(‘અખંડ આનંદ’ સામયિકમાંથી સાભાર)
આમ તો એક મહિનાની રજા ઉપર ઊતરેલા, હાયર સેકન્ડરી સ્કૂલના ગણિતના ખાંટુ માસ્તર પ્રાણભાઈ પોતાના દીકરાના લગ્નની કંકોતરીઓ સ્ટાફમિત્રોને વહેંચવા માટે જ સ્કૂલના આંટે આવ્યા હતા. બધા સ્ટાફ મિત્રોને લગ્ન કંકોતરી હાથમાં રમાડતાં રમાડતાં, થોડા કંટાળાભર્યા સૂર સાથે બબડવા લાગ્યા, “કાયમની આ જ રામાયણ ! બધાં સ્કૂલનાં છોકરાં છેક ઘરે પહોંચી જાય તોય આ પંતુજીનો ક્લાસ પૂરો થતો નથી.” બોલતાં બોલતાં, કંટાળા સાથે ગુજરાતીના માસ્તર કમ લેખક અને પોતાના કલીંગ કમ ખાસ મિત્ર એવા દિલસુખભાઈની રાહ જોતાં જોતાં સ્ટાફરૂમમાં બેઠા.
ત્યાં જ ક્લાસ પૂરો કરી સ્ટાફરૂમમાં આવેલા દિલસુખભાઈને લગ્ન-કંકોતરી થમાવતાં મિત્રહકે, ખખડાવતાં કહ્યું : “જુઓ દિલુભાઈ, તમે માત્ર મારા કલીંગ નથી પરંતુ ખાસ મિત્ર પણ છો. એટલે હું બીજું કોઈ બહાનું નહીં ચલાવી લઉં. ફરજિયાત તમારે આવવું જ પડશે, સમજ્યા !”
દિલસુખભાઈએ આભારી સ્મિત સાથે કંકોતરી હાથમાં લીધી. શ્રી ગણેશાય નમઃ અને શ્રી માતાજીની અસીમ કૃપાથી શરૂ કરી ઝીણી નજરે પ્રૂફરીડરની જેમ એક એક શબ્દને છૂટો પાડી વાંચવા લાગ્યા. શબ્દો ઉપરથી ઊડતી એમની નજર વેવાઈના નામ ઉપર પડતાં જ ઉછાળ ખાતા હોય એમ બોલ્યા : “અરે ! પ્રાણભાઈ, આ તમારા વેવાઈ એટલે પેલા શહેરના નામાંકિત બિલ્ડર તો નહીં ?”
પોતાના વેવાઈના નામની ખ્યાતિથી ઓળઘોળ અને અહોભાવી થઈ ગયેલા નામૂછિયા પ્રાણભાઈ મૂછમાં હસતાં બોલ્યા : “કેમ ઓળખી ગયા મારા વેવાઈને ! મારા વેવાઈનું તો નામ પડતાં જ બધા ઓળખી જાય છે.”
દિલસુખભાઈએ પણ વાત સ્વીકાર કરતાં કહ્યું : “અરે ! ભાઈ આવડું મોટું માથું કોઈનાથી અછાનું થોડું રહેવાનું ! ગમે તેમ પણ… વેવાઈ તમે ખૂબ મોટા ગજાનો શોધ્યો છે હોં…”
વાયરે ચડી રહેલા પ્રાણભાઈએ પોતાના વેવાઈને વધારે ઊંચાઈ આપતાં બોલ્યા : “હા – હોં, વેવાઈ તો ખૂબ મોટા ગજાનો છે. અરે ! દિલસુખભાઈ, આ તો મારો દીકરો ડિસ્ટિંક્શન સાથે સી.એ. થયેલો એટલે ? બાકી આટલો મોટો વેવાઈ મારા જેવા માસ્તરના નસીબમાં ક્યાંથી હોય ?”
‘ના ના પ્રાણભાઈ, આટલો બધો લઘુભાવ શા માટે ? કોઈ પણ દીકરીનો બાપ આવો હોનહાર જમાઈ ઝડપી લે એમાં નવું નથી.’
