- ReadGujarati.com - http://www.readgujarati.com -

દીકરા દીપડા નહીં, ઘડપણના દીવડા ગણાય ! – દિનેશ પાંચાલ

(રીડ ગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી દિનેશ પાંચાલનો ખૂબ ખૂબ આભાર)

કહે છે કે સિંહ ઘરડો થાય ત્યારે કાગડા ચાંચ મારી જાય છે ! ઘડપણમાં માણસની દશા પણ સિંહ જેવી થાય છે. જે ઘરમાં વૃદ્ધોને પ્રેમ અને આદર મળતો હોય તે ઘર સંસ્કાર મંદિર ગણાય. આપણી મૂળ ચર્ચા સમાજમાં દીકરા દીકરીના મહત્વની છે. આજપર્યંત સમાજે દીકરીની ચાર મોઢે પ્રશંસા કરી છે. જેમકે દીકરી વહાલનો દરિયો…! દીકરી તુલસીનો ક્યારે…! દીકરી એટલે ઘડપણનો સહારો…! ખુદ આ લખનારે પણ લખ્યું છે : (૧) ‘સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે અને દુઃખમાં આંસુ લૂછતી હથેળી બની જાય છે !’ (૨) ‘અખબારોમાં સેંકડો જાહેરાતો આવે છે જેમાં લખ્યું હોય – ‘અમારો દીકરો અમારા કહ્યામાં નથી.’ પરંતુ આજપર્યંત એક પણ જાહેરાત એવી પ્રગટી નથી કે ‘અમારી દીકરી અમારા કહ્યામાં નથી.’ (૩) ‘દીકરી વિશેના પુસ્તકો બજારમાં ચાલે છે કેમકે દીકરી સંસારમાં ચાલે છે !’ વગેરે… વગેરે. દોસ્તો, એમ નથી કહેવું કે ઉપરનાં બધાં વિધાનો ખોટાં છે. (બલકે છેલ્લા થોડાક સમયથી દીકરી માટે પણ અખબારોમાં ફોટા સહિત જાહેર ચેતવણી છપાય છે – ‘અમારી દીકરી અમારા કહ્યામાં નથી !’ આજપર્યંત એવી ત્રણેક જાહેરાતો વાંચવા મળી. સિક્કાની એ બીજી બાજુ છે તેની નોંધ પણ લેવી રહી.) અને છતાં ન્યાયખાતર એટલું સ્વીકારીએ કે દીકરી આજે પણ સંસારની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહે છે. સમાજમાં દીકરીની પ્રતિષ્ઠાની ડિપોઝીટ ડૂલ નથી થઈ. કેમકે દીકરી કુદરતી રીતે જ પ્રેમાળ, માયાળુ, સમજુદાર અને સહિષ્ણુ હોય છે.

પરંતુ અત્રે ફરિયાદપૂર્વક કહેવું છે કે સમાજ ક્યારેક અતિશયોક્તિ કરી બેસે છે. તે એમ પણ કહી બેસે છે કે એક દીકરી દશ દીકરાની ગરજ સારે છે (અરે ! ‘દીકરા એટલે દીપડા…!’ એમ કહેતાં પણ તે અચકાતો નથી) દીકરી વિષેની પ્રસ્થાપિત માન્યતાઓમાં ૧૦૦ ટકા વજુદ છે. આપણે જોઈએ છીએ કે પરણેલી દીકરી સાસરે રહ્યે રહ્યે પણ માવતરની સંભાળ રાખે છે. પરંતુ એ સમગ્ર સામાજિક પરિવેશમાં સારા દીકરાઓનું સઘળું કરેલું કારવેલું ધોવાઈ જતું હોય તે કોઈ રીતે ઉચિત નથી. એ ન ભૂલાવું જોઈએ કે માવતરને દીકરી પ્રેમ કરે છે તો દીકરો પણ કરે જ છે. હા, કેટલાંક કૃપાત્ર દીકરાઓ માવતર સાથે દુર્વ્યવહાર કરી બેસે છે. તેમને કારણે સંસ્કારી દીકરાને બટ્ટો લાગે છે. મરીઝ સાહેબે લખેલી વાત અત્રે દીકરાઓ માટે બહુ સાચી જણાય છે. ‘છે સ્ખલનના એકબે પ્રસંગો મને પણ યાદ… કોણ જાણે કેમ આખી જિંદગી બદ્નામ છે !’ દીકરાઓ નાહક વધુ પડતા વગોવાયા છે. હા, ખરાબ દીકરાઓનો કોઈ બચાવ ના હોઈ શકે પણ એકાદ બે પ્રસંગોને જનરલાઈઝ કરીને બધાં દીકરાઓને એક લાકડીએ ન હાંકી શકાય.

