- ReadGujarati.com - http://www.readgujarati.com -

અમદાવાદ અને ટેલિફોન – વિનોદ ભટ્ટ

(‘જનકલ્યાણ’માંથી સાભાર)

અમદાવાદમાં ત્રણ પ્રકારના માણસો વસે છે, ટેલિફોન કરનારા, ટેલિફોન ઊંચકનારા ને ટેલિફોન કંપનીના માણસો. પોસ્ટકાર્ડથી પતતું હોય તો અહીં ટેલિફોન પાછળ રૂપિયો બગાડવાનું કોઈ પસંદ કરતું નથી. ફોન, પોતાના પૈસે ફોન, નાછૂટકે જ કરવામાં આવે છે. ને પરગજુ થઈને પોતાનો ટેલિફોન નંબર કોઈને આપવાનો અહીં રિવાજ નથી. છતાં જો કોઈને ફોન નંબર આપવામાં આવ્યો તો શું થાય ?

(દ્રશ્યઃ ૧)

એક સવારે લગભગ આઠેક વાગે ફોનની ઘંટડી રણકી. રિસીવર ઉપાડ્યું. ‘કોણ છો ?’ એવું હજુ તો પૂછવાનું વિચારું ત્યાર પહેલાં જ સામે છેડેથી એક ગરમ અવાજ મારા કાનમાં ફેંકાયોઃ ‘તમે તે કેવા માણસ છો ? અડધા કલાકથી ઘંટડી વાગ્યા કરે છે પણ રિસીવર ઉપાડતા જ નથી ?’
‘તમારે કયો નંબર જોઈએ છે ?’ જરા ધૂંધવાયેલા અવાજે મેં પૂછ્યું.

‘તમારો જ નંબર કાન્તિલાલે મને આપ્યો છે… તેને ફોન પર બોલાવો… કહો કે બળદેવદાસનો ફોન છે… જરા જલદી આવી જા…’ સામા છેડાના તોછડાઈભર્યા, સત્તાવાહી અવાજથી મને થોડું દુઃખ થયું, પણ કાન્તિલાલ સાથેના અંગત સંબંધને કારણે ગમ ખાઈને મેં જણાવ્યું ‘ચાલુ રાખો બોલાવું છું…’ રિસીવર નીચે મૂકી મેં તપાસ કરાવી તો કાન્તિલાલ ઘેર નહોતા. આ સમાચાર મેં સામેના છેડે આપ્યાઃ ‘હલ્લો, કાન્તિભાઈ ઘેર નથી…’

‘નથી ?… ક્યાં ગયો છે ?’
‘ક્યાંક બહાર ગયા લાગે છે…’
‘પણ બહારનું નામ તો હશે ને ?’ સામેથી ધમકાવતો અવાજ આવ્યો.
‘કાન્તિભાઈ ક્યાં ગયા છે તેની ખબર નથી…’

‘આવી ને આવી ખબર રાખો છો, પાડોશીની ?… સવારના પહોરમાં મારો બેટો ક્યાં રખડવા નીકળી પડ્યો હશે…!… કોઈ બાત નહીં, તમે એમ કરો, એની વાઈફ કાન્તાને બોલાવો… જરા જલદી…’
‘તમે મને સંદેશો આપો ભાઈ… હું તેમને પહોંચાડી દઈશ…’ મેં વિનયથી કહ્યું.

‘બહુ લપછપ કર્યા વગર કહીએ એટલું કરો ને મિસ્ટર !…’ પેલો છણકીઊઠ્યો. કોઈએ જાણે મરણતોલ મુક્કો માર્યો હોય એવું મને લાગ્યું. છતાં પરાણે સ્વસ્થ થઈ કાન્તાબહેનને બોલાવવા મેં બારીમાંથી સાદ પાડ્યો તો જાણવા મળ્યું કે તે શાકભાજી લેવા ગયાં છે. મેં માહિતી આપી, ‘એલાવ… તેમનાં વાઈફ પણ નથી…’

‘ગપ્પાં માર્યા વગર બરાબર તપાસ કરો. હશે ક્યાંક રસોડા-ફસોડામાં…’
મારું મગજ ગુસ્સાથી ફાટું-ફાટું થઈ રહ્યું. પણ કાન્તિલાલ સાથેના ઘરવટ સંબંધોને કારણે ગુસ્સા પર માંડ કાબૂ રાખી મેં કહ્યું, ‘ભાઈ, બરાબર તપાસ કરી છે. કાન્તાબેન શાક-પાંદડું લેવા ગયાં છે…’
‘તો શાકવાળો સાલો તમારી પોળમાં નથી ગુડાતો ?’

