સનાતન ગાંધી – ડૉ. ગુણવંત શાહ

(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર)

(૧) ગાંધીજી નિત્ય નવા સ્વરૂપે

યુગે યુગે નવા નવા સ્વરૂપે પ્રગટ થતા સનાતન ગાંધીને ઓળખવા માટે આપણા સમાજમાં અસંખ્ય ગાંધી ઘટનાઓ બને તેને નિહાળવી પડશે. રુશવત ન લેવાનો સંકલ્પ પાળવા માટે ઓફિસમાં બહાદુરીપૂર્વક લડત આપનારો કોઈ પ્રામાણિક કર્મચારી ખાદી ન પહેરતો હોય તોય ગાંધીનો લાડકવાયો ગણાય. સનાતન ગાંધીને સત્ય, અહિંસા, સાધનસુદ્ધિ અને અભયમાં ખોળવા પડશે. જે અનુયાયી ગાંધીજીને બાહ્યાચારમાં જ જોવા મથે તે ગાંધીવાદી ગણાય. જે અનુયાયી સનાતન ગાંધીને સનાતન મૂલ્યોના સંદર્ભે પામવા મથે તે ગાંધીજન ગણાય. અસત્ય બોલનારો, લખનારો અને આચરનારો માણસ ખાદી પહેરે, પદયાત્રા કરે અને ગામડે જઈને લોકસેવા કરે તે ગાંધીવાદી ભલે ગણાય, પરંતુ એ કદી પણ ગાંધીજન ન ગણાય. આ પાયાનો તફાવત ન સમજાય ત્યારે નવી પેઢી સમક્ષ સનાતન ગાંધીને રજૂ કરવામાં નિષ્ઠાવંત અનુયાયીઓને નિષ્ફળતા મળે એ સ્વાભાવિક છે. તેઓએ નવી પેઢી સમક્ષ ગાંધીજીને લગભગ અપ્રસ્તુત બનાવી મૂક્યા છે. ‘હિંદ સ્વરાજ’માં પ્રગટ થતા ક્લાસિક્લ ગાંધી આજના સંદર્ભે લગભગ અપ્રસ્તુત જણાય, તો તેમાં નવી પેઢીનો કોઈ જ વાંક નથી. પુસ્તકમાં વાંચવા મળતી કેટલીય વાતો આજે હાસ્યાસ્પદ લાગે તેવી છે. વિગતો ભલે અપ્રસ્તુત બને, પરંતુ સત્યાગ્રહ કદી અપ્રસ્તુત નહીં બને. સત્ય શાશ્વત છે, માટે સત્યાગ્રહ શાશ્વત હોવાનો !

