એક દેશી હાસ્યલેખકની આપવીતી – રતિલાલ બોરીસાગર

(‘નવનીત સમર્પણ’ સામયિકમાંથી સાભાર)

વર્ષો પહેલાં, આપણા જાણીતા સર્જકો મણિલાલ હ. પટેલ તથા અદમ ટંકારવી (હાલ પરદેશી) એ ‘વી’ સામયિક માટે મારો ઈન્ટરવ્યુ કર્યો હતો. એમણે પૂછેલા કેટલાક પ્રશ્નોમાં એક પ્રશ્ન એવો હતો કે ‘આપણી ભાષામાં હાસ્યલેખકોનાં માન-સન્માન કેમ ઓછાં છે ?’

આ પ્રશ્નનો ઉત્તર આપતાં મેં કહેલું કે આપણા સાહિત્યમાં વર્ણાશ્રમની પ્રથા પ્રવર્તે છે. કવિઓ બ્રાહ્મણો છે. કવિતામાંથી મળતા પુરસ્કારમાંથી ગુજરાન ચલાવવાનું હોય તો આર્થિક રીતે પણ કવિઓ બ્રાહ્મણના વર્ગમાં આવે. એક કવિ પરણ્યો. પત્નીએ કહ્યું, ‘કવિવર (દરેક કવિ-પત્ની વરકવિને કવિવર કહેતી હોય છે.), મારે એક એકરાર કરવો છે.’

પત્ની એના પૂર્વપ્રેમનો એકરાર કરવાની હશે એમ માનીએ કવિએ મૃદુતાથી કહ્યું, ‘પ્રિયે ! ભૂતકાળ ભૂલી જા !’

‘એવું કશું નથી, કવિવર !’ વરકવિની ગેરસમજ દૂર કરતાં પત્નીએ કહ્યું, ‘મને રાંધતાં નથી આવડતું.’

‘તો ભવિષ્યકાળ ભૂલી જા ! આપણે કવિતામાંથી મળતા પુરસ્કારમાંથી ગુજરાન ચલાવવાનું છે એટલે અહીં રાંધવાના ઝાઝા પ્રસંગો આવવાના જ નથી.’ આ બધું છતાં સમાજમાં ‘ગરીબ’ (બ્રાહ્મણનું પરમેનન્ટ વિશેષણ) બ્રાહ્મણનાં માનપાન ઘણાં હોય છે તેમ કવિઓનાં માનપાન બહુ ઝાઝાં છે આપણા સાહિત્યમાં !

વિવેચકો ક્ષત્રિયો છે. ભલભલા સર્જકોને વાઢી નાખે. ક્ષત્રિયો જેમ ગૌબ્રાહ્મણપ્રતિપાળ કહેવાય છે, તેમ આ વિવેચકો સર્જકપ્રતિપાળ પણ ખરા. કોઈ સર્જક કોઈ મોટા વિવેચક દ્વારા પોંખાય છે ત્યારે એ સર્જકનો ઈન્ડેક્સ ઘણો ઊંચો જાય છે !

નવલકથાકારો વૈશ્યો છે. સૌથી વધુ રોયલ્ટી નવલકથાકારોને મળે – વળી પાછી બેવડી રોયલ્ટી મળે. પહેલાં નવલકથા છાપામાં ‘ચાલુ નવલકથા’ તરીકે છપાય (‘ચાલુ’ના અર્થ અંગે ગેરસમજ ન કરવી !). એની રોયલ્ટી મળે ને પછી ચોપડી બહાર પડે ત્યારે પ્રકાશક તરફથી બીજી રોયલ્ટી મળે !

