“ઈરો જુલ્લે કૂડા”, આજના જમાનામાં – ડૉ. સુરમ્યા જોષી

(‘ગુજરાત’ દીપોત્સવી અંકમાંથી)

ચારે બાજુથી કાનમાં અલગઅલગ હોર્નનો ઘોંઘાટ પ્રવેશી રહ્યો હતો. શ્રી મોહનીશને આ રોજનો ત્રાસ લાગતો. શા માટે દરેક જણ બીજાને ત્રાસ આપવામાં મન મૂકીને જોતરાઈ જાય છે ? આગળ તસુ પણ વધાય તેવું ના હોય તો પછી હોર્ન મારી મારીને જાણે ધક્કા મરાતા હોય તેમ મંડ્યા રહેવાનું ? એક તો આજે બપોરે પૂલની પેલી બાજુ શહેરમાં ગયેલા. ત્યાંથી પાછા જતી વખતે પાછો ટ્રાફીક, ઑફિસે જઈને પાછું કામ, અને અત્યારે માથે ધૂમ તાપ. શ્રી મોહનીશ ચતુર્વેદીને બાઈક ચલાવવાનો પહેલી વાર કંટાળો આવ્યો. અમદાવાદની વસ્તી જે રીતે વધી રહી છે તે જોતાં એક દિવસ વસ્તી ગણતરીવાળા ગણતરી કરવાનું માંડી વાળશે તેમાં બે મત નહીં.

બ્રીજ ઉપરથી પાછા વળતાં મોહનીશભાઈને એમ થયું કે જરાવાર બાઈક સાઈડ પર પાર્ક કરીને પાળી પાસે ઊભો રહું. થોડી નદી ઉપરની હવા આવે. પણ પાર્ક કરવાનો કોઈ મોકો ના આવ્યો. એમ કરતાં કરતાં પૂલ પૂરો થવા આવ્યો. બાઈકની ગતિ સ્વાભાવિક રીતે જ ઘણી ધીમી હતી કારણ કે તે પાર્ક થવાના મૂડમાં હતી.

ક્યારેક આપણને એમ થાય કે કોક આપણને જોઈ રહ્યું છે. બસ તેવી જ લાગણી એકાએક મોહનીશભાઈને થઈ આવી. તેમણે આજુબાજુ નજર નાંખી. પુલના છેડે એક ખૂબ નાનો લગભગ બે-અઢી વર્ષનો બાળક ઊભો હતો અને તેમને એકીટસે જોઈ રહ્યો હતો. મોહનીશને આશ્ચર્ય થયું. કોક પરિચિતનો બાબો હશે એમ માન્યું પણ યાદ ના આવ્યું. તેમણે પાછું વળીનેય જોયું. હજીય એ છોકરો એમને જ જોતો હતો. બાઈક પસાર થઈ ગઈ પણ મોહનીશભાઈની મૂંઝવણ ચાલુ રહી. આગળ લાલ લાઈટ આવી ને બાઈક ઊભી રાખવી પડી. તેટલી વાર ખૂબ મગજ કસ્યું અને ત્યાં જ મનમાં વિચાર આવ્યો. અત્યારે બપોરે એ છોકરો એકલો ત્યાં શું કરતો હતો ? આજુબાજુ કોઈ જ નહોતું. કંઈ તકલીફમાં હોય તેવા અને મૂંઝાયેલા ભાવ પણ હતા એના. શું મારી સામે મદદની આશાએ જોતો હશે ? કે પછી કોઈ ઉપાડી ગયું હોય એમાંથી છટકીને અહીં સુધી પહોંચ્યો હોય ! છોકરો પહેરવેશથી વ્યવસ્થિત સંપન્ન ઘરનો જણાતો હતો. મોહનીશની શરીરમાંથી લખલખુ પસાર થઈ ગયું. નજરનો એ સેતુ પુલ જેટલો લાંબો બની ગયો. હા, જરૂર કંઈક સ્પેશ્યલ છે. મન પોકારી-પોકારીને કહેતું હતું કે તેણે એ બાળક પાસે જવું જ જોઈએ. આટલી વાર લાલ લાઈટ પર ઊભા રહ્યા ત્યારે આજુબાજુ સખ્ત ટ્રાફિક હતો પણ મોહનીશના કાનમાં બિલકુલ ઘોંઘાટ પડ્યો નહીં. તેનું મન ઝડપથી દોડી રહ્યું હતું. લીલી લાઈટ થતાં જ બાઈક સાઈડમાં લીધી ને ઊંધી દિશામાં સાઈડ પર રહીને જવા માંડ્યું. થોડી વારમાં દૂર ઊભેલો પેલો બાળક નજરે ચઢ્યો ને મોહનીશને સ્‍હેજ હાશ થઈ. હજુ ત્યાં જ છે. તેમણે ઝડપ વધારીને બાઈક બાળકથી પાંચ ફૂટ દૂર ઝાડ નીચે ઉભી રાખી, પાર્ક કરી, અને ચાલીને બાળક પાસે જઈ પહોંચ્યા. મોહનીશ બાળકની પાસે નીચે જમીન ઉપર ઊભડક બેઠો, તેની સામે જોઈને ખભે હાથ મૂક્યો. બાળકે તેમની સામે બેહાલ નજરે જોયું. પછી તેમને ખભેથી જોરથી પકડી લીધા અને વળગી પડ્યો. મોહનીશ સ્‍હેજ પણ વિચલિત થયા વગર બેસી રહ્યા. પછી તેને હળવેથી ઊંચકીને બાઈક તરફ ગયા. બાઈક પર બેસાડાયો અને તેની પોતે બાજુમાં ઊભા રહ્યા !! હવે બાળક સ્‍હેજ સ્વસ્થ થયો હતો. મોહનીશે સવાલો પૂછવા માંડ્યા. “શું કરે છે બેટા અહીં ? કેમ એકલો ઊભો છે ? મમ્મી-પપ્પા ક્યાં છે ?” પણ બાળક કંઈ જ બોલતો નહોતો. કદાચ હજી બોલતો નહીં હોય, ખૂબ નાનો હતો.

