- ReadGujarati.com - http://www.readgujarati.com -

સંત જ્ઞાનેશ્વર – અજ્ઞાત

(‘તથાગત’ સામયિક, નવેમ્બર ડિસેમ્બર ૨૦૦૮ના અંકમાંથી સાભાર)

સંત જ્ઞાનેશ્વરનો જન્મ ઈસવી સન ૧૨૭૫ માં મહારાષ્ટ્રના આળંદી ગામમાં થયો હતો. પિતાનું નામ વિઠ્ઠલપંત તથા માતાનું નામ ખુમાબાઈ. ચાર સંતાનોમાં જ્ઞાનદેવ બીજા ક્રમના. પિતાએ સંન્યાસ લીધા પછી ફરી સંસાર શરૂ કર્યો હોવાથી તેમને સામાજિક વિરોધનો સામનો કરવો પડ્યો. આથી માતા પિતાએ જળસમાધિ લીધી હતી. તેમના ચારેય બાળકો પછીથી આપબળે જ મોટાં થયાં. જ્ઞાનેશ્વરના મોટાભાઈ જ તેમના આધ્યાત્મિક અને પારમાર્થિક ગુરુ હતા.

જ્ઞાનેશ્વર નાનપણથી જ ઊંડું આધ્યાત્મિક જ્ઞાન તથી કુશાગ્ર બુદ્ધિ ધરાવતા હતા, તે સમયના રૂઢિચુસ્ત સમાજમાં તેમનાં માતા પિતાને કારણે તેમનો ખૂબ વિરોધ થયો હતો. તેમના વિશે અનેક કિસ્સાઓ પ્રચલિત છે.

એક દિવસ આ બાળકો ગોદાવરી નદીના તટ પર બેઠાં હતાં ત્યારે ગામના તોફાની યુવકોએ તેમની મશ્કરી કરવાના હેતુથી ત્યાં ઊભેલા એક પાડા તરફ નિર્દેશ કરીને ‘તેનું નામ પણ જ્ઞાનેશ્વર જ છે.’ એવું ઉપહાસમાં કહ્યું અને પૂછ્યુંથ કે તમારાં બંનેનાં નામ સરખાં જ છે તો શું તમે બંને સરખાં જ છો ? જ્ઞાનેશ્વરે જવાબ આપ્યો કે શરીરથી ભલે અમે જુદા છીએ છતાં બંનેનું આત્મરૂપ સરખું છે. તોફાનીઓએ જ્ઞાનેશ્વરને કહ્યું કે લોકો કહે છે તે મુજબ જો તમે ખરેખર બાલયોગી હો તો પાડાના મુખે વેદપઠન કરાવો. આ સાંભળીને જ્ઞાનેશ્વરે પાડા પાસે જઈ તેના મસ્તક પર હાથ ફેરવ્યો અને જોતજોતામાં પાડાના મુખમાંથી ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદની ઋચાઓનું પઠન થવા લાગ્યું ! આ ચમત્કારથી તોફાનીઓએ શરમથી માથાં ઝુકાવ્યાં અને પશ્ચાત્તાપ કર્યો.

મોટાભાઈની આજ્ઞા મુજબ જ્ઞાનેશ્વરે ગામના શિવમંદિરમાં બેસીને ગીતાનું ૯૦૦૦ જેટલી ઓવી(કડી)ઓમાં મરાઠી ભાષાંતર કર્યું. જ્ઞાનેશ્વરના મુખમાંથી ઉચ્ચારાયેલા શબ્દે શબ્દને સચ્ચિદાનંદ બાબા નામના તેમના અનુયાયીએ અક્ષરદેહ આપ્યો અને ‘ભાવાર્થદીપિકા’ નામના ગ્રંથની રચના કરી. તે જ્ઞાનેશ્વરરચિત હોવાથી ‘જ્ઞાનેશ્વરી’ નામથી ઓળખાય છે.

‘જ્ઞાનેશ્વરી’ની રચના પછી નામદેવ, ચોખા મેળા, નરહરિ સોનાર અને ગોરા કુંભાર જેવા તે જમાના સંતો જ્ઞાનેશ્વરના અનુયાયી બન્યા. આ બધાએ સાથે મળીને ભારતવર્ષનાં તાર્થક્ષેત્રોનું પર્યટન કર્યું.

જ્ઞાનેશ્વરની કીર્તિ સર્વત્ર પ્રસરી. તે જમાનાના એક હઠયોગી ચાંગદેવે પણ જ્ઞાનેશ્વરને મળવાનું નક્કી કર્યું. અહંકારી ચાંગદેવે મુલાકાત પૂર્વે પત્ર દ્વારા જ્ઞાનેશ્વરને પોતાના આગમનની સૂચના આપવા પોતાના શિષ્ય સાથે જ્ઞાનદેવને કોરો કાગળ મોકલ્યો. જ્ઞાનદેવે તેના જવાબમાં ૬૫ ચોવીઓ (પંક્તિઓ)ની રચના કરી. ‘ચાંગદેવ પાસષ્ઠી’ નામથી ઓળખાતી આ રચનાઓ વાંચતાં જ ચાંગદેવનો અહંકાર નાશ પામ્યો. એટલું જ નહિ પરંતુ જ્ઞાનેશ્વરની ઉચ્ચકોટિની જ્ઞાનસાધના પ્રત્યે તેમના મનમાં આદરભાવ જાગ્યો.

હવે પોતાનું જીવનકાર્ય પૂરું થયું હોવાથી પોતે સમાધિ લેવી જોઈએ એવો વિચાર જ્ઞાનેશ્વરને આવ્યો. ત્યારે તેમની ઉંમર માત્ર ૨૨ વર્ષની હતી. સમાધિ લેવા માટેના દિવસ પૂર્વે નામદેવ જેવા બધા જ તત્કાલીન સંતો જ્ઞાનેશ્વરનાં અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા. ગામના સિદ્ધેશ્વરના મંદિર પાસે નિર્ધારિત દિવસે આ મહાન સત્પુરુષ બધા સંતોની ઉપસ્થિતિમાં ઈસવીસન ૧૨૯૬ માં ગુફામાં પ્રવેશ કરી બ્રહ્મલીન થયા.

મહારાષ્ટ્રના ભક્તિ સંપ્રદાયના તથા ભગવદ્ધ૧ર્મના પ્રવક્તા એવા સંત જ્ઞાનેશ્વર સાવ અલ્પ જીવનકાળ છતાં અત્યંત તેજસ્વી જીવન જીવી ગયા.

– અજ્ઞાત