મુક્તિપર્વ – નીલમ દોશી

(‘આઈ ઍમ શ્યૉર’ પુસ્તકમાંથી. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

વસંતરાય કોરીધોકાર આંખે પત્નીની નનામી જતી જોઈ રહ્યા. કાંધ દેવા ગયા ત્યાં ચક્કર આવતાં લથડિયું ખાઈ ગયા. તેથી અંતિમ સહારો પણ ન આપી શક્યા. સૂઈ જવું પડ્યું.

‘આટલાં વરસોનો સહવાસ! અસર તો થાય ને ? વસંતરાય સાવ ભાંગી પડ્યા છે. આ ઉંમરે તો હૂંફની ખાસ જરૂર પડે. એકલતા કોને કહેવાય તે આ ઉંમરે જ સમજાય.’
‘બિચારા સાવ શૂન્ય જેવા જડ થઈ ગયા છે. પત્નીને કાંધ સુધ્ધાં ન આપી શક્યા.’

‘આપણે બધા તો ચાર દિ’… પછી આ ઉંમરે તેઓ એકલા થઈ જશે.’

ઉમંગને સમજાવવો પડશે. સાસુ-વહુને જે વાંધો હોય તે પણ હવે વસંતરાય એકલા રહે અને દીકરો ગામમાં હોવા છતાં આમ જુદો રહે એ કંઈ સારું લાગે ? ‘વસંતરાયને ઘરનું માણસ હતું ત્યાં સુધી વાત અલગ હતી.’

‘ઘરનું માણસ !’ વસંતરાયે રજાઈ માથા સુધી ખેંચી અને આંખો બંધ કરી ગયા. તેમની ચમકતી આંખોની લિપિ કોઈ ઉકેલી લે તો ? પડ્યાં-પડ્યાં સગાસ્નેહીઓનાં મંતવ્ય મૌન બની સાંભળી રહ્યા. કશું બોલી શકાય એવું હતું જ ક્યાં ? મુઠ્ઠી બંધ રહે એમાં જ તેમની શોભા. ઘરમાં વિધિઓની પરંપરા ચાલી રહી હતી. ગીતાપાઠ ગરુડપુરાણ વંચાતાં હતાં. ધૂપ, દીપ અને સુખડના હારથી વિલાસબહેન મહેકી રહ્યાં હતાં. મર્યા પછી મહેકી શક્યાં ખરાં ! વસંતરાયે જોરથી માથું ધુણાવ્યું. મૃત વ્યક્તિ વિશે ખરાબ બોલાય નહીં, ખરાબ વિચારાય નહીં. ગાંધીજીના પેલા ત્રણ વાંદરાની વાત બિલકુલ સાચી રીતે તો ફક્ત મૃત વ્યક્તિને જ લાગુ પડતી હશે.

વિચારોથી બચવા વસંતરાયે જોરથી પાંપણો ભીડી દીધી, પરંતુ…

‘વિલાસબહેન નસીબદાર ખરાં હોં ! ચૂડી-ચાંદલા સાથે જઈ શક્યાં.’

કોઈના શબ્દો કાને અથડાયા…

હા, નસીબદાર તો ખરાં જ. પોતાનો જેવો ઝઘડાનો કાયર, એક રીતે કહીએ તો ભીરુ કહી શકાય તેવો પતિ મળ્યો હતો. તે નસીબદાર નહીં તો બીજું શું ? પોતાની જગ્યાએ બીજો કોઈ હોત તો કદાચ વિલાસ આટલી હદે મનમાની કરી શકી હોત ?

વસંતરાયના મનમાં વિચારોનો પ્રવાહ… તેમને અચાનક આ પળે પત્તાં રમવાનું મન થઈ આવ્યું. પોતાના જીવનનો એકમાત્ર શોખ, પરંતુ વિલાસને પત્તાંની બહુ ચીડ, અને તેને ન ગમે તે કરવાની હિંમત પોતે ક્યારેય કેળવી શક્યા નહીં. સાવ કાયર… ભીરું માણસ. કજિયાનું મોં કાળું એમ કહીને હંમેશાં…

હવે તો વિલાસ નથી. પત્તાં રમી શકાય ? જે શોખ ક્યારેય પૂરો નથી થઈ શક્યો, તે હવે પૂરો કરી શકાય ? ના ના, થોડો સમય તો સંયમ રાખવો પડશે. તેમણે ફરીથી આંખો જોશથી બંધ કરી. કોઈ જોઈ જાય તે સારું નહીં.

