ક્ષણે ક્ષણે અમૃત – નીલેશ મહેતા

(નીલેશ મહેતા દ્વારા સંક્ષેપ અને સંકલન થયેલ ‘ક્ષણે ક્ષણે અમૃત’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

(૧) પાપ મુક્તજીવન

કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી બધાં પાપ ધોવાઈ જાય છે. આ વિશેનો પ્રશ્ન રામકૃષ્ણ પરમહંસને પણ પૂછવામાં આવ્યો હતોઃ ‘સ્વામીજી ! ગંગામાં સ્નાન કરવાથી પાપ જતાં રહે છે આ વાત સાચી છે ?’
રામકૃષ્ણ પરમહંસ શું જવાબ આપે ? છતાં તેમણે કહ્યું, ‘હા, જતાં રહે છે, પણ તે કંઈ બહુ દૂર નથી જતાં. જેવા તમે ગંગામાં દાખલ થાવ છો કે તરત તેઓ આજુબાજુનાં વૃક્ષો ઉપર ચડી બેસે છે. એ પાપ ગંગાથી ડરે છે. તમારાથી નહિ. એ તમારાં પાપ છે. તમારાથી શું કામ ડરે ? તમારો પીછો પણ શું કામ છોડે ? આપ સહુ ગંગામાં હો છો ત્યાં સુધી તેઓ બહાર રહે છે, અને જેવા આપ લોકો બહાર નીકળો છો તેવાં તરત જ આપને વળગી પડે છે. પછી જ્યાં જાવ છો ત્યાં તમારી સાથે જ આવે છે.’

રામકૃષ્ણ પરમહંસની વાત સાંભળી કેટલાક લોકો ગભરાઈ ગયા. તેમણે પૂછ્યું : ‘ત્યારે પાપથી બચવા શું કરવું ?’

‘ગંગામાં બેસી રહેવું.’ સ્વામીજીએ સ્મિત કરતાં કહ્યું : ‘જિંદગીભર, દિવસ અને રાત ગંગામાં બેસી રહેશો તો તમારાં પાપ તમારાથી દૂર રહેશેઃ કેમ કે, ગંગાને તો પાપ સ્પર્શતાં જ નથી. એટલે તમને પણ સ્પર્શશે નહીં.’

‘એ કંઈ શક્ય વાત નથી. ‘શ્રદ્ધાળુઓએ કહ્યું : ‘આખી જિંદગી કંઈ પાણીમાં થોડા બેસી રહેવાય ?’

‘ત્યારે પાપથી બચવાનો બીજો એક ઉપાય છે.’ રામકૃષ્ણ પરમહંસે કહ્યું : ‘પાપ કરવાં જ નહિ. પાપ થવા જ દેવાં નહિ. એકદમ સરળ અને નિર્દોષ જીવન જીવવાનો પ્રયાસ કરવો. ન રહેશે પાપ, ન રહેશે તેનાથી દૂર ભાગવાની ચિંતા. બાકી તમે પાપ કરતા રહો અને ગંગામાં નાહીને પાપમુક્ત થતા રહો એવું વરદાન તો ગંગાનેય નથી મળ્યું. એમ તો પછી બધાંનાં પાપ આત્મસાત કરીને ગંગાય પાપી બન્યા વગર રહે કંઈ ?’
પાપ કર્યા પછી માત્ર ગંગામાં સ્નાન કરવાથી પાપમુક્ત થવાનો સંતોષ માનનાર લોકોને આનાથી વધુ જાગૃતિ પ્રેરક વાત બીજી કઈ હોઈ શકે ? દ્રષ્ટિને પાપમુક્ત અને નિર્દોષ રાખવાથી જીવન વધુ સરળ બને છે.

