
(‘યુ-ટર્ન’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)
એક માણસ બૅન્કમાં ગયો. પોતાના અકાઉન્ટમાંથી થોડીક રકમ ઉપાડવા માટે સેલ્ફનો ચેક લઈને તે કાઉન્ટર પાસે ઊભો રહ્યો. એ વખતે કૅશિયર થોડે દૂર સ્ટાફના બીજા મિત્રો સાથે ટોળટપ્પાં કરવામાં બિઝી હતો. પંદર-વીસ મિનિટ સુધી પેલો માણસ રાહ જોતો રહ્યો. તે મનમાં અકળાઈ રહ્યો હતો : કૅશિયર કેવો બિનજવાબદાર છે ! દૂરથી તેને કાઉન્ટર પાસે ઊભેલો આ માણસ દેખાતો હતો છતાં તેને કશી પરવા નહોતી. ડ્યૂટી-અવર્સ દરમ્યાન સ્ટાફમિત્રો ગપ્પાં મારીને ક્લાયન્ટને હેરાન કરે એ નિયમવિરુદ્ધ હતું. પેલા માણસનો રોષ વધતો જતો હોવા છતાં તે ખામોશ રહ્યો. તેણે વિચારી લીધું કે આ કૅશિયરને અવશ્ય પાઠ ભણાવવો પડશે. એ દિવસે પૈસા લઈને તે કશું જ બોલ્યા વગર ઘરે પાછો આવ્યો. પછી તેણે કૅશિયરના નામે બૅનકના સરનામે એક સાદો પત્ર લખ્યો. એ પત્રમાં કોઈ પણ પ્રકારનો રોષ ન આવી જાય એની તેણે ચીવટ રાખી.
તેણે માત્ર એટલું જ લખ્યું હતું, ‘ગઈ કાલે હું મારા સેવિંગ્સ અકાઉન્ટમાંથી રકમ ઉપાડવા બેન્કમાં આવ્યો ત્યારે તમે તમારા સ્ટાફમિત્રો સાથે કશીક અગત્યની ચર્ચામાં મગ્ન હતા, છતાં મને માત્ર પચ્ચીસ મિનિટમાં જ રકમ મળી ગઈ. બીજી કોઈ બેન્કમાં મારે આ કામ કરાવવાનું હોત તો ત્યાંના કૅશિયરની બેફિકરાઈ અને બિનજવાબદારપણાને કારણી મારે ઘણો વધારે સમય કદાચ રાહ જોવી પડી હોત. તમે ચર્ચા અધૂરી મૂકીને આવ્યા અને મને રકમ આપી એમાં તમારી નિષ્ઠા અને સદ્ભા વ મને દેખાયાં. હું તમારો આભાર માનું છું અને તમારી ફરજનિષ્ઠાને બિરદાવું છું.’
પોતાનું નામ, અકાઉન્ટ નંબર વગેરે લખ્યાં, પછી પત્ર પોસ્ટ દ્વારા મોકલી આપ્યો.
એકાદ અઠવાડિયા પછી આ માણસ બૅન્કમાં ગયો ત્યારે પેલો કેશિયર ખૂબ ગળગળો થઈને તેને ભેટી પડ્યો, પોતાની બેદરકારી માટે માફી માગી અને ફરીથી કોઈની સાથે એવી બિહેવિયર નહિ કરવાની ખાતરી ઉચ્ચારી.
ગુસ્સે થઈને ગાળો બોલી શકાય, તેનું ઈન્સલ્ટ કરી શકાય, તેને નિયમો અને કાનૂન વિશે મોટા અવાજે વાત કરીને ઉતારી પાડી શકાય, થોડીક વાર માટે પોતાનો રુઆબ બતાવી શકાય, ત્યાં ઊભેલા અન્ય અજાણ લોકો ઉપર વટ પાડી શકાય ; પણ આ બધું કર્યા પછીયે કૅશિયરને સુધારી શકાયો ન હોત. કદાચ તે વધુ બેફામ અને બેદરકાર એટલે કે નફ્ફટ થઈ ગયો હોત. પણ આ સફળ ઉપાય હતો.