પ્રાણભાઈ વિજયી સ્મિત કરતાં બોલ્યા : “અરે ! દિલુભાઈ, એ તો તમે સમજી શકો છે. બાકી તમને ખબર છે ? આ સંબંધ માટે મારા ભણેલા મૂરખ દીકરાને અને એની જિદ્દી માને તૈયાર કરતાં મને નવનેજા થઈ ગયા. નેવાનાં પાણી મોભારે આવ્યાં ત્યારે માંડ એ બંનેને મનાવી શક્યો. એ તો બસ પેલા કોઈ મુફલીસ હીરાઘસુ અને પ્રાથમિક શાળાની મહેતીની દીકરીની આવેલી વાત ઉપર જ અટકી ગયાં હતાં. બંને મોઢે બસ એક જ વાત શું એની ખાનદાની છે ? શું એના સંસ્કાર છે ? હવે તમે જ કહો દિલુભાઈ, શું ધોઈ પીવાના એ સંસ્કાર અને ખાનદાનીને ?’ પ્રાણભાઈની બાલીશતાથી થોડો આંચકો ખાઈ ગયેલા દિલસુખભાઈ ઝીણી આંખ કરતાં બોલ્યાઃ “કેમ પ્રાણભાઈ, તમે સંસ્કારો અને ખાનદાનીમાં નથી માનતા?”
થોડું વધારે બફાઈ ગયાનો અહેસાસ થતાં પ્રાણભાઈએ વાતને નીચી લાવતાં કહ્યુઃ “ના, ના, સાવ એવું નહીં પરંતુ… ધારો કે હું મારો દીકરો એ મુફલીસની દીકરી સાથે પરણાવું.”
‘અરે! એમાં પાછું ધારવાનું? ખરા છો ભાઈ તમે તો ગણિતના માસ્તર.’
પ્રાણભાઈએ થોડો ગણિતી ફાંકો હાકતાં કહ્યુઃ “અરે ભાઈ! ગણિતનો માસ્તર છું એટલે ગણિત તો ગણવાનો જ ને, ગણતરી તો કરવી જ પડે ને, મારા સી.એ. થયેલા દીકરાને એ હીરાઘસુની દીકરી સાથે પરણાવી મારે શું કાંદા કાઢી લેવાના.” દેશી ભાષા પ્રયોગ કરી આગળ વધતાં બોલ્યાઃ ‘આપી આપીને એ મને શું આપી દેવાનો. મારા દીકરાની જિંદગીનું શું?’
પ્રાણભાઈની સ્વાર્થસભર, સામજિક કુવિચારધારાથી દુઃખી થઈ ગયેલા દિલસુખભાઈનું લેખક હ્રદય કકળી ઊઠ્યું. એટલે થોડી લેખકી ભાષામાં સમજાવતાં કહ્યુઃ “જુઓ પ્રાણભાઈ, ગણિત અને જિંદગી બંને એના લેવલે સાચાં છે. પરંતુ એ બંનેને ક્યારેય ભેગાં નહીં કરવાં. જિંદગી માટે ક્યારેય આવી ગણતરીઓ નહીં કરવી કે જે ક્યારેક ખોટી પડી જાય કે ઊંધી પડી જાય, જે આપણને નીચા માથે રોવડાવી દે.” લેખકે માત્ર મોઘમમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ જાણે બંડખોરી ઉપર ઊતરી આવેલા પ્રાણભાઈએ એટલો જ સામે પ્રતિસાદ આપતાં કહ્યું : “ના, ના, એવું ના હોય દિલુભાઈ, ગણિત એટલે ગણિત. ગણિત કે ગણિતની ગણતરી ક્યારેય ખોટી નથી પડતી. પછી ચાહે ગણિત ચોપડીનું હોય કે જિંદગીનું.” શબ્દોમાં થોડી કરડાકી લાવતાં પ્રાણભાઈ આગળ વધતાં બોલ્યા :
‘દિલસુખભાઈ, પરંતુ આ વાત તમને નહીં સમજાય, તમને ગણિત કે પછી એની ગણતરીમાં ગતાગમ નહીં પડે. કારણ કે તમે લેખક છો. તમે લેખકો આખરે તો હવાઈ કિલ્લા જ બાંધવાવાળા ને, સ્વપ્નોના જ મહેલ બનાવવાવાળા ને, રાતોરાત સૂકીભઠ નદીમાં પૂર લાવી દો. રાતોરાત રોડપતિને કરોડપતિ બનાવી દો. પરંતુ તમારો એ લેખ જ્યારે પસ્તીમાં જાય ત્યારે લેખક તો બાપડો ત્યાંનો ત્યાં જ.’ લેખકોની મુફલિસી ઉપર ડીંગો બતાવતાં પ્રાણભાઈ વાતને આગળ વધારતાં બોલ્યા : “તમને ખબર છે લેખક, મારા વેવાઈએ મારા દીકરાને કરેલી ઑફર ! એમના આટલા મોટા વિશાળ સામ્રાજ્યનો વિના મૂડીએ દસ ટકાનો પાર્ટનર, વહીવટી ઑલમાઇટી ઑથોરિટી અને દસ કરોડના બંગલાનો માલિક.
