ઢોંસાભોજન અને વ્યક્તિત્વદર્શન – સ્વાતિ મેઢ

(‘જનક્લ્યાણ’ સામયિકમાંથી સાભાર)

ટેલિવિઝનમાં રસોઈજ્ઞાન વિતરણના રોચક કાર્યક્રમો રોજેરોજ રજૂ થાય છે. એમાં મોટે ભાગે તો વિવિધ વાનગીઓ બનાવવાની રીતો વિશેના માહિતીસભર દ્રશ્ય-શ્રાવ્ય નિદર્શનો હોય છે. પણ ઘણીવાર એ રસોઈ નિષ્ણાતોને આહારશાસ્ત્રના જ્ઞાનનું વિતરણ કરવાનું મન થાય અથવા રસોઈ ‘શીખનારી’ બહેન પોતાનું અને દર્શકોનું જ્ઞાન વધારવા માગતી હોય ત્યારે પોષણની દ્રષ્ટિએ વિવિધ વાનગીઓનું કેટલું અને કેવું મહત્વ છે એ વિશે પણ માહિતી આવે. આવા કાર્યક્રમો ઘણુંખરું રસોઈઉત્સુક મહિલાઓ અને વયોનિવૃત્ત વડીલ ભાઈઓ ઉત્સાહથી જોતા હોય છે. આવા જ એક કાર્યક્રમમાં (હું રસોઈઉત્સુક મહિલા નથી તોય) મેં વાનગીનિષ્ણાત મહિલાને માહિતી આપતાં સાંભળ્યાં. તેમણે કહ્યું કે ‘હંમેશાં સમતોલ આહાર લેવો જોઈએ. આવા સમતોલ આહારમાં ઢોંસા પણ આવે. ઢોંસા સંપૂર્ણ ભોજન છે કારણ કે તેમાં શરીરને આવશ્યક બધા જ પોષક દ્રવ્યો મળે છે. દક્ષિણ ભારતમાં (એ બહેન બોલેલાં સાઉથમાં) આ એક ઘેરેઘેર બનતી પ્રચલિત વાનગી છે પણ હવે બિન દક્ષિણ ભારતીય પ્રદેશોમાં પણ આ ઘેરેઘર બનતી નોવેલ્ટી બની રહી છે. આજે આપણે ફલાણા ફલાણા પ્રકારના ઢોંસા બનાવતાં શીખીશું.’

ઘેરેઘેર બનતી હોય તો સારું જ છે. ઘરનું ભોજન શુદ્ધ, સાત્વિક, સસ્તું હોય પરંતુ રાંધનારને કદી કંટાળો આવે ત્યારે અથવા શોખ થયો હોય તો બહારના ભોજન તરીકે ઢોંસા અતિપ્રચલિત અને અતિલોકપ્રિય વાનગી છે. કોઈ પણ જગ્યાએ જમવા જાઓ. રસોઈઘરમાંથી બહાર નીકળતી વાનગીઓમાં દર બે મિનિટે ઢોંસા ભરેલી પ્લેટો નીકળતી જોવા મળશે.

અને આથી જ હું હવે ઢોંસાભોજન વિશેનું તમારું જ્ઞાન વધારવા માગું છું. મસાલા ઢોંસા સંતુલિત ભોજન છે. સાથે સંભાર અને ચટણી એની પોષણક્ષમતા વધારે છે. આ ઉપરાંત મસાલા ઢોંસા ખાવાની તમારી રીત પરથી તમારા વ્યક્તિત્વ વિશે, તમારી મનોવૃત્તિઓ પર પણ થોડો પ્રકાશ પડે છે.

‘હોતું હશે કાંઈ, ગપ્પા ન ઠોકો’ તમે કહેશો.

હું ગપ્પા નથી ઠોકતી. મસાલા ઢોંસા સંતુલિત ભોજન છે તેવું જેમ આહારશાસ્ત્રીઓ કહે છે તેમ ઢોંસાભોજન રીત વ્યક્તિના વ્યક્તિત્વ પર પ્રકાશ પાડે છે તેવું મનોવિજ્ઞાનીકો કહે છે.