સમાજવાદી કે મૂડીવાદી અર્થતંત્રની ચર્ચા પણ ગરીબીના સંદર્ભમાં થાય તે જરૂરી છે. દુનિયાના કોઈ પણ દેશની ગરીબી સમાજવાદી કે સામ્યવાદી સમાજરચના દ્વારા ટળી ખરી ? રશિયા, ચીન અને પૂર્વ યુરોપના દેશોએ સામ્યવાદી અર્થતંત્રને તિલાંજલિ આપી છે. હવે ક્યુબા પણ એ માર્ગે છે. સામ્યવાદ, સર્વોદય કે સમાજવાદ પર આધારિત સમાજ ગરીબીની વહેંચણી કરી શકે, ગરીબી દૂર ન કરી શકે. લગામ વિનાનાં મૂડીવાદનાં અનિષ્ટો પણ ઓછાં નથી. હવે ધીમી ગતિએ મૂડીવાદનો માનવીય ચહેરો પ્રગટ થતો જાય છે. એ ચહેરો હજી વધારે ન વધારે સ્પષ્ટ બને તેની પ્રતીક્ષા કરવા જેવી છે.
જેમ સામ્યવાદ ખતમ થયો તેમ અમર્યાદ લોભવૃત્તિનો ઉપાસક એવો મૂડીવાદ પણ કાયમ નથી રહેવાનો. ગ્રીન જીવનશૈલી અનુ-આધુનિક (પોસ્ટ-મોર્ડન) શાણપણ ધરાવનારી છે. મૂડીવાદી વિચારધારા ધીરે ધીરે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય પ્રદૂષણની ચિંતા સેવતી થઈ છે. શાકાહાર પણ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં ફાળો આપી શકે એવું ડૉ. પચુરી જેવા નોબેલ પારિતોષિક વિજેતા પર્યાવરણવાદી કહે છે. મને લાગે છે કે મૂડીવાદી અતિરેકો સામે ગાંધીજી ગ્રીન જીવનશૈલી દ્વારા પ્રસ્તુત બની રહ્યા છે. ગ્રીન જીવનશૈલીના પ્રસાર માટે નોર્વેના વિચારક અને નેશ દ્વારા લોકપ્રિય બનેલું ‘ડીપ ઈકોલોજી’ અભિયાન સંપૂર્ણપણે મહાત્મા ગાંધીને અનુસરનારું છે. એની પ્રેરણા પણ એમને ગીતાના શ્લોક (૬, ૨૯) માંથી પ્રાપ્ત થઈ છે. સનાતન ગાંધી કદી અપ્રસ્તુત નથી બનવાના. વિનોબાજી કહેતા કે યુરોપીય વૈષમ્યવાદની પ્રતિક્રિયામાંથી સામ્યવાદનો જન્મ થયો હતો. મૂડીવાદનો જન્મ પ્રતિક્રિયામાંથી નહીં, પરંતુ માનવસહજ લોભના અતિરેકમાંથી થયો છે. શું લોભ સર્વથા ત્યાજ્ય છે ? શું સંસાર કદી લોભશૂન્ય થઈ શકે ?

