સંકલ્પનું સુકાન (પ્રેરણાદાયક પ્રસંગો) – શૈલેષ સગપરિયા

Sankalpanu sukan(શૈલેષ સગપરિયાના ‘સંકલ્પનું સુકાન’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

(૧) સંકલ્પના બળે જિંદગીનો જંગ જિતાય

૧૬-૧૭ વર્ષની ઉંમરનો એક ફૂટડો યુવાન હિપેટાઈટીસ-બીનો ભોગ બન્યો. બૅન્કમાં સારી પોસ્ટ પર નોકરી કરતા એના પિતા પોતાના લાડકવાયા દીકરાની સારવાર માટેના તમામ પ્રયાસો કરી રહ્યા હતા. એક સમય એવો આવ્યો કે યુવાન દીકરાને એના પિતા પોતાની બાંહોમાં ઉપાડીને ડૉક્ટર પાસે લાવ્યા. આ છોકરાને તપાસ્યા બાદ ડૉક્ટરો અંગ્રેજીમાં અંદરોઅંદર વાત કરી રહ્યા હતા.

છોકરો આ વાત સાંભળે એ પહેલા જ એના પિતાએ ડૉક્ટરને વાત કરતા અટકાવ્યા. છોકરો પણ હોશિયાર હતો અને અંગ્રેજી સારું જાણતો હતો એટલે ડૉક્ટરોની વાત સાંભળીને એની આંખમાં આંસુ આવી ગયા. બાપને સમજતા વાર ન લાગી કે દીકરાને પણ સમજાઈ ગયું છે કે એ હવે લાંબું જીવી શકે તેમ નથી અને માત્ર થોડા દિવસનો જ મહેમાન છે. બાપે દીકરાને એટલું કહ્યું, “બેટા, તારી મમ્મીને આ વાતની ખબર ન પડવા દેતો.” છોકરાએ એના પપ્પાને હિંમત આપતા એટલું જ કહ્યું, “પપ્પા, ચિંતા ના કરશો. મમ્મીને આ બાબતે કંઈ જ ખબર નહિ પડે.”

છોકરાને હૉસ્પિટલથી ઘેર લાવ્યા. આ પરિવાર સાથે અંગત સંબંધ ધરાવતા એક ડૉક્ટરને આ બાબતની ખબર પડી એટલે એ ડૉક્ટર છોકરાને રૂબરૂ મળવા માટે આવ્યા. છોકરાના રૂમમાં ગયા. બીજા સભ્યોને રૂમની બહાર મોકલી દીધા. છોકરાનો હાથ પોતાના હાથમાં લઈને પૂછ્યું, “બેટા, જીવવું છે?”

છોકરાએ આંખમાં આંસુ સાથે જવાબ આપ્યો, “હા અંકલ, બહુ જ ઈચ્છા છે જીવવાની. હજુ તો હમણા જ કોઈ છોકરીએ મારા હ્રદય રૂપી ખેતરના ચાસમાં વાવેલા પ્રેમના બી અંકુરીત થયા છે. આ પ્રેમના અંકુરથી જ મને ખૂબ આનંદ મળ્યો છે. મને તો એના વિશાળ વૃક્ષના ફળ ખાવાની ઈચ્છા છે.”

ડૉક્ટરે એના માથા પર પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા કહ્યું, “બેટા, જો તારી જીવવાની ઈચ્છા પ્રબળ છે તો આપણે મૃત્યુ સામે જંગ માંડીએ. મને વિશ્વાસ છે કે આપણે તેમાં જીતીશું.” ડૉક્ટર પોતાના ઘેરથી વીસીઆર અને કેટલીક વીડીયો કૅસેટ લઈ આવ્યા. આ છોકરાને જોવા માટે આપી. જીવનમાં પૉઝિટિવિટી આવે એ પ્રકારની આ કૅસેટો હતી. કયારેક ડૉકટર પણ સાથે બેસીને આ યુવાનને સમજાવે કે જો બેટા આ ફિલ્મના આ પાત્રને કેટલું દુઃખ પડે છે પણ એ કોઈ ફરિયાદ કર્યા વગર કેવું સરસ જીવન જીવે છે અને કુદરત એને સાથ આપે છે.