(૨) સુખી લગ્નજીવન

ખલીલ જિબ્રાનને કોઈ જિજ્ઞાસુ વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો, ‘ગુરુદેવ લગ્ન વિશે આપ શું કહો છો ?’
જિજ્ઞાસુ વ્યક્તિને જવાબમાં ખલીલ જિબ્રાન કહે છે કેઃ તમે સાથે જ જન્મ્યા હતા અને સદા સાથે જ રહેવા સર્જાયા છો. શ્વેતપંખીધારી દેવદૂતો તમને સ્વર્ગમાં લઈ જવા આવશે ત્યારે પણ તમે સાથે જ હશો.

પરંતુ તમારા આ સાયુજ્ય વચ્ચે થોડો અવકાશ – થોડુંક અંતર અવશ્ય રાખજો, જેથી કરીને સ્વર્ગની શીતળ લહેરોનું નૃત્ય તમારા બંને વચ્ચે સદા ચાલતું રહે. અરસપરસને ચાહતા રહો પણ એ પ્રેમન એક બંધન ન બનાવી દેતા. નદીના બે કિનારાઓ વચ્ચે વહેતા જળપ્રવાહની જેમ તમારા આત્માઓ વચ્ચે પ્રેમના પ્રવાહને વહેતો રાખો.

સાથે મળીને ગીતો ગાતાં રહો, ઉલ્લાસપૂર્વક સાથે નાચો, પરંતુ બંને માટે પોતપોતાના એકાંતનો આદર પણ કરો. વીણાના પ્રત્યેક તાર જુદા એકાંકી હોય છે તો પણ સહેજ ઝંકારથી એ બધા તારો વચ્ચેથી એક જ સંગીત રેલાય છે. તમારાં હ્રદય એકબીજાને અર્પણ કરો પણ એકબીજાના કબજેદાર ન બનો, એકબીજા ઉપર માલિકી ભાવ લાવવાની વૃત્તિ ન રાખો.

જીવનના દરેક પ્રસંગે સાથે ઊભા રહો પણ એક બીજાની સાવ જોડાજોડ નહિ. તમે જોયું હશે કે મંદિરના થાંભલાઓ એકબીજાથી થોડેક અંતરે દૂર રહેવા છતાં આખા મંદિરનો એ આધાર બની રહે છે. સાચા પ્રેમી મંદિરના થાંભલા સમાન હોય છે. સ્વતંત્ર હોવા છતાં તે એકબીજા સાથે સજોડે રીતે જોડાયેલા હોય છે. આખા મંદિરને એ મજબૂત આધાર આપે છે અને છતાં એ પ્રત્યેક પોતાનું અલગ કર્તવ્ય બજાવે છે. મંદિર થાંભલા એટલા નજીક નથી કે મંદિર તૂટી પડે અને એકબીજાથી દૂર ચાલ્યા જાય તો પછી મંદિર ટકી ન શકે. એમ ખાસ અંતર, એક ખાસ સંતુલન આખા મંદિરને મજબૂત રીતે ઊભું રાખી શકે છે. એક લગ્નના સહજીવનમાં પણ એક અલગ પ્રકારની સ્વંત્રતા, સંતુલન અને યોગ્ય અંતર લગ્ન જીવનના પ્રેમનું મહાન મંદિર બની શકે છે. બે વૃક્ષો એકબીજાની નજીક છાયામાં સંપૂર્ણ વિકસી શકતાં નથી, પરંતુ જો વચ્ચે થોડું અંતર હોય ત્યારે જ બંને વૃક્ષો પૂર્ણ વિકસી શકે છે.

(૩) આપણી જીભ

એક હતા શેઠજી. તેમને ઊધરસ થઈ. પરંતુ શેઠજીને ઠંડી અને ખાટી વસ્તુઓ ખાવાની ટેવ હતી. જે વૈદ્ય પાસે જાય, તે વૈદ્ય કહેઃ ‘પહેલાં ઠંડી અને ખાટી વસ્તુઓ ખાવાનું મૂકી દો. પછી દવા થાય.’
છેલ્લે એક વૈદ્ય મળ્યા. તેણે કહ્યું : ‘હું દવા કરું છું. તમારી મરજીમાં આવે તે ખાજો.’
વૈદ્યે દવા આપી અને શેઠજી ઠંડી અને ખાટી વસ્તુઓ ખાતા રહ્યા. થોડા દિવસ પછી મળ્યા તો શેઠજી બોલ્યાઃ ‘વૈદ્યજી ! ઊધરસ વધી નથી. પરંતુ ઓછી પણ થઈ નથી.’

