સંજોગ નહિ, સ્વભાવ બદલો – ડૉ. કુમારપાળ દેસાઈ

(‘નિત્યાનંદ કૃપા’ સામયિકમાંથી સાભાર)

જિંદગી એક એવી હૉસ્પિટલ છે કે જ્યાં દરેક દર્દી પોતાનો પલંગ બદલવા માટે અતિ આતુર હોય છે. એ વર્તમાન જિંદગીથી પારાવાર કંટાળેલો છે. એને ચોતરફ ઘોર હતાશા જ દેખાય છે અને એમ માને છે કે જીવનમાં સઘળા કપરા સંજોગો એને ઘેરી વળ્યા છે.

કોઈને પત્ની પસંદ નથી, તો કોઈને નોકરી પસંદ નથી. કોઈને પિતા સાથે અણબનાવ છે, તો કોઈને જ્ઞાતિ સાથે ઝઘડો છે. આમ, દરેક માણસને એમ લાગે છે કે પોતે સાચો છે અને એનાં સઘળાં દુઃખનું કારણ એની આસપાસના વિપરિત, મુશ્કેલ કે ભાગ્યાધીન સંજોગો છે.

પરિણામે એ પરમાત્માને સતત પ્રાર્થના કરતો હોય છે કે, ‘હે પ્રભુ ! મારા સંજોગો બદલી નાખ. મારી કર્કશા પત્નીનો સ્વભાવ તું રાતોરાત પલટી નાખ, મારા પિતા આજના જમાનાને અને અતિ આધુનિક વિચારોને સમજે એવું કંઈક જાદુ કર, નોકરીમાં પ્રમોશન પ્રાપ્ત થાય એવી પરિસ્થ્તિનું નિર્માણ કર. બસ, તું સંજોગો બદલી નાખ એટલે મારું જીવન બદલાઈ જશે.’

વળી, એ પરમાત્માને કહેશે : ‘આજે જે જીવન જીવી રહ્યો છું, એમાં ક્યાંય નિરાંત નથી. આ જીવન તો વૈઠ કે વૈતરાં જેવું લાગે છે. રોજ શાંતિ માટે ઝંખના કરું છું અને એક પછી એક અશાંતિ ઊભી થતી જાય છે. હજી માંડ એક મુશ્કેલીમાંથી બહાર નીકળીને ‘હાશકારો’ લીધો ય ન હોય, ત્યાં સામે બીજી મુશ્કેલી ઊભી જ હોય છે. આમાંથી મને હે કૃપાનાથ ! મુક્ત કર !’

દરેક વ્યક્તિએ પરમાત્માને પોતાના સંજોગો બદલી નાખવા માટે પ્રાર્થના કરી હોય છે, પરંતુ એ પોતાની જાતને, સ્વભાવને કે જીવનશૈલીને બદલવા માટે તૈયાર હોતી નથી. પરિસ્થિતિ ક્યારેય બદલાતી નથી. તમારે બદલાવું પડે છે. આસપાસના સંજોગોમાં રાતોરાત કોઈ મોટું પરિવર્તન આવી જવાનું નથી. તમારે સ્વયં પરિવર્તન પામીને એ સંજોગો સમક્ષ જવાનું છે.

જીવનમાં પડકાર તો રહેવાના જ, પરંતુ ઈશ્વર એ પડકાર એટલા માટે મોકલે છે કે માનવી પોતાનું સુષુપ્ત ખમીર શોધી શકે. આજે તો એવું બને છે કે વ્યક્તિના જીવનમાં કોઈ મુશ્કેલી કે પડકાર આવે, ત્યારે તે ઈશ્વરને દોષ આપે છે. એણે સર્જેલા ભાગ્ય કે કરેલી કર્મોની સજાને કારણરૂપ ગણે છે. ઈશ્વરમાંથી એની સઘળી શ્રદ્ધા ચલિત થઈ જાય છે.

હકીકતમાં ઈશ્વર પરની દ્રઢ શ્રદ્ધાની આ જ કસોટી છે અને એ ઈશ્વર જ મોકલતો હોય છે ! માટે આવી કસોટી કરવા માટે ઈશ્વરને દોષ દેવાનો કોઈ અર્થ નથી, બલકે ઈશ્વર આધારિત સાચી શ્રદ્ધા અને પરમ નિષ્ઠા સાથે આ કસોટીનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ.