હવે સમજાયું લેખક મહાશય, મારું ગણિત ? ગણિતના માસ્તની ગણતરી ?”
લેખકને પણ થોડું ચચરી જતાં હળવો પ્રતિઘાત આપતાં કહ્યુઃ “હા-હા સમજ્યો, એને અલ્પશિક્ષિત લોકો કે પછી મારા જેવા લેખકો ઘરજમાઈ કહેતા હોય છે.”
ગણિતના માસ્તર પ્રાણભાઈના ચહેરાની તમામ સીધી રેખાઓને વક્રરેખામાં પરિવર્તિત થતાં જોઈ લેખકે ફેરવી તોળતાં કહ્યું : “આઈ મીન,… હું તો એટલું જ કહેવા માંગું છું પ્રાણભાઈ કે આપણી ગણતરી ક્યારેક ઊંધી પડી જતી હોય છે, ખોટી પડતી હોય છે. બસ, બાકી કંકોતરી જ હાથમાં આવી ગઈ પછી બીજું શું હોય.”
પ્રાણભાઈ પણ થોડા કૂણા પડતાં કુમાશ સાથે એ જ કક્કો ઘૂંટતાં કહ્યું : “ના,ના ક્યારેય ગણિત કે એની ગણતરી ખોટી ન પડે પછી એ ગણિત ચોપડિયું હોય કે જિંદગીનું.”
લેખકે પણ હાર સ્વીકાર કરતાં નમતું નાડતાં કહ્યું : “સાચી વાત છે પ્રાણભાઈ, તમે ગણિતના માસ્તર છો એટલે મારા કરતાં તમારું ગણિત પાકું હોય એ સ્વાભાવિક છે.” અને વળી પાછું એક લેખકી ડપકું મૂકતાં લેખક બોલ્યા : “જેમ પેલું કહેવાય છે કે પચીસ વર્ષનો એક માણસ બે રોટલા ખાય તો પંચોતેર વર્ષનો માણસ છ રોટલા ખાય, આ તમારા ગણિતની વાસ્તવિકતા છે. પરંતુ એ માણસ કદાચ અડધો રોટલો પણ ન પચાવી શકે એ જિંદગીના ગણિતની વાસ્તવિકતા છે.
વિશ યુ બેસ્ટ ઓફ…” સાથે આગોતરી શુભકામનાઓ આપી, હું, ચોક્કસ આવીશ, અને હું આપની રાહ જોઈશ ના સંભાષણ સાથે બંને મિત્રોએ આજની મુલાકાત પૂરી કરી.
પછી પ્રાણભાઈએ પોતાની હતી એટલી બધી તાકાત ભેગી કરી વેવાઈની શાનને શોભે એવી જાન જોડી, વેવાઈએ રોપેલા ભવ્યાતિભવ્ય લગ્નમંડપમાં વેવાઈના કન્યારત્નને વહુરત્નમાં રૂપાંતરિત કરી ઘેર લાવી પોતાની સામાજિક જવાબદારીમાંથી હાશ અને મુક્તિનો શ્વાસ લીધો. બાકી રહી ગયેલી બચી કૂચી રજાઓ પૂરી કરી પાછા સ્કૂલરૂપી ઘાણીમાં બળદ બની જોતરાઈ ગયા.
