બ્લૉકેજ ! – હરેશ ધોળકિયા

(‘નવચેતન’ સામયિકમાંથી સાભાર)

ભાસ્કર ડૉક્ટરની ચેમ્બરમાંથી ઢીલો બહાર નીકળ્યો. બહાર નીકળી રિક્ષા કરી અને ઘેર આવ્યો. ઘેર આવી ચૂપચાપ ખુરશી પર બેસી ગયો અને વિચારમાં ડૂબી ગયો.

ભાસ્કર નિવૃત્ત થઈ ગયો હતો. સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવતો હતો. તેને ખાસ કોઈ માંદગી આવતી ન હતી. શરીરનો બાંધો પણ સરસ હતો. તેથી શાંતિથી જીવતો હતો. પણ થોડા દિવસ પહેલાં છાતીમાં થોડો દુઃખાવો થયો હતો. આમ તો તેને તેણે અવગણ્યો હતો, પણ એક મિત્રે કહ્યું કે તેણે ચેક કરાવી લેવું જોઈએ. સાઠ વર્ષ પછી કોઈ જ બાબતને અવગણવી ન જોઈએ. તેથી ભાસ્કરે તેના એક પરિચિત ડૉક્ટરની મુલાકાત લીધી અને વાત કરી. ડૉક્ટરે તેને ધ્યાનથી તપાસ્યો. પછી તેનો ઈ.સી.જી. પણ લીધો.

પછી ભાસ્કરને કહ્યું, “જુઓ ભાસ્કરભાઈ, આમ તો તમને કશી તકલીફ હોય તેમ લાગતું તો નથી. કોઈ ચિહ્ના દેખાતાં નથી. પણ તમારી નાડીના ધબકારા થોડા ધીમા લાગે છે. તે પણ આમ તો નૉર્મલ બાબત ગણાય. પણ સાઠ પછી તે બાબતે વિચાર કરવો જોઈએ. ધબકારા ધીમા જોતાં મને વહેમ જાય છે કે તમને હાર્ટમાં કોઈ નળીમાં બ્લૉકેજ થવાની શરૂઆત થઈ લાગે છે. હશે જ એમ કહી શકતો નથી, કશું જ સ્પષ્ટ નથી, પણ તેની કલ્પના કરી શકાય. તેના પ્રત્યે બેદરકાર રહી શકાય નહિ. એટલે ભવિષ્યમાં ઝડપથી એન્જિયોગ્રાફી ન કરાવવી પડે એ માટે અત્યારથી જ આ બ્લૉકેજ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. તમને દવા તો આપું જ છું, પણ તે કદાચ હોય તો વધે નહિ માટે લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરવાની જરૂર પડશે. એ માટે સૂચનાઓ આપું છું તે પ્રમાણે કરશો, તો બ્લૉકેજ વધશે નહિ અને કદાચ દૂર પણ થઈ જાય.”

આમ કહી તેમણે આહાર-વિહાર-મનોવ્યાપાર બાબતે વિવિધ સૂચનાઓ લખી આપી અને તેનો અમલ બીજા જ દિવસથી શરૂ કરવા કહ્યું. ભાસ્કરે હા પાડી, પણ તે ઢીલો થઈ ગયો. જે રીતે ડૉક્ટરે બ્લૉકેજ બાબતે સમજ આપી, તે ગંભીર હતી. ધ્યાન ન રાખે તો એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ કરાવવી પડે અને તેમાં તો લાખો રૂપિયા ખર્ચવા પડે. ભાસ્કર કેવળ કલાર્ક હતો. તેની પાસે ખાસ બચત ન હતી. પેન્શન પણ સામાન્ય હતું. એટલે તેમના માટે બ્લૉકેજ ન જ વધે તે જોવું જરૂરી હતું.