મોહનીશે વિચારવા માંડ્યું. અહીં વિચિત્ર જગ્યાએ આ છોકરો પહોંચ્યો શી રીતે હોય ? તેમણે બાળકનાં ખિસ્સા તપાસ્યા. સુંદર રીતે ગડી વાળેલો ઢિંગલાની પ્રિન્ટવાળો રૂમાલ હતો. બાકી કંઈ નહોતું પણ એના પરથી એટલું તો નક્કી થયું કે તેની માતા ઘણી ચીવટવાળી હોવી જોઈએ. કપડાં પણ સરસ હતાં. વાળ સુંદર રીતે કપાવેલા હતા. એટલે કુટુંબ પણ સારું હશે. હવે તેમણે ઈશારાની ભાષા શરૂ કરી. કઈ બાજુથી આવ્યો ? ચારેબાજુ બતાવીને પૂછ્યું. બસ બતાડી. બસમાંથી ઊતરી પડ્યો ? કાર બતાવી. કારમાંથી ઊતર્યો ? બાઈક પણ બતાવી. પણ બાળકે કોઈ રિએક્શન ના આપ્યું. હવે મોહનીશને ચિંતા થઈ. તેમણે આજુબાજુ દૂર સુધી જોયું. પોતે જ કંઈ ફસાયા નથી ને ? કોઈ દૂરથી તેમને ઑબ્ઝર્વ કરતું હોય ? અત્યારે અજાણ્યા બાળક જોડે પોતે જ ક્યાંક વાંકમાં આવી ન જાય. પણ આવા નાના ભૂલકાને આમ રોડ પર રઝળતું પણ ન છોડાય ને ? હવે તે પોતે સ્‍હેજ પ્રેક્ટિકલ પરિસ્થિતિમાં આવ્યા.

ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને મોહનીશે ઑફિસે ફોન કર્યો. પોતાના ઑફિસ સ્ટાફ રાજનને જણાવ્યું કે અગત્યના કામે છું મોડું થશે. ફોન મૂકી દીધો પછી વિશાખાને જોડ્યો. વિશાખા મોહનીશની પત્ની તે તેની પોતાની ઑફિસમાં હતી, તેને પહેલાં કહ્યું કે સ્‍હેજ ફ્રી થાય તો ફોન કર. વિશાખાએ પંદર મિનિટ પછી ફોન કર્યો અને મોહનીશે તેને આખી વાત જણાવી. વિશાખાને તો ચિંતા ચાલુ થઈ ગઈ. “મોહનીશ એની સાથે જ રહેજો. એના મા-બાપ એને શોધતા ત્યાં જ આવશે. કદાચ કોઈ મોટા શોપિંગ કૉમ્પલેક્ષમાંથી બહાર નીકળી આવ્યો હશે. પોલીસમાં હમણા નથી જવું. હજી થોડીવાર ત્યાં જ ઊભા રહેજો. કોઈને કોઈ એને શોધતું આવશે જ.” મોહનીશે ફરી રાજનને ફોન કર્યો. હવે રાજનને પૂરી વાત કરવી જ પડશે. રાજને વાત જાણી, ને દસ મિનિટમાં ત્યાં હાજર. હવે બેય જણા પેલાં ભૂલકા સાથે ઊભા રહ્યા. બાળક ચારેબાજુ જોયા કરતું હતું. કદાચ પોતે ખોવાઈ ગયું કહેવાય એ સમજવા માટે પણ તે નાનું હતું. થાકીને બાઈક પર જ ઊંઘી ગયું. સાંજ પડવા આવી. વિશાખા બાળકોને સ્કૂલેથી લઈને ત્યાં જ આવી. હવે બાળકની ચિંતા કરનારા પાંચ જણ હતા. નીકી અને નિલય વિશાખાનાં બાળકો, તેમણે તો નક્કી જ કરી લીધું કે આને આપણે ઘેર લઈ જઈએ.

….અમદાવાદ શહેરના ભરચક વિસ્તારો, ભીડવાળી દુકાનો, અસંખ્ય વાહનોની અવરજવર આ બધાથી હજી અપરિચિત, શહેરમાં નવી-નવી આવેલી દક્ષિણ ભારતીય માલિની રાવ પોતાના નાનકડા દીકરા સાથે દુકાનમાંથી ખરીદી કરીને બે હાથમાં બે શોપિંગ બેગ્ઝ લઈને નીકળી. પ્લાસ્ટિકની બેગને કોણી સુધી સરકાવીને દીકરાનો હાથ પકડી રાખેલો. ફૂટપાથ ઉપર ઊભા રહીને તેણીએ પાસે ઊભેલી રીક્ષાવાળા ભાઈને જેવું આવડ્યું તેવા હિન્દીમાં એડ્રેસ સમજાવ્યું. સીટ ઉપર ત્રાંસા બેઠેલા રિક્ષાવાળાએ સમજી ગયાની અદામાં હકારમાં ડોકું હલાવતા બાજુમાં ઊભેલા રમકડાં જેવા બાળકને જોયું અને મ્હોમાં ખોસેલી પડિકીને મ્હોમાંથી બહાર કાઢવા નીચે ઊતર્યો. માલિનીએ આ દરમિયાન બેગ સરખી પકડવા માંડી હતી અને પછી ધીમે ધીમે સીટ ઉપર સામાન ગોઠવ્યો. પછી પોતે અંદર ગોઠવાઈને દીકરાને ઊંચકવા રિક્ષામાંથી બહાર ઝૂકી, ધારી લઈને કે દીકરો ત્યાં જ ઊભેલો છે. પણ…
ત્યાં બાળક ઊભેલો નહોતો. હ્રદય થડકારો ખાઈ ગયું. તત્કાળ તે નીચે ઊતરી ગઈ અને ચારેબાજુ જોયું. માણસોની સખત ભીડ, વાહનો, અજાણ્યું શહેર, અજાણી ભાષા, ઓહ! આંખમાં પાણી, ગળે ડૂમો, માલિની બહાવરી બની ગઈ.

રિક્ષાવાળો રિક્ષામાં બેઠો પણ બહેન તો બહાર ઊભા છે. અને પેલુ ભૂલકું?? ક્યાં?? રિક્ષામાંથી એ લગભગ બહાર કૂદ્યો!! ઈશારાથી પૂછ્યું. માલિનીએ ઈશારાથી જ સમજાવ્યું. સાઈડમાં ઊભેલા ત્રણ-ચાર રિક્ષાવાળાઓને પેલાએ કામે લગાડ્યા. બધા ચારેય બાજુ દોડી ને જોઈ આવ્યા. પણ ભૂલકું ક્યાંય નહીં. રિક્ષાવાળાએ માલિનીને રિક્ષામાં બેસાડી દીધી ને નજીકની ગલીઓમાં રિક્ષા ફેરવવા માંડી પછી મોટા રસ્તામાં. આટલું નાનું બાળક ! આજનો જમાનો ! કોઈ ઉપાડી ગયું. નક્કી. હવે એને પણ ચિંતા અને દુઃખ ઘેરી વળ્યાં.