‘કઈ રીતે ?’ તમને પ્રશ્ન થવો જોઈએ. મનમાં પ્રશ્નો ઉદ્દભવવા એ બૌદ્ધિક જાગૃતિની નિશાની છે અને એવા પ્રશ્નો પૂછવા એ નૈતિક હિંમતની નિશાની છે. માટે જો તમારે બૌદ્ધિક જાગૃતિ અને નૈતિક હિંમત ધરાવતી વ્યક્તિ ગણાવું હોય તો પૂછો ‘ઢોંસાભોજનની રીત વ્યક્તિત્વનું પ્રતિબિંબ કઈ રીતે પાડે છે ?’

હું તમને જવાબ આપું.

દાખલા તરીકે તમારી સામે મોટી પ્લેટમાં ઢોંસો પડ્યો છે. અડદની દાળ અને ચોખાને વાટીને બનાવેલા ખીરામાંથી પાતળો પૂડો બનાવી, તેમાં બટાકા-કાંદાનું શાક ભરીને, એનું સરસ મજાનું પરબિડિયું વાળીને તમને ઢોંસારૂપે પીરસવામાં આવ્યો છે. સાથે વાટકીમાં સંભાર છે, નાની વાટકીમાં સફેદ જેવા રંગની ચટણી છે. આવો મસાલા ઢોંસો તમારી સ્વાદેન્દ્રિયને સળવળાવી રહ્યો છે. તમારું મન એ સળવળાટ શમાવવા ઉત્સુક છે. પણ થોભો, વિચારો તમે એ ઢોંસો વત્તા સંભાર વત્તા ચટણી કેવી રીતે ખાઓ છો ?

તમે ઢોંસાનો આસપાસનો ભાગ પહેલાં ખાવાનું શરૂ કરીને ધીમે ધીમે ઢોંસાના મધ્ય ભાગ તરફ જતા હો તો તમે ધૈર્યવાન સ્વભાવના છો. એટલે સારી, મહત્વની, મુખ્ય વસ્તુ પ્રાપ્ત કરવા માટે એનો આનંદ મેળવવા માટે તમે એ વસ્તુ તરફ આગળ વધો છો કારણ કે ઢોંસામાં મહ્ત્વનો ભાગ એના મધ્યમાં રહેલું બટાકા-કાંદાનું શાક છે. જોકે દર વખતે ધીરજનાં ફળ મીઠાં મળે જ એવું નથી થતું.

કેમ ? તો કે તમે ઢોંસાના મધ્ય ભાગ સુધી પહોંચો ત્યાં સુધીમાં તમારી ક્ષુધા શમી ગઈ હોય છે. (ઢોંસા હોય છે કેટલા મોટા ?). જોકે તમે ખર્ચેલા પૈસા પૂરા વસૂલ કરવા તમે ઢોંસો પૂરો ખાવાના તો છો જ પણ ક્ષુધાતૃપ્તિનો આનંદ તો પેલો ફિક્કો, પાતળો પૂડો ખાઈને મેળવી લીધો છે. મુખ્ય અને ખરો સ્વાદિષ્ટ ભાગ ખાવાનો આનંદ તમે પૂરો ભોગવી શકતા નથી. ઠીક છે, પૈસા વસૂલ કરો અને હરખાયા કરો તમારી ધીરજના ગુણને લઈને, બીજું શું ?
કેટલાક લોકો ઢોંસાને વચ્ચોવચથી જ ખાવાનું શરૂ કરે છે. આવા લોકોનો સ્વભાવ કેવો કહેવાય ? ઉતાવળો. આ લોકો ત્વરિત સંતુષ્ટિમાં માનનારા હોય છે. સારો સારો ભાગ (ઢોંસાનો) પહેલાં ઝાપટી જવો. બાકીનું પૂરું થાય તો ઠીક, ન થાય તોય ઠીક. આપણું શું જવાનું ? ઢોંસાના પૈસા તો મસાલામાં વસૂલ થઈ જ ગયા ને ? આમ તો આવા લોકોને વહેવાર કુશળ કહેવાય. કઈ વાતમાં લાભ ક્યાં છે તેનું ડહાપણ ધરાવતા ચતુર જનો.