જિંદગીને જીવવાના સંકલ્પે અને હકારાત્મક વિચારસરણીએ આ યુવાનમાં પ્રાણ ફૂંક્યા. ડૉક્ટરોનાં તમામ તારણો ખોટા પાડીને એ મોતને સતત દૂર ઠેલતો રહ્યો. રિલાયન્સ જેવી કંપનીમાં સારી નોકરી મળી. જે છોકરી સાથે પ્રેમ થયો હતો તેની સાથે જ લગ્ન પણ થયા. પ્રેમના ફળ સ્વરૂપે એક દીકરી અને એક દીકરાના પિતા બનવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું. આજે આ યુવાન ૪૨ વર્ષનો છે અને રિલાયન્સની નોકરી છોડીને નાણાકિય સલાહકાર તરીકેનો સ્વતંત્ર વ્યવસાય કરે છે. આજે પણ એને ઘણી શારીરિક તકલીફો છે. સમયાંતરે નિયમિત અમુક સારવાર લેવી પડે છે. અને છતાંયે આ યુવાન કોઈપણ જાતની ફરિયાદો કર્યા વગર મોજથી જિંદગી જીવે છે.

નાની-નાની તકલીફોમાં ફરિયાદ કરનારા આપણે આ યુવાનની તકલીફો સામે જોઈએ ત્યારે કુદરતે આપણને ઘણી સારી સ્થિતિમાં રાખ્યાની અનુભૂતિ થયા વગર રહેતી નથી. આ યુવાન એટલે પોરબંદરના રહેવાસી અને હાલમાં રાજકોટ ઈન્સ્યોરન્સ બીઝનેસ સાથે સંકળાયેલ વિજય ભટ્ટ અને આ યુવાનને જિંદગીની જંગ લડવામાં સહાય કરનાર પેલા ડૉક્ટર એટલે ડૉ. આઈ. કે. વીજળીવાળા.

(૨) સામાન્યમાંથી અસામાન્ય

સુરેન્દ્રનગર જિલ્લાના એક સામાન્ય પરિવારનો છોકરો ભણવામાં તો સામાન્ય કરતા પણ નીચો હતો. ધો. ૧૦ સુધીનો અભ્યાસ સરકારી શાળાઓમાં જ કર્યો અને ધો. ૧૦ના એના પરિણામમાં એની વિદ્વતાનો પરિચય એણે બધાને કરાવ્યો. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી આ ત્રણેય મહત્વના વિષયોમાં ૧૦૦માંથી ૩૫ માર્કસ આવ્યા આ બંદાને. સ્વાભાવિક છે કે માર્કશીટ જોઈને કોઈ સ્કૂલ એડમિશન આપવા તૈયાર નહોતી કારણ કે આવા નબળા વિદ્યાર્થીને એડમિશન આપીને ભલા કઈ શાળા પોતાનું પરિણામ બગાડે ?

સાયન્સ કે કોમર્સનો તો વિચાર જ ન કરી શકાય. આ પરિણામના આધારે, એટલે આપણે આ મિત્રએ આર્ટ્સ રાખ્યું. અંગ્રેજી તો એવું સારું કે ફોર્મ ભરતી વખતે એના નામનો પહેલો અક્ષર કેપીટલને બદલે સ્મોલ કરેલો અને છેલ્લો અક્ષર સ્મોલને બદલે કેપીટલ કરેલો. આટલું સારું અંગ્રેજી હોવાથી અંગ્રેજી સાથે આર્ટ્સ કરવાનો વિચાર કર્યો.
બસ અહીંથી વાર્તામાં બદલાવ આવે છે. મને કેમ અંગ્રેજી ના આવડે ? જો સામાન્ય માણસ અંગ્રેજી શીખી શકે તો હું કેમ નહીં ? મારું અંગ્રેજી કેમ ન સુધરે ? અને એણે સખત મહેનત શરૂ કરી. બી.એ. પછી એમ.એ. અને બી.એડ. કર્યું. વિદ્યાસહાયક તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૫૦૦ના ફિક્સ પગારમાં નોકરી શરૂ કરી.