ત્યાં અચાનક આંખ ખુલી ગઈ. પુત્રીનો વત્સલ હાથ તેમના માથા પર ફરી રહ્યો હતો. ‘પપ્પા, ગરમ ચા લઈ આવું ? થોડી પી લો, સારું લાગશે.’
વસંતરાયને થયું કહી દઉં-

‘સાથે બે-ચાર ગાંઠિયા પણ…’ પરંતુ, ટેવાયેલા ન હોવાથી શબ્દો બહાર ન નીકળી શક્યા.

પણ દીકરી સમજદાર હતી. ચા સાથે ગાંઠિયા જાતે જ લઈ આવી.

‘પપ્પા, કશું બોલ્યા સિવાય ચૂપચાપ ખાઈ લેવાના છે.’

પુત્રીનો હુકમ વસંતરાય કેમ ટાળી શકે ? તેમની પલકો ભીની બની. આંખમાં આભારની લાગણી છલકી રહી. ગાંઠિયા તો બે જ ખાધા, પણ બહુ સારું લાગ્યું. અત્યારે આ કસમયે ચા અને ગાંઠિયા, વાહ !

તેણે પુત્રી તરફ જોયું. પુત્રીના ચહેરા પર વસંતરાય જ સમજી શકે તેવા અદ્રશ્ય હાસ્યની રેખા ફરકી. તેનું માથું હલ્યું. પોતે સમજી હોવાનો મૌન સ્વીકાર.

ત્યાં ફરી કોઈ અવાજ.

‘વસંતરાયની દયા આવે છે. આ ઉંમરે પત્નીનો સાથ છૂટી ગયો, દીકરા-વહુ તો પરણ્યાના એક મહિનામાં જુદાં થઈ ગયાં હતાં. હવે વસંતરાયનું કોણ ?’

નીચે સગાંઓ વચ્ચે ચાલતી ચર્ચાઓ ટીકા-ટિપ્પણીઓ છેક ઉપર સુધી પડઘાતી રહી.

રાતોરાત વસંતરાય દયાપાત્ર બની ગયા. કેવું વિચિત્ર ! જ્યારે ખરેખર દયાપાત્ર હતા ત્યારે !

સગાંઓ દીકરાને કહેતાં હતાં, સમજાવતાં હતાં. ‘જો બેટા, તમારી મમ્મી હતી ત્યાં સુધી વાત અલગ હતી. હવે પપ્પાનું ધ્યાન તમારે જ રાખવાનું છે, હોં.’

‘હા, ત્યાં સુધી વાત અલગ જ હતી ને ?’

‘પપ્પા, થોડી વાર ટી.વી. ચાલુ કરો તમને ગમશે, સારું લાગશે. વિચારોમાંથી અવાશે ખરું ને મામી ?’

ઉપર આવેલ મામીને દીકરી કહી રહી.

દીકરી પોતાની ધારણા કરતાં પણ વધુ સમજદાર હતી.

‘હા, હા, હવે એવો શોક રાખવાનો હોય જ નહીં. ગયેલું માણસ થોડું પાછી શકવાનું છે ? અને ભાભી તો લીલીવાડી મૂકીને ગયાં છે. સૌભાગ્ય સાથે કોઈ પીડા વગર આવું મોત તો નસીબદારને મળે. હા, તમે એકલાં થઈ ગયાં, પણ બેટા, પ્રભુઈચ્છા પાસે કોનું ચાલ્યું છે ?’

‘પ્રભુઈચ્છા થોડી વહેલી થઈ હોત તો ?’

ના, ના પાપ લાગે આવું ન વિચારાય.