હાસ્યલેખક બિચારો શૂદ્ર છે ! જેમ શૂદ્ર વગર ક્યારેય કોઈ સમાજને ચાલ્યું નથી તેમ હાસ્યલેખક વગર ચાલતું નથી – પણ એનાં માન-સન્માન ઓછાં – સાવ જ ઓછાં !’
લાયન્સ ક્લબ અને રોટરી ક્લબ જેવી કેટલીક પરદેશી કલબો આપણે ત્યાં ચાલે છે. પચ્ચીસેક વરસ પહેલાં એવી એક ક્લબમાં અશોક દવે, નિરંજન ત્રિવેદી, બાબુભાઈ વ્યાસ અને હું –એ એમ અમે ચાર હાસ્યલેખકો ભાષણ કરવા ગયા હતા. ભાષણ પછીના ભોજનસમારંભમાં જોડાવાનું નિમંત્રણ પણ અમને આપવામાં આવ્યું હતું. આવી ક્લબોના સમારંભમાં વક્તા કરતાં એના વક્તવ્ય પછી મળનારા ભોજનમાં કેટલાક શ્રોતાઓને વિશેષ રસ હોય છે. એક વાર આપણા પ્રસિદ્ધ હાસ્યલેખક વિનોદ ભટ્ટને સ્પીકર તરીકે લઈ જનાર હોદ્દેદારે એમની ઓળખાણ કોઈ સભ્ય જોડે કરાવતાં કહ્યું, ‘આ આપણા હાસ્યલેખક વિનોદ ભટ્ટ – આજના સ્પીકર આપણે એમને બોલાવ્યા છે. તેઓ…’

‘એ બધું તો સમજ્યા મારા ભાઈ ! પણ આજના ભોજનનું મેનુ શું છે તે તો કહો, યાર !’ પેલા સભ્યે કહ્યું.

અમારી પણ આવી જ સ્થિતિ થઈ ! અમારાં ભાષણો પૂરાં થયાં ને આભારવિધિ શરૂ થઈ કે બધા લાયન્સો – પોતપોતાની સિંહણો સાથે મારણ તરફ ધસી ગયા ! આભારવિધિ કરનાર ‘સિંહ’ પણ આભારવિધિ ટૂંકમાં પતાવી બીજા સિંહને અનુસર્યો. થોડી વાર તો અમે ચારેય દિગ્મૂઢ બનીને સ્મારા સ્થાન પર બેસી રહ્યા. પણ પછી અમને લાગ્યું કે અહીં બેસી રહીશું તો જમવામાંથી રહી જઈશું. આ વાસ્તવિકતાનું જ્ઞાન થતાં અમે ચારેય ભોજનસ્થળે પહોંચ્યા. પણ ત્યાં તો સિંહોનું ટોળું જે રીતે મારણ પર તરાપ મારી રહ્યું હતું એમાં અમારો પત્તો ખાય એવું નહોતું.

ભોજનવિધિ પૂરો થયો એ પછી ભોજનથી તૃપ્ત થયેલા એક સિંહની અમારા પર નજર પડી. ભૂખ્યો સિંહ હિંસક હોય છે, પણ ધરાયેલો સિંહ પ્રેમાળ હોય છે એવું સિંહોના તજ્જ્ઞો કહે છે. (જોકે સિંહ ભૂખ્યો છે કે આપણું ભોજન કરીને ધરાવાનો છે એની ખબર કેમ પડે તેની સ્પષ્ટતા કોઈએ કરી નથી.) પેલા ભોજનતૃપ્ત સિંહ ક્લબના હોદ્દેદાર એવા બીજા ભોજનતૃપ્ત સિંહને લઈને અમારી પાસે આવ્યા. હોદ્દેદાર સિંહે પોતાના સ્વરમાં માતૃપ્રેમ પ્રગટ કરીને અમને પૂછ્યું, “તમે જમ્યા ?”

“અમારા મોઢા ઉપરથી એવું લાગે છે કે અમે જમ્યા છીએ ?” અશોક દવેએ પ્રતિપ્રશ્ન કર્યો.

“તમે અમને ચારેયને એકએક ચિઠ્ઠી લખી આપો.” નિરંજન ત્રિવેદીએ કહ્યું.

“ચિઠ્ઠી ? શાની ચિઠ્ઠી ?” હોદ્દેદાર સિંહ આમ પણ મૂંઝાય ગયા હતા. નિરંજનની દરખાસ્તથી વિશેષ મૂંઝાયા.