અહીંયા એના દિમાગમાં એક સ્વપ્નબીજ રોપાયું. મારે સામાન્ય શિક્ષક તરીકે નહીં પરંતુ આઈએએસ બનીને કલેક્ટર તરીકે કામ કરવું છે. ધો.૧૦માં માંડ માંડ પાસ થયેલા આ શિક્ષક મિત્રએ આભને આંબવાનું અને દેશની સર્વોચ્ચ પરીક્ષા આપવાનું નક્કી કર્યું. રોજની ૧૨ થી ૧૪ કલાકની મહેનત. નોકરી પણ મૂકી દીધી.

પ્રથમ વાર પરીક્ષામાં બેઠા પરિણામ આવ્યું નાપાસ, બીજી વાર નાપાસ, ત્રીજી વાર નાપાસ, ચોથી વાર નાપાસ… હવે તો હદ થાય વારંવારની નિષ્ફળતા પછી પણ પ્રયાસ ચાલુ. કદાચ આ પંક્તિઓ આપણા એ મિત્ર માટે જ લખાઈ હશે.

“સફળતાનો અંત હું રસ્તા પરની ઠોકરથી નહીં લાવું,
હજુ તો મારે મંઝીલને લાત મારવાની બાકી છે.”

પાંચમાં પ્રયાસે આપણા આ મિત્રએ પોતાની મંઝીલને લાત મારી. યુપીએસસી પાસ કરી અને એ પણ અંગ્રેજી માધ્યમમાં અને એને આઈએએસ કેડર મળી અને ગુજરાત રાજ્ય મળ્યું. ગુજરાત રાજ્યમાં જ આઈ.એ.એસ. અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી તુષાર સુમેરા હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

જો મનોબળ મજબૂત હોય તો સખત મહેનત દ્વારા સામાન્યમાંથી અસામાન્ય બની શકાય. માત્ર ટકાવારીના આધારે જ કોઈનું મૂલ્યાંકન કરવાની ભૂલ ક્યારેય નહીં કરતા.

(૩) કામ પ્રત્યેની નિષ્ઠા એ પ્રભુનો રાજીપો

બે મિત્રો હતા. જિગરજાન મિત્રો. બંનેને એકબીજા વગર ન ચાલે એવા મિત્રો. પણ એક મિત્ર આસ્તિક હતો અને બીજો નાસ્તિક. આસ્તિક એ અર્થમાં કે એ ઈશ્વરના અસ્તિત્વ પર વિશ્વાસ રાખનારો હતો. પરમાત્માના સર્વોપરિપણાને સ્વીકારનારો હતો અને ધાર્મિક ક્રિયાકાંડમાં માનનારો હતો. નાસ્તિક ધાર્મિક ક્રિયાકાંડનો તો વિરોધી હતો જ પરંતુ ઈશ્વરના અસ્તિત્વને પણ એ માનતો ન હતો.

આસ્તિક મિત્રનો એક દૈનિક ક્રમ હતો. એ રોજ સવારે ભગવાન ભોળાનાથના મંદિરે જતો અને ત્યાં દીવો પ્રગટાવીને આંખો બંધ કરીને ભગવનને પ્રાર્થના કરતો. બસ એની આ આંખ બંધ કરવાના સમયનો પેલો નાસ્તિક મિત્ર લાભ લેતો અને હળવેકથી ફૂંક મારીને દીવાને ઓલવી નાખતો. આસ્તિક દીવો પ્રગટાવે અને એ જ સમયે પેલો નાસ્તિક મિત્ર આવીને દીવાને ઓલવી નાખે. આ હવે નિત્યક્રમ બની ગયો હતો.