દીકરી સાસરેથી આવી માબાપની બે ચાર દિવસ સેવાચાકરી કરે તે માવતરને વિશેષ ગમે છે. પણ ઘરના દીકરા વહુએ તેવી જ શુશ્રૃષા કરી હોય તો ય માવતરને દીકરીનો હેત આગળ તે થોડી ઉણી ઉતરતી જણાય છે. દીકરાવહુ સાથે થયેલી આ સુક્ષ્મ માનસિક હિંસા છે. ઘણીવાર જોવા મળે છે કે કેટલાંક માવતર દીકરાવહુની હાજરીમાં દીકરી જમાઈની સેવાચાકરીના ઘણાં વખાણ કરે છે. દીકરાવહુને એ ‘પ્રશસ્તિકાંડ’ દ્વારા જાણે આડકતરી રીતે મહેણું મરાતું હોય એવું લાગે છે. માવતરનો એવો ઈરાદો હોતો નથી પણ દીકરાવહુની સાઈકોલોજી સમજી શકવાની પાત્રતા દરેક માબાપ પાસે હોતી નથી. સમજુ દીકરાઓ એવી બાબતને મહ્ત્વ આપતાં નથી પરંતુ વહુ ક્રોધી સ્વભાવની, તીખી હોય તો તેના હૈયે ઠેસ પહોંચે છે. એ ઠેસને શબ્દોનું સ્વરૂપ આપવું હોય તો આવો ભાવાર્થ નીકળી શકે : ‘વર્ષોથી હું સેવાચાકરી કરીને બેવડ વળી જાઉં છું તો ય અમારી કોઈ કદર નથી અને દીકરી બે દિવસ ચાકરી કરી ગઈ તેમામ સાસુજી ઓળઘોળ થઈ ગયા…!’ આવા મનદુઃખોમાંથી કાળક્રમે મોટા ભૂકંપો સર્જાય છે. જાણ્યે અજાણ્યે વહુ એવું માનતી થઈ જાય છે કે સાસુ એની દીકરીને પ્રેમ કરે છે તેટલો મને નથી કરતી. સાસુ પણ મનને ખાનગી ખૂણે એક ગ્રંથિ બાંધી લે છે- ‘દીકરી તે દીકરી અને વહુ તે વહુ…! પોતાના લોહી જેટલી માયા પારકા લોહીમાં ક્યાંથી હોય ?’ આવી માનસિકતા ત્યજવા જેવી છે.

હમણાં એક વૃદ્ધ દંપતિના જીવનની કરૂણ ઘડીના સાક્ષી બનવાનું થયું. બન્નેની ઉંમર ૮૦નો આંકડો વટાવી ગઈ હતી. તેઓ નિઃસંતાન હોવાથી એકલા જીવતા હતાં. બન્નેને સુગર, પ્રેશર, વા અને ઍટેક જેવી સરખી બીમારી હતી. એ વડીલે મિલમાં નોકરી કરેલી એથી આવક ખાસ હતી નહીં. વ્યાજની મામુલી આવકમાંથી બન્ને જેમ તેમ જીવ્યે જતા હતા. કુદરતનું કરવું તે બન્ને એક સાથે પથારીવશ થયા. પચાસેક હજાર ખર્ચ્યા તોય વડીલ ન બચી શક્યા. એમના પત્ની પ્રથમથી જ અશક્ત હતાં. આ ઘટના બાદ તેઓ સાવ ભાંગી પડ્યા. સગું વહાલું પણ એમનું કોઈ હતું નહીં. સોસાયટીના લોકો માનવતાને નાતે વિધવાને ભાણુ પહોંચાડતા હતા. પછી એક ક્ષણ એવી આવી કે પત્નીથી પથારીમાંથી ઉઠાતું પણ બંધ થઈ ગયું. દોસ્તો, જરા વિચારો… શું થઈ શકે આવી સ્થિતિમાં ? આજના સંઘર્ષભર્યા જીવનમાં દરેક માણસ ઘર અને નોકરી વચ્ચે વહેંચાઈ જતો હોય છે. પતિપત્ની બન્ને નોકરી કરતા હોય તે સંજોગોમાં તેઓ પોતાના પરિવારને પણ પૂરો સમય ફાળવી શકતા નથી, ત્યાં એક નિરાધાર વૃદ્ધાની સેવા ચાકરી, ઝાડો-પેશાબ કોણ કરે ?

