સૂર્યાય નમઃ – હર્ષદ કાપડિયા

Atitno rankar(‘અતીતનો રણકાર’ પુસ્તકમાંથી સાભાર)

નદીકાંઠે જળમાં ઊભા રહીને, સૂર્ય સામે હાથ ઊંચા કરીને, કળશમાંથી જળ અભિષેક કરતા માનવીની મુદ્રા મને ખૂબ ગમે છે. કહેવાય છે કે સૂર્ય સામે કળશમાંથી જળધારા થાય છે ત્યારે તેમાંથી પસાર થઈને આંખમાં પ્રવેશતાં સૂર્યકિરણો આંખ માટે ગુણકારી છે અને એનાથી આંખનું તેજ વધે છે. સૂર્ય આપણા દેવ. એમના થકી જ આપણા વિશ્વનું અસ્તિત્વ છે એ આપણા પૂર્વજો જાણતા હશે એટલે જ તો તેમણે પંચમહાભૂતમાં ધરતી, પવન, જળ, આકાશની સાથે તેજ એટલે કે સૂર્યપ્રકાશને સામેલ કર્યો.

આપણા પૂર્વજોએ સૂર્યમંદિર બાંધ્યાં છે. એમાંનું એક મંદિર તો ગુજરાતમાં પણ છે, પરંતુ વખત જતાં અન્ય ભગવાનની સરખામણીમાં સૂર્યદેવ ઓછા પૂજાયા. તેઓ પળેપળે પ્રકાશ અને તડકાના સ્વરૂપમાં શક્તિનો ધોધ વહાવતા રહ્યા. આપણે અથાણાં, કપડાં અને પાપડ સૂકવવા, મીઠું બનાવવા આ શક્તિનો ઉપયોગ કરતા રહ્યા. યુગો વીતી ગયા. સૂર્યમંદિરો અંધકારમાં ધકેલાઈ ગયાં. તેમની શક્તિનો વધુ વ્યાપક રીતે ઉપયોગ કરવાની સભાનતા આપણે કેળવી શક્યા નહીં. આપણે આપણી પૂજા, આરાધનાને નવું અર્થઘટન આપી શક્યા નહીં. એ માટે આપણે વિદેશીઓ તરફ નજર કરવી પડે છે.

જોકે આપણે હવે જાગ્યા છીએ એ મોટી વાત છે. સૌર ઊર્જાનું મહત્વ સમજ્યા છીએ. હમણાં જ સમાચાર વાંચ્યા કે શિરડીના મંદિરની ધર્મશાળામાં રસોઈ કરવા માટે સૌર ઊર્જા વપરાશે અને રોજનો લગભગ ૨૦૦ કિ.ગ્રા. એલ.પી.જી. બચશે. વર્ષે સાતેક લાખ રૂપિયાની બચત થશે. ગુજરાત અને રાજસ્થાનમાં તો સૂર્યનો તડકો મબલખ મળે. પણ આપણે ત્યાં સૌર ઊર્જાનો ઉપયોગ કરવાનું વલણ ખાસ જોવા મળતું નથી. ઉદ્યોગોમાં એનો ઉપયોગ થાય છે, પણ મોટા પ્રમાણમાં નહીં. સોસાયટીઓમાં સામૂહિક ગિઝર બેસાડી શકાય. શિયાળામાં પાણી ગરમ કરવા વપરાતી કેટલી બધી વીજળી બચે. હૉસ્પિટલોમાં કપડાં ધોવા માટે એમાંથી ગરમ પાણી મેળવી શકાય. આવી અનેક રીતે વીજળીની તંગી ઓછી કરી શકાય. આવાં બોઇલર કે ગિઝરવાળાં મકાનોને તમે મોઢેરાના સૂર્યમંદિર સાથે સરખાવી શકો.