ચોમાસાના દિવસોમાં એકવાર વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. વરસાદ બંધ થવાનું નામ નહોતો લેતો. આસ્તિક મિત્ર નાહીધોઈને મંદિર જવા માટે તૈયાર થયો. પણ બહાર અનરાધાર વરસતા વરસાદને જોઈને વિચારે ચડ્યો, “આવા વરસાદમાં મંદિરે જઈશ તો પણ પેલો નાસ્તિક આવીને મારો પ્રગટાવેલો દીવો ઓલવી નાખશે. એના કરતા આજે મંદિરે જવાનું જ ટાળું, રહી વાત પ્રાર્થાનાની તો એ ઘેર બેઠા બેઠા પણ થઈ જ શકે.”

એણે મંદિરે જવાનું ટાળ્યું. બીજી બાજુ આવા વરસાદી માહોલમાં પણ પેલો નાસ્તિક મિત્ર તો પોતાનું દીવો ઓલાવવાનું કામ કરવા માટે હાજર થઈ ગયો હતો અને પોતાના મિત્રની આવવાની રાહ જોઈ રહ્યો હતો. ઘણો સમય થયો તો પણ એનો મિત્ર આવ્યો નહીં. એટલે મિત્ર વતી એણે જ દીવો પ્રગટાવ્યો અને પોતે ફૂંક મારીને ઓલવી નાખ્યો.

બસ આ જ ક્ષણે ભગવાન શિવ પ્રગટ થયા અને પેલા નાસ્તિક માણસને આશીર્વાદ આપ્યા. નાસ્તિક તો વિચારમાં પડી ગયો. એણે ભગવાનને કહ્યું, “પ્રભુ, હું તો આપને માનતો પણ નથી. મને આપના અસ્તિત્વમાં પણ કોઈ વિશ્વાસ નથી ઊલટાનું આપનો ભક્ત રોજ જે દીવો પ્રગટાવે છે એને ઓલવી નાખું છું આમ છતાં આપે મને કેમ દર્શન દીધા ? દર્શનનો અધિકારી તો મારો આસ્તિક મિત્ર છે.”

ભગવાને હસતાં હસતાં કહ્યું “તું ભલે નાસ્તિક રહ્યો, પણ કામ પ્રત્યેની તારી નિષ્ઠા મને ખૂબ પસંદ આવી. વરસાદ જોઈને મારા કહેવાતા ભક્તએ મારી પાસે આવવાનું માંડી વાળ્યું પણ રોજ દીવો ઓલવવાનું તારું કામ કરવા માટે તું સમયસર હાજર જ હતો.”

પરમાત્માની કૃપાથી જે કામ કરવાની તક મળી હોય એ કામ પૂરી નિષ્ઠાથી નિભાવીએ એમાં પણ પ્રભુ રાજી જ હોય છે. હું આદર્શ ડોક્ટર, વકીલ, સીએ, ઈજનેર, શિક્ષક, વેપારી, ઉત્પાદક, અધિકારી કે કર્મચારી બનીને પૂર્ણ સમર્પણ સાથે ફરજ બજાવું તો એ પણ પ્રભુના રાજીપાનું સાધન જ છે.

(૪) દિલ જીતવાની જડીબુટ્ટી

જંગલી વિસ્તારમાં રહેતી એક સ્ત્રીને એના પતિ સાથે બહુ સારા સંબંધો નહોતા. એને હંમેશાં એવું લાગતું કે એનો પતિ એને પ્રેમ કરતો નથી. એક દિવસ જંગલમાં રહેતા એક સંન્યાસી પાસે એ ગઈ અને સંન્યાસીને કહ્યું, “મહારાજ, મારા પતિ મને પહેલા ખૂબ સારી રીતે રાખતા પણ છેલ્લા કેટલાક સમયથી મારા પ્રત્યેનો એનો પ્રેમ નહિવત્ થઈ ગયો છે. એ પથ્થર જેવા જડ બની ગયા છે. મેં આપના વિષે ખૂબ સાંભળ્યું છે. આપ એવી કોઈ જડીબુટ્ટી આપો કે મારા પતિનો પ્રેમ પુનઃ પ્રાપ્ત થાય અને હું એને વશમાં કરી શકું.”

