સંપેતરું – રવજી કાચા

(‘પુસ્તકાલય’ સામયિકમાંથી સાભાર)

‘આવો, હરજીવેવાઈ ! આવો. ગોબર તારી માને કે’કે ઘડકી લાવે.’ મોંમાં પતાસું મૂક્યું હોય એમ ખીમજીભાઈએ આવકાર આપ્યો.

ગોબરનાં બા ઉતાવળે આવી ખાટલે ઘડકી પાથરતાં બોલ્યાં, ‘વેવાઈ ! જય શ્રીકૃષ્ણ ! ઘેર બધાં સાજાંનરવાં છે ને ?’

‘જય શ્રીકૃષ્ણ ! બધાં મજામાં છે. તમે કેમ છો ?’ વેવાઈએ સામો વિવેક કર્યો.

‘બેસો. હું ચા મોકલાવું છું.’ કહી ગોબરની બા જવા લાગ્યાં ત્યાં જ ખીમજીભાઈએ લહેકાથી કહ્યું : ‘સાંભળો છો ? લાખેણા વેવાઈ આવ્યા છે, લાપસીનાં આંધણ મૂકજો.’

‘ભલે-ભલે, એમાં કાંઈ તમારે ભલામણ કરવાની ન હોય.’ બોલતાં પત્ની માથાનો છેડો સરખો કરી હરખાતાં-હરખાતાં ઘરમાં ગયાં.

ગોબર પાણી અને ચા આપી ગયો. બંને વેવાઈએ કુશળ-સમાચાર પૂછ્યા. ખીમજીભાઈ મનમાં વિચારતા હતા કે કાંઈ ખતખબર વિના વેવાઈ કેમ આવ્યા હશે ? ઘેર તો બધું ઠીકઠાક હશે ને ?’

ત્યાં ગોબરે આવી કહ્યું : ‘બાપુ ! હાલો વાળુ કરવા.’

બંને વેવાઈ વાળુ પતાવી ફળિયામાં આવી ખાટલે બેઠા. ખીમજીભાઈના ઘરમાં શાંતિ છવાઈ ગયેલી. કદાચ સૌ વિચારતાં હશે કે હરજીવેવાઈ ઓણ સાલ દીકરીને વળાવશે તો ખરાં ને ! ગોબરેય હવે તો ત્રીસનો થવા આવ્યો. ગોબરના બાપુએ ક’ણ મોકલેલ. શું લગ્ન સમજવા જ વેવાઈ આવ્યા હશે ? એટલે જ તો ઘરમાં સૌના કાન ફળિયામાં બંને વેવાઈ વચ્ચે શું ખીચડી પાકે છે તે સાંભળવા અધીરા બન્યા હતા.

આવી જ ગડમથલ ને વમળોના તરંગો ખીમજીભાઈના મનમાં ઊઠ્યા હતા. પણ ધીર ગંભીર એવા કે ખીમજીભાઈ સામે ચાલીને પૂછે એવા નહોતા. બંને વેવાઈ એકબીજાની ધીરજનાં પારખાં કરતા હોય એમ મૌનવ્રત ધારણ કરીને બેઠા.

‘ખીમજીભાઈ ! તમને નિરાંત હોય તો થોડી વાત કરવી છે.’ મૌન તોડતાં હરજીભાઈએ પૂછ્યું.

‘અરે, શું વાત કરો છો, વેવાઈ ! તમારે એવું પૂછવાનું હોય ? અમારે તો નવનિરાંત છે. તમતમારે જે કહેવું હોય તે હૈયે ધરપત રાખી બોલો. હું તો વેવાઈનો અરથ એવો કરું છું કે જે વે’વાર હમજે તે વેવાઈ. લોહીથી નહીં પણ દીકરા-દીકરીના સંબંધથી આપણે ભાયું બન્યા છીએ. ભાઈ ભાઈને સુખદુઃખની વાતો નહીં કરે તો કોને કરશે ? માટે કાંઈ ફકર વિના જે હોય ઈ કહો તમતમારે.’ હરજીવેવાઈને હિંમત અને ધરપત આપતાં ખીમજીભાઈ બોલ્યા.

‘ખીમજીભાઈ ! વાત કરતાં તો મરવા જેવું થાય છે. દીકરીનો બાપ છું એટલે સો વાતના વિચાર આવે. દીકરાને વરાવવો-પરણાવવો હોય તો કાંઈ ચિંતા નો હોય, પણ દીકરીના વળાવવામાં તો દીકરીનાં માબાપને આંખ્યું મોડે આવી જાય. દીકરી ઉંમરલાયક થાય એટલે વાટેય કેટલી જોવાય ?’