‘સમ્યક’ શબ્દ આપણી ભારતીય પરંપરાનો એક અનોખો અને અર્થપૂર્ણ શબ્દ છે. ‘સમ્યક’ એટલે યોગ્ય, બરાબર, સાચું કે સમુચિત. જૈન દર્શનમાં પણ સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્ય અને સમ્યક દર્શનનો મહિમા થયો છે. જ્યાં વિવેક છે, ત્યાં સમ્યકત્વ આપોઆપ સિદ્ધ થાય છે. અતિરેક થાય ત્યાં અવિવેક હોવાનો જ ? શું ‘સમ્યક લોભ’ જેવી કોઈ બાબત હોઈ શકે ? હા, જરૂર હોઈ શકે. ત્યાગનો, સંયમનો, વૈરાગ્યનો, અનાસક્તિનો, અક્રોધનો અને નિર્મોહીપણાનો પણ અતિરેક હોઈ શકે છે. આ વાત ઝટ ગળે ઊતરે એવી નથી.
ગાંધીજી કહેતા કે આ પૃથ્વી પર સૌની જરૂરિયાત માટે પૂરતું છે, પરંતુ લોભિયા માટે કશુંય પૂરતું નથી. સમ્યક લોભ એટલે એવો લોભ જેમાં પોતાની જરૂરિયાત સંતોષાય પછી લોભ ક્ષીણ થાય. ચાણક્ય એક ઉદાહરણ દ્વારા આ વાત સમજાવે છે. મધમાખી પુષ્પમાંથી મધ એકઠું કરે તોય પુષ્પને હાનિ પહોંચતી નથી. મધમાખીનો પરિગ્રહ સમ્યક પરિગ્રહ છે. એની નિંદા ન હોય. આવો સમ્યક લોભ કે પરિગ્રહ સંસારના અસ્તિત્વ માટે અનિર્વાય છે.
મૂડીવાદી વિચારધારામાં અસમ્યક લોભને મોકળું મેદાન મળી જાય છે. ગુલાબમાંથી ગુલકંદ બને ત્યારે ગુલાબની હાનિ થાય છે. આપણે ત્યાં કંજૂસ માટે ‘મખ્ખીચૂસ’ શબ્દ પ્રચલિત છે. મૂડીવાદી વિચારધારામાં અમર્યાદ લોભની બોલબાલા હોવાને કારણે પર્યાવરણ જ નહીં, માનવજીવન પણ ખોરવાય છે અને ખોટકાય છે. ઈશોપનિષદમાં (પ્રથમ મંત્રમાં) કહ્યું : ‘મા ગૃધઃ’ આ ‘ગૃધ’ શબ્દ પરથી અંગ્રેજી ‘greed’ શબ્દ આવ્યો છે એવું વિનાબાજીએ પોતાના ‘ઈશાવાસ્યવૃત્તિ’ પુસ્તકમાં કહ્યું છે. ગૃધ્ર એટલે ગીધ. ગીધ અતિલોભનું પ્રતીક છે. રવિશંકર મહારાજ કહેતા કે ગીધ જ્યારે મરેલી ભેંસ પર બેસીને ઉજાણી કરે ત્યારે પાંખ પ્રસારીને એવી રીતે ચાંચ મારે કે બીજું કોઈ પક્ષી કે પ્રાણી ભાગ ન પડાવે. જગત સમ્યક લોભવૃત્તિને કારણે દુઃખી નથી, એ અતિલોભને કારણે દુઃખી છે. લોભને થોભ ન હોય એવું કહેવાયું છે. મૂડીવાદ અતિલોભના જલંદરથી ગ્રસ્ત છે. માનવીય સ્વાર્થ સહજ હોય ત્યાં સુધી બહુ ઉધમાત નથી મચાવતો. ખેડૂત પોતાની જુવાર ખળીમાં ઠાલવે ત્યારે રાતે ઢગલાની ચોકી કરે છે. એનો ઢગલો સચવાય ત્યાં સુધી કશુંય ખોટું નથી, પરંતુ એ બીજાના ઢગલામાંથી બે તગારાં ભરીને જુવાર ચોરી લાવે ત્યારે પ્રશ્નો ઊભા થાય છે. આ વાતના ટેકામાં ઘણું કહી શકાય તેમ છે.

પશ્ચિમના દેશોની સમૃદ્ધિ પણ ક્યારેક વિકાસગામી દેશોના શોષણ પર ટકેલી હોય છે. અમેરિકા માલદાર દેશ ખરો, પરંતુ એની ગીધસંસ્કૃતિ અન્ય દેશોને પજવનારી છે. ગાંધીજીનો વિરોધ ગીધવૃત્તિ સામે છે. થોડીક વિગતો અહીં પ્રસ્તુત છે :
– દુનિયાની વસ્તીના પાંચ ટકા અમેરિકનો દુનિયાની કુલ ઊર્જાના ૨૪ ટકા વાપરી ખાય છે.
– સરેરાશ અમેરિકન જે ઊર્જા વાપરે તે ચીનના ૧૩ માણસો, ભારતના ૩૧ માણસો, બાંગ્લાદેશના ૧૨૮ માણસો અને ઇથિયોપિયાના ૩૭૦ માણસો વાપરે એટલી છે.
– આખું અમેરિકા રોજ ૮૧૫ અબજ કેલરી ખાય છે. તે કેલરી જરૂર કરતાં ૨૦૦ અબજ જેટલી વધારાની છે. એ વધારાની ઊર્જામાંથી ૮ કરોડ લોકોને ખવડાવી શકાય. વળી અમેરિકનો ખાવા લાયક ખોરાક રોજ ફેંકી દે છે, તે બે લાખ ટન જેટલો બગાડ ગણાય.
– જો દુનિયાના વિકાસગામી દેશો આ પ્રમાણે જીવવા માંડે તો કુદરતી સંસાધનો (resources) માટે ચાર નવી પૃથ્વીઓ સર્જવી પડે. (‘ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’, ૮-૧૦-૨૦૦૮ લે. જગ સુરૈયા)
ગાંધીજીની વાતોને નવા સંદર્ભમાં મૂલવીને એમાંથી સનાતન ગાંધીને સારવી લેવામાં જ શાણપણ છે. ગાંધીજી આવા પ્રામાણિક અને સંનિષ્ઠ પ્રયત્નથી નારાજ થાય તેવા મહાત્મા ન હતા.

