ફટાકડાં… – નિપુણ ચોક્સી

(‘ગુજરાત’ દીપોત્સવી અંકમાંથી)

કોણે કહ્યું કે, ફટાકડાં દિવાળીએ જ ફૂટે ? ફટાકડાં બારેમાસ, રોજ-બરોજ, ચારે પ્રહર, દિવસ-રાત, સવાર-સાંજ ફૂટતાં હોય છે. સામાન્ય રીતે ફટાકડાં આનંદ થાય ત્યારે ફોડવામાં આવતા હોય છે. અને ફટાકડાં ફૂટતાં હોય એ સાંભળી અને જોઈને પણ આનંદ થાય છે. એટલે આ આનંદમાં બધાને જાણે અજાણે સામેલ કરવામાં આવે છે. પાડોશીને ઘરે ફટાકડાં ફૂટે તેનો આનંદ આપણે લઈએ છીએ… અને આપણે ત્યાં ફૂટતાં હોય એનો આનંદ એ લોકો લે છે. અને વ્યવહાર બરાબર સચવાઈ જતો હોય છે. આતશબાજી થાય ત્યારે બારીમાંથી ડોકિયા કાઢી એનો અદ્‍ભુત આનંદ લેવો એ આનંદ લેવાની ચરમસીમા છે. અને એક અંગ્રેજી લેખકે લખ્યું છે કે, “Those pleasure are greatest whice are cheapest.” અને આ બધા આનંદો વગર મૂડીએ થાય છે. એટલે એની તોલે કઈ ન આવે.

શરૂઆત બાળપણથી જ થાય છે. શરૂમાં બાળકને બોલાવવા માટે આખું ઘર એની આગળ જાત જાતની એકશન કરી એને બોલતું કરવા પ્રયત્ન કરશે.

“કાકા” બોલ બેટા “કાકા” બાળક તા તા કરતાં “તાતા” બોલતું થાય એટલે બધા ખુશ. બાળકનું જોઈને મોટા પણ તોતડું બોલતા થઈ જાય. જો બેટા “તાતા” આયા.. જોડે “તાત્તી” ને લાયા… “ફુચા”(ફુઆ) આયા જોડે “ફુચી”ને લાયા. એટલે બાળક દરેક શબ્દ તોતડું બોલતું થાય અને મોટાઓ પણ એને સાથ આપે. એ સાંભળવાની આપણને મઝા આવે. બાળક નાનું હોય ત્યારે એ ઘરમાં બધા તોતડું બોલતા થઈ જાય. અહીં સુધી વાંધો નથી પણ બાળક મોટું થાય, સ્કૂલે જતું થાય ત્યારે પણ એ ચાલુ જ રાખે. પછી બબાલ શરૂ થાય. હવે ઉચ્ચારો સુધારવા બધા બાળકની પાછળ પડી જાય. બાળકને લાગે કે આ બધા જ મારા જેવું બોલતા હતા અને અચાનક કેમ આ નવા શબ્દો ? અને ફટાકડાં ફૂટવાના અહીંથી શરૂ થઈ જાય.. શરૂઆતમાં શાબ્દિક અને પછી બાળકના બરડા પર…! બાળક એ પણ ધીરે ધીરે શીખી લે અને બોલ બોલ કર્યા કરે… એટલે વળી પાછા વડીલો “લે આ તો બહુ બોલે છે… નાના મોટાનું ભાન નથી રાખતો”… પછી બધા ભેગા મળીને એને ચૂપ રહેતા શીખવશે. એટલે બાળકના નાના મગજમાં નાનપણાથી જ આવા માનસિક ફટાકડાં ફૂટવાના શરૂ થઈ જાય.

સ્કૂલમાં જાય એટલે શિક્ષકોની આખી ટીમ તૈયાર હોય આતશબાજી કરવા. બાળકને શેમાં રસ છે અને શેમાં નથી એ જાણવાની તસ્દી લીધા વગર દરેકને ફરજિયાત નક્કી કરેલા ૭ થી ૮ વિષયો ભેજામાં મારી મચેડીને ઘુસાડવાના. અને એથી પણ આગળ ટ્યુશનમાં મોકલી એ ઘડામ ઘડામવાળી આતશબાજી બાળકોના કુમળા નાના મગજમાં… એટલે શરૂઆત આ બધા ફટાકડાની નાનપણથી જ થઈ જાય છે. માણસના જીવનમાં મઝા લો, દાઝતા રહો, ધુમાડો ફેલાવો કે ગમે તે કરો અને ભણતરના સુરસુરિયા કરો. આના વગર છૂટકો નહીં એટલે નહીં.