‘હરજીભાઈ ! વાતમાં મોણ નાખ્યા વિના જે હોય ઈ કહી નાખો. મૂંઝાવાની જરૂર નથી. દીકરીના બાપ થયા તે કાંઈ ગુનો કર્યો છે ? દીકરી તો લખમી કે’વાય. હું તો દીકરીના બાપનેય સમોવડિયો જ ગણું છું. મારેય દીકરિયું નો’તી ? તમારો ભાઈ સમજી વાત કરો.’ ખીમજીભાઈએ હરજીવેવાઈને અધવચ્ચે જ બોલતા અટકાવી કહ્યું.

‘ખીમજીભાઈ ! તમે આટલી હિંમત અને હૈયાધારણ આપો છો એટલે થોડી હિંમત આવી, બાકી ઘેરથી નીકળ્યો ત્યારે તો પગ ઊપડતા જ નહોતા. વાત એમ છે, વેવાઈ ! કે ગયું ને આ વરહ મોળાં ગયાં છે. ધાર્યું કંઈ થયું નથી. દીકરીને વળાવવી હોય તો કાંઈ ઠાલા હાથે થોડી વળાવાય છે ? તમારાં માનમોભા પરમાણે અમારેય વેવારમાં ઊભા રહેવું જોઈએ ને ? અમે બેય માણહે ખૂબ વિચાર કર્યો. જ્યાં બે છેડા ભેગા થતા ન હોય, વરહ ભેગાં થવામાંય મુશ્કેલી છે, ત્યાં આ લગનનો ખરચ… અમે બેય વેચાઈ જઈએ તોય..’

‘એ શું બોલ્યા વેવાઈ ? ફરી આવું બોલો તો તમને મારા સમ છે. હું તમારી મૂંઝવણ અને મુશ્કેલી સમજી શકું છું. સુયાણી કે દાક્તર પાસે પેટ નો ચોરાય. પેટછુટી વાત કરો એટલે રસ્તો નીકળે.’ ખીમજીભાઈએ વેવાઈના ખભે હાથ મૂકતાં કહ્યું.

‘ભાઈ ! લગનનો ખરચ તો તાણીતૂસીને કાઢી શકાય, પણ આણાંપરિયાણાં, ઘરેણાંનો જોગ કરવો એટલે નેવાનાં પાણી મોભે ચઢાવવા જેવું છે. ઘરપરિયાણ કર્યું તોય કોઈ રસ્તો ઓણ સાલ નીકળે એવું લાગતું નથી. તમે જો હા પાડતા હો તો લગન એક વરહ ખમી જઈએ તો કેમ ?’ બીતાં-બીતાં હરજીભાઈએ મૂંઝવણ એકીશ્વાસે કહી નાખી.

‘હરજી વેવાઈ ! લગન તો આ વરહે લેવાં છે. અમારેય એકનો એક દીકરો છે. ધામધૂમથી લગન કરવાના હરખ ને ઉમંગ હોય કે નંઈ ? ગોબરની મા ને બેનું-દીકરિયું કે’દીનાં ઉતાવળાં થાય છે. સગાં-સંબંધી મેની જેમ વાટ જોઈને બેઠાં છે કે ક્યારે ગોબરની જાનમાં જઈએ !’ ખીમજીભાઈ લગનની વાત પકડી રાખતાં બોલ્યા.
‘તમારી વાત હું સમજી શકું છું. મારે તમારા મોભા પરમાણે સ્વાગત કરવું પડશે કે નંઈ ? પણ…’

‘પણ અને બણ. લગન તો ઓણ સાલ જ લેવાં પડશે. થોડું ખેંચાઈને પણ લગન પતાવી દ્યો.’ અધવચ્ચે વાત કાપતાં ખીમજીભાઈએ થોડા ઊંચા અવાજે કહ્યું.