આવી જ એક બીજી ઘટના છે. એક મૅડમ સાડીઓના મોટા શોરૂમમાંથી એક મોંઘી સાડી લાવ્યાં, પરંતુ પહેલી જ વખત ધોયા પછી એ સાડી બગડી ગઈ. વેપારીએ આપેલી ગૅરન્ટી ખોટી પડી. એ મેડમે પોતાના ડ્રાઈવર સાથે શોરૂમના માલિકને એક પત્ર મોકલ્યો : ‘તમારી દુકાનેથી મેં સાડી ખરીદી હતી. આ સાથે તેનું બિલ પરત મોકલું છું. તમારા શોરૂમના સેલ્સમૅને ગેરન્ટી આપી હતી છતાં સાડી બગડી ગઈ છે, પરંતુ બિલ મારી પાસે હોય ત્યાં સુધી મને છેતરાઈ ગયાની ફીલિંગ ડંખ્યા કરે અને બીજું કોઈ જુએ તો તમારા શોરૂમની પ્રતિષ્ઠાને કલંક લાગે. એક સાડી બગડવાથી મને તો બે-ત્રણ હજારનું જ નુકસાન થયું છે, પણ એટલા જ કારણે તમારા શોરૂમની પ્રતિષ્ઠા ઝંખવાય તો તમને મોટું નુકસાન થાય. મને હજીયે તમારા સેલ્સમૅન પર ભરોસો છે. કદાચ તેણે ભૂલથી મને વધુ પડતી ગૅરન્ટી આપી હોય. તમે પ્રામાણિક વેપારી તરીકે વધુ કામિયાબ થાઓ એવી શુભેચ્છાઓ.’
શોરૂમનો માલિક એ પત્ર વાંચીને ગદ્ગદ થઈ ગયો. તેણે એ જ રાત્રે પોતાના સેલ્સમૅન દ્વારા વધુ કીમતી એક નવી સાડી મોકલી આપી, સાથે દિલગીરીના થોડાક શબ્દો પણ.
ગુસ્સો કદી ચમત્કાર ન કરી શકે, નમ્રતા જ ચમત્કાર કરી શકે. કોઈ નફ્ફટ માણસની સામે નફ્ફટ થવાનું સરળ છે ખરું, પણ નફ્ફટ માણસની સામે પણ સજ્જન બની રહેવાનું અશક્ય તો નથી જ ને ! ગુસ્સે થઈને આપણે આપણી એનર્જી વેસ્ટ કરી છીએ, આપણું બ્લડપ્રેશર વધારી છીએ અને એટલું કર્યા પછીયે પૉઝિટિવ રિઝલ્ટની ગૅરન્ટી તો નથી જ મળતી.
કોઈ પણ વ્યક્તિને પોતાની અપ્રીસિએશન થાય એ ગમતું જ હોય છે. પોતે ખરાબ અને ખોટા હોવા છતાં ટીકા સાંભળવાની તૈયારી કદી નથી હોતી. કદર કરવામાં કરકસર કરવાની જરૂર નથી. કદર કરીને આપણે કેટલાક ચમત્કારો કરી શકીએ છીએ. દરેક વખતે ચમત્કાર કરવા કુદરત પોતે આપણી સમક્ષ હાજર થતી નથી. કેટલાક ચમત્કાર તો માણસ દ્વારા જ કરાવે છે. શક્ય છે કે આપણા હાથે પણ આવો કોઈ ચમત્કાર કરાવવા ઉત્સુક હોય. ચમત્કાર કરવાનું આ સિમ્પલ લૉજિક માફક આવી જાય તો આવેશની ક્ષણે પણ આપણે આત્મવિશ્વાસથી કહી શકીશું : નો પ્રૉબ્લેમ.
– રોહિત શાહ
[કુલ પાન ૧૪૪. કિંમત રૂ.૧૦૦/- પ્રાપ્તિસ્થાનઃ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩, rohitshah.writer@gmail.com]
16 thoughts on “ચમત્કાર તો તમે પણ કરી જ શકો છો ! – રોહિત શાહ”
સરસ્.લેખમા બન્ને દ્રશ્તાત જિવન્મા ઉપયોગેી બનેી શકે.ચમત્કાર વગર નમસ્કાર નહેી.