પણ આ બધો ફેરફાર કરવો એટલે અનેક બાબતો કરવી પડશે. ખોરાક બદલાવવો પડશે. અમુક ફળોના રસ પીવા પડશે. નિયમિત ફરવા જવું પડશે. ખાવામાં મીઠું, ખાંડ, તેલ બધાંને દૂર કરવાં પડશે. જબરું પરિવર્તન કરવું પડશે.

અને તે બધું તેની પત્ની સુધા પાસે કરાવવું પડશે.

ભાસ્કર વધારે ઉદાસીન થઈ ગયો.

સુધા. તેની પત્ની. તેની સાથે લગ્ન કર્યે પાંચ દસકા થવા આવ્યા હતા.

પણ આજે પણ તેને પત્ની પસંદ ન હતી.

તેની સગાઈ નક્કી કરવામાં આવી ત્યારે ભાસ્કરને ખબર પડી કે સુધા જરા પણ ભણી ન હતી. ચારેક ધોરણ કરેલ હતાં એટલે કે અભણ જ હતી. અને ભાસ્કર તો પોસ્ટ ગ્રૅજ્યુએટ હતો. વિદ્વાન હતો. વિશાળ મિત્રવર્તુળ ધરાવતો હતો. તેમાં તે સુધાને લઈ જઈ ન શકે. તે આ બધા વચ્ચે શું વાતો કરી શકવાની ? બધા અંગ્રેજીમાં ચર્ચા કરતા હોય, ત્યારે ગુજરાતી પણ માંડ જાણતી સુધા કેમ ભળી શકવાની ? ભાસ્કરનું મન ખાટું થઈ ગયું. પણ તેના પિતા કડક હતા. તેના સામે બોલી શકાય તેમ ન હતું. એટલે લગ્ન થઈ ગયાં. કરૂણતા તો એ થઈ કે લગ્ન પછી તરત માતાપિતાએ વિદાય લીધી. થોડી વહેલી વિદાય લીધી હોત તો ભાસ્કર બચી ગયો હોત. ભાસ્કર ખૂબ ગુસ્સે થઈ ગયેલો. તેનો ગુસ્સો પણ સુધા પર જ કાઢ્યો. આમ પણ તેણે નક્કી કરેલ કે અભણ પત્ની સાથે સંબંધ ન જ રખાય. તેમાં પિતાની ઘટના બની. તેથી પત્ની પ્રત્યે વધારે ઉદાસીન થઈ ગયો. તે તેને જરા પણ ન બોલાવતો. કામ હોય તો જ અને ત્યારે જ બહુ જ ઓછા શબ્દોમાં સૂચના આપતો. બાકી તેનાથી અળગો જ રહેતો. તેને ક્યાંય ન લઈ જતો. ઘરમાં પણ વાતો ન કરતો. હા, રાત્રે લાચાર હતો. તેથી રાત્રે થોડી વાર સાથે રહેતો. બાકી આખો દિવસ ન બોલાવતો. તેને તેનાથી બે બાળકો થયાં હતાં. પુત્ર બહાર હતો. પુત્રી સ્થાનિકે જ સાસરે હતી.

લગ્નથી કરી આજ સુધી…

અને હવે જે તેણે કરવાનું હતું તે બધું જ પત્નીની મદદથી જ કરવું પડશે. આહાર-વિહારની વ્યવસ્થા તો પત્ની દ્વારા જ કરવી પડશે.

ભાસ્કરને બ્લૉકેજ કરતાં આ આધારિતતા વધારે દુઃખતી હતી. તે ખૂબ અકળાતો હતો. તેને બોલાવીને સૂચના આપવી પડશે. સતત તેના તરફ ધ્યાન રાખવું પડશે. જરા પણ ભૂલ ન થાય તે જોવું રહેશે. આ અભણ બધું સમજશે કે કેમ તે પણ સમસ્યા હતી. પણ તેનો આધાર લીધા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. તેને કોઈ બીજો ભાઈ કે બહેન પણ ન હતાં કે તેને કહી શકે. એક જ વ્યક્તિ તેના જીવનમાં રહી હતી – પત્ની ! સામાન્ય સંજોગોમાં જમવા વખતે થોડી વાર સામે રહેતી. અલબત્ત, તે વાતો ન કરતો. માત્ર તેના હાથનું જમી લેતો. બાકી પોતાના રૂમમાં એકલો જ બેસતો. પત્ની ઓરડામાં બેઠી રહેતી. તે કાં તો કામ કરતી અથવા તો માળા ફેરવ્યા કરતી. પણ હવે તો તેને સતત સૂચના આપવી પડશે.