(૨) ગાંધીજીના બધા વિચારો આખરી નથી

સ્વરાજ મળ્યું પછી સરદાર પટેલ જીવ્યા ત્યાં સુધી સમાજવાદી વિચારધારાને કોંગ્રેસે અપનાવી ન હતી. સરદારના ગયા પછી નેહરુના નેતૃત્વ હેઠળ સમાજવાદી સમાજરચના માટે ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો. તે વખતે દેશમાં ફરતા થયેલા શબ્દો હતા : ‘સોશ્યલિસ્ટ પેર્ટન ઓફ સોસાયટી.’ ખાનગી ઉદ્યોગો પર નિયંત્રણો લદાયાં. પબ્લિક સેક્ટરની બોલબાલા વધી પડી. રાજાજી અને ક.મા. મુનશીએ ‘લાઈસન્સ પરમિટ ક્વોટા રાજ’નો વિરોધ કર્યો અને સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી. આદર્શવાદી ડાબેરીઓ તે જમાનામાં તાતા અને બિરલા જેવા ઉદ્યોગપતિઓને ચોર, લૂંટારા અને શોષણખોર તરીકે ભાંડતા. પબ્લિક સેક્ટરનાં એકમો વિકરાળ ખોટમાં ચાલુ રહ્યાં, કારણ કે સમાજવાદી નશો ઊતરતો જ ન હતો. એમાં ચાલતા ભ્રષ્ટાચારનો તો કોઈ પાર ન હતો. નેહરુ પછી શાસ્ત્રીજી પછી ઈન્દિરા પછી રાજીવ ગાંધી સુધી મુક્ત અર્થતંત્રનો પ્રારંભ ન થયો.
નરસિંહ રાવની સરકારે નાણાપ્રધાન મનમોહન સિંહની સમજણના અજવાળામાં મુક્ત અર્થતંત્રનો પ્રારંભ કર્યો. ૧૯૯૧થી ૨૦૧૧ સુધીના બે દાયકા દરમિયાન બિનકોંગ્રેસી સરકારોએ પણ મૂડીવાદી અર્થનીતિ જ ચાલુ રાખી. આ વાત આગળ થઈ ગઈ છે. હવે ભરાતાં કોંગ્રેસના કોઈ પણ અધિવેશનોમાં ‘સમાજવાદ’ શબ્દ સાંભળવા મળતો નથી. એ શબ્દ શબ્દકોશમાં રહી ગયો છે, પરંતુ આખી દુનિયામાંથી લગભગ અલોપ થઈ ગયો છે, કારણ શું ? વિચારવું પડશે.

