સાચા શિક્ષકનાં લક્ષણો – સં. બબાભાઈ પટેલ

Teacher(બબાભાઈ પટેલ દ્વારા સંકલિત થયેલ પુસ્તક ‘શિક્ષક-ઉપનિષદ’માંથી સાભાર)

રાત અને દિવસ શિક્ષકો પોતાનો બધો સમય વિદ્યાર્થીઓ પાછળ જ ગાળે અને એમાં આનંદ માને. બીજી બાજુથી, વિદ્યાર્થીઓ પણ એમના શિક્ષકો પ્રત્યે ખૂબ જ આદરભાવ રાખે.

શિક્ષકે પોતાના કુટુંબ પ્રત્યેની ફરજ પછીનો બીજો બધો સમય શાળાકાર્યમાં જ આપવો જોઈએ. શિક્ષક જે કાર્ય કરી રહેલ છે એમાં જો એને રસ ન હોય, પોતાનો બધો સમય વિદ્યાર્થીઓના હિતમાં ખર્ચવા એ તૈયાર ન હોય, એમની સાથે સમય ગાળવામાં એને જીવનનો આનંદ ન લાગતો હોય તો એવો શિક્ષક એના શિક્ષણકાર્યમાં કદી સફળ થઈ શકવાનો નથી. શિક્ષકના જીવનનો પ્રધાન રસ માત્ર બાળકોના શિક્ષણનો જ હોય, બીજો નહિ. શિક્ષકને સોંપાયેલાં બાળકો પ્રભુનાં છે.

માનવીમાત્રમાં દિવ્યતા રહેલી છે. એને પ્રગટાવવા મથવું એ શિક્ષકજીવનનો મહાન અધિકાર અને ધર્મ છે. શિક્ષણનો એ એક મહાન આદર્શ છે. – જે. કૃષ્ણમૂર્તિ

આચાર્ય કે શિક્ષકનાં ત્રણ લક્ષણો છેઃ શીલવાન, પ્રજ્ઞાવાન અને કરુણાવાન. શીલવાન સાધુ હોય છે. પ્રજ્ઞાવાન જ્ઞાની હોય છે. કરુણાવાન મા હોય છે. પરંતુ આચાર્ય સાધુ, જ્ઞાની અને મા ત્રણેય હોય છે. – વિનોબા

તુલસીદાસે ‘રામચરિતમાનસ’ રચીને સંસ્કૃત સમજી શકનાર ગણ્યાગાંઠ્યા બ્રાહ્મણોની ઇજારાશાહી તોડી… બ્રાહ્મણોએ તુલસીદાસને પજવવામાં કશું બાકી ન રાખ્યું. તુલસીદાસે આખરે જ્ઞાનના એ ઇજારદારોને સાફસાફ સંભળાવી દીધું : ‘ભૂખ્યો રહીશ અને મસ્જિદને ઓટલે પડી રહીશ, પણ રામાયણ લખવાનું નથી છોડવાનો.’ – ગુણવંત શાહ

સાચો કેળવણીકાર કોઈ એક જ ચીલાના કે એક જ પ્રકારના અનુકરણનો અવિચારી દાસ રહી શકતો નથી. તેની સ્વાભાવિક પ્રજ્ઞા અને સહજ સૂઝ એને વધારે લોકહિતાવહ કેળવણીની દિશા શોધવા, એના અખતરા કરવા અને એમાં આવી પડતાં બધાં જ જોખમો સામે ટટાર ઊભવાની પ્રેરણા આપ્યા કરે છે. –પંડિત સુખલાલજી

મુખ્ય પ્રશ્ન વિદ્યાર્થી નથી પણ શિક્ષણકાર છે. જો આપણે બીજાને શિક્ષિત કરવા શક્તિમાન થવું હોય તો આપણાં પોતાનાં હ્રદય અને મન સાફ કરવાં જોઈએ. જો શિક્ષણકાર પોતે વ્યગ્ર, દગાબાજ, પોતાની ઈચ્છાઓના જંગલમાં ખોવાયેલો હોય તો તે કોઈને ડહાપણ કઈ રીતે આપી શકે ? કે અન્યનો માર્ગ કઈ રીતે સરળ કરી શકે ? – જે. કૃષ્ણમૂર્તિ

જે વ્યક્તિ અઘરી બાબતોને સહેલી બનાવે છે તે કેળવણીકાર છે. – એમર્સન

પૂ. રવિશંકર મહારાજે શિક્ષકોને કહેલું કે સાચા શિક્ષક માટે ત્રણ ગુણ આવશ્યક છેઃ જ્ઞાન, કર્મ ને ભક્તિ. ત્રણે માર્ગોનો સંગમ એના પંથમાં હોવો જોઈએ.

જ્ઞાન તો જોઈએ ભણવાનું છે, શીખવવાનું છે, માટે જે શીખવવાનું છે અને તે બરાબર શીખવવા માટે જે બીજું ઘણું જોઈએ એનું પૂરું ને ચોક્કસ જ્ઞાન શિક્ષકની પાસે હોવું જરૂરી છે. પોતાને આવડતું ન હોય તો બીજાને બતાવશે કેવી રીતે ? પોતે સમજ્યો ન હોય તો બીજાને સમજાવશે કેવી રીતે ?