મારી સહનશક્તિ હવે માઝા મૂકવા માંડી. ત્યાં જ સામેથી હુકમ છૂટ્યોઃ ‘તમે જલદી એની બેબી અલકાને બોલાવો…’
મને ખ્યાલ આવ્યો કે પેલો કહે છે એવી કોઈ દીકરી કાન્તિભાઈને નથી. એટલે મેં કહ્યું, ‘મારા ખ્યાલ પ્રમાણે કાન્તિલાલને કોઈ બેબી છે જ નહીં.’

‘એની યાર, તમને શું ખબર પડે ! તમે ટાઈમ વેસ્ટ કર્યા વગર જલદી અલકાને બોલાવો… મારે મોડું થાય છે…’ દાંત કચકચાવી જાણે તેના માથા પર ફટાકારતો હોઉં તેમ રિસીવર ક્રેડલ પર મૂકીને સોફા પર પડતું નાખી હું ગળા પર બાઝેલ પરસેવો લૂછવા માંડ્યો. ત્યાં ફરી પાછું ટ્રીન… ટ્રીન… ટ્રીન… ત્રણ મિનિટ સુધી ઘંટડી
વાગવા દઈ રિસીવર ઉપાડ્યું.

‘કેમ ફોન કાપી નાખ્યો ? પૈસા હરામના આવે છે ?…’ સામેથી ગુસ્સાથી ફાટતો અવાજ આવ્યો. મનમાં સહેજ હસી પડતાં મેં કહ્યું, ‘મારા મહેરબાન, કાન્તિભાઈને એક પણ દીકરી નથી, તમારા સમ…’
‘તમે કોઈ ભળતો કાન્તિલાલ સમજ્યા હશો… કાન્તિલાલ કોન્ટ્રાક્ટરને બોલવો… હવેલીવાળા કાન્તિલાલને, અબઘડી…’

‘અરે ભાઈ, તમારા કાન્તિલાલ કોન્ટ્રાક્ટર તો ત્રણ મહિના થયા મકાન ખાલી કરીને બંગલે રહેવા ચાલ્યા ગયા છે…’
‘તો તમેય માવજીભાઈ, મારો પોણો કલાક ખોટો જ બગાડ્યો ને !’ કહી લાઈન તેણે કાપી નાખી.
આ તો આપણા ઘેર ફોન હોય એની વાત થઈ પણ કોઈ વાર સામે છેડે ફોન કરતાં જે અનુભવ થાય છે તે-

(દ્રશ્યઃ ૨)

કોઈ વાર ઈમરજન્સી હોય ત્યારે બોલાવવા માટે કેતનભાઈએ મને એક કેરઓફ ફોન નંબર આપી રાખેલો. કોઈ ખાસ કારણસર કેતનભાઈને ફોન કરવાની આવશ્યકતા ઊભી થઈ. ફોન જોડ્યો… ૫… ૪… ૪… ૯… ૫…
‘કોનું કામ છે, ભૈ ?’ સામેથી એક મર્દાના અવાજ કાને અથડાયો.

‘તમારા પડોશમાં કેતનભાઈ રહે છે…’
ક્યા કેતનભાઈ ? લાંચના છટકામાં પકડાઈ ગયેલા એ જ કે બીજા ?’
‘ના જી, એ ક્યારેય પકડાયા નથી…’

‘તો શેઠિયા, તમને ખબર જ નથી ત્યારે… રૂપિયા બે હજારનો મામલો હતો. ટેબલ પર જ પૈસા લીધા ને ‘રેડ હેન્ડેડ’ પકડાઈ ગયા… હજુ પરમ દિવસના છાપામાં બધું વિગતવાર આવી ગયું… જોઈ જજો…’
‘સોરી, તમે કહો છે એ લાંચમાં પકડાયેલા કેતનભાઈ નહિ, હું કેતન દેસાઈને મળવા માગું છું…’

‘એક મિનિટ ચાલુ રાખો, હોય તો બોલાવી મંગાવું છું…’ એવી સૂચના સાથે રિસીવર મુકાયાનો અવાજ કાને પડ્યો. લગભગ ૧૨-૧૩ મિનિટ સુધી કેતનભાઈના અવાજની પ્રતીક્ષા કરતો ઊભો રહ્યો ત્યારે કાન પર અવાજ આવ્યો ‘હલ્લો, ચાલુ જ છે ને !’
‘હા, જી, કોણ કેતનભાઈ ?’

