કેટલાક કાવ્યો.. – સંકલિત

(‘ગુજરાત’ દીપોત્સવી વિશેષાંકમાંથી)

(૧) વાતો થવાની.. – શિવજી રૂખડા

આ ડગર ભૂલ્યા પછી વાતો થવાની,
ને નજર ચૂક્યા પછી વાતો થવાની.

હાજરીમાં કોઈ ક્યાં બોલી શકે છે,
આપણે ઊઠ્યા પછી વાતો થવાની.

કોઈ જોતું હોય ના એવી જગા પર,
આ કદમ મૂક્યા પછી વાતો થવાની.

રોજ રસ્તે આમ તો જાતો હતો પણ,
માર્ગનું પૂછ્યા પછી વાતો થવાની.

યાર, ઘરમાં દીવડો મૂક્યો છતાં પણ,
ત્યાં તમસ ઘૂંટ્યા પછી વાતો થવાની.

(૨) એડમિશનની જાળ !!!… – કૃષ્ણ દવે

આંટી ઘૂંટી એડમિશનની જાળ માં એવા જકડે છે
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે.

સાવ બની મા-બાપ બિચારા ક્યાં ના ક્યાં જઈ રખડે છે
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે.

પોતે સૌ શિક્ષણના રાજા ને સિસ્ટમ અંધેરી
કાં તો સીધું ખિસ્સું કાપે, કાં તો લે ખંખેરી
કઈ રીતે ડોનેશન દેશું ? એમાં વાસણ ખખડે છે
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે.

ડોક્ટર, એન્જિનિયર, એમબીએ, બીસીએ કે સીએ
નાટા, સીમેટ, ગેટ, કેટ સૌ લોહી મજાનું પીએ
જાણે કે સો બાજ વચાળે એક કબૂતર ફફડે છે.
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે.

ક્યાં ગઈ વિદ્યા ? વ્હાલ ગયું ક્યાં ? ગુરુશિષ્યનો નાતો ?
ના ના વિદ્યાપીઠ નથી આ કેવળ ધંધો થાતો
એક ખૂણામાં ઊભો ઊભો વડલો એવું બબડે છે.
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે.

(૩) શું જોઈએ… – ભાવેશ ભટ્ટ

એમ ક્યાં કીધું કે જીવન સાવ સહેલું જોઈએ,
જે થવાનું હોય એ પહેલેથી કહેવું જોઈએ !

કોઈ રડતું હોય એ જોવું કંઈ સહેલું નથી,
એને જોવાં માટે ઈશ્વરનું કલેજું જોઈએ.

એટલા ધનવાન હોવું તું કરી દે ફરજિયાત,
વાણીમાં સંસ્કારનું કોઈ ઘરેણું જોઈએ.

એ જુએ મારા કવચ કુંડળ ને તાકી તાકી ને,
યાર સીધે સીધું બોલી નાખને શું જોઈએ !

આપણા જીવનના રસ્તા પર ખૂણે ઊભા રહી,
આવનારા ને જનારા ના પગેરું જોઈએ.

(૪) જિંદગી… – બૈજુ જાની

હોય એટલું જોર હવે લગાવ જિંદગી,
દમ હોય તો મને હવે સતાવ જિંદગી.
સુખની વ્યાખ્યા મેં જડમૂળથી બદલી,
દમ હોય તો દુઃખ હવે બતાવ જિંદગી.
ગોતી લઉં છું આનંદ દરેક વાતમાંથી,
દમ હોય તો મને હવે રડાવ જિંદગી.
દૂરથી લડી ન માપ્યા કર જોર મારું,
દમ હોય તો બથોબથ હવે આવ જિંદગી.
પડી પાછો બેઠો થાઉં છું બમણા જોશથી,
દમ હોય તો મને હવે હરાવ જિંદગી.
હું નહીં, પણ તું જરૂર થાકશે લડાઈમાં,
દમ હોય તો હાથ હવે મિલાવ જિંદગી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “કેટલાક કાવ્યો.. – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.