ભાસ્કરે બ્લૉકેજને ગાળ આપી. સાથે ડૉક્ટરને ગાળ આપી. શા માટે તેણે આવું શોધી કાઢ્યું ! તેને ખબર છે કે પોતે એકલો છે. અને આ બધાંમાં પત્નીની ગુલામી કરવી પડશે ? ડૉક્ટરને તો સૂચના આપી છૂટી જવું છે કે આ કરજો કે તેમ કરજો. પણ અહીં પોતાની સ્થિતિ શું છે તેનો તેને શું ખ્યાલ છે ? તે કેટલો લાચાર થઈ જશે તેની ખબર છે તેમને ?

પણ બીજો ઉપાય ન હતો. પત્નીને જ સૂચના આપવી પડશે.

તેણે સામે ઓરડામાં જોયું. સુધા કશુંક સીવતી હોય તેમ લાગ્યું.

ભાસ્કરે ખોંખારો ખાધો.

પત્નીએ આંખ ઊંચી કરી તેના સામે જોયું.

ભાસ્કરે ઈશારાથી તેને બોલાવી.

સુધાને નવાઈ લાગી. થોડો ડર પણ લાગ્યો. પોતાની કોઈ ભૂલ થઈ ગઈ હતી ? ઠપકો તો નહીં ખાવો પડે ને ? કે પછી બપોરે….?

પણ તે ધીમેથી ઊભી થઈ. હળવેકથી સામે આવીને નીચું મોં કરીને ઊભી રહી.

ભાસ્કરને પહેલાં તો શું કહેવું તે ન સૂઝ્યું. પછી તે પણ નીચું મોં કરી બોલ્યો, “આજ ડૉક્ટર પાસે ગયો હતો.”

સુધાએ ઝાટકાથી મોં ઊંચું કર્યું. “કેમ ?” તેના મોંમાંથી શબ્દો નીકળી ગયા. “કંઈ થયું છે ?” તેના અવાજમાં ભારોભાર ચિંતા હતી.

ભાસ્કરે તે અવગણીને આગળ કહ્યું, “ડૉક્ટર કહે છે કે મને હ્રદયની નળીમાં બ્લૉકેજ છે. તેથી મારે સંભાળ લેવી પડશે.”

સુધાને બ્લૉકેજ એટલે શું તે સમજ ન પડી, પણ હ્રદય શબ્દ સાંભળી ચિંતિત થઈ. તેણે હાર્ટ એટૅક શબ્દ સાંભળ્યો હતો.

પણ સંકોચ સાથે બોલી, “શું સંભાળ લેવી પડશે ?”

ભાસ્કર ડૉક્ટરે આપેલ સૂચનાઓ બોલી ગયો. પછી કહે, “આ બધું હવેથી મારે રોજ કરવું પડશે.”

“વાંધો નહિ, નિશ્ચિત રહેજો. બધું કરીશ.”

પણ તને આ બધું આવડશે ? – એમ તે બોલવા જતો હતો, પણ “પણ તું…?” તે વધારે બોલી ન શક્યો.

“તમે તમારે નિશ્ચિંત રહો.” સુધાએ જવાબ આપ્યો.

ભાસ્કર ચૂપ થઈ ગયો.

સુધા ફરી બેઠી હતી ત્યાં બેસી ગઈ. અલબત્ત, તેની નજર સતત પતિ તરફ જતી હતી.