પહેલી વાત એ છે કે સંજોગો બદલવા માટે તમારે બદલાવું પડશે અને એ માટે તમારે તમારી જાતને કેળવવી પડશે. કશુંક પ્રતિકૂળ થાય એટલે ‘અપસેટ’ થઈ જવાની આદત છોડવી પડશે. મોટાભાગની વ્યક્તિઓનું જીવન એવી રીતે વહેતું હોય છે કે એ હંમેશાં ‘અપસેટ’ જ હોય છે અને એનું કારણ એમની આસપાસની પરિસ્થિતિમાં રહેલું હોય છે. એમને ઘણીવાર એ અકળામણ હોય છે કે કુટુંબીજનો એની યોગ્ય સારસંભાળ લેતા નથી. રામો ન આવે તો એમનો ‘મૂડ’ ખરાબ થઈ જાય છે. ફ્રિજ બગડી જાય કે લાઈટ જતી રહે, તો એમના મન પર દુઃખનું આખું આકાશ તૂટી પડે છે ! આવે સમયે તમે બહારના સંજોગોને બદલી શકવાનાં નથી. તમારે તમારા મનને બદલવાનું છે.

એ મનને શાંત અને સ્વસ્થ રાખીને તમારે તમારું કામ આગળ ધપાવવાનું છે. એક શિક્ષક વર્ગમાં જાય, ત્યારે કોઈ વિદ્યાર્થી સહેજ તોફાન કરે અને જો એ ગુસ્સે ભરાઈને ગમે તેમ બોલવા લાગે, એના વિષયનું સાતત્ય તૂટી જાય, તો એ નિષ્ફળ જાય છે. એ શિક્ષક પાસે એટલી સ્વસ્થતા હોવી જોઈએ કે વિદ્યાર્થીની એ ટીખળને એવી રીતે લે કે જેથી એમના ચિત્તની શાંતિ કે સ્વસ્થતા જળવાઈ રહે, એ પોતાનો વર્ગ શાંતિથી લઈ શકે અને પોતાનો વિષય સરસ રીતે શીખવી શકે.

પરિસ્થિતિ પ્રત્યે તમારો પ્રતિભાવ કેવો છે તે ચકાસવું જોઈએ. તમારી આસપાસના પરિચિતોને જોશો તો તમને તરત ખ્યાલ આવશે કે આ વ્યક્તિને અમુક વાત કહીશું એટલે એનો અમુક જ પ્રતિભાવ આવવાનો. એ તરત ઉકળી જશે અથવા તેઓ તત્કાળ એ વિષયમાં કોઈ નૅગેટિવ ટિપ્પણી કરશે. એવી જ રીતે ઘરમાં પત્ની કોઈ માગણી કરે અને તમારો વિચાર બીજી વસ્તુ લાવવાનો હોય તો એ વાતથી જ પત્ની ‘અપસેટ’ થઈ જશે. કેટલીક વ્યક્તિઓ તત્કાળ અકળાઈ જાય છે, ત્યારે કેટલીક વ્યક્તિઓ એ પ્રશ્નને શાંત રીતે સમજવાની કોશિશ કરે છે. તાત્કાલિક પ્રતિભાવ એ ઘણા સાંસરિક કલહનું કારણ છે.

કેટલીક બાબત એવી છે કે જેને તમે તમારા જીવનમાં બદલી શકતા નથી. તમને ભાઈ, બહેન, મમ્મી કે પપ્પા જે મળ્યાં હોય, તેનો સ્વીકાર કરવો જ રહે. હવે કોઈ બીજાના પપ્પાને જોઈને તમે એમ વિચારો કે મારા પપ્પા પણ આના જેવા હોય તો કેવું સારું ! પણ આવું બનવું શક્ય નથી. કોઈની મમ્મીમાં વધુ વાત્સલ્ય અને કાર્યકૌશલ જોઈએ, તે આપણી મમ્મીમાં પણ મળવાં જોઈએ એવું બનતું નથી. શરીર ખૂબ સ્થૂળ હોય અને દોડની સ્પર્ધામાં પ્રથમ નંબર આવવાની કલ્પના કરો, તો તે અશકય છે. મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં પણ પરાજય પામ્યા હો અને આવતે વર્ષે પ્રધાનમંત્રી બનવાનું સ્વપ્ન સેવો તે અશક્ય છે.

આમ, કેટલીક બાબતો કે વસ્તુઓ આપણે માટે શક્ય નથી એટલે એની ઝંખના રાખવાને બદલે એને ભૂલી જવી યોગ્ય છે. જેને તમે કોઈ કાળે બદલી શકતા નથી, એને બદલવાનો વિચાર છોડી દેજો. એને બદલે એના પ્રત્યે સ્વીકારભાવ રાખજો. જે છે એનો હસતે મોઢે સ્વીકાર કરીને જીવવાથી અભાવ કે અતૃપ્તિ પજવશે નહિ અને તમે તમારી આસપાસની પરિસ્થિતિને વધુ સારી રીતે સમજી શકશે.

