બેસી રહેવાની કળા – કલ્પના દેસાઈ

(‘ગુજરાત’ દીપોત્સવી અંકમાંથી)

હું કોઈ ભવિષ્યવેત્તા નથી અને મને મારું ભવિષ્ય જાણવામાં રસ પણ નથી, એટલે આવનારાં વર્ષો પર નજર નાંખવાને બદલે ઘણી વાર, હું મારાં વીતેલાં વર્ષો પર નજર બેઠાં બેઠાં નાખી લઉં છું. નજર હટાવવાનું મન ન થાય એવાં વર્ષોમાં, મને જન્મજાત મળેલી અને જરૂરિયાત મુજબ સમયે સમયે મેં કેળવેલી કેટલીક અદ્‍ભુત કળાઓને યાદ કરતાં મારું મન આનંદ અને સંતોષથી ભર્યું ભર્યું થઈ જાય છે. આહાહા…! આટલાં વર્ષોમાં મેં કેટલી બધી કળાઓ બેઠાં બેઠાં જ જાણી, માણી અને વિકસાવી. આ બધી કળાઓમાં જો મને કોઈ કળા ગમી હોય તો તે છે, બેસી રહેવાની કળા. એક વાર જે આ કળા જાણી જાય છે, તે પછી બીજી કળાઓ પ્રત્યે ઉદાસીનતા સેવે છે. જે આનંદ બેસી રહેવાની કળામાં મળે છે, તે દુનિયાની કોઈ કળામાં મળતો નથી. નિજાનંદ કોને કહેવાય તે આ કળા ઝટ શીખવી દે છે. બીજી બધી કળાઓમાં પૈસાની જરૂર પડે છે અને ઘણી વાર તો પૈસાની બરબાદી પણ થાય છે. જ્યારે આ કળાને સ્થળ, કાળ અને પૈસા સાથે, એકેય પૈસાની લેવાદેવા નથી. જે તકલીફ થાય છે તે આ કલાકારને લાગતાવળગતાને થાય છે ! આ કળાની ભીતર જઈએ તો જાણવા મળે કે, બીજી કઈ કઈ કળાઓ આ કળા સાથે પણ જોડાયેલી છે.

જેમ કે, બાળક જન્મતાં જ રડે એને કળા ન કહેવાય ; એને બક્ષિસ કહેવાય. સમય જતાં, રડતી વખતે ભેંકડો ક્યારે તાણવો ને ડૂસકાં ક્યારે ભરવાં, આજુબાજુ જોતાં જોતાં ક્યારે રડવું ને કોઈને બીવડાવવા, ક્યારે ને કેવી રીતે રડવું અથવા ધમપછાડા કરવા ને રડીને ત્રાંગાં કરવાં જેવી આવડતો કળામાં ગણાવા માંડે. રડીને પોતાનું કામ કઢાવી લેવાની આવડત કે રડીને કોઈ કામ કરવાની મનાઈ કરવાની આવડત પણ કળામાં જ ગણાય. રડવાનું શાસ્ત્ર બહુ અદ્‍ભુત છે. કેટલાય ગ્રંથો ભરાય, એટલી વિવિધ રીતે રડવાની આવડતોનો ભંડાર એમાં ભર્યો છે. આ તો ફક્ત બે-ચારની ઝલક માત્ર. રડવાની કળા તો મેં પણ વિકસાવી રાખેલી, જેનો મને ઘણી વાર લાભ મળ્યો છે અને બાળપણમાં ઘણી વાર મેથીપાક પણ મળ્યો છે. ખેર, એક કળા તરીકે મને રડવાની કે રડાવવાની કળા ગમે ખરી. દૂર બેસીને તમાશો જોવાનો હોય ત્યારે તો એ કળાના જાણકારોએ મને આનંદ પણ આપ્યો છે, ખોટું કેમ કહેવાય ? આ કળામાં બેસી રહેવાની કળાનો પણ સમાવેશ થઈ જાય ! પ્રાયઃ કહેવાતું હોય છે, ‘એમ રડવા શું બેઠાં ?’ અથવા ‘જ્યારે ને ત્યારે રડવા બેસી જા. કંઈ કામ ધંધો છે કે નહીં ?’ એ લોકો શું જાણે કે, રડવાનું કામ જ કેટલું મોટું, નિરાંતે ને બેઠાં બેઠાં કરવાનું જ કામ છે !