હે ભગવાન ! સુધાને આ બધું આવડે તેનો ખ્યાલ રાખજે, નહીં તો આ બ્લૉકેજ વધી જશે. – ભાસ્કરે પ્રાર્થના કરી.

સાંજ પડી ગઈ. ભાસ્કર ફરવા જવાની તૈયારી કરતો હતો. તૈયાર થઈ બહાર નીકળતો હતો ત્યાં સુધાએ થોભાવાનો ઈશારો કર્યો. ભાસ્કરને નવાઈ લાગી. પણ ઊભો રહી ગયો.
સુધા રસોડામાંથી દૂધીનો રસ લઈ આવી. તેનો પ્યાલો સામે ધર્યો.

“શું છે ?” ભાસ્કરે શંકાથી પૂછ્યું.

“દૂધીનો રસ.” સુધાએ જવાબ આપ્યો.

ભાસ્કરને યાદ આવ્યું કે ડૉક્ટરે તેને રોજ દૂધીનો રસ પીવાની સૂચના આપેલી.

ભાસ્કરને નવાઈ લાગી. પોતે તો ભૂલી ગયો હતો. પણ સુધાએ યાદ રાખ્યું હતું. તેણે હળવાશ અનુભવી. સુધાના હાથમાંથી પ્યાલો લઈ પી ગયો. ભાવ્યો નહીં.

“આવો વિચિત્ર સ્વાદવાળો રસ અપાય ?” તેણે ઠપકો આપ્યો. સુધાએ જવાબ ન આપ્યો.

ભાસ્કર ફરવા ચાલ્યો ગયો.

રાત્રે જમવા બેઠો. જોયું તો તદ્દન સાદો ખોરાક હતો.

“આ શું ? રોજનો આહાર ક્યાં ?” તે તાડૂક્યો.

“તમારી સૂચના મુજબની રસોઈ કરી છે.” એક વાક્યમાં સુધા બોલી.

ભાસ્કરને જરા પણ ભાવે તેવી રસોઈ ન હતી, પણ ચૂપચાપ ખાઈ ગયો. પછી તો આ રોજનું થવા લાગ્યું. સવારે ઊઠે ત્યારે સુધા અમુક રસ ધરે. પછી અમુક પીણું આપે. જમવામાં સાદી રસોઈ જ કરે. નિયમિત રસો આપે. ભાસ્કરને કશું જ ભાવતું ન હતું. ક્યારેક સુધા પર ગુસ્સો કરતો પણ ખરો. પણ સુધા ચૂપચાપ કશું જ બોલ્યા વગર આપ્યે રાખતી. એને બહુ જ ધ્યાન રાખવાનું હતું. એટલે સતત સુધા તેની પાસે આવતી. તે કશુંક ભૂલી જતો, તો હળવેકથી યાદ પણ અપાવતી.

ભાસ્કર હળવો થઈ ગયો. ડૉક્ટરની સૂચના મુજબ જ જીવવાનું શરૂ થઈ ગયું હતું. સુધા બધું જ બરોબર કરતી હતી.

પણ હવે સુધા સતત પાસે રહેતી. સતત સામે રહેવા લાગી. પહેલાં તો દૂર ઓરડામાં જ બેઠી હોય. ભાગ્યે જ સામે આવે. રાત્રે આવે ત્યારે અજવાળું ન હોય. ચોક્કસ હેતુ હોય.
પણ હવે તો સવારથી આખો દિવસ કશુંક ને કશુંક કરવાનું હોય. નાસ્તો, ફળોનો રસ, દવા સતત ચાલ્યા જ કરે. તે જ આ બધું સંભાળે. ભાસ્કર અજાણતાં નિશ્ચિંત થઈ ગયો હતો. પણ આ જ કારણોસર તે તેને સતત જોયા કરતો. સતત તેની પર નજર પડ્યા કરતી.

