પુરસ્કાર – આશા વીરેન્દ્ર

(‘ભૂમિપુત્ર’ સામયિકમાંથી)

‘મરાઠી સાહિત્ય અકાદમી’ના પુરસ્કારોની જાહેરાત થઈ ચૂકી હતી. શાલિનીતાઈ પોતે અને બીજા સાહિત્યરસિકો માનતા હતા કે, આ વખતે તો શ્રેષ્ઠ નવલકથાનો પુરસ્કાર એમની ‘કાદમ્બરી’ને જ મળવાનો. હજી ગઈ કાલે જ એમની બાળસખી અવંતિકાનો ફોન હતો. એણે કહ્યું હતું, ‘પુરસ્કાર ભલે કાલે જાહેર થવાનો હોય પણ મને ખાતરી છે કે, શ્રેષ્ઠ નવલકથાનો પુરસ્કાર તો તારા પુસ્તકને જ મળવાનો. પાર્ટી લીધા વગર તને છોડીશ નહીં હં !’

શાલિનીને મનમાં તો અવંતિકાની વાત બહુ ગમી હતી પણ નમ્રતા અને ગરવાઈ ખપાવતાં એણે કહ્યું, ‘આટલી બધી હરખઘેલી ન થઈ જા. અગાઉથી કંઈ કહી ન શકાય, એ તો બધો નિર્ણાયકો પર આધાર હોય છે.’

આમ તો શાલિની વાગલેનું નામ મરાઠી સાહિત્યની દુનિયામાં ખૂબ આદરભેર લેવાતું. એમણે વિપુલ સાહિત્યસર્જન કર્યું હતું. નવલકથા, ટૂંકી વાર્તાઓ, કવિતા, નાટક દરેક પ્રકારમાં લખવાની એમને ફાવટ હતી. નાના-મોટા બધા ગણવા જઈએ તો અત્યાર સુધીમાં ચૌદ-પંદર પુરસ્કારો મળી ચૂક્યા હતા છતાં કોણ જાણે કેમ, આ સિત્તેર વર્ષની વયે પણ એમના મનમાં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવવાની તીવ્ર ઝંખના હતી. રહી રહીને એમને થતું કે, લોકો વિચારશે કે, બીજા બધા તો ઠીક છે પણ સર્વોચ્ચ પુરસ્કાર તો શાલિનીને ન જ મળ્યો ને ? જો કે, કોઈની પણ સાથે વાત નીકળે ત્યારે એ એમ જ કહેતાં કે, ‘એવોર્ડ-બેવોર્ડ તો ઠીક છે. મળ્યા તો ય શું ને ન મળ્યા તો ય શું ? મને તો મારા વાચકોનો પ્રેમ મળે એટલું બસ છે.’ પણ એમનું મન તો જાણતું જ હતું કે, આ પુરસ્કાર મેળવવા તેઓ કેટલાં તલપાપડ છે !

સવારના પહોરમં વિનાયકરાવનો ફોન હતો, ‘આ હું શું સાંભળું છું શાલિનીતાઈ ! આ વખતનો પુરસ્કાર તમારી ‘કાદમ્બરી’ને નહીં ને પેલી ‘બી’ ગ્રેડ નવલકથા ‘અજવાળી રાત-અંધારો દિવસ’ માટે પ્રતાપ છોટે ને ? બહુ નિરાશા થઈ આ જાણીને.’

ગળે બાઝેલો ડૂમો ખંખેરતાં શાલિનીએ કહ્યું, ‘કંઈ વાંધો નહીં વિનાયકરાવ ! એ તો બધું એમ જ ચાલે. તમે ક્યાં નથી જાણતા આ પુરસ્કારો માટેનું રાજકારણ ? જેની જેટલી પહોંચ વધુ એટલા એ વધુ હકદાર. ખરું ને ?’ ફિક્કું હસીને એમણે ફોન મૂકી દીધો.