ક્રિકેટની મેચમાં ૨૦-૨૦ મેચ, વન-ડે કે પછી આઈ.પી.એલ. મેચ પતે પછી ફટાકડાં ફોડવાનાં એટલે ફોડવાનાં. સિઝન ગમે તે હોય લોકો જોડે ફટાકડાં આવી જ જાય. મેચ પછી ફટાકડાં ફૂટે એ તો જાણે સમજ્યા. ઉદ્‍ઘાટન મેચમાં પણ શરૂઆતમાં જ આતશબાજી કરી લેવાની. પછી ચાલુ મેચમાં પણ ખેલાડીઓ એકબીજા સાથે સ્લેજિંગ કરી શાબ્દિક ફટાકડાં ફોડી લેતા હોય છે. અને એથી આગળ વધી ખેલાડીઓ લાફા લાફી પણ કરી લે અને પછી માફા માફીનું પણ ચક્કર ચાલે. ટીમના માલિકો જો હિરોઈન અને ઉદ્યોગપતિ હોય તો મેદાનની બહાર સ્ટેડિયમમાં ચાલુ મેચે હાથની ખેંચા ખેંચી થાય, ધમકીઓ અપાય. કોર્ટમાં છેડતીના કેસ થાય. અને મીડિયા અને પબ્લિકને આવા ફટાકડા ફૂટતાં જોઈ આનંદ આવે. આઈ.પી.એલ. ટીમના માલિક જો ફિલ્મી હીરો હોય તો સુરક્ષાકર્મીઓ જોડે મારા મારી કરી ન્યૂઝમાં રહી શકે અને મીડિયામાં મફતની પ્રસિદ્ધિ મળે તે નફામાં. આવા દારૂગોળા વગરના વર્ચ્યુઅલ ફટાકડાંથી પ્રદૂષણ ના ફેલાય અને ફાયદો જ ફાયદો.

ક્રિકેટ જ નહીં પણ ફૂટબોલનો હમણાં જે ફીફા વર્લ્ડકપ થયો એમાં દરેક ચાલુ મેચમાં આવા ફટાકડાં ફૂટતાં હોય. ખેલાડી ખેલાડી વચ્ચે, રેફરી અને ખેલાડી વચ્ચે, કોચ અને ખેલાડી વચ્ચે ફૂટબોલની જગ્યાએ હરીફ ટીમના ખેલાડીને લાતો મારવાની, બચકાં ભરવાનાં, કોણીઓ મારવાની, પોતાની ભાષામાં મધુર વચનોની આપ-લે કરવાની. આ બધા ફટાકડાં જોવા આખી દુનિયા ગાંડી થાય છે. રમતગમતમાં આવા ફટાકડાં ઓસ્ટ્રેલિયાથી આયાત થાય છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડીઓ પાસે આની ખૂબ વેરાયટી મળી આવે.

રમતગમતની જેમ રાજકારણ પણ એક રમત છે. એમાં પણ ફટાકડાં બારેમાસ ફૂટતા રહે, ચૂંટણીની મોસમમાં તો આતશબાજી થતી હોય. ઉમેદવાર જીત્યા પછી તો ફટાકડાં ફૂટતાં જ હોય છે. પણ ચૂંટણી દરમિયાન જાતજાતના અને ભાતભાતના હરીફ ઉમેદવારની પ્રશંસા કરતાં ફટાકડાં ફૂટતા રહે. એમને સાંભળતા એમ લાગે કે અઓહો… આટલી બધી દેશની સેવા કરવામાં આવી છે છતાં અબુધ જનતા એનાથી અજાણ કેમ છે ? અને ત્યારબાદ પણ વિધાનસભાની બેઠકમાં અને સંસદની બેઠકમાં ખુલ્લા હાથે માઈક, ખુરશીઓ એકબીજા તરફ ફેંકી આદર પ્રગટ કરવામાં આવે છે. આવી ઘટનાઓ નાના મોટા પાયે દરેક દેશમાં બનતી રહે છે. આ બધા દારૂગોળા વગરના મનોરંજક ફટાકડાં જ છે.

ફિલ્મી સિતારાઓ પણ ફિલ્મની રજૂઆત થાય એ પહેલાં જાતજાતના વિવાદો ઊભા કરી ફટાકડાં ફોડતા રહે. મીડિયા અને ગોસીપવાળા કલાકારોની જાણ બહાર તેમના પ્રેમો જાહેર કરી દે. ટીવી અને અખબારોમાં ખબર છપાયા પછી જ આ ફિલ્મી અને ટી.વી. સિતારાઓને ખબર પડે કે, પોતે કોની સાથે પ્રેમમાં છે કે, પછી કોની સાથે પ્રેમભંગ થયો છે કે, પછી કોની સાથે એમના લગ્ન લેવામાં આવ્યા છે… અને કોની સાથે છૂટાછેડા કે બ્રેક અપ થયો છે. એટલે ઘણા એનો રદિયો આપે… કે… ના ના એવું કંઈ નો’તું… એ તો અમે જસ્ટ ફ્રેન્ડ છીએ… ઘણી વાર તો મીડિયાવાળા સાચું જ કહેતા હશે ને એમ માનીને પ્રેમ શરૂ કરે અને બ્રેક અપ પણ કરી નાખે… આમાં કેટલીય જોડીઓ બનતી હોય અને કેટલીય તૂટતી હોય. પણ જનતાને આવા ફટાકડાઓ અને ફટાકડીઓની વાતોથી મનોરંજન બહુ મળે…. અને આવું મનોરંજન તો ફિલ્મ જોવાથી પણ ન મળે.. હિરોઈનને કેટલીય વાર પ્રેગનન્ટ બનાવી દેવામાં આવે જેની હેરોઈન પોતાને ખબર જ ન હોય.

ઑફિસમાં પણ સતત ફટાકડાં ફૂટતાં જ હોય છે. કર્મચારી અને બોસના સંબંધ સાસુ-વહુ જેવા હોય છે.

બોસ : તમે રોજ મોડા આવો છો અને વહેલા ઘરે જતા રહો છો…

કર્મચારી : સાહેબ બેય ટાઈમ મોડા પડવું સારું નહીં એટલે સવારની ભૂલ સાંજે સુધારી લઉં છું!!!!

બોસ : તમે ભૂત પ્રેતમાં માનો છો?

કર્મચારી : ના સાહેબ કેમ?…

બોસ : આ તો તમે જે કાકાના બેસણામાં જવા સાત દિવસ પહેલા રજા લઈ ગયા હતા એ કાકા આજે તમને અહીં મળવા આવ્યા હતા…

ક્યારેક સામસામે મૌખિક ફટાકડાં ફોડવામાં આવે છે તો ક્યારેક લેખિત ફટાકડાં ફોડવામાં આવે છે. જેને ‘મેમો’ કહેવામાં આવે છે. જેનો લેખિત ફટાકડાથી જ જવાબ આપવાનો હોય છે.

આતંકવાદી, ત્રાસવાદીઓ, નકસલવાદીઓ પણ અસલી દારૂવાળો લઈને ફટાકડાં ફોડતા હોય છે. પણ એમાં બિચારા નિર્દોષ લોકો મરે છે. એમણે આવા પ્રદૂષણરહિત ગ્રીન ફટાકડાં ફોડવા જોઈએ. બાકી માંગણીઓનો કદી અંત આવવાનો નથી. અને કોઈ દેશના હાથા બનવા કરતાં આવા નિર્દોષ ફટાકડાં ફોડી અસંતોષ દૂર કરી શકાય. અમારું માનવું છે કે, કાશ્મીર સમસ્યાનો અંત પણ વારે તહેવારે આવા નિર્દોષ ફટાકડાં ફોડી લાવી શકાય. પણ અમારી સલાહ જોઈએ છે જ કોને ?