‘ના, ભૈ, એ તો હું રસિક બોલું. તમે હમણાં શું નામ કહ્યું ? સાલું ભૂલી જવાયું… આ ૧૯૫૯માં દાદરેથી પડી ગયો ત્યારથી યાદશક્તિ થોડી કમજોર થઈ ગઈ છે. ઘણીબધી દવાઓ કરી… ત્રણ-ત્રણ વખત તો ઓપરેશન…’
‘કેતનભાઈ… કેતનભાઈ દેસાઈ…’

‘બરાબર… બરાબર… મનેય વહેમ હતો કે તમે એ નામ જ બોલ્યા છો છતાં ખાતરી કરી લેવી સારી. કહેવતમાં કહ્યું છે ને કે…’
‘હું ચાલુ રાખું છું… બોલાવો…’

‘અબઘડી બોલાવું છું. મૂકી ન દેતા પાછા… હું હમણાં જ બોલાવું છું, હોં !’ ફરી પાછી આઠ-નવ મિનિટ વીતી ગઈ. એટલામાં, ‘ભૈ, અમારી સામે એક નવા કેતનભૈ રહેવા આવ્યા છે જે એમની વાઈફને રોજ ફટકારે છે એ કેતનભૈનું તો તમારે કામ નથી ને ?’
‘એટલે ?’
‘કારણ કે કૈતનભૈ અત્યારે કામમાં છે… એમની બૈરીને ઝૂડી રહ્યા છે… તેમનું કામ હોય તો…’ મેં કહ્યું.

‘ના મુરબ્બી, કેતનભાઈ દેસાઈ કુંવારા છે…’
‘અરે ઓળખ્યો, પહેલાં કહી દીધું હોત તો તમારે આટલા ખોટી થવું ના પડત ને ! કેતનને તો પોળનું એકેએક છોકરું ઓળખે… લાલચંદ શેઠની રીટાને ઉપાડીએ ગયેલો એ જ કેતન કે બીજો ? ચાલુ રાખજો, છોકરાને મોકલીને મંગાવું છું. પણ પાછા મૂકી ના દેતા હોં… કહેવતમાં કહ્યું છે કે-‘

ને મેં જ ફોન ‘કટ કરી નાખ્યો. થયું કે આના કરતાં કેતન પાસે રૂબરૂ ગયો હોત તો આટલી વારમાં તો મળીને પાછોય ફરી ગયો હોત.
અમદાવાદ ટેલિફોન સર્વિસને કારણે પ્રજાને જે કરમુક્ત આનંદ મળે છે એનાં કેટલાંક દ્રશ્યો…

(દ્રશ્યઃ ૧)

‘આ છોકરાએ તો નાકમાં દમ લાવી દીધો ત્રંબકલાલ. આને ઠેકાણે પાડવો છે…’
‘એટલે ?’
‘કોઈનું કશું સાંભળતો જ નથી. એને કોઈ ઠેકાણે નોકરીએ ગોઠવી આપો જ્યાં એની કોઈ ફરિયાદ ના આવે…’
‘ભલે તો એને આપણે અમદાવાદ ટેલિફોન્સમાં દાખલ કરાવી દઈશું…’

(દ્રશ્યઃ ૨)

‘જુઓ, તમારી દીકરી અમારે ત્યાં રાજ કરશે… તેને કોઈ વાતે દુઃખ નહિ પડે… ઘરમાં ટેલિફોન છે…’

(દ્રશ્યઃ ૩)

‘પણ તમે નગીનદાસ શેઠને ના કેમ પાડી દીધી ? છોકરામાં કંઈ મણા હતી ?’
‘ના, છોકરો તો બહુ સાલસ છે…’
‘વટવ્યવહારમાં કંઈ વાંધો પડ્યો ?’
‘એ બિચારાઓએ તો કહ્યું કે તમે કરો એ વ્યવહાર…’

‘તો પછી ના કેમ પાડી, તમે ?’
‘નગીનભાઈએ કહ્યું કે તમારી સુપુત્રીને ઘરમાં ખાસ કંઈ કામકાજ કરવાનું નથી. નોકર-ચાકર, રસોઈયા છે. આ તો કોઈના ફોન-બોન આવે તો જવાબ આપવાના… એટલે મેં તરત જ ના પાડી દીધી. દા’ડામાં બસો વખત ‘રોંગ નંબર’ બોલી બોલીને મારી દીકરી અધમૂઈ થઈ જાય…’