મુક્ત અર્થતંત્રમાં છેક છેવાડે બેઠેલા ગરીબને કોઈ લાભ થયો ખરો ? મૂડીવાદી અર્થનીતિ માનવીય બની શકી ખરી ? ગાંધીજી આજે જીવતા હોય તો શું કરે ? ગઈ સદી અને એકવીસમી સદી વચ્ચે જે તફાવત પડી ગયો તેને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. આખું વિશ્વ ખરા અર્થમાં એક ગામડું બની રહ્યું છે અને રાષ્ટ્રો જાણે એ વિશ્વગ્રામનાં ફળિયાં બની રહ્યાં છે. કોમ્પ્યુટરની શોધ અગ્નિની શોધ પછીની સૌથી મહાન શોધ છે. કોમ્પ્યુટરના જોડિયા ભાઈ જેવું ઇન્ટરનેટ વિશ્વના નાગરિકોને એકસૂત્રે બાંધતું જણાય છે. કોમ્પ્યુટરનું કાળજું છે : CONNECTIVITY. આ ક્નેક્ટિવિટીને કારણે માહિતી, જ્ઞાન અને ડહાપણનો રેલો ઝૂંપડપટ્ટી સુધી પહોંચતો જણાય છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ખેડૂતો શાકભાજી પેદા કરે તેનો મહત્તમ ભાવ શું રાખવો તેનો નિર્ણય કોમ્પ્યુટર પર મળેલી માહિતીને આધારે કરે છે.
સરકારે રાઈટ ટુ ઇન્ફોર્મેશન (RTI)નો કાયદો પસાર કર્યો તેથી ભ્રષ્ટાચાર પર બ્રેક લાગે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શું ગાંધીજી માહિતી પ્રાપ્ત કરવાના આવા અધિકારને પોતાના આશીર્વાદ ન આપત ? શું તેઓએ મોબાઈલ ફોનનો વિનિયોગ કરીને દૂર દૂર બેઠેલા કોઈ સેવકને કામે લગાડ્યો ન હોત ? શું તેમણે કોમ્પ્યુટરનો વિરોધ કર્યો હોત ? શું ‘હિંદ સ્વરાજ’માં પ્રગટ થયેલી તેમની રોમેન્ટિક સંકલ્પના અંગે કોઈ જ પુનર્વિચાર ન કર્યો હોત ? મારે એટલું જ કહેવું છે કે જે લોકો પરિવર્તનનું સૌંદર્ય ન સમજે તેઓ ગાંધીને સમજે એ શક્ય જ નથી. શું અગ્નિની શોધનો વિરોધ નહોતો થયો ? શું પૃથ્વી સપાટ નહીં ગોળ છે, એમ કહેનારા (ઇટલીના) બ્રૂનોને જીવતો જલાવી દેવામાં નહોતો આવ્યો ? ગાંધીને નામે આપણે (‘હિંદ સ્વરાજ’ લખાયું તે વર્ષ) ૧૯૦૯ના સંદર્ભે ક્યાં સુધી વળગી રહીશું ? શું ગાંધીજી કદી પણ કોઈ ભૂલભરેલી વાત ન જ કરી શકે તેવા પૂર્ણપુરુષોત્તમ હતા ? અપૂર્ણ હોવું એ તો મૂળભૂત માનવીય અધિકાર છે અને મહાત્મા ગાંધી નિત્યવર્ધમાન એવા ‘મહામાનવ’ હતા, પરંતુ આખરે માનવી જ હતા. પરિવર્તન सनातन ગાંધીમાં કોઈ જ બદલાવ ન આણી શકે, પરંતુ व्यूहात्मक ગાંધી (ઓપરેશનલ) તો સદીએ સદીએ નવા હોવાના ! ગાંધીવિચાર સાથે પ્રગટ થતી નિત્યનૂતનતાનું સામૈયું ન કરીએ તો નવી પેઢીને ગાંધીજી પ્રત્યે પણ અપાકર્ષણ થશે. અનુયાયીઓ પાસે કેટલી આશા રાખવી ? તેઓ સદીઓથી વાસીપણાને ખભે ઊંચકીને ચાલનારા ડાઘુઓ ગણાય. આ સૃષ્ટિનું એક લક્ષણ transience (પરિવર્તનતા) છે. એ શોધ મૂળે બુદ્ધની છે. પરિવર્તનના સામે જ અપરિવર્તનતા જામી પડે છે તેની પ્રતિષ્ઠા અનુયાયીઓમાં કદી ઓછી નથી હોતી. મૂડીવાદી અર્થનીતિ અને મુક્ત અર્થતંત્રમાં માનવીને કેન્દ્રિય સ્થાન મળે એ હવે માત્ર સમયનો સવાલ છે. કેટલાક પર્યાવરણવાદીઓ અને ગ્રીન ચળવળના કર્મશીલો પાયાનું કામ કરી રહ્યા છે. તેઓ ગ્રીન જીવનશૈલીના હિમાયતી તરીકે શાકાહાર અને વિશ્વશાંતિ માટે સંનિષ્ઠ પ્રયત્નો કરી રહ્યા છે. તેઓના પ્રયત્નો નિષ્ફળ જવા સર્જાયા નથી. મહાત્માના આશીર્વાદ તેમની સાથે છે.