સંન્યાસીએ બધી જ વાત સાંભળ્યા પછી કહ્યું, “બહેન, હું આ માટે એક ખાસ દવા બનાવીને તને આપીશ પણ એ દવા બનાવવા માટે મારે વાઘની મૂછનો વાળ જોઈએ. બોલ તું એ લાવી શકીશ ?” જંગલમાં રહીને જ મોટી થયેલી આ સ્ત્રી શૂરવીર હતી એટલે એણે તુરંત જ હા પાડી દીધી. બીજા દિવસે એ વાઘની શોધમાં નીકળી પડી. એક ગુફા પાસે એણે વાઘ જોયો એટલે એ હરખાઈ કે ચાલો વાઘ મળી ગયો. હવે એની મૂછ પણ મળી જાશે. જેવી એ વાઘ તરફ આગળ વધી કે વાઘે ત્રાડ પાડી અને પેલી સ્ત્રી ગભરાઈને દૂર ખસી ગઈ. દૂર ઊભા ઊભા એ વાઘને જોયા કરતી હતી પણ એની નજીક જવાની હિંમત ચાલતી નહોતી.

એ રોજ પેલી ગુફા પાસે જવા લાગી. ક્યારેક એ વાઘ માટે માંસ પણ લઈ જાય અને દૂર રાખી દે. સમય જતા બંનેને એકબીજાની હાજરી પસંદ પડવા લાગી. વાઘે પણ હવે તાડૂકવાનું બંધ કરી દીધું. એક દિવસ તો સ્ત્રી વાઘ પાસે પહોંચી જ ગઈ અને વાઘના શરીર પર હાથ ફેરવવા લાગી. વાઘ કંઈ ન બોલ્યો એટલે ધીમેથી એની મૂછનો એક વાળ ખેંચી લીધો. દોડતી દોડતી એ સંન્યાસી પાસે ગઈ અને સંન્યાસીના હાથમાં વાઘનો વાળ આપીને કહ્યું, “લ્યો મહારાજ આ વાઘનો વાળ અને હવે મારા પતિને વશ કરવાની જડીબુટ્ટી બનાવી આપો.” સંન્યાસીએ વાળને અગ્નિમાં નાંખી દીધો. પેલી સ્ત્રી ગુસ્સામાં બોલી, “તમે આ શું કર્યું ? હું મહામહેનતથી જે વાળ લાવી હતી એમાંથી જડીબુટ્ટી બનાવવાને બદલે તમે એને સળગાવી દીધો.”

સંન્યાસીએ હસતાં હસતાં ઉત્તર આપ્યો, “બહેન, તને હજુ ના સમજાયું. જો પ્રેમ અને ધીરજથી વાઘ જેવું હિંસક પ્રાણી પણ વશ થઈ જતું હોય તો પછી તારો પતિ તો માણસ છે.”

આપણે લોકોને વશ કરવા ઈચ્છીએ છીએ પણ એની સાચી રીત અપનાવી નથી અને એટલે લોકોનો પ્રેમ આપણે પ્રાપ્ત કરી શક્યા નથી. યાદ રાખજો પ્રેમ અને ધીરજ કઠણ કાળજાના માણસને પણ પીગળાવી દે છે.

(૫) કાશ કોઈએ મારી પીઠ થાબડી હોત !

