નારદ એટલે મુક્તિના માર્ગદર્શક – દિનકર જોષી

Manase magelu vardan(‘માણસે માગેલું વરદાન’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

નારદિયો અને નારદવેડા આ બે શબ્દો આપણે કોઈકનો ઉપહાસ કરવા માટે અણગમો કે તિરસ્કારના અર્થમાં વાપરીએ છી. કોઈ માણસ સ્વભાવે ચુગલીખોર હોય કે પછી કલહપ્રિય હોય તો આપણે એ વ્યક્તિને નારદ સાથે સાંકળી લઈએ છીએ. બોડકા માથામાં પાછળ એક ચોટલી હોય અને હાથમાં તંબૂરો ધારણ કરીને મીંઢાઈથી ‘નારાયણ નારાયણ’ શબ્દ ઉચ્ચારતા નારદ આપણને પરિચિત છે. આવો પરિચય આપણને કથાકારોએ અને ખાસ કરીને ફિલ્મોએ આપ્યો છે. નારદ વિશેની આપણી આ અઘોર ભ્રમમૂલક માન્યતા છે.

નારદ ચિરંજીવી છે – માત્ર ચિરંજીવી જ નહિ અમર પણ છે. જ્યાં સુધી કલ્પનો અંત ન આવે ત્યાં સુધી નારદ જીવંત રહેશે. કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ. પણ આ દિવસ કંઈ કલાક કે ઘડીઓમાં માપી શકાય એવો નથી. જે રીતે આકાશી ગ્રહો વચ્ચેનાં અંતરોની માઈલમાં નહિ પણ પ્રકાશવર્ષના માપમાં ગણતરી કરાય છે એ જ રીતે બ્રહ્માના એક દિવસને પણ જુદા માપથી માપવો પડે.

વૈદિક માન્યતા પ્રમાણે સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિ એમ ચાર યુગો પૂરા થાય ત્યારે એક ચોકડી થઈ ગણાય. જ્યારે આવી એક હજાર ચોકડીઓ પૂરી થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થયો એવું ગણવામાં આવે છે. આને આપણાં ચાર અબજ બત્રીસ કરોડ વર્ષોનો સમય કહી શકીએ. (બ્રહ્માંડના સૂર્યમંડળમાં સૂર્યથી સહુથી નજીકના ગ્રહનો દિવસ અને વરસ નાનાં હોય અને પછી અંતર જેમજેમ વધતું જાય તેમતેમ દિવસના કલાકો અને વરસના દિવસોનું માપ વધતું જાય છે એ વૈજ્ઞાનિક સત્ય આપણે હવે જાણીએ છીએ. યુગ, મન્વંતર, પરાર્ધ, કલ્પ વગેરે બ્રહ્માંડની અસીમતાને લક્ષમાં લેતા સમયદર્શક એકમ હોય એવો સંભવ હોય. બનવાજોગ છે કે આપણું આજનું વિજ્ઞાન જ્ઞાનના આ સીમાડે હજુ પહોંચ્યું ન હોય.)

નારદ એમના પૂર્વજન્મમાં શૂદ્રા માતાને પેટે જન્મ્યા હતા. આ શૂદ્રા માતા જુદાજુદા આશ્રમો કે શ્રેષ્ઠીઓને ત્યાં ભોજન બનાવવું આદિ સેવાઓ કરીને ગુજરાન ચલાવતી. એક ૠષિના આશ્રમમાં બાળક નારદનો સંયોગ અતિથિ તરીકે આવેલા કોઈક તપસ્વી મહાપુરુષ સાથે થયો. આ મહાપુરુષ રોજ જે જ્ઞાનવાર્તા કરતા એનાથી શિશુ નારદ ખૂબ પ્રભાવિત થયા. જ્યારે આ તપસ્વીએ પોતાનો મુકામ ઉઠાવ્યો ત્યારે નારદે એમને પોતાને સાથે લઈ જવા વિનંતિ કરી. તપસ્વીએ એનો ઈન્કાર કરતાં કહ્યું કે તારી ધર્મભાવના અત્યંત ઊંચી છે, પણ ધર્મનું અનુશીલન કર્તવ્યના ભોગે કરી શકાય નહિ. તારી જનેતા એકલી અને વયસ્ક છે. તારે એની સંભાળ લેવી જોઈએ. આ તારું પ્રથમ કર્તવ્ય છે. માતાની વિદાય પછી તું ગમે ત્યાં વિચરી શકે છે.

નારદે આ સલાહનો સ્વીકાર કર્યો અને માતાના મૃત્યુ સુધી એમની સેવા કરતા રહ્યા. આ પછી એમણે વિશ્વમાં ચોતરફ વિચરણ કરવા માંડ્યું અને જ્યાં મળે ત્યાંથી જ્ઞાન અને તપની સમૃદ્ધિ વધારવા માંડી. દરમિયાન બ્રહ્માનો એક દિવસ પૂરો થયો એટલે બ્રહ્માએ ઉચ્છ્‍વાસ લીધો. ઉચ્છ્‍વાસની ક્રિયામાં સચરાચર વિશ્વમાં જે કંઈ રચાયેલું હતું એ બધું પાછું સ્વસ્થાને એટલે કે બ્રહ્માના દેહમાં વિલીન થઈ ગયું. તપોધન નારદ પણ બ્રહ્માના દેહમાં સમાવિષ્ટ થયા અને એમનો એક જન્મ પૂરો થયો.

