નૂતનવર્ષ ૨૦૭૧ના અભિનંદન…

રીડગુજરાતીના સર્વે વાચકમિત્રો, સર્જકમિત્રો અને શુભેચ્છકોને નૂતન વર્ષ ૨૦૭૧ના સાલ મુબારક. ઇશ્વર આપને આ નવા વર્ષે સુખ, શાંતિ, સંપતિ અને સન્મતિથી સમૃદ્ધ કરે એવી અનેકો શુભકામનાઓ. દર વર્ષે તંત્રીલેખ હેઠળ અહીં મૃગેશભાઈ રીડગુજરાતીના વાચકો સાથે તેમના મનની વાત વહેંચતા, આજે રીડગુજરાતી તેના સર્વે સહાયક અને સંચાલક મિત્રોની એક ટીમ તરીકે કાર્ય કરી રહી છે. એથી આજે મૃગેશભાઈના પિતાજી શ્રી ધનંજયભાઈ શાહને અને રીડગુજરાતીના લેખના ટાઈપમાં અપાર મદદ કરનાર શ્રી સોનિયાબેન ઠક્કરને તેમના મનની વાત મૂકવા વિનંતિ કરી હતી. આજે પ્રસ્તુત છે એ બંનેના મનોભાવો. ફરી એક વખત વાચકમિત્રોને શુભકામનાઓ. આવતીકાલથી ચોથ સુધીની રજાઓ પછી નવા લેખ સાથે લાભપાંચમના દિવસથી રીડગુજરાતી ફરીથી નિયમિત થશે.

– જીજ્ઞેશ અધ્યારૂ

* * *

સર્વપ્રથમ તો રીડગુજરાતીના વાચકોને નૂતનવર્ષના અભિનંદન, આજથી શરૂ થતું નૂતન વર્ષ આપને બધી જ રીતે લાભદાયી, સુખ અને સંતોષ આપનારું રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. ઇશ્વર સર્વેને તેમના સ્વપ્નો પૂર્ણ કરવાની ક્ષમતા અને નિષ્ઠા બક્ષે.

ગત વર્ષમાં મારા ઉપર સ્વ. મૃગેશના અવસાનને લીધે વજ્રાઘાત થયો એ સંજોગોમાં આપ સૌએ જે સહાનુભૂતિ તેમજ મૃગેશના દેહાવસાન પહેલા આપ સૌએ આપેલી આર્થિક તેમજ અન્ય બધા જ પ્રકારની મદદ માટે સૌનો ઘણો આભાર. આભારના શબ્દો એ લાગણીને વ્યક્ત કરવામાં સદાય ઓછા જ પડવાના એટલો સ્નેહ અને કાળજી આપ સૌએ એ કપરા સમયે દર્શાવી હતી. આપ સૌની એ લાગણીને નતમસ્તક, .

મૃગેશની મહેનત અને સ્વપ્ન, મારી ઇચ્છા તથા અનેકોની સાહિત્યપિપાસા સંતોષતી એવી રીડગુજરાતી સતત કાર્યક્ષમ રાખવા માટે મને ઘણી જ ચિંતા હતી. મારી ઇચ્છા હતી તેના અધૂરા સ્વપ્નને પૂરું કરવાની, રીડગુજરાતીને ચાલુ રાખવાની. પણ મારી ઉંમર જોતાં એ કામ ખૂબ મુશ્કેલ હતું. જીજ્ઞેશભાઈએ આ કામ ઘણી જ સહજતાથી સ્વીકારી લીધું તે બદલ મને ખૂબ જ આનંદ થયો. રીડગુજરાતી ચાલુ રહેવાથી મૃગેશની ચેતનાને ચોક્કસ વિરામ મળ્યો હશે. જીજ્ઞેશભાઈનો એ બદલ આભાર.. તો ભરૂચના સોનિયાબેન ઠક્કર પણ અહેતુ રીડગુજરાતી માટે લેખનું ટાઈપકાર્ય સેવાભાવથી કરે છે, તેમને પણ મારા વંદન.

મૃગેશની ખોટ તો મને સદાય વર્તાશે જ, પણ એની ચેતના હજુ પણ મારી સાથે જ હોય એમ મને લાગ્યા કરે છે. એના ગયા બાદ એક દિવસ પણ મને એમ લાગ્યું નથી કે એ મારી સાથે નથી. તેના આત્માની જે ઉચ્ચકક્ષા હતી તે પણ આડકતરી રીતે આજે રીડગુજરાતીને પ્રાણ પૂરી રહી છે.