એ સ્થિતિ નજરે જોયા પછી જીવનની એક નક્કર વાસ્તવિકતા સમજાઈ. વહેલી મોડી દરેકના જીવનમાં ઘડપણમાં પારકે નાકે શ્વાસ લેવાની ઘડી આવે છે. કોઈના ટેકા વગર જાજરૂ સુધી પણ ન પહોંચી શકાય એવી હાલત થાય છે. એથી માણસને સંતાનમાં (દીકરી હોય તો ઠીક છે પણ દીકરી કરતાંય) દીકરો હોવો વધુ જરૂરી છે. રખે માનશો કે અમે દીકરીનો વિરોધ કરી છીએ. દીકરી બેશક ડાહી અને પ્રેમાળ હોય છે પણ તેણે સાસરે જવાનું હોય છે. તેના પોતાના સંસારની અનેક જવાબદારીઓ હોય છે. એથી માબાપની આથમતી અવસ્થામાં દીકરો જ તેમને ઉપયોગી નીવડી શકે છે. દોસ્તો, આંખોને ચશ્મા આવી શકે, પગોને વા થઈ શકે અને હ્રદયને ઍટેક આવી શકે એ જેટલું સાચું છે તેટલું જ સાચું એ પણ છે કે ઘડપણમાં માત્ર પૈસાની નહીં માણસની પણ જરૂર પડે છે. હાથપગ ચાલતાં બંધ થઈ જાય અને માત્ર હ્રદય ધબકતું હોય ત્યારે એ દેહને જીવાડવા માટે સેવા ચાકરી કરનારું કોઈ હોવું જોઈએ. યાદ રહે, સંતાનમાં કેવળ એક દીકરો જ હશે (અને તે ખરાબ નીકળ્યો હશે તો લોકલાજે પણ) તે માવતરની ચાકરી કરશે. પણ દીકરી સેવાચાકરી કરવા ઈચ્છતી હશે તો પણ તેનો પતિ રજા આપશે તો જ તે તેમ કરી શકશે. વળી દૂર દેશાવર પરણેલી દીકરીએ પોતાના સંસારનો કારોબાર પણ સંભાળવાનો હોય છે. એથી તે ઈચ્છે તોયે તેના સંજોગો તેને માબાપની સેવા કરવા માટે અનુકૂળતા કરી આપતા નથી. આપણી સામાજિક વ્યવસ્થા જ એવી છે કે દીકરીએ ફરજિયાત પારકી થાપણ બની પડી રહેવું પડે છે. ચાર દીકરી જન્મી ચૂકી હોય તોય પાંચમી વાર દીકરા માટે પ્રયત્ન કરતા માણસને સમાજ ગાંડો ગણે છે પરંતુ એ કહેવાતા ગાંડપણમાં જીવનની આવી કરૂણ સચ્ચાઈ છૂપાયેલી છે. નિઃસંતાન દંપતિને જ સમજાય એવું આ સત્ય છે. ઘડપણમાં દેવ કરતાં દીકરાની જરૂર વધારે પડે છે. તિજોરીમાં લાખો રૂપિયા પડ્યા હશે પણ અંતે પુત્રધનની તોલે આવી શકશે નહીં. નોકરો ગમે તેટલા વફાદાર હશે તોય દીકરા વહુ જેવી સરભરા નહીં કરી શકે. તાત્પર્ય એટલું જ, દીકરીની ભ્રૂણ હત્યા જેટલી ગુનાઈત છે તેટલું જ દીકરાના મહત્વને અવગણવું પણ ભૂલભરેલું છે.

ધૂપછાંવ

દાદા-દાદી જાત્રાએ ગયા હોય અને ઘરના સભ્યો તેમને ફોન કરીને કહે- ‘દાદા, તમે વહેલા ઘરે આવી જાઓ… તમારા વિના ઘર સુનું થઈ ગયું છે. અમને સૌને તમારા વિના ગમતું નથી !’ જો આવું થઈ શકે તો તે વૃદ્ધો નસીબદાર ગણાય. ઘરનાઓને વૃદ્ધોની ગેરહાજરી સાલે એ કાંઈ જેવી તેવી સિદ્ધિ નથી. એવું સન્માન રમતવાતમાં મળી જતું નથી. આખી જિંદગી માણસ ખૂબ પ્રેમાળ વડીલ બની રહ્યો હોય તો જ ઘડપણમાં એવો ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ’ એવોર્ડ મળે છે.

– દિનેશ પાંચાલ