કેટલાક લોકો એવા હોય છે કે ઢોંસો ખાય કોઈ પણ રીતે. મરજી પડે તો વચ્ચેથી શરૂ કરીને ખાય, મરજી પડે તો એક છેડેથી શરૂ કરીને વચ્ચેની તરફ જાય અને પછી બીજો છેડો પૂરો કરે પણ ખાઈ જાય આખ્ખો ઢોંસો. એમાં નાખેલા લીમડાના પાન અને મરચાનાં ટુકડા સહિત. સંભાર-ચટણીની વાટકીઓ પણ ખાલી કરી નાખે. ચકચકાટ દેખાય તેવી. વધારાના સંભારનું વાસણ પણ ખાલી કરી નાખે આવા લોકો કેવા કહેવાય ? ખૂબ ડાહ્યા. આ લોકો સમજે છે કે જીવનમાં જે ક્ષણે જે કાંઈ સારું મળે તેનો પૂરો ઊપભોગ કરી લેવો. કાલ કોણે દીઠી છે ? કાલે કદાચ મસલા ઢોંસાને બદલે સાદો ઢોંસો મળે ને પરમદિવસે એય ન મળે તો ? ‘કોઈ દિન ગાડી, કોઈ દિન ઘોડા કોઈ દિન પાંવ સે ચલના જી’ મીરાંબાઈ અમસ્તું કહી ગયાં છે ?

કેટલાક લોકો સ્વભાવે વ્યવસ્થિત હોય છે. એ લોકો મસાલા ઢોંસો એ રીતે ખાય છે કે મસાલા અને ઢોંસો બંને એક સાથે ખવાય અને એકસાથે પૂરા થાય, સંભાર-ચટણી સહિત. આપણા જેવું નહીં કે મોટી મજાની પ્લેટમાં ઢોંસો પીરસાય અને કઈ બાજુથી શરૂ કરું એ મૂંઝવણમાં સંભાર ઠંડો પડી જાય. આ રીતે પદ્ધતિસર આખી વાનગીને એક સાથે પતાવનારાનું વ્યક્તિત્વ સુસંકલિત, સંતુલિત હોય છે. આવા લોકો બોરિંગ ન કહેવાય ? ખાવાની વાતમાં આટલા બધા સિસ્ટેમેટિક થવાની શી જરૂર ? અને આ રીતે ખાવામાં એવા તલ્લીન હોય કે ખાતી વખતે ઊંચુંય ન જુએ !

કેટલાક લોકો પોતાની સામે ઢોંસો પીરસાય કે તરત જ સામે જમનારને કહે, ‘લો ને શરૂ કરો.’ ‘પહેલે આપ’વાળા. આવી ત્યાગભાવના, ઉદાર હ્રદયના હોય છે. ‘શેરિંગ’માં માનતા હોય છે. કારણ ? પોતે આપશે એટલે સામેવાળું વહેવાર પૂરતોય વિવેક કરવાનું અને એની પાસે ભાજીપાઉં હોય તો બે પાઉંના ટુકડા અને પાંચ-છ મોટા ચમચા ભાજી લેવાનો એમને હક મળે છે અને એ લઈ પણ લે, માટે આવા લોકોથી ચેતતા રહેવું. એકસ્ટ્રા સંભાર-ચટણી મફતમાં મળે છે, વધારાના પાઉં માટે પૈસા ચૂકવવા પડે છે !

આથી ઊલટા પ્રકારના લોકોય હોય છે. પોતાની પ્લેટમાંથી ઢોંસો શું, ચમચી સંભાર કે ચટણીય કોઈને આપે નહીં, વિવેક પણ ન કરે. આવા લોકો ટૂંકા જીવના, સ્વાર્થી કહેવાય, પણ… ભવિષ્યમાં ધનવાન બનવાના એ લોકો !

થાળીમાં ઢોંસો પીરસાઈને આવે. સાથે ચટણી-સંભારની વાટકીઓ હોય. કેટલાક લોકો એમના ટેબલ પર ઢોંસો મૂકાય કે તરત એને આખો ખોલી નાખે. ખાવા માટે ? ના, ના. એમામ શું શું છે એ જોવા માટે. એટલું જ નહીં એમાં દેખાતા પદાર્થો વિશે વિવેચન પણ કરે. આવા લોકો કેવા કહેવાય ? પંચાયિતા કે પછી જિજ્ઞાસુ ? નક્કી કરો તમે.

