સમજણનું સુખ – મૂકેશ મોદી

(‘સમજણનું સુખ’ પુસ્તકમાં આપણને વિચારતા કરી મૂકે એવા કેટલાક સુંદર વિચારો રંગબેરંગી ચિત્રો સાથે રજૂ કરવામાં આવ્યા છે. અહીં એ પુસ્તકમાંથી કેટલીક સમજણ લેવાનો પ્રયાસ કર્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખને અંતે આપવામાં આવી છે. મૂકેશભાઈનો સંપર્ક તેમના ફોનનંબર +91 9428076940 અથવા આ સરનામે mukesh2771@gmail.com કરી શકો છો)

સારો સમય હોય, આનંદની પળો હોય, હળવાશની હાશ હોય ત્યારે મન ભરીને માણી લેવું. નહીંતર ચૅલેન્જિંગ સમય આવે ત્યારે તો લડી લેવાનું જ છે. મૂળ વાત છે આપણા આનંદની વચ્ચે આપણે આવવું નહીં.

*

દૂરનાઓના અને પ્રત્યક્ષ પરિચયમાં ન આવનારની સિદ્ધિઓને વખાણવી અને રીકગનાઈઝ કરવી સહેલું છે ; નજીકનાઓના અને પ્રત્યક્ષ પરિચયમાં આવનારના વખાણ કરવા છત્રીસની નહીં, બોત્તેરની છાતી જોઈએ !

*

હકારાત્મક, પ્રેરણાત્મક અને શ્રદ્ધા જગાડનારું સાહિત્ય વાંચ્યા પછી માનવજાત બદલાઈ ગઈ નથી. પણ આવું સાહિત્ય વાંચ્યા/સાંભળ્યા પછી આપણી વિચારવાની અને અનુભવવાની સ્થિતિમાં ફેરફાર તો જરૂર થાય છે.
જો ક્ષણિક તો ક્ષણિક પણ ફાયદો થતો હોય તો આવું સાહિત્ય વાંચીને નુકશાન શું ? આખરે ક્ષણોનો સરવાળો એટલે જ સ્તો જીવન ને ?

*

તમે જ્યારે ફરિયાદ કરો છો ત્યારે તમે નાસ્તિક છો. ભલે ને પછી, તમે ધાર્મિક જગ્યાએ અપ-ડાઉન કર્યા કરતા હો.

*

જેમ દૂરથી ડુંગરા રળિયામણા તેમ, નજીકથી સુંદર વ્યક્તિના ચહેરા ઉપર રહેલા નજીવા ડાઘ પણ અળખામણા, દૂરથી આપણે જે તે વ્યક્તિના વ્યક્તિત્વથી પ્રભાવિત અને અભિભૂત થઈએ છીએ ; નજીક જઈએ પછી જે તે વ્યક્તિ સાથે પનારો પડે છે.
દૂરનાઓના ગુણ એવા આંજી નાખે છે કે એમના દોષ તરફ નજર જ નથી જતી ; અને નજીકનાઓના દોષ એટલી નજીકથી જોવાય અને અનુભવાય છે કે એ વ્યક્તિના ગુણ ઢંકાઈ જાય છે.

*

‘હું’ પ્રેમ કરી જ કેવી રીતે શકે ?

*

કુદરત તક નથી આપતી, કુદરત ચેલેન્જ કરે છે.

*

જો તમે જ તમારું મૂલ્ય નહીં કરો તો બીજા શા માટે એ તસ્દી લેશે ? અને જો તમે જ તમારું મૂલ્ય કર્યા કરશો તો બીજા શા માટે એ તસ્દી લેશે ?

*

જે સુખ આપે એ દુઃખ પણ આપે. એ હિસાબે જો જાણવું દુઃખ આપે તો સુખ પણ આપી શકે.

*

સામેવાળો શું વિચારે છે એવું વિચારીને કામ કરે એ ચતુર કહેવાય, જે વ્યક્તિ સામેવાળાની પરિસ્થિતિને અંગે વિચારે છે એ દયાળુ કહેવાય.

*

તમારા ધ્યાનમાં આવશે કે આ ક્ષણને તમે માણી નથી શકતાં કારણ કે દરેક ક્ષણે ‘તમારી પાસે જે નથી’ એ અંગે જ વિચારી રહ્યા છો. ટેસ્ટ ઈટ !

*

હાસ્ય સુંદર છે કારણ કે એ પ્રતિક્રિયા નથી.

