બિલાડીનો એક પગ.. તેનાલીરામની વાત

(‘તથાગત’ સામયિકમાંથી સાભાર)

ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે. દક્ષિણ ભારતના એક નાનકડા ગામમાં રૂના ચાર વેપારીઓ રહેતા હતા. ચારેય મિત્રો હતા. રૂ સાચવવા માટે તેમણે સાથે મળીને એક ગોદામ ખરીદ્યું. ગોદામની બહાર એક નાનકડી ઓરડીમાં એક ચોકીદારને રહેવાની વ્યવસ્થા કરી. ચોકીદાર તેની પત્ની સાથે ત્યાં રહે.

એકવાર ચોકીદારે તેમની પાસે આવીને ગોદામમાં ચાર-પાંચ ઉંદરો જોયાની વાત કરી. ચારે મિત્રોએ નક્કી કરી તેને એક બિલાડી પાળવાનું જણાવ્યું. ચોકીદાર એક બિલાડી લઈ આવ્યો. મિત્રોએ ચર્ચા કરી કે આ બિલાડીનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તે ચાલી જશે તો ઉંદરો બધો માલ સાફ કરી નાખશે. એક મિત્રે કહ્યું કે આ માટે આપણે ચારેયે સરખી જવાબદારી ઉઠાવવી જોઈએ. બીજાએ ટાપસી પૂરતાં કહ્યું કે સાચી વાત છે, સહુનો માલ છે તેથી સહુની જવાબદારી સરખી. એક મિત્રએ સૂચન કર્યું, ‘એમ કરીએ, આપણે ચારેય જણ બિલાડીનો એક એક પગ વહેંચી લઈએ.’ બધાને આ સૂચન ગમી ગયું અને દરેકે બિલાડીનો એક એક પગ વહેંચી લીધો. દરેકે પોતાના ભાગે આવેલા પગને પોતાની પસંદગી મુજબની વિવિધ વસ્તુઓથી સુશોભિત કર્યા.

એક વખત બિલાડીનો આગળનો એક પગ કંઈ વાગી જતાં થોડો છોલાઈ ગયો. જેના ભાગનો તે પગ હતો તેણે ત્યાં મલમ લગાવ્યો અને પાટો બાંધી દીધો. હવે બન્યું એવું કે એ દિવસે ચોકીદારની પત્નીએ ખીર બનાવી હતી. ખીરની સુગંધ આવતાં બિલાડી રસોડા તરફ દોડી. ચૂલા પર ઊકળી રહેલી ખીરના તપેલા પરનું ઢાંકણ હટાવવા બિલાડીએ જ્યારે તેનો આગલનો પગ ઊંચો કર્યો કે તરત જ ચૂલાની ઝાળ તેના પગના પાટાને લટકી રહેલા છેડાને લાગી ગઈ. તેનો પગ દાઝવા લાગ્યો. બિલાડી પીડાની મારી બેવડ વળી ગઈ. દર્દથી બચવા તેણે ગોદામ ભણી દોટ મૂકી ને રૂના ઢગલામાં પગ મૂક્યો કે તેના પાટાને લાગેલી ઝાળ રૂને લાગી ગઈ અને પળભરમાં તો ભડ ભડ કરતું આખુંય રૂનું ગોદામ બળીને રાખ થઈ ગયું !

વેપારીઓ આ વાત સાંભળીને ગોદામ પર દોડી આવ્યા. પોતાના માલની આવી હાલત જોઈ સહુ ખૂબ જ આઘાત પામી ગયા. તેમાના બે મિત્રો થોડાક ચાલાક હતા. તેમણે અંદર અંદર ચર્ચા કરી, બિલાડીના ઘવાયેલા પગના માલિક એવા મિત્રને કહ્યું કે આખો બનાવ તારા ભાગે આવેલા પગને કારણે બન્યો છે, માટે તારે બાકીના ત્રણેય વેપારીઓના માલની કિંમત ભરપાઈ કરવી પડશે. પેલો વેપારી તો વિચારમાં પડી ગયો કે પોતાને તો આટલું નુકસાન થયું જ છે તેવામાં આ બધાના પૈસા હું કેવી રીતે ભરું ? તેણે મિત્રોને સમજાવ્યા કે તમે તમારી જીદ છોડી દો. મારી પાસે કંઈ હોત તો પહેલાં તમને જ આપત. પણ અત્યારે હું પણ તમારા જેવો જ થઈ ગયો છું. માટે ભરપાઈ કરવાની આ વાત જવા દો. પરંતુ આ ત્રણ વેપારીઓએ તો તેમની જીદ પકડી રાખી. અંતે મામલો ગયો એ વખતના મશહૂર પ્રજાપ્રેમી અને ન્યાયપ્રિય રાજા કૃષ્ણદેવરાય પાસે.