અમદાવાદ જ નહિ, કોઈ પણ શહેરનો રહીશ માનતો હશે કે ટેલિફોન કંપનીએ રોંગ નંબરનો ચાર્જ ના લેવો જોઈએ. જોકે અમદાવાદ હવે રોંગ નંબરથી ટેવાતું જાય છે. અમારા એક મુરબ્બી કવિ માટે કહેવાય છે કે તેમને ફોન પર મિત્રો-સ્નેહીઓને પોતાની રચેલી કવિતાઓ સંભળાવવાનો શોખ છે. એક વખત ફોન પર તેમને રોંગ નંબર લાગી ગયો. સામેવાળાને તેમણે વિનંતી કરીઃ ‘મેં તમને ફોન નહોતો જોડ્યો; તમે અકસ્માતે ફોન પર આવી ગયા છો. મારા પૈસા જાણે પડી ગયા, પણ મારી બે-ત્રણ કવિતા સાંભળશો તો મને સંતોષ થશે’ કહીને તેમણે કવિતાઓ સંભળાવી પણ ખરી.

પણ રોંગ નંબરમાં વાંક ફોનનો નહીં, માણસના નસીબનો હોય છે. કહેવતમાં ખરું જ કહ્યું છે કે જોઈતી સ્ત્રી ને જોઈતો ફોન નંબર ભાગ્યશાળીને જ લાગે !

અમદાવાદનું હ્રદયઃ ખાડિયા-રાયપુર

રાયપુર-ખાડિયા વિસ્તાર અમદાવાદનું હ્રદય છે જે સદાય ધબક્યા કરે છે. આ વિસ્તારને કારણે જ અમદાવાદ અમદાવાદ છે. જાણકારો કહે છે કે અહમદશા બાદશાહના કૂત્તા-સસલાવાળો કિસ્સો અહીં, આ વિસ્તારમાં બની ગયેલો. પોતાના સસરાના બગીચા પર બાદશાહ પોતાના ‘પપી ડૉગ’ સાથે શિકાર કરવા નીકળેલો. સામેથી એક સસલો આવ્યો. બાદશાહના કૂતરા અને સસલા વચ્ચે ગેરસમજ થઈ. કૂતરો સસલાને અલ્સેશિયન ડૉગ સમજ્યો ને સસલો પેલાને સામાન્ય સસલું ધારી તેની સામે ધસી આવ્યો. આ દ્રશ્ય જોઈને બાદશાહને ભારે રમૂજ થઈ. તેને થયું કે આ જગ્યાએ જો શહેર વસાવવામાં આવે તો ભારે ગમ્મત થાય. આ શહેરમાં બધું અવનવું ને વિચિત્ર બન્યા કરશે. આમ કહે છે કે આ વિસ્તારના એક સસલાને પરાક્રમે અમદાવાદ શહેર બન્યું.

એ દિવસથી માંડીને તે આ ક્ષણ સુધી રાયપુર-ખાડિયા બધી નવી-અવનવી બાબતોમાં આગળ છે. આ ખાડિયા નામ તો બી,બી.સી. પર પણ ચમકી ગયું છે. અહીંથી કોઈ પરદેશ જાય ત્યારે હજુય કોઈ વિદેશી કુતૂહલવશ પૃચ્છા કરે છેઃ ‘વ્હોટ ઈઝ ખારિયા ?’ આ ખાડિયા ને રાયપુર વિસ્તાર આમ તો અલગ અલગ છે પરંતુ એ બે વિસ્તારો એકબીજામાં એવા તો વણાઈ ગયા છે, ઓતપ્રોત થઈ ગયા છે કે ક્યાંથી ખાડિયાની હદ શરૂ થાય છે ને રાયપુરની હદ પૂરી થાય છે એ નક્કી કરવું અઘરું પડે. તેમ છતાં છોકરી રાયપુર વિસ્તારની છે કે ખાડિયાની એ નક્કી કરવા માટે કેટલીક મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે. દાખલા તરીકે, આ વિસ્તારમાંથી પસાર થતી વયસ્ક છોકરી સામે તમે નજર કરો ત્યાર પહેલાં એ જ તમને નીરખવા માંડે તો માનજો કે તે રાયપુરની છે. ને તમે સામે જુઓ ત્યારે તમારી સામે જોયા પછી પોતાની ચંપલ સામે નજર કરે તો જાણજો કે તે ખાડિયાની છે. બીજી એક કસોટી ચોટલાની છે. બંને ચોટલા પાછળ હોય અને ચોટલાને વીંઝતી સિંહણની જેમ પાછળ જોતી ચાલતી હોય તો તે રાયપુરની હશે. એક ચોટલો આગળ ને એક પાછળ હોય તો તે ખાડિયાની હોવાની. આવી છોકરીએઓથી સલામત અંતરે ચાલવું હિતાવહ છે. (આ માહિતી એક મજનૂની ડાયરીમાંથી ઉપલબ્ધ થઈ છે.)