આ પછી બીજા કલ્પમાં બ્રહ્માએ જ્યારે શ્વાસ લીધો ત્યારે નવી સૃષ્ટિની રચના થઈ. આ રચનામાં જેઓ સહુ-પ્રથમ પ્રગટ થયા તેઓ બ્રહ્માના પુત્ર કહેવાયા. નારદ, મનુ, દક્ષ આદિ બ્રહ્માના આવા પુત્રો છે. પૂર્વજન્મના પુણ્યપ્રતાપે બ્રહ્માના પુત્ર તરીકે નારદ ઊંચું સ્થાન પામ્યા. એક કથા એવી છે કે દક્ષ પ્રજાપતિએ નારદને અસ્થિર થવાનો શાપ આપ્યો હતો. આ કારણે નારદ કોઈ ચોક્કસ સ્થાન ઉપર સ્થિર થઈ શકતા નથી અને અવિરત બ્રહ્માંડમાં ફરતા રહે છે. આમ ફરતા રહેવાને કારણે એમની પાસે પૃથ્વી, સ્વર્ગ કે પાતાળ બધે જ જે કંઈ બને છે એ ઘટનાઓની માહિતી હોય છે. આમ, નારદ સર્વજ્ઞ છે.

દક્ષના આ શાપમાં અસ્થિર શબ્દ વપરાયો છે. સંસ્કૃત ભાષાનાં સૌંદર્ય, સૌરભ અને સૂક્ષ્મતા એના શબ્દોના વૈવિધ્યસભર અર્થોમાં રહેલાં છે. મૂળાક્ષરોનો પહેલો અક્ષર ‘અ’ છે. ‘અ’નો એક અર્થ વિષ્ણુ એવો થાય છે. સૃષ્ટિના આરંભકાળે માત્ર વિષ્ણુ જ જળરાશિમાં શેષશાયી થયા હતા. ‘શ્રીમદ્‍ ભગવદ્‍ગીતા’માં કૃષ્ણે પોતાને અક્ષરોમાં ‘અ’ તરીકે ઓળખાવ્યા છે. આમ ‘અ’ એ પરમ તત્ત્વ અથવા પરમાત્માનું સૂચન થયું. આ અર્થ લક્ષમાં લેતા ‘અસ્થિર’ એટલે જેનું ચિત્ત ‘અ’માં સ્થિર થયું છે એવો થાય છે. ભગવત્‍-તત્ત્વને જેણે આત્મસાત્‍ કર્યું છે અને જેનું અસ્તિત્વ ‘અ’માં એટલે કે પરમાત્મામાં સ્થિર થયું છે એવો પણ આ શાપનો અર્થ થાય. એ લક્ષમાં લેતાં નારદની અસ્થિરતા બીજું કંઈ નથી પણ ભગવત્-સ્વરૂપમાં પોતાનું વિલોપન છે.

‘નાર’ શબ્દનો એક અર્થ મુક્તિ એવો પણ થાય છે. ‘નારાયણ’ શબ્દ આ અર્થમાં ‘નાર’ એટલે કે મુક્તિ તરફ જવાનું ‘અયન’ એટલે કે ગતિ એવો થઈ શકે. જે રીતે નારાયણ એટલે કે મુક્તિ તરફ દોરી જાય છે તે થાય, એ જ રીતે નારદ એટલે ‘નાર’ એટલે મુક્તિ, ‘દ’ એટલે કે આપે છે એવો થાય. ‘દ’નો અર્થ આપવું એવો ઘણા શબ્દોમાં પ્રયોગ થયો છે. આમ, નારદ સતત વિચરણ તો કરે જ છે અને એ અર્થમાં ભલે એ અસ્થિર હોય, પણ એમની વૃત્તિ ઈશ્વરમાં સ્થિર થઈ હોવાને કારણે તેઓ જ્યાં પણ વિચરણ કરે ત્યાં સહુ-કોઈને મુક્તિનો માર્ગ દર્શાવે છે મુક્તિનો સંદેશ આપે છે.

અત્યારે બ્રહ્માનો છવ્વીસમો દિવસ ચાલે છે અને હવે વધુ ચાર દિવસ થવાના છે એવું ‘મત્સ્યપુરાણ’માં લખ્યું છે. જ્યાં સુધી આ છવ્વીસમો કલ્પ પૂરો ન થાય ત્યાં સુધી નારદ અ-મૃત છે.

– દિનકર જોષી

[કુલ પાન ૮૦. કિંમત રૂ. ૫૫/- પ્રાપ્તિસ્થાન : પ્રવીણ પબ્લિકેશન લાભ ચેમ્બર્સ, મ્યુ.કૉર્પો.સામે, ઢેબર રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧. ફોન : (૦૨૮૧) ૨૨૩૨૪૬૦]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “નારદ એટલે મુક્તિના માર્ગદર્શક – દિનકર જોષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.