ઇશ્વરને શું કહી શકીએ? મને ઉમાશંકર જોશીની બે પંક્તિઓ યાદ આવે છે,

કાળને તે કહીએ શું, જરીએ નવ ચૂકીઓ,
પાંચ આંગળીઓ માંહેથી અંગૂઠે વાઢ મૂકીઓ

કાળ પોતાનું કામ કરે છે આપણે એના માટે જીવનને અટકાવી ન શકીએ, આવી પરિસ્થિતિ જ આપણા માટે પડકારરૂપ હોય છે. જે દુઃખ આપે છે, એ જ એની દવા પણ આપે છે. એ જ ઈશ્વર આપણને શક્તિ આપે અને રીડગુજરાતી ઉત્તરોતર પ્રગતિ કરે, લોકોની સાત્વિક વાંચનભૂખને સતત સંતોષે અને માતૃભાષા પ્રત્યેના પ્રેમને આગળ વધારે એ જ પ્રભુને પ્રાર્થના.

– ધનંજયભાઈ શાહ

* * *

નૂતન વર્ષાભિનંદન

રીડ ગુજરાતીના સર્વ વાચકો, મિત્રો, લેખકો, પ્રકાશકો તથા અન્ય સર્વ ભાવકોને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. આજથી શરૂ થતું આ નવું વર્ષ આપ સૌના જીવનમાં નવી ખુશીઓ, આશા અને ઉમંગો લઈને આવે, તથા આપ સૌ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધતા રહો તેવી જ પરમાત્માને આજના દિને પ્રાર્થના.

ભર બપ્પોરે પ્રકાશિત સૂર્ય અચાનક આથમી જાય અને ઘોર અંધકાર સૌને ઘેરી વળે, તેવી જ કંઈક પરિસ્થતિ ગયા વર્ષે મૃગેશ શાહના અવસાનથી રીડ ગુજરાતી અને તેના વાચકોની થઈ. પરંતુ ધનંજય કાકા અને જીજ્ઞેશભાઈના અથાગ પ્રયત્નોથી એ અંધકાર દૂર થયો. મને આ કાર્યમાં મદદ કરવાની તક મળી એ મારું સૌભાગ્ય. મારા પર વિશ્વાસ મૂકવા બદલ કાકા અને જીજ્ઞેશભાઈનો ખૂબ ખૂબ આભાર.

સંઘ્યાકાળે સૂર્યના અંતિમ કિરણની વિદાય થતાં ઘરના એક ખૂણામાં રહેલું એક કોડિયું પ્રગટીને ઘરને પ્રકાશિત કરે છે. આપણે સૌએ એ કોડિયા જેવું બનવાનું છે. પોતાનાથી બનતી નાની મોટી મદદ કરીને સ્વયં પણ પ્રકાશિત થવાનું છે અને અન્યો સુધી પણ એ પ્રકાશ પહોંચાડવાનો છે. આજ દિન સુધી સૌ ભાવકો, મિત્રો, લેખકોનો સ્નેહ, સાથ અને સહકાર રીડ ગુજરાતીને મળતો રહ્યો છે, તે આગળ પણ સતત આ જ રીતે મળતો રહે તેવી આજના આ શુભ દિને આશા રાખું છું. દિવાળીના દિવસોમાં ઘણા દીવા પ્રગટાવી ઘરને પ્રકાશિત કર્યું છે, પરંતુ હવે શુભ વાચનનો એક દીપ પ્રગટાવી પોતાના મનને તથા એ પ્રકાશને દૂર સુધી પહોંચાડી અન્યોના જીવનને પ્રકાશિત કરવાનું હવે આપણાથી કેમ ચૂકાય !

ઘણા સમયથી હું રીડ ગુજરાતીની નિયમિત વાચક રહી છું. મારા જીવનમાં આ વાચનનું ઘણું મહત્વ રહ્યું છે, પરંતુ આવું સત્વશીલ સાહિત્ય લોકો સુધી પહોંચાડવા એક વ્યક્તિ કેટલો પરિશ્રમ કરતી હતી તે હવે જાણ્યું. રાતદિન મહેનત કરી લોકોને ગુજરાતી વાંચતા કરનાર મૃગેશ શાહ આજે પણ રીડ ગુજરાતીના દરરોજ પ્રસિદ્ધ થતા લેખમાં, એ લેખના વિચારમાં, વાચકોના પ્રતિભાવમાં, ધનંજય કાકાની હિંમતમાં અને જીજ્ઞેશભાઈની મહેનતમાં મને સતત જોવા મળે છે. આજ દિન સુધી સૌનો અપાર પ્રેમ તથા મદદ રીડ ગુજરાતીને મળતી રહી છે, આ સ્નેહ અને સહકારનું ઝરણું સદાય વહેતું રહે અને રીડ ગુજરાતી આપ સુધી ઉત્તમ વાચનની મીઠાશ લઈને આવતું રહે તેવી આજના મંગલદિવસે હું પ્રાર્થના કરી આપ સૌનો આભાર માની અહીં જ વિરમું છું. ફરીથી એકવાર આપ સૌને આવનારા આ નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન.

– સોનિયાબેન ઠક્કર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “નૂતનવર્ષ ૨૦૭૧ના અભિનંદન…”

Copy Protected by Chetan's WP-Copyprotect.