જ્યારે, ચૂપ રહેવાની કળા વિશે તો ઘણું બોલાયું છે, સાંભળાવાયું છે ને લખાયું પણ છે. છતાં એને બેસવા સાથે જોડીને મોટે ભાગે બોલાય કે, ‘તમે ચૂપ બેસો તો સારું.’ એટલે એક વાક્યમાં બે ક્રિયાનો નિર્દેશ છે ! ચૂપ રહેવા બાબતે ટૂંકામાં ટૂંકું વાક્ય છે, ‘ચૂપ બેસ.’ એમાં પણ એ જ બે ક્રિયા ! આના પરથી એક તારણ નીકળે કે, ચૂપ રહેવા માટે બેસવું જરૂરી છે. બેઠાં બેઠાં ચૂપ રહેવાનું સહેલું પડતું હશે. જ્યારે બોલવા માટે એવું કોઈ બંધન નથી. કોઈ બોલતું હોય ત્યારે એને કોઈ નથી કહેતું કે, ‘બેસીને જ બોલો કે, ઊભા રહીને જ બોલો.’ જેને જેમ બોલવું હોય, જ્યારે બોલવું હોય ને જેટલું બોલવું હોય, બોલવાની છૂટ ! ફક્ત સામેવાળા કે, સાંભળવાવાળા કંટાળે ત્યારે મનમાં (કે મોઢા પર જેવા સંજોગો કે જેવો સંબંધ !) બોલે કે, ‘હવે ચૂપ બેસો તો સારું.’ ચૂપચાપ બેસવાની કળા વિશે વિગતે જણાવું તે પહેલાં બેસી રહેવાની કળા વિશે જાણીએ.

બેસી રહેવાની કળા જાણનાર દુનિયાની નજરે એક નંબરનો આળસુ છે ! કેમ જાણે કે, ઊભેલાં લોકો કે સૂતેલાં લોકો કે ચાલતાં-ફરતાં લોકો બહુ મોટી ઘાડ મારી નાંખતાં હોય ! કોઈ પણ કામ હાથમાં ન હોય એવી સ્થિતિમાં બેસી રહેનાર પર દુનિયા તરત જ નજર બગાડે છે. ‘એમ નવરા શું બેસી રહ્યા છો ? કંઈ કામ ધંધો છે કે નહીં ?’ પછી તો કરવા જેવાં અને ન કરવા જેવાં કામોનું પણ લિસ્ટ ગણાવા માંડે, ‘આટલાં બધાં કામ પડ્યાં છે ને તમે એમ હાથ જોડીને બેસી રહ્યા છો ?’ મૂળ મુદ્દો છે કે, હાથ જોડીને કે જોડ્યા વગર પણ બેસી નહીં રહેવાનું. બેસવાનું બહુ જ મન થાય અને ચાલે તેવું ન જ હોય તો, ગૂપચૂપ એકાદ જગ્યા શોધીને બેસવું, જ્યાં કોઈની નજર ન પડે. એમ તો નજર બગાડવાવાળા પણ કોઈ કામ કરતાં જ હોય તે જરૂરી નથી પણ, નવરા બેઠેલાંને સલાહ આપવાનું ભારે કામ, આ બેસી રહેલા નવરા લોકો કરતાં હોય છે !

દર વખતે જ બેસી રહેલા એટલે કે નવરા-કામ વગરના – બેસી રહેલા લોકો, મનથી પણ નવરા હોય એ જરૂરી નથી. બેઠાં બેઠાં આ લોકો આખી દુનિયા ઘૂમી વળે છે. આકાશની પેલે પાર પહોંચી જાય છે. દરિયાનો તાગ મેળવી લે છે. જુદા જુદા પાત્રો નિભાવી, જુદાં જુદાં કામ પણ પતાવી નાંખે છે. કોઈના મનમાં કે કોઈના શરીરમાં પણ આત્માની જેમ પ્રવેશી એનું જીવન જીવવા માંડે છે ! બહુ પ્રચલિત વાક્ય છે, ‘હમણાં એની જગ્યાએ હું હોઉં ને તો…!’ બેઠાં બેઠાં પ્રધાનમંત્રી કે ક્રિકેટર કે એક્ટર આવા બેસી રહેલા લોકો જ તો બનતા હોય છે ! પતિ-પત્ની કે સાસુ-વહુના ઝઘડાના મૂળમાં બીજું શું છે ? બેસી રહેવાની કળા જાણનાર કલાકાર સદાય બીજાની આંખમાં ખૂંચતો હોય છે અને પરિણામ ? ઝઘડા ! બેસી રહેવાની કળા ઝઘડવાની કળાને પ્રોત્સાહન આપે છે એમ કહી શકાય ? બેસી રહેનારા ક્યારેય નવરા નથી હોતા. ખાસ તો એમનું દિમાગ સતત કામ કરતું હોય છે. એમની આંખો ચકળવકળ ફર્યા કરતી હોય, જે હંમેશાં કોઈને કોઈ શિકારની શોધમાં જ હોય. કોણ શું કરે છે ? કોણ ક્યાં જાય છે ? કોણ ક્યારે આવ્યું ? કોણ સાજું છે ને કોણ માંદું છે ? આના જેવી અનેક ઝીણી ઝીણી બાતમી આ બેસી રહેનાર બાતમીદાર પાસેથી મળી રહે છે.

