ત્રણ કાવ્યરચનાઓ.. – પ્રણવ પંડ્યા

(કવિની રચનાઓના સંગ્રહ ‘કવિતાથી વધુ કંઈ નહીં’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રી પ્રણવ પંડ્યાનો આભાર.)

૧.

કશુંય ના કવિતા સમ, કવિતાથી વધુ કંઈ નહીં.
કવિતાના જ ખાઉં સમ, કવિતાથી વધુ કંઈ નહીં.

ખીલે એ પાનખરમાં ને વસંતે થાય વૈરાગી,
નરી નિત મ્હેંકતી મોસમ, કવિતાથી વધુ કંઈ નહીં.

કવિતા એટલે કાગળમાં માનવતાના હસ્તાક્ષર,
તપાસો સત્વ, રજ ને તમ, કવિતાથી વધુ કંઈ નહીં.

કદી એકાંત અજવાળે, કદી આ આંસુઓ ખાળે,
બનાવે શ્વાસને ફોરમ, કવિતાથી વધુ કંઈ નહીં.

વણ્યું ચરખે કબીરે એ કે એણે ગણગણ્યું’તું એ?
કહો મોંઘું કયું રેશમ? કવિતાથી વધુ કંઈ નહીં.

થશે ઝાંખા શિલાલેખો કે તૂટશે કોટના ગુંબજ
હશે પરભાતિયા કાયમ, કવિતાથી વધુ કંઈ નહીં.

૨.

ગઝલની વેલથી ચૂંટ્યા છે પ્રાસના ફૂલો,
કહો, સ્વીકારશો દેવી આ દાસના ફૂલો

કશુંક કૉળવામાં સૂર્ય ક્યાં જરૂરી છે?
ફૂટ્યાં છે કોડિયાને કૈં ઉજાસના ફૂળો.

સ્મરણના ભેજથી લીલો રહું છું, પૂરતું છે
તમે નિહાળ્યા છે વગડામાં ઘાસના ફૂલો?

તમારી હાજર્ંમાં હું ખીલી ખીલી જાતો
વસંતમાં જ ખીલે છે પલાશના ફૂલો.

તમારા હાથમાં અત્તરની શીશી ભાળીને
થયાં હતાશ બધાં આસપાસના ફૂલો.

આ મૃત્યુ એક એવી મૂર્તિ છે કે જેના પર,
આ આખી જીંદગી ધરવાનાં શ્વાસનાં ફૂલો.

૩.

સાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે,
બહુ વલોવે છે, સ્મરણની એ જ તો તકલીફ છે.

ઝંખના જીવલેણ છે એ જાણીને પણ ઝંખના
જીવતાં પ્રત્યેક જણની એ જ તો તકલીફ છે.

મૌન પાછળ લાગણી ઢાંકી શક્યું ના કોઈપણ
સાવ પાંખાં આવરણની એ જ તો તકલીફ છે.

ના કદી વાંચી શક્યો હું તારી આંખોની લિપિ
હું અભણ છું ને અભણની એ જ તો તકલીફ છે.

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું,
મળતું બિલ્લીપગ, મરણની એ જ તો તકલીફ છે.

– પ્રણવ પંડ્યા


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ક્ષણે ક્ષણે અમૃત – નીલેશ મહેતા
સંકલ્પનું સુકાન (પ્રેરણાદાયક પ્રસંગો) – શૈલેષ સગપરિયા Next »   

2 પ્રતિભાવો : ત્રણ કાવ્યરચનાઓ.. – પ્રણવ પંડ્યા

  1. pjpandya says:

    ત્રનેય યત્રિદલ સરસ પ્રનવ પન્દ્યને અભિનન્દ

  2. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

    પ્રણવભાઈ,
    ત્રણેય કવિતાઓ ઉત્તમ છે. આભાર. કબીરે ગણગણતાં વણેલું મોંઘું કવિતારુપી રેશમ અજરાઅમર છે, સદાને માટે લોકજીભે સચવાયેલું રહેશે.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.