બહુ થયું હવે રહેવા દો. આપણે આપણો ઢોંસો ખાવો. બીજા જેમ ખાતા હોય તેમ ખાવા દેવો. એમાં મનોવૃત્તિઓ અને વ્યક્તિત્વ વિશ્લેષણ ને એ બધું શું ? કોઈ ખાતું હોય ને આપણે જોઈએ એને શું કહેવાય ? બેડ મેનર્સ, સમજ્યા ?

ખરી વાત, ખરી વાત.

પણ મસાલા ઢોંસાની ચટણી-સંભારની વાટકીઓ સહિતની થાળી ટેબલ પર આવે. પરબિડિયું વાળેલા એ ઢોંસાનું હજીય નાનું પરબિડિયું બનાવીને એના પર કાંટાથી હુમલો કરે એવાને શું કહેવું ? થાળીમાં મસાલો ઢોંસો પીરસાય કે એ ખોલીને એમાંથી લીમડાના પાન, મરચાં, કાંદાના ટુકડા, કોથમીર બધું વીણી વીણીને કાઢી નાખનારને શું કહેવું ? ચોખલિયો કે ચીકણો માણસ ? કે પછી પોતાને શું જોઈએ છે, શું નહીં એ સમજનાર બુદ્ધિશાળી સજ્જન ? ઢોંસામાં શું છે એ જોયા વિના એ મોંમાં મૂકી દઈને પછી મોં બગાડનારા કરતાં આવા માણસને સારા ગણવાના કે નહીં ?

ઢોંસાનું પરબિડિયું વાળીને એને સેન્ડવીચની જેમ ઉપાડીને ખાવા જાય એ વ્યક્તિ પ્રયોગશીલ કહેવાય. વાનગી ભારતીય, ખાવાની રીત વિદેશી. બર્ગર-સેન્ડવીચની જેમ. ઢોંસો ખાવાનો પ્રયોગ કરે.

શું કહ્યું ? આ પરબિડિયું વજનદાર હોય, મોં સુધી પહોંચતાં પહેલાં વાંકું વળીને પડી જાય. ઉઘડી જાય, ને પછી… શું થાય ?

હું વર્ણન નહીં કરું તમે પ્રયોગ કરી શકો છે, એકલા, ઘરમાં ઢોંસો જમતા હો ત્યારે.

કેટલીક ફેશનેબલ હોટલોમાં વેઈટરો દરેક ટેબલ પર છરી-કાંટા-ચમચા-પ્લેટ-નેપકીન વ્યવસ્થિત ગોઠવી આપે. હવે ટેબલ પર મૂકાયું હોય એટલે એનો ઉપયોગ તો કરવાનો જ હોય ને ? પૈસા વસૂલ કરવા કે છરી-કાંટાનો ઉપયોગ કરવા કેટલાક લોકો ઢોંસો છરીથી કાપવા જાય, છરી હોય બુઠ્ઠી. છરી અડકે ને ઢોંસો બગડે ‘હે મૂર્ખ, ભારતીય વાનગી, છરીથી કાપવા જાય છે ? ઊભો રહે તને પરચો દેખાડું.’ છરી વડે ઢોંસો કપાય નહીં પણ વિરોધમાં ઉછળે. સાથે થાળી પણ ઉછળે, ચટણી-સંભારની વાટકીઓ ઉછળે. ઉછળે નહીં તો બગડે. ઢોંસામાં ખાવાપણું ન રહે. આધુનિક રીતભાત અપનાવવી એ કાંઈ ગુનો છે ? ઢોંસા જેવી જુનવાણી વાનગી… રસોઈ નિષ્ણાતો છરીથી (જમવાની છરીથી) કપાઈ શકે તેવા ઢોંસા બનાવતા કેમ નથી શીખવાડતા ?

કેટલાક લોકોને ગમે તે ચીજ ખાવી હોય એમાં ભરપૂર ટોમેટો કેચપ નાખવા જોઈએ જ. આ કેચપ પ્રેમીઓ મસાલા ઢોંસાનું પડીકું વાળે, એના પર કેચપ રેડે, ઉપર નાખે ચટણીઓ, એની પર સંભાર અને…

મોં કેમ બગાડો છે ? મસાલા ઢોંસો આ રીતે પણ ખવાય. આવા લોકો વૈરાગી જીવો કહેવાય. ભોજનના પદાર્થમાં સ્વાદનું શું મહત્વ ? એમ તો આવા લોકો પ્રયોગશીલ પણ કહેવાય. આમ જ નવી નવી વાનગીઓ શોધાય છે અને રસોઈદર્શન કાર્યક્રમો ચાલે છે. ૨૪ x ૭, ૫૨  ૩૬૫

‘બહુ વાતો કરી લીધી. હવે તમે મને કહેશો કે તમે મસાલા ઢોંસો કઈ રીતે ખાઓ છે ?’