જોકે, મોટામાં મોટો ફાયદો જો કોઈ થતો હોય તો તે છે ઘર, વસ્તુ કે જગ્યા સાચવવાનો ! મોટે ભાગે, બેસી રહેનારા કે લાંબો સમય બેસી શકનારા લોકોને જ રખેવાળીના કે જવાબદારીના ભારે કામ સોંપવામાં આવે છે. ‘તમે અહીં બેઠાં છો ને ? જરા મારી જગ્યા સાચવજો.’ (કોઈ લઈ ન જાય !) ‘તમારે બીજું કંઈ નથી કરવાનું, બસ ખાલી બેઠાં બેઠાં આટલું ધ્યાન રાખશો તોય બહુ.’ ‘આપણા ફલાણા કાકા કે મામાને અહીં બેસાડી મૂકજો. એ બરાબર ધ્યાન રાખશે ને કોઈને કંઈ અડકવા પણ નહીં દે કે, કોઈ અજાણ્યાને આવવા પણ નહીં દે.’ એટલે બેસી રહેવાની કળાને પૂરેપૂરી પચાવનારા લોકોનું પણ સમાજમાં માનભર્યું સ્થાન છે, એ ભૂલવું ન જોઈએ. આ લોકો તદ્દન નિઃસ્વાર્થ ભાવે જ સેવા આપે છે. ફક્ત વખાણના બે શબ્દો કહી દો કે, તમને બીજી વાર તમારા કોઈ પ્રસંગમાં, સામેથી કહેણ આવશે, ‘કંઈ કામકાજ હોય તો કહેજો. બીજું તો મારાથી કંઈ નહીં થાય પણ બેસી રહીશ.’ હવે આનાથી મોટું કામ કયું ?

બેસી રહેવાની કળા જાણનારા ઘરમાંથી માખી-મચ્છર જેવાં જીવજંતુઓનો ઉપદ્રવ ઓછો કરે છે. મહેમાન સાથે વાત કરવાનો ઘરનાં કોઈ પાસે સમય ન હોય તો, પેલા બેસી રહેનાર મહેમાનને મનોરંજન પૂરું પાડે છે. જોકે ઘણી વાર મહેમાનને વહેલા ભગાડવામાં આડકતરી મદદ પણ કરે છે ! ઘરનાં કામવાલા સાથે માથાકૂટ ન કરવાની આ કલાકારને સખત મનાઈ હોય છે. આના પરિણામે બેઠાં બેઠાં, આ કલાકારોનું બ્લડપ્રેશર વધી જાય છે, મનમાં બબડવાની ટેવ પડી જાય છે ને અકળામણ વધી જતાં, ઘણી વાર ઘરમાં નાનું છમકલું થઈ જાય છે. ચૂપચાપ ન બેસવાને કારણે બે વાત સાંભળવી પડે છે. આ પરથી એવું માની શકાય કે, બેસી રહેવાની કલા જાણનારે ‘ચૂપચાપ બેસી રહેવાની કળા’ પણ વિકસાવી લેવી જોઈએ. ચૂપચાપ બેસી રહેવામાં મદદરૂપ થતાં કેટલાંક સાધનો છે – કોઈ પણ ધર્મની કોઈ પણ મણકાની માળા, જપ, ધ્યાન કે યોગાસન – પ્રાણાયામ, બે-ચાર છાપાં અને ઢગલો પુસ્તકો, ટેલિવિઝન, કમ્પ્યૂટર જેવાં રમકડાં અને ઘરની બહાર હોય તો બગીચો, થિયેટર, તળાવની પાળ કે નદી અથવા દરિયાનો કિનારો.

કોઈએ પણ એ ન ભૂલવું જોઈએ કે, બેસી રહેવાની કળાના વિકાસને પરિણામે જ દુનિયાને યોગીઓ, તપસ્વી, વિચારકો, ચિંતકો, લેખકો, કવિઓ, ચિત્રકારો ને એવા કેટલાય કલાકારો મળ્યા છે. જો એમને સળંગ ચૂપચાપ બેસતાં ન આવડતું હોત તો આ દુનિયાનું શું થાત ?

– કલ્પના દેસાઈ


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous બિલાડીનો એક પગ.. તેનાલીરામની વાત
કેટલાક કાવ્યો.. – સંકલિત Next »   

8 પ્રતિભાવો : બેસી રહેવાની કળા – કલ્પના દેસાઈ

 1. Kanaiyalal A Patel ( CA ) USA says:

  Only For 1 Hour In Temple Seat Down – To Hard – I Like This Story

 2. sandip says:

  ખુબ સરસ્…
  આભાર…………..

 3. હુ ગુજ્રરાતિ મા લખવા આ પ્રયત્ન કરુ છુ

 4. Umesh solanki says:

  very nice story, I like this story, I have experienced which you in this story.

 5. Kalpana Desai says:

  Thanks to all.

 6. YAGNESH RAVAL says:

  VERY NICE STORY

 7. Gunjan A.bhatt says:

  Very nice story

 8. pjpandya says:

  બહુ સરસ પ્રસ્તુતિ મઝા આવિ ગૈ

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.