બદલી, હેડ માસ્તરના ખોટા ખોટા ઘોંચ-પરોણા, કોર્સ પૂરો કરવાની હાયવોય, પરીક્ષાની પળોજણ અને રિઝલ્ટને રાડારાડથી લઈને નિવૃત્તિ અને પેન્શન સુધીની પંદર વર્ષીય લાંબી દડમજલ હાંફતાં હાંફતાં પરાણે પરાણે પૂરી કરી. છેલ્લાં કેટલાંક વર્ષોની, બોજ સ્વરૂપ દુષ્કર બની ગયેલી જિંદગીથી ભારે ગમગીન થઈ ગયેલા પ્રાણભાઈ લગભગ માનસિક રીતે તૂટી હારી ગયા, થાકી ગયા, શૂન્ય એકાંતપ્રિય જીવતી લાશ બની ગયા. આજે પંદર વર્ષ પછી પ્રાણભાઈને અચાનક જ પોતાના અંતરંગ મિત્ર દિલસુખભાઈની યાદ આવી ગઈ. હંમેશાં ‘બાવા ઊઠ્યા બગલમાં હાથ’ જેવા રહેતા પ્રાણભાઈ સવારે વહેલા જ બગલથેલો ખભે નાખી દિલસુખભાઈના ગામની બસ પકડી લીધી. ઘણાં વર્ષે મળેલા આ ગોઠિયાઓએ, હરખના હિલોળે હાય-હેલો કરી, હસ્તધનૂન કર્યું. એ પણ ઓછું લાગતાં કૃષ્ણ સુદામાની જેમ ભેટ્યાય ખરા, પછી સોફાના સામસામે છેડે નિરાંતે બેસી સ્કૂલ, હેડમાસ્તરની આડોડાઈ, પાછળ ટિકડીઓ ફોડતા અને શાહીના ધબ્બા પાડતા, કુવેશ ઘસી હેરાન પરેશાન કરી નાખતાં વાનરત્નો સમા વિદ્યાર્થીઓનાં અવિસ્મરણીય સંભારણાં ‘તને સાંભરે રે, મને કેમ વીસરે રે’માં પૂરા કરે, છેલ્લે દિલસુખભાઈએ પ્રાણભાઈની દુખતી નસ દાબતાં પૂછ્યું : “અરે ! પ્રાણભાઈ, શું કરે છે તમારો દીકરો, ઘરનાં બધાં ?”
ધરતીકંપી આંચકાથી ધ્રૂજી ગયેલા પ્રાણભાઈ ચહેરા ઉપરની વેદનાને દાબતાં પરાણે ફિક્કુ હસતાં બોલ્યા : “બસ ! પેન્શનની ખરાઈ કરાવવા માટે દર વર્ષે જીવતા હોવાનો દાખલો આપ્યા કરું છું, રસોઈ બનાવનાર રસોઈ બનાવી જાય છે, રામો વાસણ કચરા-પોતું કરી જાય છે, અને જો વહુની પરમિશન મળી જાય તો દીકરો બે-ચાર મહિને મહેમાનની જેમ ખબર અંતર પૂછી જાય છે.” બોલતાં બોલતાં પાતળા પડી ગયેલા શબ્દો ભારે થઈ ગયેલા હ્રદય નીચે દબાઈ ગયા.
મિત્રની માનસિક સ્થિતિ સમજી ગયેલા દિલસુખભાઈ સાંત્વના આપતાં બોલ્યા : “હોય-હોય મિત્ર, એવું તો બધું ચાલ્યા કરે, આપણે તો ભાઈ હવે ખર્યું પાન કહેવાઈએ, બસ દીકરો સુખી તો આપણે સુખી એવું જ માની લેવાનુ અને એના સુખમાં આપણું સુખ શોધી લેવાનું.”