“જુઓ ! તમે અમને અહીં ભોજન લેવાનું કહ્યું હતું એટલે અમારા માટે ઘેર રસોઈ બની નથી. તમે ચિઠ્ઠી લખી આપો કે શ્રી ફલાણા-ફલાણા અહીં જમ્યા નથી એટલે કશી કચકચ વગર ખાવાનું બનાવી દેજો.”

બિચારા હોદ્દેદારશ્રી ઘણા શરમાયા. રાતના મોડું થયું હતું એટલે હોટલો પણ બંધ થઈ ગઈ હતી. છતાં, હોદ્દેદારશ્રીએ સ્કૂટરો દોડાવ્યાં. આખરે ગમે ત્યાંથી ગમે તે રીતે પણ બે ટિફિનની વ્યવસ્થા થઈ.
‘પરાન્ન (પારકું અન્ન) મળે ત્યારે પ્રાણની પરવા કર્યા વગર ખાવું, કારણ કે પ્રાણ તો જન્મોજન્મ મળે છે, પરાન્ન ક્યારેક જ મળે છે…’ એવો સંસ્કૃતનો એક શ્લોક છે. આમ તો બધા માણસો માટે આ કહેવાયું છે. એમાં પણ અમે ચારેય તો પાછા બ્રાહ્મણો – ‘બ્રાહ્મણ ઘેર ખાવા કરતાં ઝેર ખાવાનું પસંદ કરે’ એવી ઉક્તિ જેને માટે પ્રચલિત છે એવા બ્રાહ્મણવર્ગના પ્રતિનિધિ ! પરંતુ દુર્ભાગ્યે પ્રાણની પરવા કર્યા વગર ખાઈ શકીએ એટલી ક્વોન્ટિટીમાં ભોજન નહોતું.

આવા તો બીજા અનેક પ્રસંગો છે – પણ ‘નવનીત સમર્પણ’ના સંપાદકશ્રીએ પણ ‘દિવાળી અંક’માં હાસ્યલેખકો માટે અન્ય લેખકો કરતાં ઓછી જગ્યા ફાળવી છે એટલે ઇતિશ્રી નવનીત સમર્પણ સામયિક દિવાળી અંકે, ‘હાસ્યમેળો’ વિભાગે ‘દેશી હાસ્યલેખકની આપવીતી’ સંપૂર્ણ !

– રતિલાલ બોરીસાગર


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સૂર્યાય નમઃ – હર્ષદ કાપડિયા
સમજણનું સુખ – મૂકેશ મોદી Next »   

7 પ્રતિભાવો : એક દેશી હાસ્યલેખકની આપવીતી – રતિલાલ બોરીસાગર

 1. pjpandya says:

  બોરિસાગર સાહેબનિ આપવિતિએ હાસ્ય લેખકોનિ દશાનુ સચોત વર્ન કરયુ

 2. gita kansara says:

  નવા વર્શે બોરિસાગર સાહેબે આપવિતેી લખેીને વાચ્કોનુ મન પ્રફુલ્લિત ક્ર્યુ.મજા આવેી.
  આભાર્.

 3. pragnya bhatt says:

  પોતાનાપર હસીને અન્યને હસાવવા નું કાર્ય અઘરું અને અદભૂત અને તમારા હાસ્યલેખકોની સિધ્ધી ત્યાંજ પ્રતીબિબિત થાય છે કે જે વિષય ને સ્પર્શો તેમાંથી હાસ્ય નીપજાવી શકો —મઝા આવી ગઈ -અભિનંદન

 4. Harnish Jani says:

  ગુરુજીને નમસ્કાર .સુદર લેખ માટે ધન્યવાદ

 5. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  રતિલાલભાઈ,
  હાસ્યલેખકોને સમાજમાં હસી નાખવામાં આવે છે ! હા, તેમના જ હાસ્યલેખ વડે ! … પછી, આમ હાસ્યલેખકોની આપવીતી કાં ગાવી ? ખરૂ ને ? મજા આવી ગઈ. આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 6. સુબોધભાઇ says:

  ” બધા જ લાયનો પોત-પૉતાની સિહણો……… મારણ પર તુટી પડ્યા ”

  મજા પડી ગઇ.

 7. અનંત પટેલ says:

  આ લેખ બહુ ગમ્યો. મઝા આવી ગઇ..

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.