૧૯મી સદીની આ વાત છે. પ્રખ્યાત ચિત્રકાર દાંતે ગ્રેબિયલ રાઝોટીને એક આધેડવયનો ચિત્રકાર મળવા માટે આવ્યો હતો. ચિત્રકાર પોતાની સાથે કેટલાંક ચિત્રો લાવ્યો હતો. દાંતેને આ ચિત્રો બતાવીને કહ્યું, “મહાશય, મેં ખૂબ મહેનત કરીને આ ચિત્રો તૈયાર કર્યા છે. આપ આ ક્ષેત્રના શહેનશાહ છો એટલે મારાં ચિત્રો માટે આપનો અભિપ્રાય લેવા માટે આવ્યો છું.”

દાંતેએ ધ્યાનથી ચિત્રો જોયા પછી ચિત્રો પેલા આધેડના હાથમાં પરત આપતા કહ્યું, “આપે ચિત્રો તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે બધાં જ ચિત્રો સાવ સામાન્ય છે. એમાં કોઈ વિશેષતા જોવા મળતી નથી.” આધેડ માણસે થોડા દુઃખ સાથે દાંતેના હાથમાંથી ચિત્રો લઈ લીધા. પોતાની પાસેના થેલામાંથી એક ફાઈલ કાઢી અને એ દાંતેના હાથમાં આપતા કહ્યું, “આ એક યુવાને તૈયાર કરેલાં ચિત્રો છે. જરા આપ આ જોઈને આપનો અભિપ્રાય આપો.”

ફાઈલનું એક એક પાનું ફરતું ગયું તેમ દાંતેના ચહેરા પરની પ્રસન્નતા પણ વધતી ગઈ. ફાઈલમાં રહેલા બધાં જ ચિત્રો દાંતેએ બીજી વખત જોયા. આધેડની સામે જોઈને કહ્યું, “ભાઈ, આ ચિત્રો તો અદ્દભુત છે. કલાકારે પોતાનો જીવ નીચોવી દીધો છે. આ ચિત્રો તૈયાર કરવામાં જો આ ચિત્રકારને થોડી તાલીમ આપવામાં આવે તો એ મારા કરતા પણ વધુ સારો ચિત્રકાર બની શકે એમ છે. આ ચિત્રો દોરનાર યુવાન છે કોણ ? તમારો દીકરો ?”

આધેડ માણસે આંખમાં આંસુ સાથે કહ્યું, “આ ચિત્રો દોરનાર યુવાન હું જ છું. આજથી ૩૦ વર્ષ પહેલા મેં આ ચિત્રો બનાવેલાં હતાં. પરંતુ આજે આપે જે રીતે મારા ચિત્રોની પ્રસંશા કરીને મને પ્રોત્સાહન પૂરું પાડ્યું એવું કોઈએ ૩૦ વર્ષ પહેલા કર્યું હોત તો આજે હું પણ આપના જેવો ચિત્રકાર હોત.”
જ્યારે કોઈનું સારું કામ જોઈએ ત્યારે દિલથી એની પ્રસંશા કરવી. આપણી સામાન્ય પ્રસંશા એ વ્યક્તિના માટે પ્રોત્સાહનનું કામ કરે છે. બીજા કોઈ માટે ના કરીએ તો કંઈ વાંધો નહીં પણ પરિવારના સભ્યો અને મિત્રોના સારા કામની પ્રસંશા કરીને એની પીઠ થાબડવાનું ના ભુલતા. પ્રોત્સાહનના અભાવે જ ઘણી પ્રતિભાઓ મુરઝાઈ જાય છે.

– શૈલેષ સગપરિયા

[પૃષ્ઠ સંખ્યા.૨૧૬, કિંમત રૂ.૧૮૦/-, પ્રાપ્તિસ્થાનઃ વન્ડરલૅન્ડ પબ્લિકેશન, ૪૦૧/બી, સર્વોત્તમ કૉમ્પલેક્સ, પંચનાથ મેઈન રોડ, રાજકોટ-૩૬૦૦૦૧]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

58 thoughts on “સંકલ્પનું સુકાન (પ્રેરણાદાયક પ્રસંગો) – શૈલેષ સગપરિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.