એક પૈસાની વહુ – યશવંત મહેતા

(યશવંત મહેતા દ્વારા સંપાદિત થયેલ ‘ઉદ્યમપ્રેરણાની કથાઓ’ પુસ્તકમાંથી. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટમાં મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.)

એક હતું ગામ.

એમાં એક ગરીબ બાઈ રહે.

એને એક જ દીકરો હતો.

અને એ પણ અવળી ખોપરીનો !

છોકરાને એની માએ ઉછેરીને મોટો કર્યો. પારકાં કામ કરીને પાળ્યો. આખરે છોકરો ઉંમરલાયક થયો, છતાં કામકાજ કાંઈ કરે નહિ. આખો દહાડો રખડ્યા કરે અને જેની તેની સાથે બાખડ્યા કરે. જોકે ચાલાક ઘણો. એટલે કદી વાંકમાં ન આવે.

એક વાર એના દોસ્તનાં લગન થયાં. છોકરો જાનમાં ગયો. એને તો ખાવાપીવાની મોજ પડી ગઈ. પાછો આવીને માને કહે કે મા, મા, મને પરણાવ !

માએ છણકો કર્યો. ‘માળા ગાંડિયા ! પરણવું કાંઈ સહેલ છે ? એ માટે તો પૈસા જોઈએ. તું કાંઈ કામકાજ કરતો નથી. મારી મજૂરીમાંથી માંડ રોટલા નીકળે છે. એટલે કશી મૂડી બચી નથી. ખાલી પાંચ પૈસા બચાવ્યા છે. તું કાંઈ કામકાજ કરે તો કોઈ દીકરી દે.’

છોકરો ખોપરી ખંજવાળવા લાગ્યો. પણ પછી કહે કે મા ! તારી બચતના પાંચ પૈસામાંથી મને ખાલી એક પૈસો આપ ! એ પૈસા વડે હું વહુ પરણી લાવીશ.

માને લાગ્યું કે છોકરો સાવ ગાંડો થઈ ગયો ! પણ એણે એક પૈસો કાઢી આપ્યો ખરો.

છોકરો એક પૈસો લઈને બજારે ગયો. ભાડભૂંજાની દુકાને પહોંચ્યો. કહે કે આ એક પૈસાના દાળિયા આપો !

ભાઈ, એ જમાનામાં એક પૈસાના ચણાય ખાસ્સા શકોરું ભરાય એટલા આવતા. છોકરાએ આ ચણાની નાની પોટલી બાંધી. પોટલી બગલમાં દબાવી અને એક એક દાણો ખાતો એ તો ચાલી નીકળ્યો. નજીકના મોટા ગામનો રસ્તો લીધો.

એ ગામને પાદર એક નદી હતી. નદીને કાંઠે એક ધોબી કપડાં ધોતો હતો. ત્યાંના રાજાની કુંવરીનાં લગન હાલમાં જ થયાં હતાં. એનાં હીરનાં ચીર ધોવાઈ રહ્યાં હતાં. રાજાનાં લૂગડાંય હતાં.

છોકરો નજીકમાં જ નદીકાંઠે બેઠો અને દાળિયા ખાવા લાગ્યો. એને ખાતો જોઈને ધોબીને પોતાની ભૂખ યાદ આવી. એ કહે, ‘ભલા ભાઈ ! તમે દેખાવથી સારા માણસ લાગો છે. જરા મારાં આ કપડાંનું ધ્યાન રાખશો ? ગામને પરવાડે જ મારું ઘર છે. જરાક રોટલા ખાઈ આવું.’

છોકરો કહે કે, ‘ભલે.’

એટલે ધોબીએ પૂછ્યું, ‘ભાઈ, તમારું નામ શું છે ?’

છોકરો કહે, ‘મારું નામ છે વંટોળ.’

ધોબી કહે, ‘વંટોળભાઈ, તમે ઘડીભર અહીં ચણા ખાતા બેસો. હું જમી આવું.’

ધોબી ગયો. છોકરો એકલો પડ્યો. એણે તો જલદી જલદી કુંવરીનાં ને રાજાનાં કપડાં ભેગાં કરવા માંડ્યાં. કપડાં વીણતો જાય અને બબડતો જાય, ‘ધોબીસાહેબ, માણસ સારો દેખાય એટલે સારો જ હોય એવું માનવું નહિ ! આજથી તમને આ પાઠ મળશે.’

એણે તો કીમતી કપડાંની ગાંસડી વાળી. એ ઉપાડીને ચાલતો થયો.

થોડેક છેટે ગયો અને એક ઊંટસવાર મળ્યો. છોકરો કહે, ‘ઊંટવાળાભાઈ ! મને ઘડીક તમારા ઊંટ પર બેસાડો. આ મારી ગાંસડી જરાક મોટી થઈ ગઈ છે ! ભાર લાગે છે. થાકી ગયો છું.’

ઊંટવાળાને દયા આવી. એણે ઊંટ ઝોંકાર્યો. છોકરાને ગાંસડી સહિત ઊંટની પીઠે બેસાડી લીધો. છોકરો કહે, ‘તમારું ભલું થજો.’

રસ્તામાં બંને વાતે વળગ્યા. છોકરાએ તો આખી જિંદગી વાતો જ કરી હતી. એટલે ભારે વાત-ડાહ્યો બની ગયો હતો. અલકમલકની વાતો કરીને એણે ઊંટવાળાને ખૂબ રિઝાવ્યો. એને દાળિયા પણ ખવડાવ્યા.

દાળિયા ખાધા એટલે ઊંટવાળાને તરસ લાગી. એટલે એ બોલ્યો, ‘ભલા ભાઈ, જુઓ સામે ખેતરને શેઢે કૂવો છે ને ! ત્યાં જઈને જરાક પાણી પી આવું. ઊંટને આ ઝાડને છાંયડે ઊભો રાખું છું. તમે એનું ધ્યાન રાખજો. અને હા, તમારું નામ તો મેં પૂછ્યું જ નહિ. શું નામ છે તમારું ?’

છોકરો કહે, ‘જરૂર જાવ, મહેરબાન. મારે માટે આ કળશિયો ભરીને પાણી લેતા આવજો. મારું નામ ઊંટાળો.’

ઊંટવાળાએ ઊંટને ઝોકાર્યો. પોતે એની પીઠેથી ઊતર્યો. દોરી-કળશિયો લઈને ખેતર ભણી ચાલ્યો. પણ જેવો એ થોડાં ડગલાં દૂર ગયો એવી જ છોકરાએ ઊંટને એડી મારી. એની લગામ ખેંચીને એને દોડાવી મૂક્યો. ઊંટવાળો ‘અરે, અરે… મારો ઊંટ ! ચોર, ચોર…!’ કરતો દોડ્યો. પણ ઊંટને એ આંબી શકે કાંઈ ?

છોકરો તો ઊંટને દોડાવતો રહ્યો. ઘણી વારે એક મોટું ગામ આવ્યું. અહીં કોઈ મોટા ઠાકોર જમીનદારની છોકરીનાં લગન થતાં હતાં. જાન ભારે ધામધૂમ કરતી માંડવે જઈ રહી હતી. છોકરાએ તો ઊંટ ઝોકાર્યો. પોટલું છોડ્યું. અંદરથી રાજાનો સુરવાળ અને રાજાનું અંગરખું કાઢ્યાં. રાજાનો ફેંટો કાઢ્યો. એ બધું પોતે પહેરી લીધું. પછી ઊંટની લગામ પકડીને એને દોરતો દોરતો જાનમાં સામેલ થઈ ગયો.

સાજનમાજન ઠાકોરને માંડવે પહોંચ્યું. આગળ તોરણ હેઠળ ઠાકોર ઊભો હતો. દરેક જાનૈયાને આવકાર આપતો હતો. દરેકને નામ પૂછતો હતો. પછી પોતાની મોટાઈ દાખવવા માટે દરેકને સો સો રૂપિયા આપતો હતો !

છોકરાનો વારો આવ્યો એટલે ઠાકોરે રામ રામ કર્યાં. અને નામ પૂછ્યું. છોકરાએ બેઘડક કહી દીધું, ‘મારું નામ જમાઈરાજ.’

ઠાકોર કહે, ‘ગજબનું નામ છે તમારું !’

છોકરો કહે, ‘વાત એમ છે કે જે દિવસે મારો જન્મ થયો એ જ દિવસે અમારા ઠાકોરસાહેબને ઘેર દીકરીનો જન્મ થયો હતો. એમણે નક્કી કર્યું કે દીકરી મોટી થાય એટલે આ છોકરા સાથે જ પરણાવીશ. અને એમણે મારું નામ જમાઈરાજ ઠરાવી દીધું. ત્યારથી મને બધા જમાઈરાજ તરીકે જ ઓળખે છે.’

ઠકોર કહે, ‘ભલે, ભલે લો, આ તમારી દક્ષિણાના સો રૂપિયા, અને જાવ, જલદી જમવા બેસી જાવ. પંગત પડી ગઈ છે.’
છોકરાને તો મોજ આવી ગઈ. એણે તો ઠાંસી ઠાંસીને શીરા-પૂરી ખાધા. પછી એ માંડવા નીચે ગાદી-તકિયે આડો પડ્યો.

એ જ વેળા માંડવા નીચે કન્યાના ચાર મામાઓ વાતો કરતા બેઠા હતા. એ કહેતા હતા કે બનેવીશ્રીએ તો લાકડે માંકડું કર્યું છે. આપણી ભાણી કેવી શાણી છે ! પણ ઠાકોરે મુરતિયો સાવ ભોટ પસંદ કર્યો છે. જાન આવી અને ભાણીબાએ ઝરૂખે ઊભાં મુરતિયો જોયો, એ જ ઘડીથી જ એ તો ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. બનેવી સાહેબે આવા ભોટ જેવા જમાઈને પસંદ કર્યો એ ખોટું કર્યું. અરે, ભલે સાધારણ ઘરનો છોકરો મળે, પણ એ હોશિયાર તો હોવો જોઈએ ને !

છોકરાએ મામાઓની આ વાતો સાંભળી. એ બબડ્યો : ‘મા ! તને એક પૈસાની વહુ મળી સમજ !’

*
ડોશીમાના દીકરાએ નક્કી કર્યું કે ઠાકોરની કુંવરીને મારે ઉઠાવી જવી !

એમાં કશું ખોટું નહોતું. કન્યાના મામાઓ જ કહેતા હતા કે પરણવા આવેલો મુરતિયો ભોટ છે. શાણી મઝાની કુંવરી સાવ ભોટને પરણે તો દુઃખી થાય. એને બચાવવી એ તો ઊલટાનું સારું કામ છે. શ્રીકૃષ્ણે પણ રુક્‍મિણીનું આવા જ કારણે હરણ કર્યું હતું ને !

કુંવરીનાં લગન રાતે થવાનાં હતાં. છોકરાએ પાકી તૈયારી કરી લીધી. પોતાના ઊંટ પર સામાન બરાબર બાંધીને તૈયાર રાખ્યો. એને લગ્નના માંડવા આગળ ઝોકાર્યો. પછી રાહ જોવા માંડી.

થોડી વાર લગ્નની વિધિ ચાલી. પછી ગોર મહારાજે સાદ કર્યો, ‘કન્યા પધરાવો, સાવધાન !’

છોકરો સાવધાન જ હતો. કન્યાનો મોટો મામો એને તેડીને મંડપમાં આવ્યો. બસ, એ જ વેળા છોકરો તીરની જેમ ધસ્યો. ગરુડ જેમ સસલાને ઉપાડે તેમ એણે કન્યાને ઉપાડી લીધી. એને ઊંટ પર બેસાડી પોતે કૂદીને ઊંટસવાર બની ગયો. ડચકારો કરીને ઊંટ દોડાવી મૂક્યો.

માંડવામાં હોહા મચી ગઈ. દોડાદોડ થઈ ગઈ. કોઈ પગપાળા જ ભાગ્યા. પણ એ ભીડભાડમાં કોઈ સાવધ બને એ પહેલાં તો છોકરો ગામ વીંધીને નીકળી ગયો. એ કઈ દિશામાં ગયો એનીય કોઈને ખબર ન પડી. પછી એની પાછળ પડવાનો તો સવાલ જ કેવો !

રસ્તામાં એણે કુંવરીને કહ્યું, ‘જુઓ, તમારા મામાઓ તમારા મુરતિયાને ભોટ કહેતા હતા. એવા ભોટ સાથે તમારો પનારો ન પડે એ માટે તમને ઉઠાવ્યાં છે. તમે કહેશો ત્યારે પાછાં મૂકી જઈશ.’

કુંવરી કહે, ‘ના રે ! હવે કાંઈ પાછા જવું નથી. મારે તો તમે જ સોનાના છો, કેટલા બધા લોકો વચ્ચેથી તમે મને ઉગારી ! એવા બહાદુરને છોડીને હું બીજે પરણવા નથી માગતી.’
વળતે દિવસે બંને ડોશીમાને ઘેર પહોંચી ગયાં. ડોશીમા રાજી રાજી થઈ ગયાં.

પણ મુસીબતનો અંત આવ્યો નહોતો. ત્રીજે દિવસે કાજીની કચેરીનો સિપાઈ આવીને ઊભો રહ્યો. છોકરાને કહે કે તારે કાજીની કચેરીમાં હાજર થવાનું છે. ત્રણ જણાએ તારી સામે ફરિયાદ નોંધાવી છે. એક છે ધોબી, એક ઊંટવાળો અને એક ઠાકોર. કાલ સવારે કચેરીમાં હાજર થજે, નહિતર મોતની સજા !

વળતે દિવસે છોકરો કાજીની કચેરીમાં હાજર થઈ ગયો. તરત જ સુનાવણી શરૂ થઈ. કાજીએ પહેલાં ધોબીને પૂછ્યું, ‘તારી શી ફરિયાદ છે ?’

ધોબી કહે, ‘સાહેબ, રાજાનાં અને એની કુંવરીનાં અને જમાઈનાં કપડાં હું ધોતો હતો અને બદમાશ કપડાં ઉપાડી ગયો.’

કાજીએ પૂછ્યું, ‘કોણ કપડાં ઉપાડી ગયું ?’

ધોબી કહે, ‘વંટોળ.’

કાજી હસવા લાગ્યો. એ બોલ્યો, ‘ભલા માણસ ! આવી વાતમાં કચેરીનો વખત ખરાબ કરવા દોડી આવ્યા ? વંટોળ તમારાં કપડાં ઉપાડી જાય એમાં કચેરી શું કરે ? ભાગો અહીંથી !’
બિચારો ધોબી વીલે મોંએ નીકળી ગયો.

કાજીએ બીજા ફરિયાદીને પૂછ્યું, ‘બોલો ભાઈ, તમારી શી ફરિયાદ છે ?’

ઊંટવાળા કહે, ‘સરકાર, ઊંટાળો મારો ઊંટ તફડાવી ગયો.’

કાજી કહે, ‘જો ભાઈ, પાણીવાળો પારકું પાણી પીએ નહિ, ભરવાડ પારકાં દૂધ ખરીદે નહિ. ઊંટાળો પારકા ઊંટ શા માટે ચોરે ? આવી ગાંડી ગાંડી ફરિયાદો કેમ કરો છો ? જાવ, જરા દિમાગની દવા કરાવો !’

ઊંટવાળો પણ ગભરાઈને ભાગ્યો.

આટલી વારમાં કાજી સાહેબને જમવા જવાનો વખત થઈ ગયો. પણ મુકદ્દમા બાકી હતા. એટલે ભૂખ્યે પેટે એમને ચીડ ચડી ગઈ. એણે રાડ પાડીને દારોગાને પૂછ્યું, ‘અબે, ત્રીજો મુકદ્દમો પણ આવો બકવાસ જેવો છે કે શું ? ક્યાં છે ફરિયાદી ?’

એટલે પેલો ઠાકોર આગળ આવ્યો. નમન કરીને બોલ્યો, ‘કાજીસાહેબ, હું છું ફરિયાદી.’

કાજી ગાદીતકિયેથી ઊભો થઈ ગયો, ‘અરે, ઠાકોર સાહેબ, આપ ? આપને વળી ફરિયાદ માટે શું કારણ મળ્યું ?’

ઠાકોર બોલ્યો, ‘અરે કારણ તે કાંઈ જેવુંતેવું છે ? કાજીસાહેબ, મારી દીકરીને લગ્નમંડપમાંથી ઉઠાવી જવામાં આવી છે !’

‘અરે, એવો હિંમતવાળો કોણ પાક્યો ? એને તો આકરામાં આકરી સજા કરવી જોઈએ. પણ, ઠાકોરસાહેબ, એ ઉઠાવગીર હતો કોણ ?’

‘જમાઈરાજ.’

‘શું..ઉં…ઉં… ? કોણ ?’

‘જમાઈરાજ !’

હવે કાજી ખડખડાટ હસવા લાગ્યો. ફાંદ પકડી પકડીને હસવા લાગ્યો. પછી માંડ હસવું રોકીને બોલ્યો, ‘ઠાકોર સાહેબ ! જમાઈરાજ કન્યાને લઈ જાય એમાં નવાઈ શી ? એની ફરિયાદ શી ? દીકરી જમાઈરાજ સાથે ન જાય તો કોની સાથે જાય ? એ તો સારું માનો કે એ જમાઈ સાથે ગઈ ! કોઈ ભોટવાશંકર સાથે નથી ગઈ !’

ઠાકોર બોલવા ગયો, ‘કાજી સાહેબ, મારી દીકરી…’

પણ કાજીએ વચ્ચે જ કહ્યું, ‘ઠાકોર સાહેબ, જે થાય તે સારા માટે ! જે જુવાન ભર્યા મંડપમાંથી દીકરીને ઉઠાવી ગયો એ કોઈ સાધારણ માણસ ન હોય. એને જમાઈ તરીકે વધાવી લો ! આ રહ્યો એ જુવાન !’

ડોશીમાનો દીકરો ઠાકોરને પગે લાગ્યો. ઠાકોરે પણ સમજીને એને આશીર્વાદ આપ્યા. કુંવરીનાં રંગેચંગે લગન કરાવી આપ્યાં. સૌએ ખાધું પીધું અને મોજ કરી.

[કુલ પાન ૧૪૮. કિંમત રૂ.૨૦૦/- પ્રાપ્તિસ્થાનઃ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “એક પૈસાની વહુ – યશવંત મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.