ખાડિયાનું એક નામ અકબરપુર છે. મોગલકાળમાં આ વિસ્તારમાં ક્ષત્રિયોની વસતિ હતી એવું મગનલાલ વખતચંદે પોતાના અમદાવાદના ઈતિહાસમાં નોંધ્યું છે. આ વિસ્તારમાં તોફાન ચાલતાં હોય ત્યારે તો એમ જ લાગે છે કે આજેય ખાડિયામાં (ખાડિયા લખું એટલે રાયપુર તેમાં આવી ગયું) ક્ષત્રિયોની જ વસતિ છે. ખાડિયા બહાદુરીનું નામ છે. ગીતા જો આ યુગમાં લખાઈ હોત તો ભગવાન શ્રીકૃષ્ણે અર્જુન માટે કૌંતેય, મહાબાહુ, સવ્યસાચિ, કુરુશ્રેષ્ઠ વગેરે વિશેષણો વાપર્યા છે તેમાં એક વધુ વિશેષણ ‘હે ખાડિયે !’ પણ ઉમેર્યું હોત ! અમદાવાદના રેડિયો યા ટી.વી. પાર જ્યારે સમાચાર આવે કે એક-બે વિસ્તારોને બાદ કરતાં શહેરમાં શાંતિ છે ત્યારે સુજ્ઞ લોકો વગર કહે સમજી જવાના કે એક તો જાણે ખાડિયા, પણ આ બીજો વિસ્તાર કયો હશે ? એને માટે તર્ક-વિતર્ક કરવામાં આવે.

જહાંગીરે આ શહેરને ગર્દાબાદ તો કહ્યું જ છે, પણ જો તોફાન વખતે એકાદ વખત પણ ખાડિયામાં ઊભા રહીને તેણે પથ્થરોનો વરસાદ જોયો હોત તો આ શહેરને તે પથરાબાદ કહેવાનું ના ચૂકત. બી.એસ.એફ.વાળા લશ્કરી જવાનો ખાડિયા-રાયપુરમાં રહેવા કરતાં મોરચા પર લડવાનું વધુ પસંદ કરે છે. મોરચા પર સામેથી જ ગોળીઓ આવતી હોય છે, જ્યારે રાયપુર-ખાડિયામાં કઈ દિશામાંથી પથ્થર આવશે એની અટકળ કરી શકાય નહીં. કોઈ મેચમાં ભારત જીતે કે ચૂંટણીમાં વિરોધ પક્ષના ખાડિયા વિસ્તારના નેતાનો વિજય થયો હોય તો સૌથી પહેલાં ફટાકડા અહીં ફૂટવાના.

આ વિસ્તારમાં જન્મનાર બાળકને ગળથૂથીમાં પથરા મળે છે. તે બધું જ ખાય છે. પચાવે છે. પછી તે અંબિકાની ફૂલવડી હોય, વાડીલાલનો આઈસ્ક્રીમ હોય, બરફનો ગોળો હોય કે થ્રી નોટ થ્રીની ગોળી હોય- બધું જ પચી જવાનું. કોઈ જુદી જ તાસીર છે અહીંના છોકરાની. મોતનેય ડરાવનાર તેજ તેની આંખમાં છે. આ વિસ્તારમાં ગોળીબાર કરતી પોલીસને હંમેશા એ જ ડર રહે કે ગોળીઓ ખૂટી તો નહિ જાય ને ! ખાડિયામાં આડેધડ ગોળીબાર થતો હોય ત્યારે રાયપુર ચકલાના ટિળક કે ગોખલે પાન હાઉસ પાસે એકસોવીસનો મસાલો ચગળતો યુવાન આરામથી ઊભો રહેશે. ખાડિયામાંથી તોફાન ખસીને રાયપુર ચકલાના બસ-સ્ટોપ સુધી પહોંચે ત્યારે એ યુવાન જરાય ઉતાવળ કર્યા વગર શાંતિથી ચાર ડગલાં ભરીને બાજુની ગલીમાં વળી જાય છે. તેના હ્રદયની ગતિ સહેજ પણ તેજ થતી નથી.