આખો દિવસ મન પર એક ઉદાસી છવાઈ રહી. ક્યાંય ચેન પડે નહીં. રાત્રે સૂવા જતાં હતાં ત્યાં અમેરિકાથી દીકરા-વહુનો ફોન આવ્યો. દીકરાએ તો હંમેશની જેમ – ‘કેમ છે ? તબિયત સારી રહે છે ને ?’ એટલી વાત કરીને પોતાની પત્નીને ફોન આપ્યો. વહુના અવાજમાં ખુશી છલકાતી હતી, ‘મા, મેની મેની કોન્ગ્રેચ્યુલેશન્સ. તમને એ જણાવવા માટે ખાસ ફોન કર્યો કે, માત્ર ઈન્ડિયામાં જ નહીં તમે તો અમેરિકામાં પણ લેખિકા તરીકે બહુ લોકપ્રિય છે. આજે મરાઠી સમાજના ‘ગેટ-ટુ-ગેધર’માં તમારી ‘કાદમ્બરી’ને મુખ્ય વક્તાએ એટલી વખાણી, એટલી વખાણી કે… વી આર પ્રાઉડ ઑફ યુ મા !’

મન પરનો બોજો કંઈક હળવો થયો. હવે કદાચ શાંતિથી ઊંઘી શકાશે એમ શાલિનીતાઈને લાગ્યું. બીજા દિવસથી મન પરથી બધું ખંખેરી નાખીને તેઓ થોડી થોડી તૈયારી કરવા લાગ્યાં. પંદરેક દિવસ પછી રાયગઢમાં મોટું સાહિત્ય સંમેલન હતું. એમને મુખ્ય વક્તા તરીકે હાજર રહેવાનું આગ્રહભર્યું આમંત્રણ મળ્યું હતું. વિષય હતો ‘મારા જીવનનો સાર-મારું સાહિત્ય’. ડાયરી લઈને એમણે પોતાના વક્તવ્ય માટેના મુદ્દા નોંધવા માંડ્યા.

સંમેલનના સ્થળે શાલિનીતાઈના પૂરા કદના કટઆઉટ્સ મૂકવામાં આવેલાં. આખા શામિયાણામાં વિવિધ મુદ્રામાં એમની છબીઓ અને મંચ પર એમના ફોટા સાથેનું બેનર – ‘શાલિનીતાઈ વાગલે ભલે પધાર્યા’. આ બધું જોઈને તેઓ ભાવવિભોર થઈ ગયાં. માનભેર એમને સ્ટેજ પર દોરી જવામાં આવ્યાં. મંચ પર એમણે પગ મૂક્યો કે તરત આખી સભાએ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લીધાં.

એમણે વક્તવ્યની શરૂઆત કરી ત્યાં શ્રોતાઓને લાગ્યું કે જાણે આજે સાક્ષાત્‍ સરસ્વતીએ એમની જીભ પર વાસ કર્યો હતો. પોતાના પ્રવચનમાં એમણે કહ્યું, ‘હું કોણ ? શાલિની નામની એક સામાન્ય સ્ત્રી. એને આટલા આદર-સત્કારની અધિકારી કોણે બનાવી ? મા શારદાએ, એની કૃપા વિના આ કશું શક્ય નહોતું, આપ સૌ આટલા ઉમળકાથી મને જે પ્રેમ, સન્માન અને લાગણી આપો છો એ બધું એના ચરણે ધરું છું. એણે જ હાથમાં કલમ પકડાવી અને એ કલમ વડે હું કોઈની જિંદગીમાં આનંદની, ઉત્સાહની બે-ચાર ક્ષણ પણ લાવી શકી હોઉં તો એને મારું અહોભાગ્ય સમજું છું.’

મંચ પરથી ઊતર્યાં ત્યાં આયોજકે એક દંપતી સાથે એમની ઓળખાણ કરાવતાં કહ્યું, ‘આ પતિ-પત્નીને જુઓ. ખાસ તમારા દર્શન કરવા અહીંથી ૮૦ કિ.મી. દૂર આવેલા ગામથી આવ્યાં છે.’