મિત્રની સાંત્વનાએ ઊલટા વધારે દુઃખી થઈ ગયેલા પ્રાણભાઈ લાચાર ચહેરે રડમસ સૂરે બોલ્યા : “એવું હોત ને મિત્ર તોય મારું મન મનાવી લેત. પરંતુ દીકરો તો બાપડો પત્નીનો ગુલામ અને સસરાનો વેઠિયો બની ગયો છે. બસ, ચીંધેલું કામ કર્યા કરવાનું અને જોઈતું માગી લેવાનું આટલા જ સ્ટેટ્સ અને સ્વમાન ઉપર સ્થિત થઈ ગઈ છે એની જિંદગી. માત્ર કોટે પટો નથી બાંધ્યો એટલું જ. બાકી જિંદગી તો…” આગળના શબ્દો ગળામાં દબાવી શરણાગતિ સ્વીકારતાં કહ્યું : “મિત્ર, હું તો આજે માત્ર કબૂલ કરવા આવ્યો છું કે મારું ગણિત ખરેખર ખોટું પડ્યું.”
ભાંગી પડતા મિત્રને થોડી હૈયાઘારણા સાથે સમજ આપતાં લેખકે કહ્યું : “ના, ના મિત્ર, ગણિત કે ગણિતના નિયમો ક્યારેય ખોટા નથી હોતા. પરંતુ ગણિતમાં જેમ રકમ ધારવામાં કે પદ મૂકવામાં આપણે ભૂલ કરીએ છીએ ત્યારે જવાબ ખોટો આવે છે અને આપણે મૂંઝાઈ જઈએ છીએ એમ જિંદગીના ગણિતમાં પણ ક્યારેક થઈ ગયેલી એક ભૂલ પણ દુઃખી કરી જાય છે.”
માત્ર સરંડર થવા જ આવેલા પ્રાણભાઈએ લેખકની આ વાતને પણ સ્વીકારતાં કહ્યું : “હા, મિત્ર, તમારી વાત સો ટકા સાચી. કારણ કે મેં જ ગણિતનું પદ ખોટું મૂક્યું હતું. એ વખતે મેં માત્ર સુખ, વૈભવ અને જાહોજલાલીના ગુણાકાર અને વત્તાકાર જ કર્યા હતા. પરંતુ જે ભાગાકાર અબને બાદબાકી કરવાની હું ભૂલી ગયો હતો એ મારા વેવાઈએ અને એમની દીકરીએ કરી દીધાં. સંબંધોના ભાગાકાર અને લાગણી, ભાવનાઓની બાદબાકી. હવે કંઈ જ વધ્યું નથી, મિત્ર. નિઃશેષ ભગાઈ ગયો છું. હા, પત્ની પણ જો હયાત હોત તો જરૂર એકાદ દસકો લઈ લેત ! પરંતુ હવે તો એ પણ આ દુનિયામાં નથી.”
પત્નીવિરહની હ્રદયમાંથી ઊઠેલી ટીસથી પહાડ જેવા પ્રાણભાઈ તૂટી પડ્યા. નાના બાળકની જેમ મિત્ર સામે ધ્રૂસકાઈ પડ્યા. બાજુમાં બેઠેલા મિત્રની હૈયાધારણા અને સાંત્વનાથી થોડા શાંત અને સ્વસ્થ થયેલા પ્રાણભાઈ રૂમાલથી આંખ ચહેરાને લૂછતાં બોલ્યા : “જવા દો મિત્ર, મારી વાત તો સાંજે પણ નહીં પૂરી થાય, મારી હૈયાસગડી તો આજીવન નથી બુઝાવાની પરંતુ તમારે કેમ ચાલે છે, સુખી તો છો ને મિત્ર ?”
પોતાના વયસ્ક ચહેરા ઉપર સંતોષી સ્મિત પાથરતાં આંખોમાં નૂર ભરતાં લેખક બોલ્યા : “હા મિત્ર, જુઓને નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયો છું પણ હજી લખવામાંથી નિવૃત્ત નથી થયો. પડ્યો બોલ ઝીલનાર શ્રવણ જેવો દીકરો છે, અને એનાથી પણ સવાઈ, પાણી માગતાં દૂધ હાજર કરી દેતી, ગુણિયલ પુત્રવધૂ છે. અને દંપતી જીવનસંધ્યાની આ અણમોલ ક્ષણોને આ બે નાનાં ભૂલકાં સાથે સલોણી બનાવી લઈએ છીએ.”