વૈદ્યજીએ કહ્યું : ‘તમે મારી દવા ખાતા રહો. ઠંડી અને ખાટી વસ્તુઓ પણ ખાતા રહો. ત્રણ લાભ થશે.’

શેઠજીએ પૂછ્યું : ‘ક્યા-ક્યા લાભ ?’

વૈદ્યજી બોલ્યાઃ ‘પહેલો લાભ એ કે ઘરમાં ચોરી નહીં થાય, બીજો લાભ એકે કૂતરું કરડશે નહિ, અને ત્રીજો લાભ એ થશે કે ઘડપણ આવશે નહિ.’

શેઠજીએ કહ્યું : ‘આ તો ખરેખર લાભની વાતો છે, પરંતુ ઊધરસની ઠંડી ખાટી વસ્તુઓ ખાવાથી આ બધા લાભ કેવી રીતે મળશે ?’

વૈદ્યજી બોલ્યાઃ ‘ઊધરસ હોય અને ઠંડી અને ખાટી વસ્તુઓ ખાધે રાખો તો ઊધરસ કોઈ દિવસ મટશે નહિ. દિવસમાં ઊધરસ થશે, રાત્રે ઊધરસ થશે, તો ઊધરસના અવાજને લીધે ચોર કેવી રીતે આવશે ? ઊધરસ ખાઈ ખાઈને કમજોર થઈ જશો. લાકડી વગર ચલાશે નહિ. હંમેશાં હાથમાં લાકડી હોવાથી કૂતરું પાસે આવશે નહિ, તો પછી કરડશે કેવી રીતે ? અને કમજોરીને લીધે મરી જશો જવાનીમાં જ, એટલે ઘડપણ આવશે નહિ.’

શેઠજી હવે સમજી ગયા. પરંતુ આપણને સમજ પડતી નથી, આ જીભને લીધે આપણે શું શું કરીએ છીએ. કેટલું નુક્સાન ભોગવીએ છીએ એટલી હદ સુધી કે આપણી માનવતાને ત્યજી દઈએ છીએ.

(૪) સારા વિચારો

વિશ્વયુદ્ધ પહેલાંનું જગત ઘણું મોટું હતું. સ્થળકાળનાં અંતર વધારે હતાં. વ્યાપાર ઉદ્યોગની ખિલવણીનો પ્રારંભ થયો હતો. નવી નવી દિશાઓ ઊઘડતી હતી, હરીફાઈની તો હજુ શરૂઆત થઈ હતી.
અમેરિકાની એક બૂટ-ચંપલની કંપનીએ પોતાના માર્કેટિંગ મેનેજરને આફ્રિકા જવાનો હુકમ કર્યો. તે માર્કેટિંગ મેનેજર સ્ટીમર દ્વારા આફ્રિકા ગયા. એ જ સ્ટીમરમાં જાપાનની એક બૂટ-કંપનીનો માર્કેટિંગ મેનેજર પણ હતો. અમેરિકાની અને જાપાનની કંપનીનું ધ્યેય એક જ હતું કે આફ્રિકામાં પોતાની કંપનીનો વેચાણનો વિકાસ કરવાનું. બંને માર્કેટિંગ મેનેજરની કામગીરી એક સમાન જ હતી, કે આફ્રિકાની બજારમાં પોતાની કંપનીનો માલ વેચાય.