નમે તે સૌને ગમે.
અત્યંત અસરકારક રજૂઆત, ખરેખર વાસ્તવિક જીવનમાં અમલમાં મુકવાલાયક…
સાવ સાચું જ કહેવાયું છે , નમે તે સૌને ગમે…
એતલેજ કહેવાયુ ચ્હે ક્ષમા વિરસ્ય ભુશનમ્
કાણાને કાણો નવ કહિયે, કડવા લાગે વેણ
હળવે રહીને પુછીએ ‘શેણે ખોયાં નેણ?’
ગુસ્સાને કાબુમાં લઈ વ્યંગ વગર કદરની ભાષા વાપરવી બહુ ઓછાને સાધ્ય હોય છે પણ વાપરી શકાયતો બંને પક્ષે મહદ અંશે સારું પરિણામ મળે છે.
ઘણી સારી વાત છે. ઉદાહરણથી સારો પ્રકાશ પાડ્યો છે. મને મારો એક સ્વાનુભવ યાદ આવે છે. અમારે ત્યાં બાથરૂમનું બારણુ બદલાવવાનુ હતુ. એને મટીરીઅલ પેટે નક્કી કરેલ કામના ૫૦% એડવાન્સમાં લીધા બાદ થોડુંક કામ કરીને તે નચિંત થઈ ગયો. તેની દુકાને કેટલીએ વાર ધક્કા ખાધા પણ ખોટા વાયદા સિવાય કામ આગળ ચાલતુ ન હતુ. આખરે એક દિવસ એની દુકાને જઈ મેં એને કહ્યું, ‘ આ લો હિસાબના બાકીના લેણા નીકળતા ૫૦%. તમને આવા નાના કામ માટે કારીગર મોકલવાનો સમય નથી મળતો. માલના પૈસા પહેલા આપી દીધા છે. બાકીના મજૂરીના લઈ લો કેમેકે તમારે માણસોને ચૂકવવાના તો હશેને? જ્યારે ફુરસદ મળે ત્યારે કામ પૂરુ કરજો. મને કોઈ ઊતાવળ નથી. કદાચ સમય ના મળે તો કશો વાંધો નથી. બિચારા માણસોની મજૂરીના પૈસા શા સારું રોકવા?’
એને પૈસા ન લીધા પણ હું ધરે પહોંચ્યો નથી ને કારીગરો ઘરે કામ પર આવી ગયા!
પ્રિયકાન્ત બક્ષી.
ખરેખર … ગુસ્સો કરવા કરતા કઈક આવો ચમરત્કાર કરવો જોઇએ..
ખરેખર વાસ્તવિક જીવનમાં અમલમાં મુકવાલાયક…
દરેક વ્યકિતએ શિખવા જેવુ!!! જિન્દગિને સરલ બનવવાનિ સાદિ અને મફત સ્કિમ!!! જય કુદરત…..
સરસ્….
પ્રેમ થિ અને સમજાવતટ થીૅ કામ સરળ બને છે
very very nice article,
thank you.
very nice concept. Think positive and live the life. be kindness with all. thank you very much
ગાંધી ગીરી. આજ કાલ આ ગાંધી ગીરી ખુબ પ્રખ્યાત થઈ ગઈ છે. માણસને સીધો કાન ન પકડાવતા ઉલટો કાન પકડાવવાથી વધુ અસર થશે. સેન્સીટીવ માણસને ખોટા વખાણથી શરમ લાગશે. સુંદર.
Nice story learn new things today…Cool thanks
વાત સાચી છે. અમે શાળામાં ભણતા હતા ત્યારે, ડેલ કાર્નેગી નું એક પુસ્તક વાંચ્યું હતું. ( How to Make Friends & win people ) જેનો ગુજરાતી અનુવાદ પણ હતો. આ પુસ્તક જીવનમાં ઉતારિયે તો અહીં દર્શાવેલા બે પ્રસંગ ની જેમ તમારા જીવનમાં રોજ ઘણા પ્રસંગો બનતા રહેશે. બંધ તમારા મિત્રો જ હશે, દુશ્મન શોધ્યો ય નહિ જડે.