“ભલે-ભલે” કહેતા પ્રાણભાઈ આશીર્વાદ આપતી મુખમુદ્રા સાથે બે હાથ ઊંચા કરી બોલ્યા : “ભલે ભાઈ, ભગવાન કરે તમારું સુખ આજીવન આમ જ રહે…”
વાતનો દોર આગળ સંધાય એ પહેલાં જ ઘરમાંથી કોકીલકંઠી મધુર ટહુકો સંભળાયો. ‘અરે, પપ્પા, ચાલો મહેમાન અંકલ સાથે જમવા, જમવાનું તૈયાર થઈ ગયું છે.’
બંને મિત્રો હાથ મોં ધોઈ રૂમાલથી લૂછતાં લૂછતાં ડાઈનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયા. રૂમઝૂમ રૂમઝૂમ ઝાંઝર ખખડાવતી, ફારૂકાબંધ ભાણામાં વાનગી પીરસતી, હસતાં-હસતાં જ એક કામથી બીજું અને બીજાથી ત્રીજું આટોપી લેતી, આ ઘરને સુખી ઘર હોવાનો અહેસાસ કરાવતી લેખકની પુત્રવધૂના હાથની મીઠાઈ અને ફરસાણ સમેતની રસસભર રસોઈ જમી ઉદર ને મનની તૃપ્તિ સાથે પ્રાણભાઈ મિત્રની સાથે જ ફરી પાછા હાથ-મોં લૂછતાં લૂછતાં બેઠક ખંડના સોફે બેઠા. બાજુમાં પડેલી ડબીમાંથી વરિયાળી ડાબા હાથની હથેળીમાં લઈ જમણા હાથની તર્જનીથી ઠોકી-ઠોકી સાફ કરતાં થોડી સરાહનીય નજર લેખક સામે નાંખી બોલ્યા : “લેખક મહોદય ! મારે એક વાત કબૂલ કરવી પડશે ! બાકી વહુ તમે હીરો પસંદ કરીને લાવ્યા છો હોં…”
અત્યાર સુધી માત્ર મિત્રના ઘા ઉપર મલમપટ્ટી જ કરી રહેલા લેખકે તક મળતાં ઊંહકારો બોલી જાય એવી ઘા ઉપર આંગળી દાબતાં કહ્યું : “હા મિત્ર, સાચી વાત વહુ મારી હીરો છે હીરો, પરંતુ જાણો છો તમે, આ હીરાનો ઘડનાર કારીગર કોણ છે ?”
“ના ના, મને શું ખબર ભાઈ” કહેતાં પ્રાણભાઈએ હાથનો ઈશારો કરતાં પૂછ્યુઃ “કોણ છે હીરાનો ઘડનાર કસબી?”
“એ જ પેલા મુફલિસ હીરાઘસુ અને પ્રાથમિક શાળાની મહેતીએ ઘડેલો આ હીરો છે. એના સંસ્કારો અને ખાનદાનીને ઊંચાઈ આપી છે.”
અનેક ઝાટકા ખાઈ ચૂકેલા પ્રાણાભાઈ આ જોરદાર ઝાટકાએ સાંગોપાંગ ઝટકાઈ ગયા. પોતાનાથી મુકાઈ ગયેલું ગણિતનું એ ખોટું પદ આજે વસવસો કરાવી ગયું. જિંદગીના ગણિતમાં એ ખોટું પદ આજે વસવસો કરાવી ગયું. જિંદગીના ગણિતમાં થાપ ખાઈ ગયેલા ગણિતના ખાંટુ માસ્તર આગળ કંઈ પણ બોલાવાનું સામર્થ્ય ગુમાવી બેઠા, માત્ર ‘આવજો જજો’ની ફોર્માલિટી પૂરી કરી હળવેથી બહાર નીકળી ગયા. ઝાંપા સુધી મિત્રને વળાવવા આવેલા ને વળાવી પાછા વળી રહેલા લેખકની પીઠ પાછળ ક્યાંય સુધી ટગર ટગર તાકી રહી પોતાના શબ્દોમાં થોડું ઈર્ષાનું આવરણ ચડાવતાં મનોમન બોલ્યા : “અરે ! આ દિલુભાઈ ! છે તો ગુજરાતીનો માસ્તર, છે તો ગુજરાતીનો લેખક પણ માળો આ તો ગણિતમાંય મારા કરતાં આગળ નીકળી ગયો…
– ગોવિંદ પટેલ
27 thoughts on “જિંદગીનું ગણિત – ગોવિંદ પટેલ”
Nice article….