લડ નહીં, તો લડનારો દે વિલાસના આ સ્વભાવનો ભોગ બાળકોને પણ બનવું પડ્યું ? દીકરી ઉપર તો સાવકી માની માફક સતત કચકચ ચાલુ રાખેલી. સાસરે જઈશ ત્યારે આમ થશે ને તેમ થશે – ખબર પડશે. કહીને દીકરીને આખો દિવસ કામે જોતરી રાખતી મા માટે દીકરીના મનમાં કઈ લાગણી હશે ખરી ? પોતાથી તો કશું બોલી શકાય તેમ જ ક્યાં હતું ? વિલાસની વાણીનો સૌથી વધુ માર તો પોતાને જ ભાગે આવતો ને ? મોટી થયા પછી દીકરી એ સમજતી. મમ્મી ન હોય ત્યારે છાનામાના પપ્પાનું ધ્યાન આ દીકરી જ રાખતી. પુત્રી સાસરે ગઈ ત્યારે થયું પોતે ભલે અનાથે થઈ ગયા, પણ પુત્રી તો છૂટી અને પુત્રનાં લગ્ન થયાં ત્યારે તો પોતે જ પુત્રને એકબાજુ બોલાવી કહી દીધું હતું.

‘બેટા, તારી મમ્મીનો સ્વભાવ તું ઓળખે છે. આપણે બધાં તો ટેવાઈ ગયાં છીએ ને ચલાવી લીધું છે, પણ આવનારને એ શાંતિથી રહેવા નહીં દે. એની આપણને જાણ છે જ. તારે પૈસાની કોઈ ચિંતા નથી. તું તારે સુખેથી જુદો થઈ જા. જુદો રહીશ તો થોડી માયા જળવાઈ રહેશે. સાથે રહીને રોજ ઝઘડા કરવા અને અંતે એકબીજા તરફ નફરત થઈ જાય તેના કરતાં દૂર રહેવાય તો કદાચ…’

‘પણ પપ્પા પછી તમે.’

‘બેટા, જેવાં મારાં નસીબ. હવે આ જનમે તો મારે ભોગવવું જ રહ્યું.’

‘બધા ઋણાનુબંધ આ જનમે જ પૂરા થઈ જાય, પપ્પા.’

અવાજમાં શ્રાવણી ભીનાશ સાથે પુત્ર આગળ ન બોલી શક્યો.

નહીંતર તો પુત્ર જુદો ન થાત, પરંતુ એક જ મહિનામાં તેની પત્ની સાથે વિલાસે જે ઝઘડો શરૂ કર્યો. તે પછી પપ્પાની સલાહ માનીને જુદા થવામાં જ સાર છે એમ માની તે જુદો રહેવા ગયો. ત્યારે વિલાસે કરેલ તમાશો જોવાની પોતામાં હિંમત નહોતી. એટલે હંમેશની જેમ જ ચૂપચાપ માથે રજાઈ ખેંચી લીધી હતી.

લગ્ન થાય, સાસુ-વહુને ન બને. વહુ-દીકરો અલગ થાય એમાં તો નવું શું હતું ? બહુ સહજતાથી ગામે, સમાજે અને કુટુંબે સ્વીકારી લીધું હતું. વસંતરાય અને ઉમંગ બંને મૌન. બિચારો ઉમંગ અને વગર વાંકે વગોવાયેલ વહુ.

હવે ઘરમાં રહ્યા એકલા વસંતરાય. જે ક્યાંય જઈ શકે તેમ નહોતા.

ક્યારેક છાનામાના ઉમંગને ઘેર જઈ આવતા. ભાવતી વસ્તુ ખાઈ આવતા. ધોમધખતા રણમાં મીઠી વીરડીનો અહેસાસ થોડી ક્ષણો જીવતરનો થાક ઉતારી દેતો. વિલાસ જે વસ્તુની મનાઈ કરતી તે વસ્તુ દીકરાને ઘેર મળી રહેતી. સદ્‍નસીબે વહુ ખૂબ સમજદર મળી હતી. તેથી મનને સંતોષ હતો.

મનમાં વિચારોની આવનજાવન ચાલુ જ રહી.