હવે તેને ખ્યાલ આવ્યો કે સુધાનો વાન તો ઊજળો હતો. વૃદ્ધ થયા છતાં વાન સારો હતો. ચહેરો પણ નમણો અને ઘાટીલો હતો. તે ચાલતી ત્યારે આકર્ષક લાગતી. તેની અવાજ પણ મીઠો હતો. તેની આંખો પણ મારકણી હતી. તેની સાડી પહેરવાની સ્ટાઈલ પણ ઠસ્સાદાર હતી. જ્યારે સામે ઊભી રહેતી, ત્યારે અજાણતાં પણ ભાસ્કરની નજર તેના પર થોડી પળો રોકાઈ જતી. સુધા પ્યાલો વધારે નજીક ધરે ત્યારે ચમકીને તે લઈ લેતો.

ક્યારેક કોઈક સુધાને મળવા આવે અને બન્ને વાતો કરે, તો હવે ભાસ્કરનું ધ્યાન જતું. સુધાની વાતો કરવાની રીત પણ સ્વસ્થ હતી. તેની ભાષા પણ સંસ્કારી હતી. હળવેથી બોલતી. સામેની વ્યક્તિ કોઈ દલીલ કરે તો શાંતિથી જવાબ આપતી. દલીલ પણ કરી શકતી. ભાસ્કરને સાંભળી નવાઈ લાગતી કે સુધા તો સરસ દલીલ કરી શકે છે.
તો પોતા સાથે કેમ દલીલ નહીં કરી હોય ?

પછી તેને ખ્યાલ આવ્યો કે પોતે તેને બોલાવી જ ક્યારે હતી કે તે દલીલ શું જવાબ પણ આપે !

ધીમે ધીમે તેને ખ્યાલ આવવા માંડ્યો કે તેણે સુધાને અન્યાય કર્યો હતો. સુધા બરાબર હતી. રૂપાળી હતી. વાન પણ સારો હતો. ભલે ભણેલી ન હતી, પણ સંસ્કારી હતી. ભાષા શુદ્ધ હતી. વ્યવહારમાં પણ કુશળ હતી.

ભાસ્કરને થયું કે તે આખું જીવન સુધા પ્રત્યે પૂર્વગ્રહ રાખીને જ જીવ્યો હતો. તેનું વિચારક મન તને કોસવા લાગ્યું : અરે, સુધા તેનો કેટલો ખ્યાલ રાખતી હતી ! અને તેણે તો તેના પ્રત્યે પૂર્વગ્રહ જ રાખ્યો હતો. તેને તેણે એક પળ બોલાવી ન હતી. કેવળ નોકરાણી તરીકે જ જોઈ હતી અને તેનો ‘ઉપયોગ’ જ કર્યો હતો. છતાં તેણે એક પણ ફરિયાદ કરી ન હતી. ચૂપચાપ જીવી હતી. બાળકોને પણ તેણે સરસ રીતે ઉછેર્યાં હતાં અને આજે પણ તેનું કેટલું ધ્યાન રાખતી હતી ! એક પણ બાબત ભૂલતી ન હતી. ડૉક્ટરે જે સૂચનાઓ આપી હતી, તેમાંની ઘણી ભાસ્કર ભૂલી જતો હતો, પણ સુધા એક પળ પણ ભૂલતી ન હતી. અને સાદો આહાર પણ કેટલી સરસ રીતે તૈયાર કરી આપતી કે ભાસ્કરને સ્વાદ ગમતો. બધું જ નિયમિત રીતે આપતી. પળેપળ દૂર રહી ધ્યાન રાખતી હતી. એક પળ પણ બેદરકાર રહેતી ન હતી.

અને પોતે ? આખું જીવન તેના પ્રત્યે બેદરકાર રહ્યો હતો. એક પળ પણ પ્રેમ આપ્યો ન હતો. સતત હડસેલી જ હતી.

