- ReadGujarati.com - http://www.readgujarati.com -

પ્રેરક પ્રસંગો.. – નીલેશ મહેતા

(નીલેશ મહેતા દ્વારા સંક્ષેપ અને સંકલન થયેલ ‘ક્ષણે ક્ષણે આનંદ’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

kshane kshane anand

(૧) યોગ્ય ધંધો

એક ધંધાદારી યુવાન હતો. પોતાનો ધંધો ખૂબ જ શાંતિથી અને સારી રીતે ચલાવતો હતો. એક દિવસ એક મોટા વેપારીનો મોટા ધંધામાં ફોન આવ્યો. યુવાન વિચારમાં પડી ગયો શું કરવું, શું ન કરવું ? શું યોગ્ય, શું અયોગ્ય ? એણે મોટા વેપારીને વિચારવા માટે સમય માગ્યો. તે રાત્રે તે ઘેર ગયો. મા આગળ દિલ ખોલી બધી વાત કરી. પોતાની દ્વિધા સમજાવી. મોટા વેપારીની ધંધા માટેની શરતો જણાવી અને પોતાને કેટલો મોટો આર્થિક લાભ થાય અને ભવિષ્યમાં ધંધાના વિકાસમાં શું કામ આવશે બધું જ માને સમજાવ્યું. માને કદી ધંધાની કોઈ ખબર નહોતી. મા બિચારી પુત્રને શું કહે ? પુત્રની ઘણી ચર્ચા બાદ વિચારી મા બોલી : ‘બેટા તારી વાત મને જરાયે સમજાઈ નથી. મેં તને કોઈ દિવસ ધંધા વિશે ચર્ચા કરી નથી અને મને તારા ધંધાની કોઈ દિવસ ખબર નથી. પરંતુ મને એટલી ખબર છે તું મહેનતથી અને શાંતિથી ધંધો કરે છે એટલે હું દરરોજ સવારે તારા કમરામાં આવું છું ત્યારે તું ઘસઘસાટ ઊંઘતો હોય છે. તને ઉઠાડતાં મને નાકે દમ આવી જાય છે. હવે હું જ્યારે ઓરડામાં આવું છું ત્યારે તને છત તાકતો જાગતો પડેલો જોઉં તો મને જરાયે ગમે નહીં. બાકી છેવટનો નિર્ણંય તો તારો જ હોય. તને ગમે એ ખરું.’ આટલું બોલી મા મૂંગી થઈ ગઈ.
ધંધાદારી યુવાનને પોતાનો જવાબ મળી ગયો.

