(રીડગુજરાતીને પોતાન પ્રથમ પદ્યરચનાઓ પ્રકાશન માટે પાઠવવા બદલ ભાગ્યશ્રીબા વાઘેલા અને ચિરાયુ પંચોલીનો આભાર, તેમની કલમને શુભકામનાઓ. કાવ્યસ્વરૂપને તેઓ વધુ આત્મસાત કરે અને તેની સીમાઓને ઓળખી તેમાં સર્જનકાર્ય સાથે આગળ વધે એવી અભ્યર્થના.)
૧.
આ અનંત આકાશના અંતઃસ્તલમાં બેફામ વહી જતી,
છેલ્લા અસંખ્ય વર્ષોના વિરહી ઉકાળાની કારમી વેદના!
હાસ્યના ઉપરના પડ તળે શમી જતી ઉદાસીને
સંવેદનાની ભીનાશ પર બાઝેલી ચિરકાળ સમી વેદના!
આ નહીં, આ જ જોઈએ એવી લાગણી વચ્ચે બળતા
ને સમતા નાના મોટા કજિયા વાંધાની બેરુખી વેદના!
પીસાતી લાગણીઓ વચ્ચે પીંજાઈ જતા ઓશિયાળા મુખ સાથે
આખી આખી કૈંક રાતોનો દેશવટો ભોગવતા હૈયાની વેદના!
નિર્મમ નિઃસાસા વચ્ચે તૂટવા રડવાની વચ્ચે વીંધાતા હૈયાને
ક્ષણિક મળીને શૂન્યમાં જઈને વિલીન થયાની કાળજાફાટ વેદના!
૨.
આજ કાલ નહીં પણ વર્ષોથી એવું લાગ્યા કરે છે,
હું પામું છું તોય રોજ કંઈ ગુમાવ્યા કરે છે.
સવાલ પૂછું પૂછું થાઉં ત્યાં અપેક્ષાના ટોળા વળે,
આશાપૂર્તિ બાદ પણ એ કૈંકવાર ચૂભ્યા કરે છે.
આકાશની કલમે ને ધરતીના કાગળે કંડારું તોય ને
પૂર્ણતાની હદ સુધી લખું તોય મન વહેમાયા કરે છે.
આંખોથી જાણું મનથી વાચું ને હ્રદયથી જોયા કરું,
કવિતા પૂર્ણ થાય તોય શબ્દો કૈંક વિસ્તર્યા કરે છે.
યુગોથી તેનું નામસ્મરણ કરતાં જીભ જુવાનીમાં રમે
છતાંય હું એને મારામાં, એ મને ખુદમાં સમાવ્યા કરે છે.
– વાઘેલા ભાગ્યશ્રી
૩.
નૂર ચેતન આજ સાથ નથી રહ્યાં,
ચોતરફ વેરાયેલ હરિયાળી, કોઈ ચોરી ગયાં.
આજ દિલની ભીતર ખૂબ જ છે ગ્લાનિ,
જ્યાં જોયું છે ત્યાં.. મળી છે હાનિ.
આ સફરની ક્યાં છે મંઝિલ, અને કઈ છે દિશા
હેરાન છું હું.. જાગી જાગી.. દિન ને નિશા.
આ કોયડો ક્યારે ખુલશે? છે ખૂબ જ ભાર,
ચિત્ત હિલોળે ચડે મનડું રુએ છે પારાવાર.
ઓ ગમતી વ્યક્તિ.. તું નથી ને મારી પાસ,
અંતરાય ને અંતરથી.. હું શું રાખું આશ?
ક્યારેક હસું ને ક્યારેક રડું, કયું કરું રે કાજ?
યાદોની તકલીફ સતાવે, ઝાંકો થયો છે જીવન સાંજ.
વ્રજવનિતા વિઠ્ઠલ પૂછું તમને એક સવાલ
મનની મેડી હલ્કી થશે, કરશો વેગી નિકાલ?
આ ભવની ભેટ બદલ… ખૂબ ખૂબ આભાર
ભૂલોની શિક્ષા કરે તું, હું જાણું તુજનો ભાર..
પણ
હવે કસોટી બંધ કરો ઠાકોર.. નથી રે હું સક્ષમ
બસ, ચાલું તારી કેડીએ.. મળવું તુજને છે.. દુર્ગમ
– ચિરાયુ પંચોલી
One thought on “ત્રણ પદ્યરચનાઓ.. – ભાગ્યશ્રી વાઘેલા, ચિરાયુ પંચોલી”
પધ્યરચનાનો સાર સરસ્. ભવિશ્યમા વધુ અતિ ઉત્તમ રચના પ્રસાદેી રેીદ ગુજરાતેીના
વાચક સમક્ષ આપો એજ અભ્યર્થના.