મૃગેશ શાહ સાથે સાત સવાલ-જવાબ

(પગરવ – “ગ્રીષ્મ” વિશેષાંક – માર્ચ ૨૦૧૪)

[જાણીતી અને લોકપ્રિય વેબ-સાઈટ રીડ-ગુજરાતી.કોમના સ્થાપક મૃગેશ ભાઈ સાથે એમની સાઈટ વીશે, ટેકનોલોજી અને ગુજરાતી વાંચન, પુસ્તકો વિશેનો રસપ્રદ વાર્તાલાપ]

૧. રીડગુજરાતી.કોમની શરૂઆત ક્યારે ને કઈ રીતે થઈ ?
રીડગુજરાતીની શરૂઆત ૨૦૦૫માં થઈ. ખાસ કરીને મને વાંચનનો ખૂબ શોખ હતો. ટેકનોલોજીના ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાથી એમ થયું કે જે વાંચન આપણને માનસિક રીતે સ્વસ્થ રાખે છે એનો લાભ સૌને મળવો જોઈએ. સારું વાંચન ક્યાંયને ક્યાંય ઉપયોગી થતું જ હોય છે. મારી દ્રષ્ટિએ વાંચન એ મનોરંજન નથી પરંતુ મનનું ઘડતર છે. એથી તે વ્યાપકરૂપે ઉપયોગી થાય તે માટે સાઈટ બનાવવાનો વિચાર સ્ફૂર્યો.

૨. સાહિત્ય તરફ આપની રુચિ વારસાગત છે ? જો ના, તો આપનો સાહિત્ય તરફનો લગાવ કઈ રીતે શરૂ થયો ?
મારા દાદા ગુજરાતી ભાષાના શિક્ષક હતા, તેથી કદાચ ત્રીજી પેઢીએ આવ્યું હોય એમ કહી શકાય પરંતુ વાંચન તો અમારા ઘરમાં પહલેથી હતું. મારા મમ્મી ખૂબ વાંચતા. નાનપણથી બાળસામાયિક વાંચવાની ટેવને લીધે લગાવ વધતો ગયો. વળી એ સમયે આટલા ઉપકરણો પણ નહોતાં. વેકેશન એટલે વાંચન માટેની પૂરી મોકળાશ ! પરંતુ જેમ જેમ સમય સાથે સમજ કેળવાતી ગઈ તેમ તેમ વધારે ને વધારે નવા નવા લેખકો અને મહાનુભવોના જીવનમાં ડોકિયું કરવાનું મન થયું.

૩. સોશિયલ મીડિયામાં ગુજરાતી સાહિત્ય રસિકો માટે મૃગેશ શાહનું પર્યાયવાચી એટલે રીડગુજરાતી.કોમ_આપ શું કહેશો ?
સોશિયલ મીડિયામાં સાહિત્ય આધુનિક માધ્યમથી પહોંચે છે તે સારી વાત છે પરંતુ એનો શ્રેય એ સાહિત્યની કૃતિઓને જાય છે કારણ કે મહાન સર્જકોની એ ઉત્તમ કૃતિઓને લીધે લોકોને વાંચવાનું ગમે છે. એનાથી જીવનમાં એક નવી દિશા ખૂલે છે. નવરાશના સમયે લોકો સાઈટની મુલાકાત લેવાનું પસંદ કરે છે કારણ કે સૌને પોતાના મનને શાંતિ આપે એવું કશુંક જોઈએ છે અને તે આપવામાં ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યાનો મને આનંદ છે.

૪. ઈ-બુક રીડિંગ અને લાઈબ્રેરી કે બાલ્કનીમાં બેસી, હાથમાં પુસ્તક ને સાથે ગરમાગરમ કૉફી_ આપની દ્રષ્ટિએ આ બંને વિકલ્પોમાંથી ક્યો વિકલ્પ આજે વધુ પ્રચલિત છે ને શા માટે ?
આખરે બંને છે તો વિકલ્પ જ. તેથી બંને પોતપોતાના સ્થાને યોગ્ય છે. પુસ્તકનું સ્થાન કોઈ લઈ શકે નહીં. એની મજા કંઈક જુદી છે. પરંતુ વધતી જતી વ્યસ્તતા અને દોડધામભરી જિંદગીમાં જો તરસ્યો કૂવા પાસે ન આવે તો કૂવાએ તરસ્યા પાસે જવું પડે છે. એટલે કે ઈમેઈલ ઈન્ટરનેટ વગેરે માધ્યમ દ્વારા લોકો ચાલુ ઑફિસે પણ વાંચી લે છે. એમાંથી પુસ્તક પસંદ કરે છે અને રજાના દિવસે ગરમાગરમ કોફી સાથે પુસ્તકનો આનંદ પણ માણી શકે છે. આથી બંનેની જરૂર છે.

