આવકાર – દક્ષા બી. સંઘવી

(‘અખંડ આનંદ’ સામયિકમાંથી સાભાર)

આ સુમી સૌરભ સાથે લગ્ન કરી ઘરમાં આવી ત્યારથી જ સુધાબહેનને દીઠે ડોળે જરાયે ન ગમે. સુંદર તો ખરી, પણ ક્યાં સુધાબહેનનું તેજસ્વી-દમામદાર વ્યક્તિત્વ અને ક્યાં આ સાદી-સીધી સાવ સામાન્ય દેખાતી છોકરી ! સુધાબહેનનું ચાલે તો આર્યસમાજમાં દશ માણસોની હાજરીમાં થયેલ આ લગ્નને – આવી વહુને – સ્વીકારે જ નહિ, પરંતુ યોગેશભાઈ પાસે દરેક વાતમાં પોતાનું ધાર્યું કરાવી લેનાર સુધાબહેનનું આ બાબતે કાંઈ જ ચાલ્યું નહિ. અને કોઈ જ સાજ-શણગાર-ઘરેણાં વિના વહુએ કોઈના જરા સરખાય આવકાર વિના જ ગૃહપ્રવેશ કર્યો. હા, આ સુમીના આવતાં સુધાબહેનને એક નિરાંત થઈ, હંમેશાં ટકટક જેવાં લાગતાં સાસુમાને સુમીએ બરાબર સંભાળી લીધાં હતાં. આમ તો આ ઘરની જવાબદારી એમણે ક્યારેય માથે રાખી જ ન હતી, તેમની સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાંથી ઘર-પરિવાર માટે ભાગ્યે જ તેમને સમય મળતો. પણ આ સુમીના આવ્યા પછી સાસુ-પતિની રોજે રોજની ફરિયાદો અને સલાહો સાંભળવામાંથી તેમને મુક્તિ મળી ગઈ હતી, એટલા પૂરતાં તેઓ ખુશ હતાં.

સુમી સવારે પાંચ વાગ્યે જાગી જાય. સવારે ઘર-બગીચાની સાફ-સફાઈ કરી, વહેલી નાહી-ધોઈને, મોટી બાની પૂજાની થાળી તૈયાર કરે. પૂજા પછી સૌના માટે ચા-નાસ્તો તૈયાર કરે. સુધાબહેન તો મોઢું પણ ધોયા વિના નાસ્તાના ટેબલ પર આવે. કારણ કે સવારનો નાસ્તો સૌએ સાથે લેવાનો એવો આ ઘરનો વણલખ્યો નિયમ તેમને પણ પાળવો પડતો. અલબત્ત સુધાબહેનની મોડા ઊઠવાની ટેવના લીધે નાસ્તાનો સમય ૮-૩૦નો રહેતો. શરૂ શરૂમાં સુમી તેમને પગે લાગવા તેમના રૂમમાં જતી, પરંતુ સુધાબહેનને આ બધું વેવલાઈભર્યું લાગતું એટલે પાયલાગણનો કાર્યક્રમ મોટાં બા અને પપ્પાજી પૂરતો જ સીમિત રહ્યો.

સુધાબહેનના બે પુત્રો, આમ તો ટ્‍વીન્સ જ, પરંતુ બંને પુત્રોમાં નજરે તરે એવો તફાવત. જયથી ફક્ત ચાર જ મિનિટ મોટો સૌરભ દેખાવમાં અને અભ્યાસમાં સાવ સામાન્ય, સ્વભાવે પણ કંઈક શરમાળ-ઓછાબોલો અને નાનો જય અત્યંત મેઘાવી, વાચાળ, વકતવ્ય અને વ્યક્તિત્વથી જ સામા માણસને આંજી નાખે તેવો. અભ્યાસમાં હંમેશાં પ્રથમ. આર્કટિક્ટ થયેલ આ પુત્ર માટે સુધાબહેન હંમેશાં ગર્વ અનુભવે.