Nice article….
ભલ ભલા ગણિત ના ખાટું ઓ જિંદગીના ગણિત માં થાપ ખાઈ જાય છે એ સાવ સાચી વાત છે.સમૃઘ્ઘી કરતા સંસ્કાર ની સંપતિ શ્રેષ્ઠ સાબિત થાય છે.સુંદર વાર્તા
ઉત્તમ્.સમ્રુદ્ધિ કરતા આદર્શ સન્સ્કારનુ પલ્લુ હમેશ આગલ પ્રથમ હોય ચ્હે.સુન્દર લેખ્.
Thanks to Govindbhai for a beautiful sensative story…..raally nice thought provoking story
“અત્યાર સુધી માત્ર મિત્રના ઘા ઉપર મલમપટ્ટી જ કરી રહેલા લેખકે તક મળતાં ઊંહકારો બોલી જાય એવી ઘા ઉપર આંગળી દાબતાં કહ્યું : “હા મિત્ર, સાચી વાત વહુ મારી હીરો છે હીરો, પરંતુ જાણો છો તમે, આ હીરાનો ઘડનાર કારીગર કોણ છે ?”
“ના ના, મને શું ખબર ભાઈ” કહેતાં પ્રાણભાઈએ હાથનો ઈશારો કરતાં પૂછ્યુઃ “કોણ છે હીરાનો ઘડનાર કસબી?”
“એ જ પેલા મુફલિસ હીરાઘસુ અને પ્રાથમિક શાળાની મહેતીએ ઘડેલો આ હીરો છે. એના સંસ્કારો અને ખાનદાનીને ઊંચાઈ આપી છે.”
ખુબ આભાર્…………
સરસ , સમજવા જેવેી વાત્.
સરસ આ વાતૉ છે
સન્સ્કાર એ ક્યારેપણ્ દુનિયા નિ હર એક વસ્તુ કરતા શ્રેષ્ઠ છે.
સુન્દર વાર્તા.. !!
શ્રીમંતોને (કદાચ) શરમાવે અને દરીદ્રોને બિરદાવે તેવી ખુબજ સુંદર સંદેશો આપતી વાર્તા! લેખક પાસે વધુ કૃતિઓની અપેક્ષા સહિત ધન્યવાદ!
પુસ્તકિયા ગનિત કરતા વાસ્તવિકજિવનુ ગનિત સમજવુ ઘનુ અઘરુ હ્ોય ચ્હે
વાંચીને ધન્ય થઇ જવાય અને જિવન મા સહજ ઉતારવા જેવી વાર્તા છે.
ચિલાચાલુ વાર્તા થિ સાવ જુદો પ્લોટ્સરસ રહ્યો
સરસ
really a very nice story to be adopted and understand by all.
ખુબ જ સરસ વાર્ત આખ મોથેી આસુ આવિ ગયા.હુ ખુબ જ નસેીબદાર કે મે આ લેખ વાન્ચો. ધન્યવાદ
darek manas e jindgi ma utarva jvi shat pratishat sachi vat….
લેખક ગોવિંદ પટેલ નો ખુબ ખુબ આભર !
આવો સુન્દર લેખ લખવા બદલ્…
ખુબજ સરસ…
ખુબ સુન્દર્.!
this Is good Story in The World.
Very Nice Story.
સમૃઘ્ઘી કરતા સંસ્કાર ની સંપતિ શ્રેષ્ઠ સાબિત થાય છે…….
Superb story
હર જમાના માં ગુણ નો મહીમા સમૃઘ્ઘી કરતા વિષેશ રહ્યો છે, એટલે જ એક પરભાષિ કહેવત છે કે “સૂરત કો મત દેખો,સીર્ફ સીરત(ગુણ) કો દેખો”.
પટેલ સાહેબ ને ધન્યવાદ…
its amazing ….
Thanks for sharing such nice story…
ગોવિંદભાઈ,
ઉત્તમ વાર્તા ખૂબ જ સુંદર રીતે રજૂ કરી.
આભાર.
કાલિદાસ વ.પટેલ {વાગોસણા}