૫. યુવા સાહિત્યપ્રેમીઓ અને નિવોદિત લેખક/કવિ માટે આપનો કોઈ ખાસ સંદેશ ?
ખાસ સંદેશ એટલો જ કે સાહિત્ય હવે ફક્ત મનોરંજનનું માધ્યમ નથી. એ માટે તો ફિલ્મો અને ટીવી છે જ. સાહિત્ય જીવન ઘડતર માટેનું સાધન છે. હા, એમાં મનોરંજન થતું હોય તો કશું ખોટું નથી પરંતુ સાહિત્ય માતાપિતાની હૂંફ આપે છે. એકલતા દૂર કરે છે. આપણી દ્રષ્ટિને વિશાળ બનાવે છે. એટલે યુવા સાહિત્ય પ્રેમીઓએ એવું વાંચન સતત કરતા રહેવું જોઈએ જે એમને ફ્રેશ રાખે.
નિવોદિત લેખક અને સર્જકે પોતાની કલમને બ્લોગ દ્વારા કે અન્ય માધ્યમો દ્વારા પોતાના વાચકવર્ગ સુધી પહોંચાડવામાં જરાય સંકોચ રાખવો ન જોઈએ. નાસીપાસ થયા વિના સતત અભ્યાસપૂર્વક પોતાની કલમને સુદ્રઢ કરવી જોઈએ.

૬. રીડગુજરાતી.કોમને ધોરણ ૧૨ ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સ્થાન મળ્યું_ આ વિષે થોડુંક જણાવશો.
અગાઉ ‘શબ્દસૃષ્ટિ’ના દીપોત્સવી અંકમાં આધુનિક વેબજગત વિશે તેમજ રીડગુજરાતી વિશે લખવાનું થયેલું. તે લેખ સૌને ઘણો ઉપયોગી અને લોકપ્રિય થઈ પડેલો. આ જ બાબતે મહારાષ્ટ્ર ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડનો મને પત્ર આવ્યો કે તેઓ આ લેખ પોતાના પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવા ઈચ્છે છે અને તે પછી તેને ચાલુ વર્ષે ધોરણ ૧૨ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સ્થાન આપવામાં આવ્યું. વેબજગતને સમજવા માટે વિદ્યાર્થીઓને આ લેખ ખૂબ ઉપયોગી થઈ રહેશે.

૭. રીડગુજરાતી.કોમ થકી ગુજરાતી સાહિત્યને ધબકતું રાખવાના અભિયાનમાં લેખક તથા વાચકગણ તરફથી કોઈ ખાસ આશા ?
આશા માત્ર એટલી જ કે સૌ પરિવાર થોડોક સમય સાથે બેસીને વાંચે. જો એ શક્ય ન બને તો પોતાના કામ સાથે દિવસનો થોડો સમય ફાળવે. ભાષા એ આપણું સર્વસ્વ છે. વિકાસ સાથે એને ખોવાનું પોસાય નહીં. એ આપણી મૂળ ઓળખ છે. આજના સમયમાં માનસિક તાણથી દૂર રહેવું હોય તો કશાક શુભનો સંપર્ક સતત અનિવાર્ય છે. આ લાભ રીડગુજરાતી થકી સૌ કોઈ લઈ શકે એ માટે વાચકો સૌને વાંચતા અને વંચાવતા રહે એવી મારી નમ્ર વિનંતી છે.


Email This Article Email This Article · Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous નારદ એટલે મુક્તિના માર્ગદર્શક – દિનકર જોષી
દીકરા દીપડા નહીં, ઘડપણના દીવડા ગણાય ! – દિનેશ પાંચાલ Next »   

6 પ્રતિભાવો : મૃગેશ શાહ સાથે સાત સવાલ-જવાબ

  1. sandip says:

    Thanks for remember about Mrugeshbhai.

  2. Gunvantray Patel says:

    I miss him almost daily. He had become e-friend. I was lucky to have talked to him a few times. We decided to meet. But before we could meet, he moved on to eternal journey.
    I m sure all readers must be feeling similar with varying intensity.
    Wish his mission continues.

    • hiral says:

      એમનું અચાનક ચાલ્યા જવું હજુય માની નથી શકાતું. એક અજાણી પીડા અનુભવાય છે.

  3. hina kulal says:

    We Miss You Mrugesh Bhai.

  4. jignisha patel says:

    આજે પણ ભુલાઈ નથી શકાયુ કે તેઓ હવે આપણી વચ્ચે નથી.
    ” ફુલ ગયુ ને ફોરમ ફેલવતુ ગયુ”

  5. Badruddin.Surani says:

    હિના બહેન કુલાલ ના સાત સવાલો અને આપના તરફ થેી અપાયેલા જવાબ થેી ઘણેી વિગત જાણવા મલેી.રેીડ ગુજરતેી ને ૧૨ વર્ગ મા સ્થાન મલ્યુ તે જાણેી ને ખુબજ ખુશેી થઈ.હિના બહેન કુલાલ પણ ગુજરાતેી ભાષા નેી ઘણેી સારેી સેવા બજાવે છે,તે સેજ આપનેી જાણ માટે રજુ કર્યુ છે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :