ત્રિશંકુ સ્વર્ગ – જી. લક્ષ્મી, અનુ. નિવ્યા પટેલ

(તેલુગુ વાર્તા : જી. લક્ષ્મી – ‘ત્રિશંકુ સ્વર્ગ’ અનુવાદ : નિવ્યા પટેલ, ‘બુદ્ધિપ્રકાશ’ સામયિકમાંથી)

પ્રિય નાની !

તમારો પત્ર કાલે જ મળ્યો. પત્ર મળતાં જ મને એવું લાગ્યું કે જાણે હું તમને રૂબરૂ મળી હોઉં. ખૂબ આનંદ થયો. પરંતુ પત્રમાં તમે જે વિશે લખ્યું હતું એ વાતે મને પણ પરેશાન કરી મૂકી છે. પત્ર જોઈને જ મને ખબર પડી ગઈ કે માએ જ તમારી જોડે આ પત્ર લખાવ્યો છે.

નાની ! તમે લખ્યું છે કે લગ્ન કર્યા વગર જીવન અધૂરું ગણાય છે, એટલે આવા નિરર્થક અને પાગલ વિચાર છોડીને લગ્ન કરી લે. પણ નાની, મેં એવું કહ્યું જ નથી કે હું લગ્ન નહીં કરું. માત્ર એવું જ કહ્યું હતું કે હું જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છું એ સમય લગ્ન માટે અનુકૂળ નથી. એટલે બે વચ્ચે ખાસ્સો ફરક છે. કૃપા કરીને મને સમજવાની કોશિશ કરજો.

નાની ! માની નોકરીને લીધે મારું બાળપણ તમારી જોડે જ વીત્યું. એ વાતને લઈને મા આજે પણ દુઃખ અનુભવે છે. માએ મને હૈદરાબાદને ‘ચાઈલ્ડ કૅર સેન્ટર’માં એટલે તો નહોતી મૂકે કે મા જાણતી હતી કે ત્યાં છોકરા રડે નહીં એટલે એમને અફીણની ગાંગડી ખવડાવીને સુવડાવી દે છે. એ કારણે તો માએ મને તમારી જોડે ગામ મોકલી દીધી. એ વખતની મારા બાળપણની ચેષ્ટાઓ જેવી કે મારી કાલેઘેલી બોલી, બોખા મોંવાળું હાસ્ય બધું માએ ગુમાવ્યાનું દુઃખ આજે પણ તેને છે.

નાની ! તમને ખબર છે હું જ્યારે તમારી જોડે રહેતી’તીને એ દિવસો મારા માટે ‘ગોલ્ડન ડેઝ’ હતા, બાકી હું ઘણાં શહેરો અને ગામડાં ફરી છું, નાની ! નળિયાંવાળી છત નીચે નાના આરામખુરશીમાં બેસીને છાપું વાંચતા હતા અને તમે શાક સમારતાં સમારતાં કે પછી સાગ સાફ કરતાં કરતાં અથવા તો ચોખા વીણતાં વીણતાં નાના સાથે વાતો કરતાં હતાં. એ વાતોમાં હંમેશાં બાળકોના સંબંધની કે પછી ગામવાળાઓનાં સુખદુઃખની વાતો થતી. તમારી જીવનશૈલીમાં જે ફુરસદ હતી, એ હું આજે વિચારું છું તો લાગે છે કે એ જિંદગી કેવી લક્ઝરી હતી ! પ્યારી નાની ! તમારી જોડે બેસીને હોમવર્ક કરતાં કરતાં, તમારી પતિ-પત્નીની વાતો હું સાંભળતી હતી. એ મને બહુ સારું લાગતું હતું. તળાવ કિનારા જોડે આપણું ઘર, પાછળ ચમેલીનો છોડ, આંબાનું ઝાડ… મારા પર તમારો અને નાનાનો અસીમ પ્રેમ હજુ પણ મારા દિલમાં વસેલો છે. તમે મેંદીના પાનને પીસીને, અરીઠામાં મેળવીને મારા લાંબા વાળ ધોઈ આપતાં હતાં. મારા લાંબા વાળને કોઈની નજર ન લાગે એ માટે તમે બીજા લોકોની સામે મારા વાળ ઓળતાં પણ નહોતાં. નાની ! આજે કદાચ તમને ખબર નહીં હોય પણ મારો એ લાંબો ચોટલો હવે ‘બોબ્ડ હેર’માં પરિણત થઈ ગયો છે. લાંબા ચોટલાને ગૂંથવા-સંભાળવાનો હવે સમય ક્યાં છે ? થોડો ઘણો સમય બચે એટલે તો મેં જ એને કપાવી નાખ્યા હતા. એ કાપેલા વાળ તમને બતાવવા સંભારીને રાખી મૂક્યા હતા…

મા પાસે હૈદરાબાદમાં છઠ્ઠા ધોરણમાં ભણવા ગઈ ત્યારથી મારી જે દોડ શરૂ થઈ એ બૅંગ્લોર જેવા શહેરમાં જઈને ચાર ગણી થઈ છે. ગામમાં વિતાવેલું તમારું જીવન ને હૈદરાબાદમાં રહેતી માના જીવનની કોઈ તુલના ન થઈ શકે. કામ કરવાનું અને સાદા ભોજનનો મધુર સ્વાદ લેવાનું તમારું શાંતિપૂર્ણ જીવન ને સામે માનું દરેક મિનિટે ભાગદોડમાં દોડતું જીવન, જે પોતેય જાણતી નથી કે એ શું કરી રહી છે. શું ખાઈ રહી છે. નાની ! તમારા જીવન અને માના જીવનમાં આકાશપાતાળનું અંતર છે. શુગર, બી.પી. જેવી બીમારી જે તમારી પાસે હજુ સુધી પહોંચી પણ નથી એ આ ભાગદોડને કારણે માને વરદાન સમાન પ્રાપ્ત થઈ ગઈ છે.

સાડા પાંચ વાગે એલાર્મ વાગવાની સાથે જ માની દોડ શરૂ થઈ જતી. ચા પણ શાક સમારતાં કે ચટણી બનાવતી હોય ત્યારે પીતી. નાસ્તો, જમવાનું, લંચબોક્સ તૈયાર રાખવાનાં, સાંજે ઑફિસથી છૂટતી વેળાએ કરિયાણું લેતા આવવાનું, મને પાછું હોમવર્ક કરાવવાનું.. એક બે કામ નહીં, બધાં જ કામ એ પોતે કરતી. પિતાજી બૅંકમાંથી કોઈ દિવસ નવ વાગ્યા પહેલાં આવતા નહોતા. ઘરનું બધું જ કામ માએ જ કરવું પડતું. જે દિવસે મા માથાબોળ નહાતી’તી ત્યારે તો એ વાળ સૂકવવાનો સમય પણ નહોતી કાઢી શકતી, અને ભીના વાળા લઈને જ બસ પકડવા માટે દોડતી હતી. સાંજે થાકીપાકી ઘેર આવતી ને એવી દશામાં એને જોઈને કંઈ કહેવાનું મન નહોતું થતું કે આ કે તે બનાવીને ખવડાવ.

માની દોડને મેં પકડી લીધી, જેવી કે ઓલિમ્પિક મશાલને કોઈના હાથમાંથી કોઈ બીજું પકડી લે એમ. નાની ! તમને એ યાદ જ હશે કે હું જ્યારે એન્જિનિયરીંગનું ભણતી હતી ને મને કેમ્પસ સિલેક્શનમાં ઇન્ફોસિસમાં નોકરી મળી ગઈ ત્યારે આપણે બધાં કેટલાં ખુશ થયેલાં ! શું તમે વિશ્વાસ કરી શકો છો કે હું હવે નોકરી સિવાય કંઈ કરતી નથી, કરી શકતી નથી ?

મારે નવ વાગે ઑફિસ જવાનું હોય. પરંતુ ટ્રાફિક જામની બીકે સવારે સાત વાગે જ ઘેરથી નીકળવું પડતું. કૉફી પીને અથવા તો બ્રેડની બે સ્લાઈસ જામ સાથે અથવા આમલેટ સાથે ખાઈને ઘર બહાર નીકળી જઉં છું. જ્યારે હું ઘેર પાછી આવું છું ત્યારે રાતના નવેક વાગી જાય છે. શેરડીના રસ પીલવાના મશીનમાં શેરડીનો સાંઠો બહાર નીકળે છે એવી જ હું ઘેર પહોંચતાંવેંત પથારીમાં પડું છું. નાની ! શું તમે જાણો છો કે અમારા ઘરના ફ્રીઝ ખોલો તો એમાં શું શું જોવા મળે ? બ્રેડ, જામ, કેક, ચૉકલેટ, આઇસ્ક્રીમ, પીઝા – બધા જંકફૂડ જ ! દિવસે ઑફિસની કેન્ટીનમાં ખાઈને, રાત્રે આવતી વખતે પિઝા, નૂડલ્સ અથવા બિરયાનીને પાર્સલ કરાવીને લેતા આવવાનું. ઑફિસથી આવતા પાછો પ્રોજેક્ટ વર્ક પોતાને સાથે લઈ આવવાનો. જેવી રીતે સ્કૂલમાંથી હોમવર્ક લાવતા હતા ને ? બાર વાગે જ્યારે આંખો મીંચાવા લાગે ત્યાં સુધી એ કામ પાછળ વળગી રહેવું પડતું. હંમેશાં નૉલેજને અપડેટ કરતા રહેવું પડે. શરીરમાં તાકાત રહે કે ન રહે.

નાની ! શું તમે જાણો છો, મારો પગાર કેટલો છે ? દર મહિને એક લાખ રૂપિયા. જ્યારે સોફ્ટવૅરની સ્થિતિ દયનીય બની હતી, ત્યારે કેટલાક લોકોના પગાર ઓછો કરી દેવામાં આવ્યો હતો એવા સમયે પણ જે લોકોનો પગાર ઘટાડ્યો નહોતો, હું એમાંની જ એક હતી. હવે મને એક પ્રોજેક્ટના કામે ટીમ લીડર બનાવીને ઓસ્ટ્રેલિયા મોકલવાનો વિચાર થઈ રહ્યો છે. કદાચ મારે એક સાલ યા તો બે સાલ માટે ત્યાં રહેવું પડે. મતલબ કે મારી નોકરી જ નહીં, મારું જીવન પણ હવે તો મારા હાથમાં નથી. એ કંપનીના જ હાથમાં છે.

નાની ! મહિનાના લાખ રૂપિયા કોઈ, કોઈને આરામથી બેસાડીને મફતમાં તો ન જ આપે. જીન્સ, ટી-શર્ટ વગેરે પહેરી પહેરીને હવે તો એય ભૂલી ગઈ છું કે હું એક છોકરી છું. બચેલી થોડે ઘણી અનુભૂતિઓને આ નોકરી, આ ભાગદોડ અને જીવનની આ રફતાર ભુલાવી રહી છે. નાની ! શું તમે વિચારે શકો છો કે હું તમારા જેવી સરસ નાની બની શકીશ ? પોતાના બાળકોને વ્યવસ્થિત સંભાળી શકીશ ? લગ્ન અને એની સાથે આવી પડનારી જવાબદારી, પતિની સેવા એ બધું મારા જીવનમાં… મારાથી થઈ શકશે ? સવારે જાગ્યા પછીથી શરૂ થતી આ ભાગદોડમાં પ્રેગ્નન્સી, એની સાથે જોડાયેલી મુશ્કેલી, મોર્નિંગ સિકનેસ, બેડરેસ્ટ, સિજેરિયન, સુવાવડ પછી બાળકોની બીમારીઓ… આ બધા માટે અવકાશ જ ક્યાંથી રહેશે ?

પ્યારી નાની ! શું તમને સમજાઈ ગયું કે હું આ બધું શા માટે કરી રહી છું ? એ માટે જ કહી રહી છું કે મારા જીવનમાં લગ્ન કરવા માટે, એ કર્યા પછીની જવાબદારીઓ નિભાવવા માટે મને ફુરસદ જ નથી. એનો મતલબ એ નથી કે મને લગ્ન પસંદ જ નથી. લગ્નનો મતલબ જે – બે જીવનું મધુર મિલન. એની મીઠી અનુભૂતિ એકબીજા પ્રત્યેનો પ્રેમ, એકબીજા પ્રત્યેની સહાનુભૂતિ, જીવનસાથીની ભાવનાઓને સમજવી, એકબીજાનાં સુખદુઃખનો ખ્યાલ રાખવો, દામ્પત્યને સ્વર્ગતુલ્ય બનાવવું – આ બધું તમને અને નાનાને જોઈને મેં શીખી લીધું હતું.

આવો જીવનસાથી મળવો ખરેખર સૌભાગ્યની વાત કહેવાય. પરંતુ જીવનમાં હવે તો રોજેરોજ જોવા મળતી યાંત્રિકતા, તણાવ અને ભાગદોડ મનુષ્યની મધુર અનુભૂતિઓને દૂર કરી એને મશીન લાઈફ જીવવા માટે મજબૂર કરે છે. આવી પરિસ્થિતિઓ અને ટીવી સામે બેસવાથી વધારે, કાંઈ ન કરી શકે તેવી માટીના ઢગલા જેવી બનાવી રહી છે. નાની, મા અને પપ્પા વચ્ચે પરસ્પર પ્રેમ તો છે જ પરંતુ યાંત્રિકતાએ એમને વાવાઝોડાની જેમ ઘેરી લીધાં છે. જે એ પ્રેમને પ્રગટ નથી થવા દેતી. કાલે મારી પણ આવી જ સ્થિતિ હશે.

સાચું કહું છું નાની, લગ્ન બાબતે હવે મારા મનમાં કોઈ મીઠી કલ્પનાઓ અને મધુર સપનાં આવતાં નથી. કોઈ પ્રકારની અનુભૂતિ ય નથી થતી. મારા જીવનમાં એક નવી વ્યક્તિને નિમંત્રણ આપવાથી મળતી સંતોષની અપેક્ષા, લગ્નને કારણે ઉત્પન્ન થનાર મુસીબતો વિચારીને હું હેરાન થઈ જઉં છું. લગ્ન પછી જે સમાધાનો કરવાં પડે એ સમાધાનનો વિચાર મને બેચેન કરી મૂકે છે.

પતિના રૂપમાં આવેલ વ્યક્તિના પોતાના વિચારો હોય છે, પોતાનાં અરમાન હોય છે, પોતાની કેટલીક ઈચ્છાઓ હોય છે. જો એમાંય વળી શહેરો અલગ અલગ હોય તો તો કેટલી મુશ્કેલી થાય ! કેટલાં ટેન્શન વધે ? એવું જીવન જે પતિ-પત્નીને કમસેકમ દસ મિનિટ માટે આરામથી બેસીને વાત કરવાની ફુરસદ ન આપે તો એ અમારા લગ્નજીવનને કઈ તરફ લઈ જશે ? આવાં કેટલાં લગ્નજીવન છૂટાછેડા ભણી જઈ રહ્યાં છે ?

નાની, બાળકોને મોટાં કરવાં એક અદ્‍ભુત કલા છે. પોતાના જિગરનો ટુકડો જ્યારે હાથ-પગ હલાવતા હલાવતા લવરી કરતો હોય, બોખા મોઢાથી હસતો હોય, ત્યારે માને અસીમ આનંદનો અનુભવ થવા માંડે છે. ડગમગતા પગેથી ચાલવા સુધી પોતાની આંખેથી દુનિયા જોવા સુધી, બાળકોની અનેકાનેક શંકાઓના નિવારણ કરવા સુધી, એના હજારો પ્રશ્નોના જવાબ આપવા સુધી, બહુ પ્રેમથી એમને ઉછેરવા જોઈએ. એવી રીતે ઉછેરવા જોઈએ કે એ પોતાનું વ્યક્તિત્વ બનાવે. બીજા મનુષ્યો માટે પ્રેમ અને જીવનભર મમતા દેખાડે. નાની, શું તમે વિશ્વાસ કરી શકો છે કે હું આ રીતે બાળકોને ઉછેરી શકીશ ? બાળપણ ‘ચાઈલ્ડ કેર સેન્ટર’માં વિતાવવા માટે તો નથી હોતું ને ?

હું જે ફ્લેટમાં રહું છું, એમાં અમે ચાર જણાં છીએ. મન થાય તો રસોઈ બનાવી લઈએ છીએ, નહીં તો નહીં. ઉત્સાહ હોય તો ક્યાંક બહાર જઈએ છીએ. ટ્રાફિક જામના કલાકોમાં ફસાઈને ક્યારેક ખાવાની પણ તાકાત રહેતી નથી. નહાવાની પણ નહીં. ઘેર આવતાં જ પથારીમાં પડી જઈએ છીએ જે દિવસે ઑફિસમાં વધારે ટેન્શન રહે છે, એ દિવસે ઘેર આવીને ‘ડૉન્ટ ડિસ્ટર્બ’નું બોર્ડ મૂકીને આમ જ સૂઈ જઉં છું. એવા સમયે કોઈની જોડે વાત કરવાનું મન થતું નથી. રૂમ મેટ્‍સની સામે પોતાની ફિલિંગ્સ છુપાવવાની જરૂર પડતી નથી. શું લગ્ન પછી આવી રીતે રહેવું સંભવ હોય છે ?

નાની… માની અપેક્ષાએ મને તમારી જિંદગી સારી લાગી ખબર નહીં… વધારે ભણ્યા વગર તમે શું ગુમાવ્યું ? પરંતુ હું એ ચોક્કસ માનું છું કે વધારે ભણીને, નોકરી કરવા છતાં હું અને મા તમારા જેવું જીવી શક્યાં નહીં. એવું ક્યારેય અનુભવાતું પણ નથી કે તમારાથી અમે વધારે સુખી છીએ. આર્થિક દ્રષ્ટિએ વિલાસનાં કેટલાંક સાધન જરૂર મેળવી શક્યાં બસ…

નામના સૉફ્ટવેયર પણ આ નોકરી અમને એવા હાર્ડવેયરમાં પરિણત કરી દે છે, જેના કારણે દરેક પ્રકારની અનુભૂતિથી અમે વંચિત રહી જઈએ છીએ. નાની ! તમે બધા વડીલો જે ગર્વથી શિર ઉઠાવીને કહી રહ્યાં છો ને કે અમારાં છોકરાઓ ઇન્ફોસિસ, વિપ્રો અથવા સત્યમમાં કામ કરે છે, એનું મૂલ્ય અમે ચૂકવી રહ્યાં છીએ – બસ, અમે પોતાની જાતને ગીરવે મૂકી દીધી છે.
પરંતુ અમે કહીશું કે આ નોકરી મારાથી નહીં થાય, ને અમે એને છોડીને ઘેર પાછા આવી જઈશું, તો તો મા-બાપ બહુ દુઃખી થઈ જશે ને ? આવું વિચારીને જ કેટલાય લોકો લાચારીથી નોકરી ઘસડી રહ્યા છે. જાણે ભારે ક્રોસને ઊંચકીને ચાલ્યા જતા ન હોય ! મેં પણ ઘણીવાર વિચારેલું કે આ નોકરી છોડીને તમારી જોડે દોડીને આવી જાઉં. સાચે જ કહું છું નાની આ જ છે એક ત્રિશંકુ સ્વર્ગ !! નીચેથી જોનારાને એ મોટા મોટા પગારો, એ કાર, એ બંગલા – એ બધું અહેસાસ કરાવે છે કે અમે જાણે સ્વર્ગમાં રહીએ છી. ભ્રમમાં નાખીએ છીએ લોકોને અમે પોતે પણ એવા ભ્રમમાં રહીએ છીએ.

નાની ! મેં જાણીબૂજીને જાણે કે ચક્રવ્યૂહમાં પ્રવેશ કર્યો છે. હવે એમાં ફસાઈ જવા સિવાય બચવાનો કોઈ રસ્તો નથી દેખાતો. હું એવા ડરથી લગ્ન કરવાનો ઈન્કાર નથી કરી રહી કે લગ્નની સાથે જવાબદારીઓ વધી જશે. પણ નાની ! મને બાળપણથી જ એ આદત પડી ગઈ છે કે જે કામ મને સોંપવામાં આવ્યું છે એને વ્યવસ્થિત રીતે નિષ્ઠાથી કરવું, એમાં કંઈ કસર ન રહેવી જોઈએ. વિદ્યાર્થીના રૂપે, દીકરીના રૂપે, કામ કરતી યુવતીના રૂપમાં પણ હું મારી પોતાની જવાબદારી એવી જ નિભાવતી આવી છું પરંતુ એ ચોક્કસ કહું છું કે પત્નીના રૂપમાં હું આવું કરી નહીં શકું, આવું કરી શકવાનો સમય જ નથી.

જોકે હું એવું નથી કહેવા માંગતી કે હું હંમેશાં આવી રીતે અવિવાહિતા બની રહીશ. મને થોડી ફુરસદ, જરા શ્વાસ લેવાનો સમય જોઈએ. ધૈર્ય ઉત્પન્ન થવું જોઈએ. મહેરબાની કરીને ત્યાં સુધી મારા પર કોઈ દબાણ ન કરશો પ્યારી નાની ! હું જાણું છું – તમે મને બરાબર સમજી શકો છો. તમે જ માને સમજાવો ને !

તમારી

એવી દીકરી, જેને તમે જન્મ નથી આપ્યો.

શ્રાવ્યા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “ત્રિશંકુ સ્વર્ગ – જી. લક્ષ્મી, અનુ. નિવ્યા પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.