બંને માર્કેટિંગ મેનેજરની પરિસ્થિતિ એક સરખી હોવા છતાં મનના વિચારોમાં અસમાનતા મોટી હતી.
આફ્રિકા પહોંચી અમેરિકન માર્કેટિંગ મેનેજરે તેમની કંપનીમાં તાર કર્યોઃ ‘આફ્રિકાની મારી ટૂર સાવ નિષ્ફળ થઈ છે. અહીં કોઈ બૂટ કે ચંપલ પહેરતું નથી. અહીં વેચાણની કોઈ શક્યતા નથી. હું તરત જ પાછો ફરું છું.’

જ્યારે જાપાની માર્કેટિંગ મેનેજરે કંપનીમાં તાર કર્યોઃ ‘અહીં કોઈનાય પગમાં બૂટ-ચંપલ જોવા મળતાં નથી. આપણને બહુ મોટું બજાર મળી શકે એમ છે. નાનાં બાળકોથી લઈ દરેક વ્યક્તિના સાઈઝનાં બૂટ-ચંપલ તરત જ રવાના કરો અને તેમની સાથે કંપનીના પંદર-વીસ સેલ્સમેન પણ તાત્કાલિક મોકલજો.’

આમ એક વાત તો નક્કી જ છે કે બિઝનેસ એની જગ્યાએ કદી સારો કે ખરાબ હોતો નથી. બિઝનેસ આપણા મગજમાં આપ્યો છે ત્યાં સારો કે ખરાબ હોય છે. જો ખોટાં રોદણાં રોયા કરીએ તો બિઝનેસ પણ એ જ રીતે લંગડાતો ખોડંગાતો ચાલે. જો યોગ્ય રીતે આપણે વિચારીએ તો બિઝનેસ પણ બરાબર ચાલે, જેટલા સારા વિચારો તેટલું આપણું ઘડતર અને જીવન સારું.

(૫) પ્રતિનિધિનું કર્તવ્ય

ખલીફા ઉમરસાહેબ ભોજન કરી રહ્યા હતા. પીરસતાં પીરસતાં બીબી કહ્યું, ‘જ્યારથી હું પિયરથી આવી છું ત્યારથી મિષ્ટાન ખાવા મળ્યું નથી.’ ઉમરસાહેબે કહ્યું, ‘તો બનાવતા કેમ નથી ?’

‘ક્યાંથી બનાવું, કંઈ જ બચતું નથી, આપ તો માલિક છે, માગો તે મળે એમ છે, ખજાનામાં થોડું વધુ લો તો !’

‘બેગમ હું સલ્તનતનો ખલીફા છું, માલિક નથી. મારી ગરીબ પ્રજા જે પહેરે ઓઢે, ખાય પીએ, એવું જ મારે ખાવું પીવું જોઈએ, ઓઢવું પહેરવું જોઈએ, એવો ઉપરવાળાનો હુકમ છે.’ અને તે વાત ત્યાં જ પતી ગઈ.
થોડા દિવસ પછી એક દિવસ ઉમરસાહેબ જમવા બેઠા અને ભાણામાં બીબીએ મીઠાઈ પીરસી. ઉમરસાહેબે પૂછ્યું : ‘બેગમ તમે જ કહેતા હતા કે પૈસા બચતા નથી તો આ મીઠાઈ કઈ રીતે બનાવી ?’

‘આપણે વાત થઈ તે દિવસથી મેં એક એક પૈસો બચાવવો શરૂ કર્યો હતો, તે બચાવ્યું. તેમાંથી આટલું બનાવી શકી.’ અને એ વાત ત્યાં જ પતી ગઈ.

બીજે મહિને ઉમરસાહેબે બેગમના હાથમાં પગાર મૂક્યો તો પૈસા ઓછા હતા, બેગમે પૂછ્યું, ‘આપે ગણ્યા નથી ?’

‘ગણીને લાવ્યો છું બેગમ…’

‘પણ પૈસા ઓછા છે.’