હું ? હું તો મસાલા ઢોંસો ખાતી જ નથી. હું તો ઈડલી-સંભાર જ ખાઉં. સાદી, સરળ, સસ્તી વાનગી. ટેબલ પર જલ્દી આવે, જલ્દી ખવાઈ જાય અને વધે તેમાં સમય.

આવાં નિરીક્ષણો કરવામાં, મનોવિશ્લેષણો કરવામાં અને એમાં મસાલો મેળવીને આપને માટે સાદર, મિત્રો !

‘પણ તમે તો આને મનોવિજ્ઞાનીઓના નિરીક્ષણો કહેતા હતા ને ?’

‘ના, ના, એ તો અમસ્તા જ !’

– સ્વાતિ મેઢ


Email This Article Email This Article · Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous નૂતનવર્ષ ૨૦૭૧ના અભિનંદન…
સૂર્યાય નમઃ – હર્ષદ કાપડિયા Next »   

4 પ્રતિભાવો : ઢોંસાભોજન અને વ્યક્તિત્વદર્શન – સ્વાતિ મેઢ

 1. pjpandya says:

  ભહુ જ સરસ સ્વાતિ બેનને અભિનન્દન્

 2. jayshree shah says:

  ખુબ જ સરસ. મજા આવિ.
  જયશ્રી શાહ

 3. Swati says:

  Hungry for Masala Dosa now.

 4. shirish dave says:

  ઢોંસામાં ક્યાં મજા છે? શરુઆતમાં તે કડક લાગે છે. અને જેમ ઠંડો પડતો જાય તેમ તે ઢીલો ઢફ થતો જાય. ચૂંટણી પહેલાંના અને જીતી ગયાના પરિણામ પછી કડક લાગે અને સમય જાય તેમ ઠંડો અને ઢીલો થઈ જાય.

  ખાતી વખતે ઊંડાણમાં જાઓ એટલે દુર્ગંધ (ડૂંગળીની) બહાર આવે. અને તમે ખાનારાની નજીક બેઠા હો તો સતત કોઈ પાદ્યા કરતું હોય એવું લાગે.
  હા એક વાત કહરી કે તમે તેને જુદી જુદ રીતે ખાઈ શકો.

  પણ તમને એક વાનગી વાનગી વિષે જાણો છોં, કે જેને જુદી જુદી રીત્યે ખાઈ શકાય એટલું જ નહીં પણ તેને જુદી જુદી રીતે બનાવીને જુદી જુદી રીતે બનાવેલી વાનગીને વળી જુદી જુદી રીતે પણ ખાઈ શકાય.

  આ વાનગી નો ઉપયોગ કરીને તમે જાડા માંથી પાતળા પણ થઈ શકો, અને પાતળામાંથી જાડા પણ થઈ શકો અને જાડા અને પાતળા બંનેમાંથી મધ્યમસરના ઉંચાઈ ઈચ ગુણ્યા કીલો ગ્રામના થઈ શકો.

  જો તમે રોગોથી આક્રાંત હો તો તમે નીરોગી થઈ શકો અને નિરોગી હો તો સાથે સાથે સશક્ત અને તમારી અર્ધાંગિનીનું રક્ષણ કરી શકો એવા થઈ શકો. અર્ધાંગિની ન હોય તો અર્ધાંગિની મેળવી શકો. તેમજ તમારી માતા અને બહેન/બહેનો તેમને સમકક્ષ સ્ત્રી અને કન્યાઓનું રક્ષણ કરી શકો. આવો પ્રસંગ ન સાંપડે તો તમે નિર્બળ અને નિર્બળ ધારેલી વ્યક્તિઓ અને પ્રાણીમાત્રનું રક્ષણ કરવાનો આત્મવિશ્વાસ ધરાવી શકો.

