પર લખેલી મૅક્સિમમ સ્પીડ પર ગાડી દોડી શકે છે કે નહીં તેની ચકાસણી કરવાનું એ ચૂકતો નથી. પાછળની સીટ પર બેઠેલો એનો મિત્ર (એનો સ્વનિયુક્ત ભાટચારણ) એના કાનમાં મંત્રો ફૂંકે છેઃ ‘વાહ દોસ્ત, ગજબની તારી ગાડી છે… અજબની તારી સ્પીડ છે…! એવું લાગે છે જાણે આકાશમાં ઊડી રહ્યાં છીએ !’ રોડને ખુલ્લું આકાશ અને બાઈકને એરોપ્લેન સમજીને ‘ઉડાવી’ રહેલો એ બબુચક કોઈ રાહદારીને ઉડાવી દે છે ત્યારે એક મોટો ધમાકો થાય છે અને મામલો આખો પોલીસ ચોકીમાં પહોંચે છે. પોલીસને તે કહે છેઃ ‘અમે તો બહુ ધીમેથી હંકારી રહ્યાં હતાં. એ માણસ સામે ધસી આવ્યો !’ ખરી વાત એટલી જ, માણસ પાસે પૈસો હોય પણ બુદ્ધિની બ્રેક ના હોય, આવડત હોય પણ અક્કલનું ઍક્સીલેટર બેકાબુ બની જતું હોય ત્યારે આકાશમાં ઉડતા માણસને ભોંયભેગા થતાં વાર નથી લાગતી. ત્યારબાદ તેનો બાપ ‘પુત્ર બચાવ અભિયાન’ લઈને મેદાનમાં ઉતરે છે. બાપની બે નંબરની કમાણીથી પોલીસની મૂઠી ગરમ થાય છે ને દીકરો બચી જાય છે. એ કારણે થાય છે એવું કે લબરમૂછિયો પછી (એની બડફાગીરીમાંથી બોધ લેવાને બદલે) એવો ‘દિવ્યસંદેશ’ મેળવે છેઃ ‘મારા બાપના પૈસા સામે કાયદો, પોલીસ કે અદાલતની ઐસી કી તૈસી !’

દોસ્તો, સમગ્ર યુવા પેઢી આવા “અક્કલ-મંદ” યુવાનોથી જ ભરેલી છે એવું કહેવાનો ઈરાદો નથી. બલકે આજના શૈક્ષણિક પરિણામો પર નજર કરીએ તો જોવા મળે છે કે તેઓ ૯૯ ટકા સુધી માર્ક્સ લાવે છે. નિખાલસભાવે સ્વીકારીએ કે જૂની પેઢીનો યુવા વર્ગ પણ આવી તેજસ્વી અભ્યાસિક પ્રતિભા દાખવી શકતો નહોતો. યાદશક્તિ પર દબાણ કરીએ તો ય એવું યાદ આવતું નથી કે પચાસેક વર્ષો પૂર્વે કોઈના ૯૯ ટકા આવી શકતા હતા. (કમ સે કમ અમારા સમયગાળામાં તો ૯૯ ટકા લાવવાની વાત કલ્પી જ શકાતી નહોતી) એની તુલનામાં આજનો વિદ્યાર્થી (‘હીરો’ હોન્ડા જેવી જ) તેજ ગતિએ શિક્ષણના હાઈવે પર દોડી રહ્યો છે. એ પ્લસ પોઈન્ટની નોંધ નહીં લઈએ તો તે અન્યાય ગણાશે. પણ તેની સામે એટલું સ્વીકાર્યા વિના ચાલે એમ નથી કે ૯૯ ટકા લાવનાર એ સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી રોજબરોજના જીવનમાં કેવી રીતે વર્તે છે ? માત્ર રોડ પર જ નહીં, શાળામાં, સમાજમાં, ઘરમાં, બજારમાં… અરે ! એના ખુદના માબાપ સાથે કેવી રીતે વર્તે છે તે મુદ્દો નિરાશ કરે એવો છે. હમણાં એક વાલીએ કહ્યું, ‘મારો દીકરો કોઈ વર્ષે પંચાણુ ટકાથી ઓછા ટકા લાવ્યો નથી. પણ સૌને ફરિયાદ છે, ઘરમાં એ સૌની સાથે બહુ તોછડાઈથી વર્તે છે !’