ભાસ્કર અસ્વસ્થ થઈ જતો હતો. છેવટે એક દિવસ તેનો અંતરાત્મા અકળાઈ ગયો. સાંજે સુધા દૂધીનો રસ લઈ આવી, ત્યારે તેણે તેનો હાથ પકડી લીધો.

સુધા તો ગભરાઈ અને સંકોચાઈ ગઈ. તેને ડર લાગ્યો કે તેની કોઈ ભૂલ થઈ ગઈ હતી.

તે ડરતી બોલી. “મારી કોઈ ભૂલ થઈ ગઈ ?”

ભાસ્કરે તેનો હાથ ખેંચી તેને પાસે બેસાડી.

તે બોલ્યો, “સુધા, તારી માફી માગવી છે.”

સુધા તો તેના સામે જોઈ રહી. તે બોલી, “માફી તો મારે માગવાની હોય. તમારું બરાબર ધ્યાન રાખી શકતી નથી.”

“મારે પણ એ જ માફી માગવાની છે. તું તો ‘બરાબર’ શબ્દ વાપરે છે. મેં તો તારું ‘જરા પણ’ ધ્યાન રાખ્યું નથી.” સુધા ચૂપ રહી.

“સુધા, તું જે મારું ધ્યાન રાખે છે, તે મને શરમિંદો કરે છે. હું તદ્દન નાલાયક પતિ સાબિત થયો છું. છતાં તું મારું ધ્યાન રાખે છે. મને માફ કરે.”

સુધા બોલી, “પણ મારામાં તમારી પત્ની થવાની લાયકાત જ ન હતી. તેથી તમે સાચા હતા. હું તો અભણ હતી.”

“ના સુધા, અભણ તો હું રહ્યો. તને ઓળખી ન શક્યો. હું કદાચ વિદ્વાન હોઈશ, પણ મનુષ્યત્વ મારામાં ન હતું. હું પ્રેમ વિશે વાંચતો જ રહ્યો. પણ તું તો મૂંગો પ્રેમ કરતી જ રહી. તું જ સાચી વિદ્વાન છે.”

સુધાએ સ્મિત કર્યું. ભાસ્કરે તેનો હાથ દબાવ્યો. બોલ્યો, “સુધા, બાકીની જિંદગી સુધરવા પ્રયાસ કરીશ.”

છ માસ વીતી ગયા.

ભાસ્કર ફરી ડૉક્ટરને બતાવવા ગયો. ડૉક્ટરે તેને ફરી ચેક કર્યો. ફરી ઈ.સી.જી. કાઢ્યો.

પછી બોલ્યા, “ભાસ્કરભાઈ, વાહ ! તમારો ઈ.સી.જી. તો આ વખતે બહુ સરસ આવ્યો. નાડીના ધબકારા પણ નોર્મલ થઈ ગયા છે. અને હા, તમારી તબિયત પણ બહુ સારી થઈ ગઈ છે. તમારા ચહેરા પર પણ જબરી તાજગી આવી ગઈ છે. તમે બધી જ સૂચનાઓનું કડક રીતે પાલન કર્યું છે. મને ખાતરી છે કે તમારો બ્લૉકેજ દૂર થઈ જ ગયો છે.”
ભાસ્કરે હસીને જવાબ આપ્યો, “ડૉક્ટર, મને લાગે છે કે મારા હ્રદયના બધા જ બ્લૉકેજ દૂર થઈ ગયા છે.”

– હરેશ ધોળકિયા


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ત્રણ પદ્યરચનાઓ.. – ભાગ્યશ્રી વાઘેલા, ચિરાયુ પંચોલી
જીવતર – મીનાક્ષી ચંદરાણા Next »   

13 પ્રતિભાવો : બ્લૉકેજ ! – હરેશ ધોળકિયા

 1. વાર્તાનું સુંદર આલેખન,

  “હૃદયની નળીના બ્લૉકેજ તો સારી સારસંભાળ થી દુર થઇ જાય છે. પણ, મનના બ્લૉકેજ દુર થતા ક્યારેક આખી જીંદગી વીતી જાય છે. ”

  આવી સુંદર કૃતિ પ્રસ્તુત કરવા બદલ લેખક અને રીડગુજરાતી નો આભાર.