ઓરડામાં રાત ઊતરી આવી. અંદર તો સવારનો ઉજાસ.

બધાં થાકીને વહેલાં સૂઈ ગયાં હતાં. વસંતરાયની આંખોમાં ઊંઘનું એક કણસલું ફરકતું નહોતું.

પુત્રી નીચે નાનકડા દીકરાને સુવડાવતી હતી.

ત્યાં દીકરો-વહુ ઉપર આવ્યા; ‘પપ્પા, ઊંઘ આવે છે ?’

વસંતરાયે ડોકું હલાવી ના પાડી.

વહુના હાથમાં પત્તાં હતાં.

‘પપ્પા, આપણે થોડી વાર પત્તાં રમીશું ? મન હળવું થશે.’

વસંતરાય કશું બોલી શક્યા નહીં.

આવડું મોટું સુખ પોતાના નસીબમાં હતું ? આંખમાં અનેક પ્રશ્નો : આજે આ સમયે પત્તાં ? વહુને અત્યારે આ કેમ સૂઝ્યું ?

‘પપ્પા, એક વાત કહું ?’
‘ગયા અઠવાડિયે મમ્મી અમારે ઘેર આવેલ. ઘરમાં હું એકલી જ હતી.’ વસંતરાયે આંચકો અનુભવ્યો. મનમાં ફડકો પણ પેઠો.

નક્કી ત્યાં પહોંચીને ઉધામા કરી આવી હશે.
તેમણે વહુ સામે નજર કરી.

‘પપ્પા, મા કહે…’
વહુ એક ક્ષણ થોભી.

‘મા !’ વસંતરાયને આશ્ચર્ય થયું, પરંતુ કશું બોલ્યા નહીં.

મા કહે, ‘હું ન હોઉં ત્યારે પપ્પાનું ધ્યાન રાખજો હોં. જોકે મને ખબર છે કે તમે અત્યારે પણ ધ્યાન રાખો જ છો. પપ્પા, ક્યારેક અહીં આવે ત્યારે તેમને ભાવતી વસ્તુઓ ખવડાવો છો એનો મને આનંદ છે.’

વસંતરાય આંચકા સથે બેઠા થઈ ગયા. પણ આંચકા પછીનો આફ્ટરશૉક હજુ પૂરો નહોતો થયો.

‘મારા ગયા પછી તમે ફરીથી એ ઘરમાં આવી જજો. પપ્પા તો મારી જેમ ઝઘડા કે કચકચ કરે તેમ નથી. એની તમને ખબર છે. એ ભલા માણસ મરતાને મર કહે તેમ નથી.’

‘વિલાસ આવું બોલી ?’

‘હા, પપ્પા, મને કહે, મારો સ્વભાવ જ ન જાણે કેવો થઈ ગયો છે. લાખ નક્કી કરું તોપણ બોલાઈ જ જવાય છે. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય એ કહેવત કદાચ સાચી જ હશે. નાનપણથી અપરમાનાં મહેણાંટોણાં સાંભળીને મોટી થઈ છું. ઘરમાં ઝઘડા સિવાય કશું જોવા જ નહોતી પામી. જબરાની પાંચશેરી ભારે એ એક વાત મગજમાં જડબેસલાક ફીટ થઈ ગઈ હતી.

પછી લગ્ન થયાં અને સદ્‍નસીબે કે કમનસીબે એ તો ખબર નથી, પણ તારા પપ્પાનો સ્વભાવ સાવ રાંક એટલે મારો રૉફ તેમની પર ચાલ્યો. વરસો સુધી અપરમાની ગુલામી કરેલી અને અહીં મળ્યો છૂટો દોર.

અહીં બધું મારું જ ચાલે છે. જાણે કોઈને એ બતાવી દેવું હોય તેમ મેં મૂરખીએ…

ખબર નહીં મારું મન કેમ આવું થઈ ગયું હતું. ક્યારેક સુધરવાની કોશિશ પણ કરી જોઈ પણ બે-ચાર દિવસમાં પાછી એની એ જ ! બેટા, તમે કેમ જુદાં થયાં એ બધી મને ખબર છે. તેમાં તમારો કોઈ દોષ નથી.’