આ બધામાં પણ ન મળે એવા ઉત્તમ ફટાકડાં દામ્પત્ય જીવનમાં ફૂટતાં હોય છે. પતિ અને પત્ની બંને પાર્ટી પાસે શાબ્દિક સ્ટોક હાજર જ હોય. બંને પાસે વિવિધ ફટાકડાં વિવિધ કારણો માટે હોય છે. શરૂઆત ટીકડી ફોડવાથી થાય તે છેક એટમ બૉમ્બ ફોડવા સુધી પહોંચે… જેમાં તડને ફડ કરતાં તતડિયા, તારામંડળ, લવિગિંયા ટેટા (બાળકો સાથ પુરાવતા હોય છે.) લક્ષ્મી છાપ ટેટા… રોકેટ વગેરે હાજર સ્ટોકમાં હોય છે. શરૂઆત તમારી મમ્મીએ, બહેને આમ કીધું ત્યાંથી થાય અને પછી બંને પક્ષની સાત સાત પેઢીઓને યાદ કરીને ફટાકડાં ફોડવામાં આવે છે. આ બાબતમાં સામાન્ય રીતે બંને પક્ષની યાદગારી બહુ તેજ હોય છે. કામની વાતો ભૂલાઈ જતી હોય છે. જ્યારે લડાઈ, ઝઘડા, મહેણાં, ટોણાં માટે મસાલો તારીખ અને વાર સાથે હાજર સ્ટોકમાં હોય છે. આવી આતશબાજી ઘરમાં બાળકો, વડીલોની દરમિયાનગીરીથી શાંત પડવાની કોશિશ કરતાં હોય છે. અમે રહ્યા કવિ જીવ એટલે પતિ-પત્નીના સંબંધો લગ્ન પહેલાં કેવા હોય છે અને લગ્ન પછી કેવા છે એના પર હાસ્ય રચના લખી નાખી. લો તમે પણ આ શાબ્દિક ફટાકડાંનો આનંદ માણો. જેનો અવાજ તમારી આજુબાજુ સતત ગૂંજતો હોય છે. લગ્ન પહેલા પુરુષો રાજા છાપ ટેટા જેવા હોય છે પણ લગ્ન પછી સુરસુરિયા થઈ જાય છે… અમને એ જ સમજાતું નથી કે, આમ શાને થાય છે ?

ફટાકડાં (હાસ્ય રચના)

ફૂલઝરી જેવી હતી તું, થઈ જઈશ સાવ કોઠી કોને ખબર ?
હતી તું લવિંગિયાની લૂમ, થઈ જઈશ લક્ષ્મી ટેટા કોને ખબર ?
ચકરડી જેવી ગોળ ફરતી હતી તું, થઈશ લાલ પીળા બપોરિયા કોને ખબર ?
નાની ટીકડી જેવી દીસતી તું, થઈશ એટમ બૉમ્બ, કોને ખબર ?
હતો હું રાજા છાપ ટેટો, બની જઈશ હું સુરસુરિયું કોને ખબર ?
હું રહ્યો શાંત તારામંડળ, હઈશ તું તતડિયા તારામંડળ કોને ખબર ?
હું હતો ઝળહળતો હીરા જેવો, હઈશ તું સળગતી સાપ, કોને ખબર ?
હું રહ્યો ટીકડીના રોલ જેવો, પિસ્તોલ જેવી તું, કોને ખબર ?
હું રહ્યો વાઘબારસ જેવો, કાળીચૌદસ જેવી તું, કોને ખબર ?
– નિપુણ ચોક્સી

તો મિત્રો આવો તમે પણ આવા ફટાકડાં સતત ફોડતા રહો. નીરવ શાંતિની કોઈ મઝા નથી. આવા રંગબેરંગી, નયનરમ્ય વિવિધ અવાજ કરતાં ફટાકડાંઓ ફોડવાથી જ અસલી આનંદ મળે છે. વાતાવરણમાં પ્રદૂષણ કરતાં ફટાકડાંને બદલે આવા શૌર્ય રસથી ભરપૂર છતાં અહિંસક ફટાકડાં આ દિવાળીએ જ ફોડવાનું શરૂ કરી દો… અને હા… તમે તમારા ઘરે આવા ફટાકડાંની આતશબાજી કરો ત્યારે અમને જોવા જરૂર બોલાવશો…! અમે ફટાકડાંના શોખીન બહુ…!!!

– નિપુણ ચોક્સી

સંપર્કઃ
નિપુણ ચોક્સી
૯૮૨૫/૨, સેક્ટર-૪-ડી,
ગાંધીનગર.
૯૩૨૭૦૮૮૮૭૪

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “ફટાકડાં… – નિપુણ ચોક્સી”

Copy Protected by Chetan's WP-Copyprotect.