*

માફ કરવાના વલણને ખોટા અર્થમાં ચગાવી મારવામાં આવ્યું છે. આપણને શીખવવામાં આવ્યું છે કે માફ કરનાર મહાન છે.
હકીકતે, અન્યને માફ કરવાથી આપણે આપણી ઘૃણા અને ગુસ્સામાંથી મુક્ત થઈએ છીએ. માફ કરવાથી હળવાશની બક્ષિસ આપણને મળે છે.
અને સૌથી ભવ્ય માફી આપણે આપણી જાતને આપીએ છીએ તે છે ! ફરગીવ યૉરસેલ્ફ ! તમે જે પણ ભૂલો કરી છે, તમારામાં જે પણ અપરાધભાવ છે એ સરળતાથી જાતને માફ કરી દો ! જે જાતને માફ ન કરી શકે એ ખાક અન્યને માફ કરી શકવાનો ?

*

એક અદ્‍ભુત નિયમોની દુનિયામાં જીવીએ છીએ કે જ્યાં આપણા ગમા-અણગમાને આપણા વ્યક્તિત્વનો હિસ્સો માની લઈએ છીએ અને બાળકના ગમા-અણગમાને એના વ્યક્તિત્વ વિકાસમાં આડખીલીરૂપ બાબત !

*

સઘળું મેળવ્યા પછી જીવવાનું તો અહીં જ છે – તો પછી અહીં અને અત્યારે જે છે અને જ્યાં છીએ ત્યાં અને તેને માણવું કેમ નહીં ?

*

આપણે સ્ટ્રેસને relive નથી કરતા, આપણે સ્ટ્રેસને re-live કરીએ છીએ.

*

આપણે પણ કેવા વિરોધાભાસી ? વ્યસ્ત હોઈએ ત્યારે નવરા પડવાનું વિચારીએ અને નવરા હોઈએ ત્યારે ‘હવે શું કરીશું ?’ એ સમસ્યા સતાવે !

*

આપણે વિચારીને મજા કરીએ, બાળક મજાના વિચારો કરે.

*

જીવનની સાર્થકતા શું ? લોકો માને છે કે આ દુઃખ તમને ભાંગી જ નાંખશે, અને તમે તેમને ખોટા પાડો તે.

*

વ્યક્તિને આરામદાયક બનાવી શકાય, ખુશ નહીં. ખુશ તો વ્યક્તિએ સ્વયં થવું પડે.

*

જે સ્વને ચાહે એને ચાહવાની તો મજા ન્યારી !

*

જીવન તમને કેવી રીતે ટ્રીટ કરે છે એ અગત્યનું નથી, મહત્ત્વનું એ છે તમે જીવનને કેવી રીતે ટ્રીટ કરો છો.

*

જીવન અંગે વિચારવા સિવાય જે જીવાય એનું નામ જીવન.

*

જો તમારું જીવન મુશ્કેલીથી ભરેલું છે તો તમને તો જાણ હોવે જોઈએ કે અન્ય માટે સૉફ્ટ રહેવું કેટલું અગત્યનું છે !

*

આપણી માની લીધેલ માન્યતાઓ સિવાય બીજું એકેય બંધન છે જ નહીં ! લેટસ ફ્રી ફ્રોમ સેલ્ફ !

*

જન્મજાત આર્થિક રીતે સુખી વ્યક્તિમાં સમજણનો વિકાસ થાય પણ અને ન પણ થાય, પરંતુ સમજણ કેળવનાર તો સુખી થવાનો જ છે.

*

સાચો સ્નેહી કોણ ? જે તમારા દુઃખના સમયે તમને હૂંફ તો આપે, પણ તમે દુઃખનું મૂલ્ય સમજો એ માટે સ્પેસ પણ આપે.

*

દરેકને પોતાની આગવી પીડા છે. પોતાની પીડાને પીછાણવી એટલે પોતાને ઓળખવાની શરૂઆત કરવી.

*

બાળક, પતંગિયુ અને શાંતિને પકડવા જઈએ તો તેઓ આપણને થકવી નાંખે. પણ, જો માત્ર ધરપત રાખી બેસી જઈએ તો તેઓ સ્વયં ખોળામાં આવીને ગેલ કરે.

*

જેમ વિન્ડ ગ્લાસ ઉપર પડૅલી ડસ્ટ સૂર્ય-પ્રકાશમાં જ દેખાય છે એમ ભીતર પડેલી ડસ્ટ અંદર જરીક અજવાળું થાય પછી જ નજરે પડે.

– મૂકેશ મોદી

[કિંમત રૂ.૨૦૦/-, પ્રાપ્તિસ્થાન : WBG પબ્લિકેશન, એ-૩૧, રાધિકા બંગ્લોઝ, નિકોલ-નવા નરોડા, અમદાવાદ. ફોન : +91 9173404142. ઈ-મેઈલ : info@wbgpublication.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “સમજણનું સુખ – મૂકેશ મોદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.