કેટલીક પરિસ્થિતિ એવી છે કે જેને તમે બદલી શકો છો. જેમ કે, કાર્યક્રમ હંમેશાં મોડા પહોંચવાની આદત પડી ગઈ હોય તો તે સુધારી શકાય છે. વારંવાર અકળાઈ જવાનો સ્વભાવ થઈ ગયો હોય તો તે સ્વભાવને સ્વસ્થ રાખવાની તાલીમ આપી શકાય છે. કોઈના તરફ વેર બંધાયું હોય અને તેને કારણે રાત્રે ઊંઘ આવતી ન હોય તો મનને સમજાવી શકાય કે આવી રીતે ઉજાગરા કરવાથી વેરતૃપ્તિ નહિ થાય. દિવસના અંતે એમ લાગે કે ઘણાં કામ કરવાનાં હતાં અને ઘણાં રહી ગયાં તો વહેલી સવારે એ કામોની ‘પ્રાયોરિટી’ પ્રમાણે યાદી કરીને એ કામો એક પછી એક પૂર્ણ કરવામાં આવે તો રાત્રે અસંતોષ નહિ રહે.

દિવસ દરમિયાન તમે એટલાં બધાં કામોનો વિચાર કર્યો હોય, પણ હકીકતમાં આખા દિવસ દરમિયાન તમારી પાસે કામ કરવા માટે પાંચ જ કલાક હોય, તો તમારે એ સંજોગોને સમજીને પાંચ કલાકના સમય પ્રમાણે કાર્યોનું આયોજન કરવું જોઈએ. જો એમ માનો કે ચોવીસ કલાક મારી પાસે છે અને એ રીતે કામનું આયોજન કરો, તો નિષ્ફળતા જ મળવાની. આમ, કેટલાક કપરા સંજોગોને આપણે આપણી સૂઝબૂઝથી બદલી શકીએ છીએ અને એમાંથી યોગ્ય માર્ગ કાઢી શકીએ છીએ.

એ પછીની ત્રીજી બાબત એ જીવનમાં આવતા પડકારને છે. આપણા પર કોઈપણ પડકાર આવે એટલે તરત રઘવાયા બની જઈએ છીએ અને પહેલો ઘા ઈશ્વર પર કરીએ છીએ કે ક્યાં છે એ ઈશ્વર, કે જે મને આટલો પરેશાન કરે છે ? અને પછી તત્કાળ જાહેરનામું બહાર પાડીશું કે આ જગતમાં ઈશ્વર જેવું કંઈ નથી. જ્યાં સુધી પરિસ્થિતિ સાનુકૂળ હતી, ત્યાં સુધી આપણે ઈશ્વરને માનતા હતા અને જેવી પરિસ્થિતિ પ્રતિકૂળ થઈ એટલે ઈશ્વરના અસ્તિત્વનો જ આપણે છેદ ઉડાડી દઈએ છીએ. હકીકતમાં જીવનમાં આવતા દુઃખો, મુશ્કેલીઓ, આફતો કે પડકારની તપાસ કરો તો ખ્યાલ આવશે કે નેવું ટકા મુશ્કેલીઓના સર્જક આપણે સ્વંય છીએ. તમારા ગુસ્સાએ કોઈ વેર જગાડ્યું છે, તમારી વાસનાએ કોઈ વિપરીત સ્થિતિ સર્જી છે, તમારી લાલચે જ તમને કોઈ કૌભાંડમાં સંડોવ્યા છે.

બીજાં કેટલાંક શારીરિક દુઃખ છે, જેને માટે વ્યક્તિએ ભય ત્યજીને જીવવું જોઈએ. આજે વ્યક્તિ કોઈને કોઈ રોગથી સતત ડરતી હોય છે. એટલું જ નહિ, પણ પરિચયમાં આવનારને પ્રથમ વાત જ એ કરતી હોય છે કે છેલ્લાં વીસ વર્ષથી એ ડાયાબિટિસથી પીડાય છે અથવા તો કૅન્સર થયું છે કે પછી એને પથરીનો દુઃખાવો રહે છે.

આજનો માણસ જેટલો રોગથી મરતો નથી, એટલો રોગ પ્રત્યેના એના વલણથી મરે છે. એનું વલણ એવું છે કે એ રોગને અટકાવવાને બદલે કે એનો સામનો કરવાને બદલે એમાં સત વૃદ્ધિ કરતો રહે છે. એની પાસે ‘ફિકરની ફાકી કરવાની’ તાકાત હોતી નથી. સંતો અને મહાત્માઓના જીવનમાંથી આપણે એ જોઈ શકીએ છીએ કે એમને અત્યંત વેદનામય વ્યાધિઓ હોવા છતાં એ વ્યાધિની કશી ઉપાધિ કરી નહોતી, તેથી એમની પ્રસન્નતામાં સહેજે ફેર પડ્યો નહોતો.

– ડૉ. કુમારપાળ દેસાઈ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “સંજોગ નહિ, સ્વભાવ બદલો – ડૉ. કુમારપાળ દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.