  આ વાનગીમાં તમે ભાવતા બધા જ શાક નાખી શકો,
  આ વાનગીમાં તમે બધા ભાવતા ધાન નાખી શકો,
  આ વાનગીમાં તમે બધા કઠોળ નાખી શકો,

  આ વાનગીમાં તમે શાકમાં નખાતા બધા મસાલા એટલે કે મીઠા સહિતના બધા મસાલા, એટલે કે નમક સહિતના બધા મસાલા નાખી શકો. નમક શબ્દ એટલા માટે વાપરવો પડ્યો કે ભૈયાજીઓ ને ગળ્યા ને મીઠા કહે છે.

  આ વાનગીમાં તમે ઘી, માખણ અને તલ, મગફળી કે ભાવતું તેલ પણ ખાતી વખતે નાખી શકો,
  આમાં તમારે માટે બધા વિકલ્પ છે.
  જેટલા વિકલ્પ બનાવવાના છે તેટલા વિકલ્પ ખાવાના પણ છે.
  સાથે સાથે તમે એક બટકું પાપડનું પણ ભરો તો દરેક જાતની વાનગીની સંખ્યા જેટલી ખાવાની રીત વધશે.

  વળી આ વાનગીના નામ પ્રણાલીગત અને અપ્રણાલીગત આપવાની પણ સુવિધા છે.
  ખીચડી,
  ખીચડો,
  બાદશાહી ખીચડી,
  બાદશાહી ખીચડો,
  સ્પીરીચ્યુઅલ ખીચડી,
  સ્પીરીચ્યુઅલ ખીચડો.

  બનાવવાની રીત.

  ભાવતા રૉ મટીયર લો. તેને અલગ અલગ રીતે પકવો કે સાથે સાથે પકવો. તમને ભાવે એ રીતે પકવો. પણ ઘટક ન ભાવે એ હદે અને એ રીતે કાચું ન રહે કે બળી ન જાય તેનું ફીઝીક્સના નિયમોને ધ્યાનમાં રાખી સંચાલન કરો. દરેકનું પ્રમાણ તમને ભાવતા કે ખાનારને અનુમાનિત રીતે ભાવતા સ્વાદ પ્રમાણે રાખો.
  હવે તેને બાઉલ (જેને કેટલીક બહેનો બોલ પણ કહે છે) કે ગરમામાં કે થાળીમાં નાખો, તેને તમને કે ખાનાર નર અને અથવા નારીને ગમે તે રીતે ગાર્નીશીંગ કરો અને ઘી અને અથવા માખણ અને અથવા દહીં અને અથવા ગુલાબની બે કે ચાર કે તમને ફાવે તેટલી પત્તીઓ થી ફર્નીશીંગ કરો. વધુ બ્યુટીફાય કરવા માટે બદામ પિસ્તાની કતરીઓ પણ ભભરાવો.
  ,
  લો વાનગી તૈયાર.

  દુશ્મનના સૈન્યની ઉપર તૂટી પડો.

  મારા વીરબાળા માસી ખીચડીને ભગવાન કહેતા. એટલે કે ખીચડી મળે તો ભગવાન મળ્યા જેટલો આનંદ થતો. નરેન્દ્ર મોદીને પણ ખીચડી બહુ ભાવે છે. તે બનાવવામાં ટ્રેનીંગની જરુર નથી. ફક્ત કુદરતના નિયમો યાદ રાખવા.

  જેમને પોતે પાદ્યાવગર બીજાને “કોણ પાદ્યું?” કે “કોણ પાદે છે” કે “કોણ પાદ્યા કરે છે” એવો પ્રશ્ન મનમાં કે જાહેરમાં વ્યક્ત કરતા સંભાવી શકે, તેમણે લસણ ડૂંગળીની સ્વાદપ્રામાણે પેસ્ટ બનાવીને નાખવી.

  આ એક અહિંસક વાનગી છે. તમે કોઈને બેધડક પૂછી શકો. “તમે ખીચડી ખાશો?”
  “ઢોંસોં ખાશો?” એવું પૂછવામાં અશુદ્ધ કે ઉચ્ચારણ કે શ્રવણ ને કારણે સામેનો માણસ “ઠોંસો ખાશો?” એવું સમજીને હેબતાઈ જાય. આવી શક્યતા ખીચડીને વિષે નથી.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.