શહેરના નામાંકિત ડૉક્ટરની પોલિટિક્લ સાયન્સમાં એમ.એ. થયેલ એકની એક પુત્રી પ્રાચી સાથે જયનાં લગ્ન થયાં. સૌરભ વખતે અધૂરી રહી ગયેલી બધી ઈચ્છાઓ સુધાબહેને જયના લગ્નમાં પૂરી કરી. તેમના આખા વર્તુળમાં – એમ કહો કે આખા શહેરમાં – સુધાબહેનની વાહ વાહ થઈ ગઈ.

આ નવી વહુ-પ્રાચીએ ઘરમાં પગ મૂકતા જ પોતાની પ્રતિભા બતાવી દીધી. મહિલામંડળ હોય કે સામાજિક પ્રવૃત્તિઓ-સેવાસંઘો-બધી જ જગ્યાએ પડછાયાની જેમ સુધાબહેનની સાથે ને સાથે જ હોય. સુધાબહેનની સાથે સાથે એના ભાષણો પર પણ તાળીઓનો ગડગડાટ વરસે. આધુનિક વસ્ત્રપરિધાન-સાજ-સજ્જાથી લઈને છટાદાર વાણી-વ્યક્તિત્વ માટે સતત સજાગ રહેતી આ પ્રાચીવહુ ઉપર તો સુધાબહેન વારી ગયાં. તેમના વર્તુળમાં પણ આ વિશે ચર્ચાઓ થતી રહેતી. સૌ કહેતાં – ‘સુધાબહેન, આ પ્રાચી જ તમારું સ્થાન લઈ શકે તેવી છે, તમારા ઘરમાં શોભે તેવું રતન છે, બાકી સુમી તો…’ અને આ સુમી પાસે આવીને અટકી જતી જબાનો સુધાબહેનને તીરની જેમ ખૂંચતી અને સુધાબહેનનો સુમી પ્રત્યેનો અભાવ વધારે ઘેરો બની જતો. પ્રાચીના આવ્યા પછી તો મંડળો ઘેર પણ આમંત્રણ પામતાં અને પ્રાચીની વ્યવસ્થા અને મહેમાન નવાજી માટે પણ પ્રશંસાની વર્ષા થતી. આવી દરેકે દરેક પાર્ટીને પ્રાચી કોઈ નવી ગૅમ કે નવા વાતાવરણથી અનેરો ઓપ આપતી. સુધાબહેન તો ધન્ય ધન્ય થઈ ગયાં હતાં પ્રાચી જેવી વહુ મેળવીને.

મોટાં બાની છેલ્લી બીમારી વખતે પણ સુધાબહેન ને પ્રાચી તો પોતાની પ્રવૃત્તિઓમાં જ વ્યસ્ત, બધું સુમીએ જ સંભાળ્યું. મોટાં બા તો સુમીની ચાકરી પામી ધન્ય થઈ ગયાં, સુમીના હાથનું છેલ્લું પાણી પીધું અને સુમી પાસેથી પોતાના પુત્રની સેવાનું વચન લઈને તેમણે શાંતિપૂર્વક દેહ છોડ્યો. પ્રાર્થનાસભામાં મોટાં બાને યાદ કરીને સુમીની આંખો સતત વહેતી રહી. પ્રાર્થનાસભા પૂર્ણ થયે પ્રાચીએ મોટાં બાના આત્માની શાંતિ માટે નાનકડું પ્રવચન આપ્યું. બીજા જ દિવસથી એ જ મંડળો-પાર્ટી-પિકનિક, સાસુ-વહુની જોડી જ્યાં જુઓ ત્યાં સાથે ને સાથે.

ડાયાબિટીસના પેશન્ટ એવા યોગેશભાઈની દવાઓ કે ડાયેટ વિશે પણ સુધાબહેનને કાંઈ જ ખબર ન હોય – એ બધું પણ સુમીને હસ્તક જ. અરે ! એમને હાર્ટઍટેક આવ્યો ત્યારે પણ સુધાબહેન અને પ્રાચી કોઈ આદિવાસીઓના ગામમાં સ્ત્રી જાગૃતિની શિબિરમાં ગયાં હતાં. જય કોઈ બિઝનેસ ડીલ માટે દુબાઈ ગયો હતો. એ બધાં પહોંચ્યાં તે પહેલાં જ યોગેશભાઈનો જીવનદીપ બુઝાઈ ગયો.

સ્ત્રી સ્વતંત્રતાની પ્રખર હિમાયતી પ્રાચીએ બારમે દિવસે જ સાસુનો ખૂણો મુકાવવાનો આગ્રહ રાખ્યો અને ફરી એમની પ્રવૃત્તિઓ બમણા વેગથી શરૂ થઈ ગઈ.
પણ હવે બા અને યોગેશભાઈના ગયા પછી કોઈ રોકનાર નહોતું. વળી એમની સેવા-સારવાર માટે હવે કોઈની જરૂરત ન રહેતાં સુધાબહેનને હવે આ સૌરભ-સુમી સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન ખૂંચવા લાગ્યાં હતાં. સુધાબહેનના સૂર્ય સમાન પ્રખર વ્યક્તિત્વમાં ગ્રહણ સમાન સુમી વિશે પોતાના વર્તુળોમાં ધીમે સ્વરે થતી રહેતી ચર્ચાઓ દોરવાઈને આખરે એક દિવસ સુધાબહેને એમના પોળવાળા જૂના મકાનની ચાવી સૌરભના હાથમાં સોંપી દીધી.

જતી વખતે સુધાબહેનને પગે લાગી સુમીને કહ્યું – ‘કદી કશું કામ પડે તો જરૂર બોલાવી લેજો.’ સુધાબહેન તેની વાત પર મનોમન હસી પડ્યાં. –‘આ ગમારણ પોતાને શું સમજે છે ? મારે એનું કામ શા માટે પડે ?’

અને આંખના ખૂણે બાઝેલાં બે અશ્રુબિંદુમાં આ ઘરની-પરિવારની યોગેશભાઈની, મોટાં બાની સ્મૃતિઓ સમેટીને સુમીએ ઘર છોડ્યું.

બીજા દિવસે સવારના સુધાબહેનની આંખ ખૂલી તો ૯-૩૦ થઈ ગયા હતા. આટલું મોડું થયેલ જોઈ હાંફળાંફાંફળાં થઈ સવારના નાસ્તા માટે ડાઈનિંગ ટેબલ પાસે પહોંચ્યાં. પણ ડાઈનિંગ ટેબલ પર તો હજી ગઈકાલ રાતના જમીને થાળીમાં છાંડેલા શાકના ફોડવાં-જામી ગયેલી દાળ – બધું જ જેમનું તેમ પડ્યું હતું. રસોડાનો દરવાજો તો હજી ખૂલ્યો જ નહોતો. રોજ ચા-કોફી, જ્યુસ, દૂધ અને ગરમ નાસ્તો તૈયાર કરીને સૌને જગાડતી સુમી આજે નહોતી. અચાનક જય જાગીને બહાર આવ્યો. એનો તો ઑફિસ જવાનો સમય થઈ ગયો હતો. દરરોજ બાથરૂમમાં જયના ટૉવેલ, ગરમ પાણી અને બાથરૂમ બહારના ડ્રેસિંગ ટેબલ પર મોજાં-ટાઈ-રૂમાલ તૈયાર જ હોય. આજે કંઈ જ મળતું ન હતું. જયની બૂમાબૂમથી આંખો ચોળતી પ્રાચી બહાર આવી. જેમ-તેમ તૈયાર થઈ, ટાઈ-રૂમાલ વિના-ચા પણ પીધા વિના – જય ઑફિસ માટે નીકળ્યો – જતાં જતાં બબડતો હતો – ‘તમારાં તો કશાનાં ઠેકાણાં જ નથી.’

સુધાબહેનને નવાઈ લાગી. ‘સદાનો સૌમ્ય જય આજે આવો વ્યવહાર કેમ કરે છે ?’

કામવાળી આવી ને જેટલું હતું તેટલું કામ આટોપીને ચાલી ગઈ. ઘર ઠેકાણે પડતાં કંઈક હાશ અનુભવતાં સુધાબહેન રસોડામાં ગયાં. જાહેરક્ષેત્રમાં તેમની અદમ્ય જરૂરિયાત હોતાં ઘરના આ વિસ્તારમાં એમનું ભાગ્યે જ પદાર્પણ થતું. પહેલાં સાસુ અને પછી સુમી વહુએ તેમને આ મોરચાથી મુક્ત જ રાખ્યાં હતાં. સુધાબહેને જોયું કે રાતે આવેલું દૂધ ગરમ કર્યા વિનાનું બહાર જ રહી ગયું હતું. તેમણે પ્રાચીને બોલાવી આ દૂધ બાબતે પૂછ્યું. શ્વશુરગૃહના રસોડામાં પ્રથમ વાર જ પગ મૂકતી પ્રાચીને તો આ બાબતે કંઈ જ ગતાગમ નહોતી. દૂધ બગડી ગયું હતું. એટલે પ્રાચીએ જ સૂચવ્યું કે નજીકના કોઈ કેફેમાં જઈ ચા-નાસ્તો કરી લઈએ.

બંને સાસુ-વહુએ મસ્તાન કેફેમાં હજુ નાસ્તો શરૂ કર્યો ત્યાં જ પ્રાચીનો મોબાઈલ રણક્યો. રિંગટોન પરથી જ સુધાબહેન સમજી ગયાં કે જયનો જ ફોન હતો – હવે અડધો કલાક સાચો ? પણ ત્યાં તો એમણે પ્રાચીનો વિલાઈ ગયેલો ચહેરો જોયો. સવારના ભૂખ્યા પેટે ગયેલા જયે ટિફિન માટે ફોન કર્યો હતો. બે મિનિટ માટે તો પ્રાચી પણ મૂંઝાઈ ગઈ, પણ બીજી જ પળે ચાલાક પ્રાચીએ કહ્યું, ‘ભાભીએ રસોડું એટલું અપસેટ કરી રાખ્યું છે કે મને કાંઈ સૂઝતું નથી, એટલે આજે તો ટિફિન બહારનું જ મંગાવવું પડશે.’

ટિફિનનું જમીને હાથે ધોતાં ધોતાં સુધાબહેનને યાદ આવ્યું – આજે તો એમના જ ઘરે રૂરલ વિમેન્સ ડેવલેપમેન્ટ કમિટીની મિટિંગ છે. હંમેશાં સવારનાં જ બધી મિટિંગોની યાદ દેવડાવનાર પ્રાચી આજે કેમ ભૂલી ગઈ ? એમણે જમીને બેડરૂમ તરફ જતી પ્રાચીને બોલાવી અને મિટિંગની યાદ દેવડાવી. હંમેશાં લાક્ષણિક સ્મિત સાથે ‘મમ્મી ડૉન્ટ વરી’ કહેનાર પ્રાચી ગભરાઈ ગઈ. એકવીસ જણા માટેનો ગરમ નાસ્તો, વેલકમ જ્યૂસ અને છેલ્લે ડેઝર્ટ – ત્રણ કલાકમાં આટલું બધું કેમ મૅનેજ કરવું ? દર વખતે મિટિંગની પંદર મિનિટ પહેલાં ઊઠીને ફટાફટ બધું જ મૅનેજ કરી નાખનાર પ્રાચીએ મમ્મીજીને કહ્યું – ‘આજે કોઈ હૉટેલમાં જ મિટિંગ રાખીએ તો ?’

પ્રાચીએ ફટાફટ બંને મોબાઈલ ઑન કરી બધાને નવા વેન્યુની જાણ કરી. સાંજે સાત વાગે મિટિંગ પૂરી થઈ. કંઈક રાહત અનુભવાઈ. પણ હૉટેલ ગ્રીનપાર્કનું ત્રણ હજાર રૂપિયાનું બિલ ચૂકવતાં સુધાબહેનને જરા થડકો તો લાગ્યો જ. ઘેર આવતાંની સાથે પાછી એની એ સાંજની રસોઈની ચિંતા ! પણ હવે કંઈક સ્વસ્થ થયેલી પ્રાચીએ ડાયરીમાંથી સંભવ પ્રોવિઝનના નંબર શોધી ફોન પર જ થેપલાં અને મસ્તી દહીં મંગાવી લઈ ટેબલ પર મૂક્યાં.