શિક્ષકને માટે જ્ઞાન તો આવશ્યક જ છે.
પણ પૂરતું નથી.
એ જ્ઞાન પચાવવા, સરળ બનાવવા, શિષ્યોના મનમાં ઉતારવા મહેનત જોઈએ, ઉદ્યમ જોઈએ, શ્રમ જોઈએ.
જ્ઞાન ઉપરાંત કર્મ જોઈએ.
વિષય આવડ્યા પછી વર્ગની તૈયારી કરવી જોઈએ, તાલીમ લેવી જોઈએ, પ્રયોગ કરવા જોઈએ, શિક્ષકે ભણાવતાં પણ શીખવું જોઈએ. જ્ઞાન અને કર્મનો મેળ થાય તો શિક્ષણ જામે.

પરંતુ એ જ્ઞાન અને કર્મ પૂરતાં નથી.
ત્રીજી જોઈએ છે ભક્તિ.
ભક્તિ એ રાજમાર્ગ છે.
તે ઘણાંખરાં માણસોનો ઉદ્ધાર કરાવે છે, તે જ્ઞાન અને કર્મની ખોટ પણ પુરાવી દે છે, તે મુક્તિનું દ્વાર અને સાધનાની કૂંચી છે. અને શિક્ષકને માટે ભક્તિ એટલે પ્રેમ, હૂંફ, ભાવના. ભાવના એટલે દરેક વિદ્યાર્થી માટે લાગણી, માન, કદર.

છોકરાને શું ભણાવવું એ જ્ઞાન થયું.
છોકરાને કેમ ભણાવવો એ કર્મ થયું.

હવે એ છોકરાને સમજીને, ચાહીને, નજીક લાવીને એનો વિશ્વાસ એવી રીતે જીતી લેવો, એનો પ્રેમ એવી રીતે સંપાદિત કરવો કે તે એ શિક્ષણ અપનાવવા ને એ સિદ્ધાંતો પચાવવા ને એ સંસ્કારો ઝીલવા આપોઆપ તૈયાર થાય. એ ભક્તિનું કામ થયું. એ ભક્તિ હોય તો શિક્ષણ સ્પર્શે. અને એ ન હોય તો જ્ઞાન ને કર્મ, આવડત ને મહેનત, ડીગ્રી ને તાલીમ, શિસ્ત ને પરીક્ષા હોય તોપણ કેળવણી વાંઝણી રહેશે. કદાચ આજના શિક્ષકોમાં આ ગુણની વિશેષ ખોટ હોય, અને કદાચ એ ખોટને લીધે આજના શિક્ષકોનું માન ઓછું હોય અને આજની કેળવણી કથળતી હોય. – ફાધર વાલેસ

૧. શિક્ષકોનું ચારિત્ર્ય જાણે ગમે તેવું હોય, એ માત્ર પોતાના વિષયમાં પ્રવીણ હોવો જોઈએ એ વિચાર દોષભરેલો છે.
૨. ચારિત્ર્યહીન પણ પ્રવીણ શિક્ષકના હાથ તળે શીખી એકાદ વિદ્યાર્થી પ્રવીણતા મેળવે, તેના કરતાં એ ચારિત્ર્યવાન પણ ઓછા પ્રવીણ શિક્ષકના હાથ તળે ઓછી વિદ્યા ભણે એ હજારગણું વધારે સારું છે.
૩. શિક્ષક પોતાનો વિષય શીખવાની જવાબદરી સમજે પણ વિદ્યાર્થીના ચારિત્ર્યની જવાબદારી ન સમજે, તેને શિક્ષક કહી શકાય નહિ.
૪. આદર્શ શિક્ષક વિદ્યાર્થીના અભ્યાસમાં જ નહિ પણ એના આખાયે જીવનમાં રસ લે અને એના હ્રદયમાં ઊતરવા પ્રયત્ન રહે. એવો શિક્ષક વિદ્યાર્થીને ભયાનક કે યમ જેવો નહિ ભાસે, પણ પૂજ્ય છતાં પોતાની માતા કરતાંયે વધારે નિકટ લાગશે.
૫. શિક્ષકે પોતાની લાયકાત વધારવા હંમેશાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. પોતાના વિષયમાં છેલ્લી માહિતી એકઠી કરી તૈયાર થઈને જ વર્ગ લેવો જોઈએ. એટલે કે શિક્ષકે વિદ્યાર્થી કરતાંયે વધારે સારું વિદ્યાર્થીજીવન ગાળવું જોઈએ અને અભ્યાસરત રહેવું જોઈએ.
૬. પૂરી તૈયારી કર્યા વિના વર્ગ લેનાર શિક્ષક વિદ્યાર્થીઓનો અમૂલ્ય સમય બગાડે છે.
૭. શિક્ષકે શીખવવાને સારામાં સારી રીત શોધ્યા જ કરવી જોઈએ અને દરેક વિદ્યાર્થીની ખાસિયત તપાસી તેને જે રીતે એના વિષયમાં સૂઝ પડે અને રસ ઉત્પન્ન થાય તેવા ઉપાય ખોળવા જોઈએ અને વિદ્યાર્થીઓને શંકા પૂછવાની તક આપી તેનું સમાધાન કરવું જોઈએ.
૮. મારવાની, ગાળ દેવાની, તિરસ્કાર કરવાની કે બીજી કોઈ શિક્ષા કરવાની શિક્ષકને મનાઈ હોવી જોઈએ.
૯. સારી રીતે કામ કરવા ઈચ્છનાર શિક્ષક ઘણા મોટા વર્ગો ઉપર ધ્યાન ન આપી શકે એ દેખીતું છે.
૧૦. સેંકડો વિદ્યાર્થીઓની શાળા પણ ઈષ્ટ નથી.
– ગાંધીજી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “સાચા શિક્ષકનાં લક્ષણો – સં. બબાભાઈ પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.