પણ ખાડિયા માત્ર તોફાન જ કરે છે એવી ગેરસમજ કરવા જેવી નથી. તે શાંત પણ એટલું જ રહી શકે છે. ખાડિયા પાસે એક આગવી શિસ્ત છે. ક્યારેક તમે જાણે યુદ્ધના મેદાનમાં ઊભા હો એવું લાગે તો અડધા-પોણા કલાક બાદ આ વિસ્તારમાં જાણે કે કશું જ બન્યું ન હોય તેમ રાબેતા મુજબનો વ્યવહાર લાગે. આ લતામાં ઈન્દુચાચા ફરતા, રવિશંકાર મહારાજ પણ ફરતા ને કૃષ્ણવદન જોષી ફરે છે. પણ કોઈ દંભી પોલિટિશિયન બંધ મોટરમાંય આ વિસ્તારમાં પસાર થઈ શકતો નથી. ખાડિયાને દંભની બહુ ચીડ છે. સાચા સેવકોની ખાડિયાને કદર છે. દર વર્ષે ખાડિયા-રાયપુરની જે વ્યક્તિઓએ સમાજમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય તેની કદરરૂપે તેને સન્માને છે. તેના યોગદાનની યોગ્ય પ્રશંસા કરે છે.

રાયપુરના એક કોર્પોરેટર મિત્રને મેં પૂછ્યું,
‘તમે આ જે સન્માનો કરો છો એની પાછળનો આશય શો છે ?’
‘લોકોની સાહસવૃત્તિ વધે એ… અમે સાહસોને બિરદાવીએ છીએ…’ તેમણે સમજૂતી આપી.
‘તો તમારે મારુંય સન્માન કરવું જોઈએ…’ મેં પ્રસ્તાવ મૂક્યો.

‘પણ તમે ક્યાં રાયપુર-ખાડિયાના છો ?’
‘રાયપુર-ખાડિયાનો ભલે ન હોઉં, પણ તમારા વિસ્તારની છોકરી સાથે પરણ્યો છું ને ! એ કંઈ જેવુંતેવું સાહસ કહેવાય ? કમ સે કમ મારી આ સાહસવૃત્તિની કદર કરીને જાહેરમાં મને સન્માનવો જોઈએ, આથી રાયપુર-ખાડિયાના ભાવિ જમાઈ થવાની યુવાનોને પ્રેરણા થશે…’

‘જોઈએ’. કહીને એ મિત્ર સરકી ગયો. આ પરથી લાગે છે કે સાહસ બાબત રાયપુર-ખાડિયા પાસે આગવા ખ્યાલો છે.

આ રાયપુર-ખાડિયાની એક લોકસભા રાયપુર ચકલામાં રોજ બેસે છે. સ્થળ રિક્ષા સ્ટેન્ડની સામે કોઈ બંધ દુકાનના ઓટલે ! કોઈ કોર્પોરેશન, ખોટું કામ કરે તો કોર્પોરેશનમાં તેની ટીકા થાય છે. કોર્પોરેશન ખોટું કરે તો તેની આકરી ટીકા ક્યારેક વિધાનસભામાં થાય છે. વિધાનસભા અયોગ્ય પગલું ભરે તો લોકસભા તેની ઝાટકણી કાઢે છે ને દેશ ખોટું કાર્ય કરે તો ‘યુનો’ તેની ખબર લઈ નાખે છે. પણ જો ‘યુનો’ કશુંક ખોટું કરે તો આ રાયપુર-ખાડિયાની લોકસભા તેના પર માછલાં ધૂએ છે. આ લોકસભા ઘણી જાગ્રત છે.

આખા શહેરના સમાચારો જાણવા માટે પત્રકારોને બધે રખડવાની જરૂર નથી પડતી. રાયપુર-ખાડિયામાં ચક્કર મારે એટલે તેને છાપવા માટે જોઈતો મસાલો મળી જ રહે છે. ખાડિયાને અન્ય લોકો ઈઝરાયલના મીનીએચર તરીકે ઓળખાવે છે.

હવે જો નવો કક્કો લખાશે તો તેમાં ‘ખ’ ખડિયાનો નહીં પણ ખાડિયાનો લખાશે !

– વિનોદ ભટ્ટ