‘તમે મિષ્ટાન બનાવવા એક એક પૈસો બચાવતા હતા છતાં ખાવાં કંઈ ઓછું પડતું નહોતું એ બતાવે છે કે એક ઓછા પૈસામાં પણ તમે ચલાવી શકો છે, તે જોઈને ઓછા લાવ્યો છું. આપણે ગરીબ પ્રજાના પ્રતિનિધિ, આપણે મીઠાઈ કઈ રીતે ખાઈ શકીએ ?’

બેગમે અતિ પ્રેમથી પતિના હાથ ચૂમી લીધા અને કહ્યું, ‘આવા પતિની પત્ની બનવા માટે મને ગર્વ છે.’

(૬) આપણી અપેક્ષા

એક માણસને ભગવાન ઉપર ઘણી બધી શ્રદ્ધા હતી. રોજ ભગવાનની મૂર્તિની પૂરા મન અને ધનથી પૂજા કરતો હતો. એક દિવસ ભગવાનને કહ્યું, તમે મારી સાથે વાત તો કરો. ત્યારે જ કોયલે એક મધુર ટહુકો કર્યો. પણ પેલા માણસનું એ તરફ ધ્યાન જ ન ગયું !

પછી તે માણસે ભગવાન મૂર્તિની સામે જોઈને વિનંતી કરી, હે ભગવાન મારી સાથે બોલો તો ખરા ! એ જ સમયે છવાયેલાં વાદળોમાંથી વીજળી થઈ અને એક લાંબી ગડગડાટી ચાલી, પરંતુ પેલા ખોવાયેલા માણસને એનો ખ્યાલ પણ ન આવ્યો !

એક રાત્રે ભગવાનની મૂર્તિ સામે બેસી કહે, ‘હે ભગવાન મારે તારાં દર્શન કરવાં છે ! તમે મને દર્શન આપો ! તે જ સમયે આકાશમાં એક તારો પૂરા તેજ સાથે ચમકી ઊઠ્યો, પરંતુ પેલો માણસ એ જોઈ ન શક્યો.

પેલો માણસ ભગવાનની મૂર્તિ સામે બેસી પૂરા લાગણી ભરેલા સ્વરે ભગવાનને પ્રાર્થના કરી, ‘આજે તો તું મને ચમત્કાર બતાવ.’ એ જ સમયે તેની પત્નીને પ્રસૂતિની પીડા ઉપડી, એને તુરંત દવાખાને લઈ જવી પડી. થોડી જ વારમાં તેણે એક સુંદર તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. પરંતુ પેલા માણસને કંઈ જ સમજાયું નહિ.

હવે તે માણસ ભગવાનની મૂર્તિ સામે ઉપવાસ કરી બેઠો અને પ્રાર્થના કરવા લાગ્યો ‘હે ભગવાન મને ખાતરી કરાવ કે તું છે જ. તું મને સ્પર્શીને એ ખાતરી કરાવ તો જ હું માનીશ અને મારા ઉપવાસ પૂરા કરીશ’ અને ભગવાન અતિસુંદર પતંગિયાના સ્વરૂપે પેલા માણસના હાથ પર બેઠા. પેલા માણસે હાથ પર બેઠેલા સુંદર પતંગિયાને ઉડાડી મૂક્યું અને દુઃખી થતો બોલ્યો, ‘ભગવાન ક્યાંય છે જ નહીં !’

આપણે અપેક્ષા રાખેલી હોય તેવા સ્વરૂપે જ આશીર્વાદ મળે એવી આશામાં આપણે કેટકેટલા આશીર્વાદ અને ચમત્કારોની પ્રતીતિ ગુમાવી દઈશું ?

– નીલેશ મહેતા

[કુલ પાન ૪૮. કિંમત રૂ. ૪૫. પ્રાપ્તિસ્થાનઃ નવયુગ પુસ્તક ભંડાર, નવા નાકા રોડ, ૧ લે માળે, રાજકોટ – ૩૬૦૦૦૧ ફોન. (૦૨૮૧) ૨૨૨૫૫૯૬]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “ક્ષણે ક્ષણે અમૃત – નીલેશ મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.