ઊર્જાની બાબતમાં ઝીણું કાંતતા શ્રી કનુભાઈ કામદારે પ્રકૃતિ નામની સંસ્થા શરૂ કરી છે. તેઓ મને હિસાબ માંડવાનું કહે છે કે એક વર્ષમાં એક વ્યક્તિ માત્ર એક જ ડ્રાય સેલ વાપરીને ફેંકી દે તો દેશમાં નકામા સેલનો કેટલો મોટો ઢગલો થાય. એક અબજ સેલના ઢગલાની કલ્પના કરી જુઓ. એનો ઝેરી કચરો જમીનમાં જાય. એને વનસ્પતિ ગ્રહણ કરે અને અંતે આપણા આહારમાં આવે. ઊર્જાના પરંપરાગત સ્ત્રોત ખૂટી રહ્યા છે અથવા તો તેને લીધે પ્રદૂષણ વધતું જાય છે. વળી ઊર્જાની જરૂરિયાત પણ વધતી જાય છે. આવા સમયમાં સૌથી સ્વચ્છ અને મબલખ પ્રમાણમાં મળતી સૌર ઊર્જાને નાથવી જોઈએ. દક્ષિણ આફ્રિકાનાં ગ્રામીણ વિસ્તારોમાં તો સૌર ઊર્જાનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે. ભારતમાં, ખાસ કરીને ગુજરાતનાં ગામડાંમાં પણ સૌર ઊર્જાને કામે લગાડવી જોઈએ.

શ્રી કનુભાઈ કામદાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં સૌર ઊર્જાથી ચાલતાં ફાનસ પહોંચાડવા ધારે છે. તેઓ કહે છે કે સૌર ફાનસ શરૂઆતમાં કદાચ મોંઘું લાગે, પણ એમાં રોજ ઘાસતેલ પૂરવાનો ખર્ચ થતો નથી ને પર્યાવરણ દૂષિત થતું નથી. તેને ચાર્જ કરવા માટે સવારે તડકામાં મૂકી દો એટલે વાત પૂરી અને તેની બૅટરી બે વર્ષ ચાલે છે.

તેમણે કહ્યું કે મોહે જો દેરોની સંસ્કૃતિમાં માટીના મોટા પાઇપ દ્વારા સૂર્યપ્રકાશને ઘરમાં પહોંચાડવામાં આવતો હતો. આજે સૌર ઊર્જાના જ્ઞાનનો પ્રકાશ વાપરીને આપણે લોકોનાં જીવન ઊજળાં કરી શકીએ. ફાનસ તો ગામડાનું એક પ્રતીક ગણાતું. હવે સૌર ફાનસ આધુનિક જમાનાનું નવા જીવનપ્રવાહનું પ્રતીક બની શકે. તેઓ સ્ટ્રીટ લાઇટ, કૉમ્પ્યૂટર, વૉટર પંપ સિસ્ટમ પણ ચલાવવાની યોજના ધરાવે છે. તેઓ કહે છે કે ધરતીકંપથી તારાજ થયેલા વિસ્તારોમાં નવસર્જન થઈ રહ્યું છે ત્યારે સૌર ઊર્જાને સામેલ કરવાના પ્રયાસ થવા જોઈએ.

સામાન્ય લોકો માને છે કે સૌર ઊર્જા ખૂબ ખર્ચાળ છે, પરંતુ આપણે લાંબા ગાળાનો વિચાર કરતા નથી. એ લાંબા ગાળે સોંઘી પડે છે. વળી, એને ગમે એવા અંતરિયાળ વિસ્તારમાં પણ વાપરી શકાય છે. વાયર નાખવાની ને મોટા પ્લાન્ટ સ્થાપવાની જરૂર ન પડે એટલે એ સરળ પણ પડે. એનાથી રેફ્રિજરેટર ચલાવી શકાય અને એમાં દવાઓ રાખી શકાય. એનાથી ટીવી ચલાવી શકાય અને અંતરિયાળ વિસ્તારોમાં મનોરંજન તથા શિક્ષણનો પ્રસાર કરી શકાય.

સૂર્યની સામે સૌર ફાનસ જાણે કે સૂર્યદેવના નવા સ્વરૂપની આરતી ઉતારી રહ્યાં છે. આવી ઘડીએ આપણા કવિ નાનાલાલના પેલા કાવ્યનો ભાવાર્થ યાદ આવે કે ચાંદની વરસી રહી છે. એને ઝીલવા માટે માટે ફૂલના કટોરા લાવો. આજના જમાનામાં કહેવું જોઈએ કે સૂર્યની શક્તિ વરસી રહી છે. એને ઝીલવાનાં સાધન વિકસાવો. પેલી કવિતા યાદ છે : ‘મારી વેણીનાં ફૂલ કરમાય રે, સૂરજ ધીમા તપો.’ હવે ગવાશે : ‘અમારા ઊર્જા સ્ત્રોત સુકાય રે, સૂરજ તપતા રહો.’

– હર્ષદ કાપડિયા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “સૂર્યાય નમઃ – હર્ષદ કાપડિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.