દોસ્તો, શાળાઓ છૂટે ત્યારે રોડ પર તમે નજર કરજો. એકમેકના ખભે હાથ મૂકીને ચાર પાંચ વિદ્યાર્થીઓ (અડધો રોડ રોકીને) સાઈકલ ચલાવતા જોવા મળશે. (એમાનો કોઈ ૯૫ ટકા લાવ્યો હોય એમ પણ બને) આપણા જેવો કોઈ ડોસો એમને કહે – ‘ભાઈ, બીજા રાહદારીઓ માટે રસ્તો રાખીને સાઈકલ ચલાવો…’ તો એમાનો એકાદ જરૂર તમને સંભળાવશેઃ ‘રસ્તો તમારા બાપનો છે ?’ વળતો જવાબ તો ન આપીએ પણ કહેવાનું મન જરૂર થાયઃ રસ્તો ભલે અમારા બાપનો ના હોય પણ કોઈ ટ્રક કે બસની ટક્કર લાગી તો તારો બાપ મુશ્કેલીમાં પડશે. પરંતુ ઉપર કહ્યું તેમ યુવાનો પાસે ગતિ છે પણ મતિ નથી .

દોસ્તો, બધી વાતનો કુલ સરવાળો એટલો જ કે આજના હોંશિયાર વિદ્યાર્થીને શૈક્ષણિક ફૂટપટ્ટી વડે માપતા જ હોશિયાર જણાય છે. એ મેઝરમેન્ટ અધુરું અને અસંતોષકારક છે. ૯૯ ટકા લાવતો વિદ્યાર્થી ઘરમાં એના માબાપ સાથે, સગાવહાલાં સાથે કે સમાજ સાથે કેવી રીતે વર્તે છે તેનો હિસાબ લગાવીએ તો ખાસ્સી નિરાશા ઉપજે છે. એવું લાગ્યા વિના નથી રહેતું કે આજની શાળા કૉલેજોની શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરીને સમાજમાં આવતો વિદ્યાર્થી અનેક રીતે અધૂરો, કાચો, અપરિપક્વ અને અશિક્ષિત છે. જરા વિચારો, શાળા કૉલેજો એને શિષ્ટ અને સમજદાર માનવી ન બનાવી શકે તો એ બધાં માટે તેને નવેસરથી ક્યાં મોકલવો ? આપણી પાસે સજ્જનતા, ઈમાનદારી કે શિસ્તની ટ્રેનીંગ માટેની કોઈ એક્સ્ટ્રા કૉલેજો છે ખરી ? એવા લાખો અધકચરાં વિદ્યાર્થીઓના હાથમાં દેશ અને સમાજનું સુકાન આવવાનું છે. એવા સમાજનું ભવિષ્ય કેવું હશે ? એથી જ બચુભાઈ કહે છેઃ ‘આજનું શિક્ષણ નર્યું પોથીલક્ષી અને પરીક્ષાલક્ષી બની રહ્યું છે. જ્યાં સુધી સમગ્ર શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવી તેને જીવનલક્ષી નહીં બનાવવામાં આવે ત્યાં સુધી શાળા કૉલેજો કે યુનિવર્સિટીઓના નીંભાડાઓમાંથી એવી કરોડો કાચી ઈંટોનો ઢગલો સમાજમાં ખડકાતો રહેશે. અને કાચી ઈંટોમાંથી બનેલું મકાન તૂટી પડવા માટે ધરતીકંપની પ્રતીક્ષા કરતું નથી !’

કોઈ મિલ ટકાઉ સાડીનું ઉત્પાદન કરવા માગતી હોય તો તેણે સાડીમાં વપરાતા તાર કાચા ન રહી જાય તેની તકેદારી રાખવી પડે છે. દેશને મજબૂત બનાવવો હશે તો પ્રત્યેક નાગરિક શિષ્ટ, સંસ્કારી અને સમજદાર હોવો જોઈશે. આજ પર્યંત એવું સાંભળતા આવ્યા છીએ કે ભારતનું ભાવિ વર્ગખંડોમાં આકાર લઈ રહ્યું છે. પણ યુવા પેઢી પર નજર કરતાં એવી દુઃખદ પ્રતીતિ થાય છે કે દેશનું દુર્ભાગ્ય યુવાનોમાં ઉછરી રહ્યું છે !

– દિનેશ પાંચાલ

Leave a Reply to સુરેશ જાની Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “યુવાપેઢી કયા રસ્તે? – દિનેશ પાંચાલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.