(૨) મિત્રનું સમર્પણ

ઈટાલીમાં બે ગરીબ મિત્રો ચિત્રકલાનું શિક્ષણ લેવા એક ચિત્રકલા ગુરુને મળ્યા. બંનેની ગુરુએ પરીક્ષા કરી. ચિત્રકલા શીખવા માટેની તેમની લાયકાત દર્શાવી. ગુરુએ ફી ભરવાની વાત કરી ત્યારે બંને ઉદાસ થઈ ગયા. કારણ બંને ગરીબ હતા. પણ એક મિત્ર કાંઈ બોલે તે પહેલાં બીજા મિત્રએ કહ્યું, ‘અમે આપની ફી ભરી આપશું.’ બંને બહાર નીકળ્યા, પેલા મિત્ર કહ્યું ‘ક્યાંથી ભરીશું ફી ?’ બીજા મિત્રે કહ્યું, ‘અરે, પૈસા નથી તો શું થયું ? બાવડાંમાં બળ તો છે. જો હું કમાઈ લઈશ, તારી ફી ભરીશ, તું ભણી લે, ચિત્રકાર થઈ જા, પછી તું કમાઈશ અને હું ભણી લઈશ બરાબર ?’ બંને મિત્રો સહમત થયા. બીજે દિવસે એક ચિત્રકલા શીખવા ગયો. બીજો કામે ગયો. રોજ સાંજે બંને મિત્રો સાથે જમે. મિત્રના અભ્યાસની ચર્ચા થાય. થોડાં વર્ષ આમ ચાલ્યું. હવે ચિત્રકાર મિત્રે શિક્ષણ પૂરું કર્યું હતું. હવે તે ચિત્રો બનાવી સારું કમાવા લાગ્યો હતો. એક દિવસ તે પોતાના મિત્રને લઈ ગુરુજી પાસે ગયો અને વિનંતી કરી, ‘ગુરુજી, હવે મારા મિત્રને આપ ચિત્રકલા શીખવો.’ ગુરુજીએ તે મિત્રના હાથ જોયા, પછી બોલ્યા, ‘હવે આ મિત્ર ચિત્રકલા નહિ શીખી શકે.’ પેલા મિત્રે પૂછ્યું ‘કેમ ?’ ગુરુજી કહ્યું, ‘મહેનત કરી કરી તેના હાથ એટલા કઠોર, એવા સખત થઈ ગયા છે કે તે ચિત્રો દોરી નહિ શકે.’ ત્યારે ચિત્રકાર મિત્રને ખબર પડી કે પોતે ભણી શકે તે માટે મિત્ર પથ્થરની ખાણોમાં કામ કરતો હતો. આ જાણી ચિત્રકાર મિત્ર ખૂબ રડ્યો. ‘શું જરૂર હતી આ રીતે મને ભણાવવાની ?’ એ ફરી ફરી આમ જ કહ્યા કરતો. ગુરુજીની આંખમાં પણ આંસુ હતાં તેમને અફસોસ એટલો જ હતો, ‘મને જણાવવું તો હતું !’ માત્ર શ્રમજીવી મિત્રના ચહેરા પર સ્મિત હતું, સમર્પણનો સંતોષ હતો.

એક ભવ્ય પ્રદર્શનની યુરોપમાં જાહેરાત થઈ. ચિત્રકાર મિત્રે પણ પોતાનું ચિત્ર રજૂ કર્યું. એ જ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવ્યું. ચિત્ર હતું ‘પ્રાર્થના કરતા હાથનું ચિત્ર’ અને એ કઠોર હાથ હતા. મહેનતકશ ઈન્સાનના… દિલોજાન દોસ્તના. આ ચિત્રના ચિત્રકારનું નામ હતું અલબ્રેસ્ત કરેર.

(૩) સુખી સંસારની ચાવી

એક શહેરમાં એક મોટું કુટુંબ રહેતું હતું. નાના મોટા થઈ સિત્તેર માણસો હતાં. સંયુક્ત જીવન જીવી એક જ રસોડે એ બધાંય જમતાં હતાં. ક્લેશ શું છે એની કુટુંબની કોઈ વ્યક્તિને ખબર નહોતી. સમસ્ત કુટુંબનો સંપ રાજ્યની ખ્યાતિ હતી. આધુનિક યુગમાં સંયુક્ત પ્રથા એક સ્વપ્ન જેવું છે. આ કુટુંબની વાર્તા સાંભળી એક પત્રકાર મિત્ર તે કુટુંબની મુલાકાત લેવા ગયો. પત્રકાર મિત્રનું ઉમળકાથી સહ કુટુંબ સ્વાગત કર્યું. સ્વાગતવિધિ પતી ગયા પછી, કુટુંબ વડીલને પત્રકારે મૂળ વાત રજૂ કરતાં કહ્યું, તમારું વિશાળ કુટુંબ ખૂબ સલાહ-સંપથી રહે છે. પેલી વાત છે કે બે વાસણ હોય તો ખખડ્યા વિના રહેતાં નથી. તમારે ત્યાં તો સિત્તેર માણસોનો પરિવાર છે. છતાંય કોઈ ક્લેશ કે ક્યાંય ખખડાટ નથી ? આ વાતનું રહસ્ય જાણવાની મને જિજ્ઞાસા છે.’ કુટુંબના વડીલની ઉંમર ઘણી મોટી હતી. બોલવાની શક્તિ ન હતી, એટલે તેના એક પૌત્રને ઈશારો કરીને કાગળ અને પેન મંગાવ્યાં. પછી પોતાના ધ્રૂજતા હાથથી લગભગ સોએક શબ્દ લખી કાઢ્યા અને પત્રકાર સમક્ષ એ કાગળ રજૂ કર્યો. ઘણી ઉત્સુકતાથી પત્રકાર એ કાગળ વાંચવા માંડ્યો. પરંતુ તેમાં તો એકનો એક શબ્દ સો વાર લખવામાં આવ્યો હતો એ શબ્દ હતો : ‘સહનશીલતા.’