સાંજે જય ઑફિસેથી આવતાં જ ત્રણે જમવા બેઠાં. ડીશમાં મૂકેલ દહીં-થેપલાં જોઈ બોલાઈ ગયું – ‘બસ ખાલી થેપલાં જ છે જમવામાં ?’

રોજ સાંજે જમવામાં કઢી, ખીચડી, પાપડ, ચટણી, દહીં, ભાખરી અથવા રોટલા તો હોય જ, સાથે કચવડી-કાચરી-મૂઠિયાં-ભજિયાં કે ઢોકળાં પણ હોય અને દર રવિવારે સવારે મીઠાઈ અને સાંજે અવનવાં ફરસાણ પણ ખરાં. સુમીના જતાં આ ડાઈનિંગ ટેબલે એનો વૈભવ ખોઈ નાખ્યો હતો. ખાલી દહીં-થેપલાના ભોજને એના ગ્લાસટોપને જાણે સાવ ઝાંખપ લાગી ગઈ.

જમ્યા પછી જય સીધો બેડરૂમમાં ગયો. આજની આ અફડાતફડીથી થાકી ગયેલી પ્રાચી પણ એની પાછળ પાછળ બેડરૂમમાં આવી. ટી.વી. ઑન કરી બંને ટી.વી. જોવા લાગ્યાં. દરરોજ જમ્યા પછી સૌ સૌના બેડરૂમની ટિપોય પર ફ્રૂટડિશ હાજર જ હોય. ક્યારેક પ્લેઇન, ક્યારેક દેશી ખાંડ – મીઠું – મરી-જીરું, છાંટેલું તો ક્યારેક ચાટ મસાલો છાંટેલો હોય – સુમીની આ બાબતની ચોકસાઈ પણ ગજબની. એટલે રોજની આ આદતવશ વીસેક મિનિટ પછી જયે પ્રાચીને ફ્રૂટડિશ લાવવા કહ્યું. પ્રાચી ધૂંધવાઈ ઊઠી – ‘અરે ! હજી હમણાં તો જમ્યા ને હવે ફ્રૂટ !’ રોજની પોતાની ડિશનું ફ્રૂટ જયની ડિશમાં નાખી આગ્રહ કરતી પ્રાચીનો આજનો છણકો જયને કંઈક અજુગતો લાગ્યો.

હવે દરરોજ ડાઈનિંગહોલથી આવતું જમવાનું ત્રણેના ગળે નહોતું ઊતરતું. એટલે પ્રાચીએ એક રસોયણની વ્યવસ્થા કરી. રસોયાણી તો રોજ સવારે દાળ-ભાત-શાક રોટલી અને સાંજે ખીચડી-કઢી-ભાખરી બનાવીને ચાલી જાય. દરરોજ ભરેલાં શાક-કઠોળ-રાયતા-કચુંબરના વૈવિધ્યથી ટેવાયેલાઓને આ થાળી જોઈને ખાસ રુચિ જેવું રહેતું નહિ. સુધાબહેનને પણ યાદ આવ્યું કે સુમીએ જ્યારે પહેલી વખત રસોડામાં પગ મૂક્યો ત્યારે સુધાબહેનને પૂછ્યું હતું – ‘મમ્મી, આજે રસોઈમાં શું બનાવું ?’ જવાબમાં સુધાબહેને તો રીતસરનું એક નાનકડું ભાષણ જ ફટકારી દીધું હતું.

“આપણે ખાવા માટે નથી જીવતાં જીવવા માટે ખાવાનું હોય, મને જો જમવામાં જે હોય તે ચાલે. ખાવા-પીવાના આ રસના કારણે જ આપણે સ્ત્રીઓ ગુલામડીઓ બની જઈ રસોડામાં ગોંધાઈ જઈએ છીએ.”