હરજીભાઈને લાગ્યું કે વાતને ખેંચવામાં માલ નથી. બઉ ખેંચું તો તૂટી જશે એમ વિચારી મૌન ધારણ કરી લીધું, પણ હૈયું વલોવાઈ રહ્યું હતું. તેમને એમ પણ થયું કે અમે બેય માણહનાં હૈયા વલોવાતાં રત્નોને બદલે નર્યં વખ નીકળવાનું છે. સમુદ્રમંથનનું ઝેર તો શંકરદાદો ગટગટાવી ગ્યો’તો. આ ઝેર તો અમારો બેયનો અંત લઈ લેશે. તેના મોંનું તેજ હણાઈ ગયું. તેનું મગજ શૂન્ય બની ગયું. મગજ બહેર મારી ગયું. તે ફરી વિચારવા લાગ્યો કે ખીમજી વેવાઈ દેખાવે જ ઉદાર અને પ્રેમાળ લાગે, બાકી તે સિંદરી બળે પણ વળ નો મૂકે એવો ઘમંડી અને અડિયલ લાગે છે. આ તો વરહ મોળાં થ્યાં એટલે, નઈતર એનાય માથે નો મારું કે તમતમારે ત્રેવડ મુજબ જાન જોડીને હાલ્યા આવજો !

‘બાપુ ! પથારી થઈ ગઈ છે, આડા પડવું હોય તો.’

‘હા-હા હાલો વેવાઈ ! કરો લાંબું ડિલ. બાકીનું બધું સવારે વિચારીશું.’ કહી ખીમજીભાઈએ ખાટલામાં પડી ગોદડાની સોડમાં શરીરને ઢબૂરી દીધું, જેમ નાના બાળકને માતા ઢબૂરે તેમ.
ખાટલામાં પડતાંની સાથે હરજીભાઈના ડોળા ખરડાના ખપેડે નળિયા ગણવા લાગ્યા. શી આશા લઈને આવ્યો હતો અને શું સાંભળ્યું ! વેવાઈએ તો કહી નાખ્યું કે લગન તો ઓણ સાલ જ કરી દેવા પડશે, પણ એમને ક્યાં ખબર છે કે અમે કેમ દી કાઢીએ છીએ ? ક્યારેક તો તાવડી પોરો લઈ જાય છે. હતું ત્યારે અભરે ભરાતું હતું. લગન ઈ કાંઈ નાનીના ખેલ છે ? ઢીંગલા-ઢીંગલી થોડાં પરણાવવાં છે ? દીકરીનેય ઓછું ન આવે એ રીતે માણહના નોરમાં આણાં-પરિયાણાં તો કરવાં કે નંઈ ? વેવાઈએ એક વરહની મુદત આપી દીધી હોત ને તો ભયોભયો થઈ જાત. પણ ખીમજીભાઈ પોતાની વાતમાં એકના બે થાય એવું દેખાતું નથી. ઘેર શું મોં લઈને જાઉં ? જઈને વાતયે કેમ કરવી ? મોટા ઉપાડે હાલી નીકળ્યો હતો તે ! દીકરીની માને એક વખત તો હુમલો આવી ગ્યો છે, ઈ વેવાઈ ક્યાં નથી જાણતા ? વાત સાંભરતાં એનાથી આગળ વિચારી શકાયું નહીં. તેની આંખો ભીની થઈ ગઈ. બાઈમાણહ વિનાનું ઘર ને મા વિનાને દીકરીને હું કેમ પાલવીશ ? એના કરતાં તો આંયથી જ પરબારો વાટ પકડી લઉં. દેખવું નહીં ને દાઝવું નહીં.

હરજીભાઈએ સાંસારિક ફરજમાંથી પોતાની જાતને માખણમાંથી વાળ ખેંચી લઈએ તેમ અળગી કરતાં તેમનું મન હળવું બન્યું. હૈયા ઉપરથી સો મણનો ભાર દૂર થયો ને એમની આંખો ક્યારે મળી ગઈ એની ખબર ન રહી.

વહેલી સવારે લોકોની અવરજવર, દાતણપાણી વગેરેના અવાજથી હરજીભાઈ સફાળા બેઠા થઈ ગયા. ખાટલા નીચે લોટોમાં પલાળેલ દાતણ લઈ કર્યું. પાણીથી મોં ધોઈ સૂરજનારાયણને અંજલિ આપતાં મનોમન બોલ્યા : ‘હે સૂરજદેવ ! અમારી લાજ તમારા હાથમાં છે. મારા ગ્યા પછી બાકીનાંનું નાવડું સમુંસૂરતું પાર ઉતારજે.’

ત્યાં ગોબરે આવી રકાબીમાં ચા કાઢી. મૂંગામૂંગા બંને વેવાઈઓએ ચા પીધી. રાશવા દી ચડ્યો એટલે હરજીભાઈએ રજા લીધી.