પત્રકાર માટે એક આશ્ચર્ય હજી ઊભું છે ત્યાં વળી આ નવું આશ્ચર્ય ઉમેરાયું. એક પુત્રે બોલતાં કહ્યું, ‘સહનશીલતા’ ના મહામંત્રથી અમે સૌ એકતાના દોરે બંધાયાં છીએ. કુટુંબ ભલેને ગમે તેટલું હોય, છતાં જો બધામાં સહનશક્તિ હોય તો જરાય વાંધો ન આવે. સહનશક્તિ માટે પહેલી જરૂર છે મતસહિષ્ણુતાની, સૌને આદર આપતાં આપણે શીખવું જોઈએ. કદાચ, સામા પક્ષની વાત ખોટી હોય તો પ્રેમથી, સમજાવીને તેનું હ્રદય જીતી લેવું એ સુખી સંસારની સર્વશ્રેષ્ઠ ચાવી છે.’

(૪) શાંતિનો અહેસાસ

એક રાજા દ્વારા શાંતિનો અર્થ સમજવા અને સમજાવવા માટે એક ચિત્રની હરિફાઈ કરવામાં આવી. ઘણા કલાકારોએ પોતાનાં ચિત્રો તૈયાર કર્યાં. બધાંય ચિત્રો બારીકાઈથી રાજાએ જોયાં અને બે ચિત્રો ગમ્યાં. એક ચિત્રમાં શાંત સરોવરની બધી બાજુ પર્વતો છે અને એ બધાયનું સરોવરના પાણીમાં સ્વચ્છ પ્રતિબિંબ ઝિલાય છે. જાણે, સરોવર સરસ અરીસો હોય એવું લાગતું હતું. બીજા ચિત્રમાં પણ પર્વતો હતા પણ તે ખરબચડા અને બોડા હતા. ઉપરનું આકાશ જાણે કોપાયમાન હોય એવું લાગતું હતું. મુશળધાર વરસાદ પડતો હતો સાથે વીજળીના ચમકાર હતા. એક પર્વતની બાજુમાં મોટો ધોધ હતો. પણ ચિત્રકારે ચિત્રમાં બીજી અદ્‍ભુત રચના કરેલ હતી. ધોધની પાછળ ખડકના પોલાણમાં મઝાનું નાનકડું એવું ઝાડ દોર્યું હતું. એ ઝાડમાં માળો બાંધી પક્ષી બચ્ચાને સાચવીને બેઠું હતું. મુશળધાર વરસાદ અને ધોધના ધસમસતા પાણીના અવાજ વચ્ચે પણ પક્ષી અને બચ્ચાં એવાં શાંતિથી અને નિરાંતથી બેઠાં હતાં કે સંપૂર્ણ શાંતિમય વાતાવરણનો અહેસાસ થતો હોય.

રાજાએ શાંતિના અર્થ માટે બીજું ચિત્ર પસંદ કર્યું, પોતાની પસંદગી પાછળનું કારણ સમજાવતાં રાજાએ કહ્યું, ‘શાંતિનો અર્થ એવો નથી કે જ્યાં અવાજ ન હોય, મુશ્કેલી ન હોય કે પરિશ્રમ ન હોય. આ બધું હોય છતાં, એની વચ્ચે જેમના દિલમાં, ચહેરામાં શાંતિનો અહેસાસ થાય એ જ સાચી શાંતિ.’

– નીલેશ મહેતા

[કુલ પાન ૪૮. કિંમત રૂ. ૪૫. પ્રાપ્તિસ્થાનઃ નવયુગ પુસ્તક ભંડાર, નવા નાકા રોડ, ૧ લે માળે, રાજકોટ – ૩૬૦૦૦૧ ફોન. (૦૨૮૧) ૨૨૨૫૫૯૬]