  ~ જગદીશ કરંગીયા ‘મોજ’
  http://jagdishkarangiya.wordpress.com/

  • Kalidas V. Patel {Vagosana} says:

   સાચી વાત છે આપની , જગદીશભાઈ,
   આપ સાથે શતપ્રતિશત સહમત છું,
   કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

 2. shirish dave says:

  કોઈ સ્ત્રી કદાચ ઓછા વર્ષ શાળામાં ગઈ હોય પણ તે અભણ હોતી નથી. લેખ સરસ છે.

 3. pragnya bhatt says:

  જિંદગી માં ક્યારે કેવું પરિવર્તન કહેવાય નહી..અહી ખૂબ સુંદર અને સકારાત્મક પરિવર્તન છે . પૂર્વગ્રહો છોડીને જીવતાં આવડી જાય તો ઘણી સમસ્યાઓ દૂર થઇ જાય.. સુંદર વાર્તા ..લેખકને અભિનંદન। .

 4. shaikh fahmida says:

  Nice description.
  It reminds me the story of Gulabdas broker “Roop”. Jema maranpathari e padeli nayika nayak ne kahe che,
  ” hu tamne badhu aapi saki pan roop na aapi saki.” Nayak ante mrut nayika na sab ni sundarta nihale che.

 5. Mukund Patel says:

  ખુબ સરસ લેખ…ભણતર ખાલી શાળઓ મા જ નથી મળતુ એ તો વ્યવહાર કુશળતા મા રહેલુ હોય છે.

 6. p j paandya says:

  સુધાએ ખરેખર હદયન બ્લોકેજ સાચેજ દુર કરિ દિધા

 7. jay says:

  Khub saras pan hu Pdf svarupe save. Nathi kari sakto. Eror aaveche plz fix it

 8. asha.popat Rajkot says:

  સરસ સ્ટોરી. ગુજરાતીમાં કહેવત છે, ‘ મનમાં પરણવું મનમાં રંડાવું’ સુધા દિલથી કેટલી સુંદર છે. સુધાએ મુકેલ ફિક્સ ડિપોઝિટ માં મૂકેલ પ્રેમ અનેકગણો થઈને મળ્યો. ક્યારેય પૂર્વગ્રહ રાખીને જીવી ન શકાય. ભાસ્કરભાઈને જતી જિદગીએ ભાન તો થયું, સુપબ સ્ટોરી.

 9. Shital nanavati says:

  Koi divas purushe matalab sivay pota ni patni ne prem kariyo 6 kharo?????jyare samjay tyare ghanu modu thai chukiyu hoy 6 hase aama bhul sudhari te ghanu saru kahevay thanks dhokiyabhai

 10. Arvind Patel says:

  માણસને બે ગ્રહ નડે છે. ખબર છે ક્યાં !! પૂર્વગ્રહ અને હઠાગ્રહ. જો આ બે ગ્રહ ને તમે તમારી જિંદગી માં થી બાકાત કરી નાખો તો તમારી જિંદગીમાં તમને કોઈ જ ગ્રહ નહિ નડે. તે મારી ગેરંટી છે. આપણે આપણી માન્યતાઓ માં એટલી હદ સુધી જડ થઇ જઇયે છીએ કે સામાન્ય વિવેક પણ ભૂલી જઇયે છીએ. પૂર્વગ્રહ અને હઠાગ્રહ દૂર કરી જિંદગી જીવી જુઓ , ખુબ જ મજા આવશે.

 11. SHARAD says:

  bhantar ne ane dampatya jivanne kai sambandh nathi.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.