‘એલા ગોબર ! તારી માને મોકલ.’ ખીમજીએ સાદ પાડ્યો.

હરજીભાઈને ધરતી મારગ આપે તો સમાઈ જવાની ઈચ્છા થઈ આવી. તેણે વિચાર્યું કે રાતે ઓછું સાંભળ્યું છે તે આ સવારના પોરમાં બાયુંમાણસ પાસેથીય સાંભળવું પડશે ? પણ હવે મડાને વીજળીનો શો ભે ?’ – એમ વિચારી હરજીભાઈ માંડમાંડ ખાટલે પૂતળાની માફક ખડાઈ ગયા.

ગોબરની મા હાથમાં નાની પોટલી લઈને આવ્યાં. તેને ગોબરના બાપુને આપતાં બોલ્યા : ‘લ્યો, વેવાઈને ક્યો કે આ સંપેતરું અમારી વહુ હારુ લેતા જાય.’

ખીમજીભાઈએ પોટલી લઈ હરજીભાઈને આપતાં કહ્યું : ‘લ્યો, વેવાઈ ! આ સંપેતરું તમારી વેવણે આપ્યું છે એમની વવ હારુ.’

‘અરે, વેવાણ ! ગામ ક્યાં છેટું છે ? હમણાં બસ મળશે ને પોગી જઈશ. એમાં ભાતાની કે સંપેતરાની શી જરૂર હોય ?’ હરજીભાઈએ પરાણે હસતું મોં રાખી કહ્યું.

‘ના, વેવાઈ ! આ સંપેતરું તો તમારે લઈ જ જવું પડશે.’

‘પણ મારે પલ્લો ક્યાં હાલીને કાપવાનો છે ? નાસ્તાની જરૂર જ નથી. મારું વેણ જો… તમે…’ હરજીભાઈ ગળગળા થઈ ગયા.

‘વેવાઈ-વેવાઈ ! એમ ઢીલા પડાતું હશે ? આ તમારો વેવાઈ ભાઈ બેઠો છે.’

‘પણ મારાથી ઓણ સાલ..’

‘જુઓ, હરજીભાઈ ! આ પોટલીમાં ઘરેણાં અને રોકડા પચાસ હજાર રૂપિયા છે. એયને ધામધૂમથી દીકરીનાં લગ્ન લ્યો. તમારી દીકરી ઈ મારી દીકરી છે, બસ !’

હરજીભાઈને કાપો તો લોહી ન નીકળે. તેમની મત મારી ગઈ. અવાચક બની ગયા. ગળાનો અવાજ રૂંધાઈ ગયો. તેમની આંખો ચૂઈ પડી. તેઓ વેવાઈના પગમાં પડી ગયા. એમની આંખોમાંથી આંસુડાંની ધાર વહી.

‘માટી થઈને આમ ઢીલા પડતાં હશે ? આવા કપરા કાળમાં ભાઈ ભાઈની મદદે ન આવે તો ક્યારે આવશે ? અને હા, આ સંપેતરાની કે કે લગનની વાતનો અણસાર કોઈને ન આવવા દેશો.’

‘પણ આ ઘરેણાં ?’

‘જુઓ, એ ઘરેણાં તમારી વેવાણનાં છે. લગન લેવાના હોવાથી હજી ગઈ કાલે જ સોની પાસે ધોવડાવી લઈ આવ્યો છું. આજે જ ખરીદ્યાં હોય એવાં નવાંનકોર છે. કોઈને વેમ પણ નહીં પડે. ઘી ઢોળાય તોય ખીચડીમાં જ છે ને ! લ્યો ત્યારે રામેરામ. બસનો વખત થઈ ગ્યો છે. એલા ગોબર ! મેમાનને બસ ઈસ્ટેન્ડે મૂકતો આવ.’

સો વીઘાનો ખાતેદાર હરજી પટેલ ખીમજીવેવાઈનો સમોવડિયો કહેવાતો, પણ આજે વખનો માર્યો ને એમાંય દીકરીનો બાપ, પણ અત્યારે તો કોડિયામાં દિવેલ પુરાય ને દીવો ફરી ઝળહળી ઊઠે એમ અંતરમાં અજવાળું થતાં હરજીભાઈ ઘર ભણી હાલી નીકળ્યા.

– રવજીભાઈ કાચા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “સંપેતરું – રવજી કાચા”

Copy Protected by Chetan's WP-Copyprotect.