… નાનું ભૂલકું માનો હાથ છોડ્યા પછી ચારેબાજુ જોતું હતું ત્યાં જ જ્યારે મા રિક્ષામાં બેઠી ત્યારે કોક બહેન ત્યાંથી પસાર થયા તે ભૂલમાં એમની સાથે ચાલવા માંડેલું. ગલી ગલીમાં થઈને મેઈન રોડ સુધી આવી ગયું પછી અટવાયું. કંઈ સમજાયું નહીં ને પુલ પાસે ઊભું રહી ગયું. તે જ ક્ષણ હતી કે જ્યારે શ્રી મોહનીશ ચતુર્વેદીની નજરે પડ્યું.

…રિક્ષા દોડી દોડીને થાકી. પોતાને માટે આ અજાણ્યા માણસે આટલા કલાકો પેટ્રોલ બાળ્યું. મલિની ગદ્‍ગદ્ થઈ ગઈ. મનથી હવે એ હારી ગઈ હતી. દિલ જાણે બંધ પડી જશે. પતિને ફોન કરવાની હિમ્મત જ નહોતી. જીવન આ જ ક્ષણે સમાપ્ત થઈ જાય તો સારું એવા વિચારોમાં વ્યથિત માલિની બહાવરી નજરે ચારે બાજુ જોતી હતી ત્યાં જ આથમતા દિવસના ધૂંધળા અજવાળામાં તેની નજર પુલ પર ચડી રહેલી રિક્ષામાંથી રસ્તાને સામે છેડે બાઈકની આજુબાજુ પાંચ વ્યક્તિની વચ્ચે બેઠેલા પોતાના દીકરા પર પડી. રાજેશ્વર. તેણે ચીસ પાડી. રિક્ષાવાળાથી લગભગ બ્રેક મરાઈ ગઈ. તેણે પાછળ જોયું ને માલિનીનો લંબાયેલો હાથ જોયો. તેના મુખ પરનું વિશાળ સ્મિત અને આંખોમાંથી હવે બહાર ધસી આવેલા આંસું જોયાં અને ક્ષણમાં જ તેનો હરખ ઊમટી આવ્યો. રિક્ષાને ત્વરાથી વાળી લઈને તેણે ક્રોસ કરી નાંખ્યું. આટલા ટ્રાફિકમાં પણ બે જ મિનિટમાં તેણે રિક્ષા બાઈકને અડીને ઊભી કરી દીધી. ઊછળીને માલિની બહાર કૂદી પડી. દોડીને દીકરાને ગળે વળગાડી દીધો. લગભગ ત્રણ કલાકથી રોકી રાખેલા આંસુ હવે ધ્રુસ્કે ધ્રુસ્કે બહાર વહી રહ્યાં. કેટલીય વારે તેને આસપાસ ઊભેલી ૬ વ્યક્તિઓનું ભાન થયું. થેન્ક યુ થેન્ક યુ કરતા કરતા લગભગ મોહનીશને પ્રણામ જ કર્યા. અને હવે તેને ભાન થયું કે રિક્ષાનું ભાડું કેટકેટલુંય ચડી ગયું. તેણે પર્સ ખોલ્યું અને પૈસા કાઢ્યા. રિક્ષાવાળાના હાથમાં સો સોની થોકડી મૂકી, રિક્ષાવાળાએ બધી જ નોટો ભૂલકાંના હાથમાં મૂકી દીધી, તેના ગાલ પણ થપથપાવ્યા, પોતાની આંખના ખૂણા લૂછ્યાં અને રિક્ષામાંથી સામાન બહાર મૂકીને રિક્ષા મારી મૂકી. પાસે ઊભેલા પાંચેય જણના આનંદની અવધિ નહોતી. ચીંકુને મમ્મી મળી ગઈ. પરસ્પર પરિચય અને વાતો કર્યા પછી મોહનીશનું કુટુંબ મા-દીકરાને તેમને ઘેર મૂકી આવ્યું.

એક અવિસ્મરણીય દિવસ હતો આ. રાત્રે માલિનીએ પતિને ચેન્નાઈ ફોન જોડ્યો. શ્રીધર. આજના જમાનામાં આટલાં બધાં સારાં માણસો હોય છે… પૂરું બોલતા પહેલા એ રડી પડે. લગભગ દસ મિનિટ સુધી બસ રડ્યા જ કર્યું અને વાક્ય એક જ હતું હોઠ પર “ઈરો જુલ્લે કૂડા, આજના જમાનામાં….”

– ડૉ. સુરમ્યા જોષી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on ““ઈરો જુલ્લે કૂડા”, આજના જમાનામાં – ડૉ. સુરમ્યા જોષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.