રાજાએ તેઓની વાત શાંતિથી સાંભળી. પછી આ કિસ્સાનો ન્યાય કરવાનું કામ તેમના દરબારના ‘બીરબલ’ એવા તેનાલીરમનને સોંપ્યું. તેનાલીરામે આખીયે વાત પર શાંતિથી વિચાર કર્યો. પછી પેલા ત્રણ દાવેદાર મિત્રોને પૂછ્યું, ‘બિલાડી જ્યારે દોડતી દોડતી ગોદામ તરફ ગઈ ત્યારે તેણે તેના વાગેલા પગનો ઉપયોગ કર્યો હતો ?’ પેલા ત્રણેય વેપારીઓ તે પગને જખ્મી સાબિત કરવાની કોશિશમાં હતા તેથી તરત જ બોલ્યા, ‘ના ના, જરા પણ નહીં, બિલાડી એ પગ ઊંચો રાખીને જ દોડી હતી.’

‘તો પછી’ તેનાલીરામે હસતાં હસતાં કહ્યું, ‘તમારા ભાગના એ ત્રણ પગ વડે જ દોડીને એ ગોદામમાં ગઈ, જેથી આગ લાગી ગઈ. પેલા જખ્મી પગે તો બિલાડીને ગોદામમાં જવામાં જરાપણ મદદ કરી ન હતી, ખરું ને !’ ત્રણે દાવેદાર મિત્રો માથું ખંજવાળવા લાગ્યા. તેમણે એવું કદાપિ વિચાર્યું નહોતું.

તેનાલીરામે આગળ કહ્યું, ‘આનો અર્થ એ થયો કે તમારે ત્રણેયે મળીને આ વેપારીના માલની કિંમત ભરપાઈ કરવી જોઈએ અથવા આ ફરિયાદ પાછી ખેંચી લેવી જોઈએ.’
પેલા ત્રણેય વેપારીઓએ ફરિયાદ પાછી ખેંચી લીધી અને રાજાને પ્રણામ કરી સહુ પોતપોતાને ઘરે ગયા.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ચમત્કાર તો તમે પણ કરી જ શકો છો ! – રોહિત શાહ
બેસી રહેવાની કળા – કલ્પના દેસાઈ Next »   

8 પ્રતિભાવો : બિલાડીનો એક પગ.. તેનાલીરામની વાત

 1. Sanjay Bhimani says:

  વાહ તેનાલીરામ
  અદ્દભૂત સમજ
  સહજ ન્યાય

 2. BHarat Rana says:

  પરિસ્થિતિ મા કઐક અલગ વિચારનાર તેનલિ રામા

 3. ખોટી દાદ માગનારા બળવાન,વગદાર અને બોલકા હોય છે,તેથી તેમને ખાતરી હોય છે કે તેમની માગણી રાજ્ય પણ ઉવેખી નહિ શકે.પણ તેનાલીરામ ચતુર અને ન્યાયપ્રિય છે તેથી યોગ્ય ન્યાય અપાવી શકે છે.

 4. pjpandya says:

  તેનાલિરામ્નિ ન્યાય પ્રિયતાને સલામ્

 5. Bhumika Patel says:

  ખુબ જ સરસ્….

 6. rajendra shah says:

  સરસ્….

 7. jigar says:

  સરસ…..

 8. reena says:

  Jordar mind….

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.