પતિ પોલિયોને કારણે કાખઘોડી લઈને ચાલતો હતો અને પત્નીની પીઠમાં મોટી ખૂંધ હોવાને લીધે વાંકી વળીને ખોડંગાતી ચાલતી હતી. શાલિનીતાઈ તો એમને જોઈને અવાક્‍ થઈ ગયાં. બેઉએ નજીક આવીને સજળ આંખે એમને પ્રણામ કર્યા. પતિ બોલ્યો, ‘જિંદગીમાં એક વખત આપનાં દર્શન કરવાં હતાં, આજે અમારી ઈચ્છા પૂરી થઈ. મારું નામ નિખિલ અને આ મારી પત્ની મોના.’

‘અમે બંનેએ તમારું બધું, બધું જ સાહિત્ય વાંચ્યું છે. ના, માત્ર વાંચ્યું છે એટલું જ નહીં, જીવનમાં ઉતાર્યું છે. તમારાં સર્જેલાં પાત્રોના વિચાર અને વર્તનને અમે આદર્શ માન્યા છે.’ અહોભાવપૂર્વક કહેતાં મોનાએ પોતાની પાસેની થેલીમાંથી એક સુંદર શાલ કાઢીને શાલિનીતાઈને ઓઢાડતાં કહ્યું, ‘અમે લગ્ન પછી મનાલી ફરવા ગયાં હતાં, ત્યાંથી નિખિલે પોતાની મા માટે આ શાલ ખરીદી હતી પણ હજી શાલ ઓઢે એ પહેલાં તો માએ જગતમાંથી વિદાય લીધી. આજે અમને બંનેને થયું, ચાલો, આ માને આપણી લાવેલી શાલ અર્પણ કરીએ. પ્લીઝ ના ન પાડશો.’

શબ્દોનો અખૂટ ભંડાર જેમની પાસે હતો એવાં શાલિનીતાઈની મદદે આજે એક્કે શબ્દ ન આવ્યો. હા, આંસુએ મદદ કરી ખરી !

નિખિલ-મોનાને સજળ આંખે આશિષ આપતા તેઓ પોતાની જાતને પૂછી રહ્યાં – ‘હવે જોઈએ છે તને કોઈ પુરસ્કાર ?’

– આશા વીરેન્દ્ર

(વૃષાલી આઠલ્યેની મરાઠી વાર્તાને આધારે)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મુક્તિપર્વ – નીલમ દોશી
ત્રણ પદ્યરચનાઓ.. – ભાગ્યશ્રી વાઘેલા, ચિરાયુ પંચોલી Next »   

8 પ્રતિભાવો : પુરસ્કાર – આશા વીરેન્દ્ર

 1. અતિ સુંદર વાર્તા…

  પ્રેમ જેવો કોઈ જ પુરષ્કાર હજુ સુધી આ દુનિયામાં નથી બન્યો.

  “શબ્દોનો અખૂટ ભંડાર જેમની પાસે હતો એવાં શાલિનીતાઈની મદદે આજે એક્કે શબ્દ ન આવ્યો. હા, આંસુએ મદદ કરી ખરી !”– અદ્ભુત

  લેખિકા,અનુવાદક અને રીડગુજરાતી ને આભાર.

  : -જગદીશ કરંગીયા‘મોજ'(જાપાન)
  http://jagdishk1904.blogspot.jp/

 2. sandip says:

  ખુબ સરસ્……
  આભાર્…………

 3. Nilesh says:

  વાહ વાહ
  બહુજ સરસ ઃ)

 4. gita kansara says:

  અતિ ઉત્તમ્. આભાર લેખિકાબેન્.આવેી સરસ ક્રુતિ વાચક સમક્ષ મુકેીને સાચુ પુરસ્કાર્ મુલ્ય સમજાવ્યુ.

 5. Nitin says:

  ખુબ સરસ વાર્તા.સરસ કથાનક્.

 6. jignisha patel says:

  ખુબ ખુબ સરસ. હુ દરરોજ આ લેખ એક વાર તો વાંચુ જ છુ.

 7. SHARAD says:

  sahityakarna jivanu vastvik darshan

 8. Kalidas V. Patel {Vagosana} says:

  આશાબેન,
  સાચો પુરસ્કાર તો વાંચકોનો પ્રેમ જ છે ને ?
  સરસ વાર્તા આપી. આભાર.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.