‘વિલાસ… વિલાસ આવું બધું બોલી ? એ આવું બધું સમજી શક્તી હતી ?’

‘હા, પપ્પા. મને લાગે છે કે આપણે કોઈ જ તેને સમજી કે ઓળખી ન શક્યાં. નાનપણથી તેમનામાં કોઈએ વિશ્વાસ નહોતો રાખ્યો. સતત અવગણના, ઉપેક્ષા, નફરત, કડવા શબ્દો, અને લડાઈ, ઝઘડા વચ્ચે જ મોટાં થયાં. સાસરે આવ્યા બાદ સ્વતંત્રતા મળતાં જાણે બદલો લેવો હોય તેમ સૌ કોઈ ઉપર મંડી રહ્યાં. આપણે કોઈ પણ તેમની એ ગ્રંથિ ઓળખી ન શક્યાં અને તે ઝનૂનપૂર્વક…’

દીકરા-વહુની આંખો ભીની ભીની.

વસંતરાય એકદમ બેઠા થઈ ગયા.

‘પછી ?’ જાણે કોઈ વાર્તા સાંભળતા હોય તેમ નાના બાળકની માફક વસંતરાય પૂછી રહ્યા.

‘અમારે ઘેર આવ્યાં ત્યારે સતત તમારી જ ચિંતા કરતાં હતાં.’

‘ખબર નહીં પણ મને લાગે છે કે હવે હું વધારે કાઢવાની નથી. તારા પપ્પાને મેં બહુ દુભવ્યા છે. ભગવાન મને માફ નહીં કરે. એ ભલા જીવને મેં શાંતિ નથી આપી. હું જઈશ ત્યારે જ એ મારાથી છૂટી શકશે. મને ખબર છે. હું જઈશ પછી તમે ઘેર આવી જ જશો. તેથી એમની એવી ચિંતા તો નથી.’

અને હા, આવી કોઈ વાત પપ્પાને ન કરતાં. નાહકના દુઃખી ન કરશો. જીવતા તો એમને સુખ નથી આપી શકી. મરીને કદાચ ચપટી સુખ આપી શકું. મારા જવાથી એ રાહતનો શ્વાસ લેશે. મારે એ છીનવવો નથી. અને લો, આ પત્તાં… મારા ગયા પછી તમે સાથે રહો ત્યારે રોજ એમની સાથે પત્તાં રમજો, મેં ક્યારેય એમને નિરાંતે રમવા નથી દીધા. મારી અપરમા પાનાં રમવાની ખૂબ શોખીન હતી !’

કહેતાં કહેતાં મા રડી પડ્યાં હતાં.

મેં કહ્યું, ‘મા, અમે હમણાં જ ભેગાં આવી જઈએ, બધાં સાથે મળીને કિલ્લોલ કરીશું.’

‘બેટા, હવે એ શક્ય નથી. આજે તને આ બધું કહું છું, પણ ઘેર જતાં જ મારો મૂળ સ્વભાવ પાછો આવી જ જવાનો. એના કરતાં આટલાં વરસો ચાલ્યું છે તો થોડું વધારે. મને અંદરથી ઊગી ગયું છે. હવે હું થોડા સમયની જ મહેમાન છું. જતાં પહેલાં એક વાર કોઈ આગળ દિલની વાત કરવાનું મન હતું. દીકરી આઘી છે. તેથી તારી પાસે…’

‘માએ તો મને આ બધું ન કહેવાના સમ આપ્યા હતા, પરંતુ મા પ્રત્યેની નફરત તમારી આંખમાં હું ન જોઈ શકી. તેથી…’

‘આ પત્તાં પણ મા જ આપી ગયાં હતાં’ કહેતાં વહુએ પત્તાં ચીપ્યાં.

વસંતરાયની કોરીધાકોર આંખો હવે વરસી રહી.

[કુલ પાન ૧૬૬. કિંમત રૂ.૧૨૫/- પ્રાપ્તિસ્થાનઃ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “મુક્તિપર્વ – નીલમ દોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.