પણ એ પહેલા દિવસે ટેબલ પર સજાવેલા વાનગીઓનો રસથાળ જોઈને સુધાબહેન તો ચકિત જ રહી ગયાં હતાં. પહેલી વાર રસોડામાં ગઈ હોવાથી સુમીએ ફાડા લાપસી બનાવી હતી. ના ના કહેતાં તેમણે ચોથી વાર લાપસી લીધી હતી. અચાનક એમનું ધ્યાન યોગેશભાઈની થાળી પર ગયું. એમની થાળીમાં લાપસી તો ખરી જ, પણ સાથોસાથ આખી થાળી વાનગીઓથી ભરેલી. એમણે તરત જ યોગેશભાઈને ટકોર કરી હતી – ‘ડાયાબિટીસ છે ને આ બધું…’ સુમીએ તેમને વચ્ચેથી જ અટકાવતાં કહ્યું – ‘મમ્મી, લાપસી સિવાયની બધી જ વાનગીઓ શુગર ફ્રી અને લૉ કૅલરીની છે.’ સાવ ગમારણ જેવી લાગતી સુમીના મોઢે આ શબ્દો સાંભળ્યા ત્યારે તો તેમને આશ્ચર્ય જ થયું હતું. સુમીએ હોમસાયન્સ કર્યું છે અને ‘ફૂડ એન્ડ ડાયેટ’ વિષયમાં પારિતોષિક પણ મેળવ્યું છે એની ખબર તો એમને બહુ મોડેથી પડી હતી. આમ ત્રણેય ટાઈમ ડાઈનિંગ ટેબલને હર્યુંભર્યું રાખનાર સુમી કદી રસોડામાં ગોંધાયેલી ન લાગે.

રસોયણની અનિયમિતતાને કારણે વારંવાર ખોરંભાતી ભોજનવ્યવસ્થાથી કંટાળીને પ્રાચીએ અચાનક પિયર રોકાવા જવાનું નક્કી કર્યું. સુધાબહેનને આશ્ચર્ય થયું. શરૂ શરૂમાં પોતે આગ્રહ કરીને પ્રાચીને પિયર જવા કહે તો પ્રાચી લાડ કરતાં કહેતી – ‘બાવીસ વર્ષ તો ત્યાં રહી ! હવે તો આ જ મારું ઘર અને તમે જ મારાં મમ્મી !’ પ્રાચીના આમ જતા રહેવાથી હવે આ બધી મુસીબતો સુધાબહેનના માથે આવી ગઈ. બે-ચાર દિવસમાં જ કંટાળી ગયેલાં સુધાબહેને લાગ્યું કે સુમી વિના આ ઘર ચાલે તેમ જ નથી.

એમણે કંઈક સંકોચ સાથે સુમીને ફોન કર્યો અને પોતાને ઠીક નથી રહેતું માટે સુમી-સૌરભ પાછાં આ ઘરે આવીને રહે એવી કંઈક ગોળ ગોળ વાત કરી. સાવ સાલસ એવી સુમીએ કોઈ જ આનાકાની વગર તરત સહમતિ દર્શાવી અને સાંજેકના તો સુમી ઘેર આવી પણ ગઈ.

આજે ઉત્સુકપણે સુમીની રાહ જોતા સુધાબહેન જેવો દરવાજો ખૂલ્યો કે ગૃહલક્ષ્મીને આવકારવા દોડીને બહાર આવ્યાં અને ઉષ્માપૂર્વક સુમીને ભેટી જ પડ્યાં. સુમીને આ પરિવર્તનથી આશ્ચર્ય તો થયું જ, પરંતુ એના સરળ-નિખાલસ હ્રદયે સાવ સહજપણે જ આ અનપેક્ષિત આવકારનો સ્વીકાર કર્યો.

અને ઘરમાં પ્રવેશતા જ જાણે કદી આ ઘરમાંથી ગઈ જ ન હોય તેમ સુમી રસોડામાં ગઈ અને પ્રસન્ન્નતાપૂર્વક સાંજની રસોઈની તૈયારીમાં લાગી ગઈ.

– દક્ષા બી. સંઘવી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “આવકાર – દક્ષા બી. સંઘવી”

Copy Protected by Chetan's WP-Copyprotect.