ત્રણ કાવ્ય રચનાઓ.. – મહેબૂબ સોનાલિયા

(ભાવનગર જીલ્લાના શિહોરમાં વસતા મહેબૂબભાઈ સોનાલિયાની ત્રણ કાવ્ય રચનાઓ તેમણે રીડગુજરાતીને પાઠવી છે એ બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ. તેમનો સંપર્ક તેમના મોબાઈલ નંબર 97267 86283 પર કરી શકાય છે.)

૧.

પ્રવાહોમાં ભળી જાવું, મને કેવી રીતે ફાવે?
હઠીલા આ હ્રદયને તું જ કે’ ને કોણ સમજાવે?

ગઝલ, મુક્તક, રુબાઇ, હાઈકુ, સોનેટ હો કે પદ,
ઢળીને કોઇ પણ ઢાંચામાં કેવળ લાગણી આવે.

હું પાગલ કયાં હતો કે રાતભર જાગ્યા કરું છું પણ,
ફકીરી રાતરાણી છે દિવસને કેમ મહેકાવે?

દિવસભર રાહ જોઇ ઓટલે બેસી રહે છે માં,
ને ઘરડાઘર નો કાગળ લૈ ને સાંજે છોકરો આવે

સમજદારી ઉપર શંકા કરું છું એટલા માટે,
ભણી બે ચોપડી માબાપને સંતાન સમજાવે!

તરસની એ ચરમસીમાએ હું ‘મહેબૂબ’ પહોંચ્યો છું,
હવે તો ગટગટાવું છું હળાહળ પણ ભલે આવે.

૨.

કમી છે કોઇ જીવનમા અભાવ બોલે છે
રહું છું મૌન છતાં હાવ-ભાવ બોલે છે.

હું તારા શહેરની મોકાની ઇમારત તો નથી
કે વાત વાતે બાધા મારો ભાવ બોલે છે.

નથી નશામાં છતાં ભાનમાં ય નૈ આવું
તમારી યાદ પીધી છે પ્રભાવ બોલે છે.

વિહંગ જીવનું ભોળું અને જગત ચાલાક,
એ જાળ હાથમા લૈ, “આવ આવ…” બોલે છે!

અરે કાં મિત્ર બધા બ્હાર મળવા બોલાવે!
કદાચ આંગણું ઘર નો સ્વભાવ બોલે છે,

હે જીંદગી, તને હું કલ્પનામાં જીવું છું,
મુકામ કેવો હશે? ક્યાં પડાવ બોલે છે.

હશે સંબંધની સીમા અતિચરમ `મહેબૂબ`
પૂરાવા રુપે તમારા આ ઘાવ બોલે છે !

૩.

ભલા કે ક્યાં બુરા માટે?
લડું છું ફાયદા માટે.

પળેપળ મૌન સેવ્યું છે,
સમય પર બોલવા માટે.

જીવન કાયમ રડાવે છે,
રડું છું જીવવા માટે.

બધું છોડી શકું છું હું,
જીવું છું ક્યાં કશા માટે.

ચરણ પણ બીનજરુરી છે
અમારા દોડવા માટે.

બધે વિખરાઇ બેઠો છું,
ફકત સ્થાપીત થવા માટે.

અરે મહેબૂબ ફોગટમાં,
મરી બેઠા ખુદા માટે!

– મહેબૂબ સોનાલિયા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “ત્રણ કાવ્ય રચનાઓ.. – મહેબૂબ સોનાલિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.