મૂડીવાદી અર્થતંત્ર દોષરહિત નથી જ નથી. ચાર પ્રશ્નો પૂછવા જેવા છે :
(૧) સામ્યવાદી દેશો (ચીન, રશિયા, પૂર્વ યુરોપનાં રાજ્યો અને ક્યુબા) જેવા દેશોએ પણ સમાજવાદી અર્થનીતિ ત્યજીને મૂડીવાદી અર્થનીતિ કેમ અપનાવી ?
(૨) ભારત જેવા દેશ કરતાં નાના દેશો, જેવા કે શ્રીલંકા, મલેશિયા, તાઈવાન અને દક્ષિણ કોરિયા ભારતથી ગરીબાઈની નાબૂદી અને માનવીય માપદંડો (Humana Development Indices, HDI) જેવી બાબતોમાં આગળ નીકળી ગયા એનું કારણ શું ?
(૩) મૂડીવાદી અર્થનીતિની કેટલીક માનવીય મર્યાદાઓ છતાં કોઈ દેશ કે સમાજ ફરીથી સમાજવાદી અર્થનીતિ અપનાવવા તૈયાર કેમ થતો નથી ? ભારતનો સામ્યવાદી પક્ષ પણ શા માટે ઔદ્યોગિક ગૃહોને આમંત્રણ પાઠવીને પશ્ચિમ બંગાળમાં મૂડીરોકાણ કરવા માટે લલચાવે ?
(૪) શું સામાન્ય સંસારી માણસ કદી પણ અપરિગ્રહ વ્રત પાળી શકે ખરો ? શું એ મહાત્મા જેટલો સ્વાર્થમુક્ત થઈને લગભગ સાધુચરિત બની શકે ખરો ?

આ ચાર પ્રશ્નોના જવાબ આપવાનું અહીં ટાળ્યું છે. અમે નાના હતા ત્યારે રાજા રંતિદેવના ત્યાગની કથા સાંભળી હતી. લાંબા ઉપવાસ પછી રંતિદેવ પારણાં કરવા તૈયાર થયો ત્યાં એક ભૂખ્યો ભિખારી આવી પહોંચ્યો. રાજાએ એને પોતાની થાળી ધરી દીધી અને પોતે ભૂખ્યો રહ્યો. મને રાજાની આવી ત્યાગમૂલક મૂર્ખતા પ્રત્યે આદર નથી. એ પોતાના ભાણામાંથી અડધું ભોજન ભિખારીને ન આપી શક્યો હોત ? ત્યાગના અતિરેકને કારણે અને થોરિયાના ઠૂંઠા જેવા શુષ્ક વૈરાગ્યને કારણે ભારત ગરીબ રહ્યું છે. અપરિગ્રહનો મહિમા ગરીબ સમાજમાં ઉપકારક ન બની શકે. ભૂખડીબારસના ઉપવાસની પ્રશંસા ન હોય. વાંઢાના બ્રહ્મચર્યની પ્રશંસા ન હોય. કાયરની અહિંસાની પ્રશંસા ન હોય. દંભી માણસની સેવાની પ્રશંસા ન હોય. ચીંથરેહાલ મનુષ્યની સાદગીની પ્રશંસા ન હોય. સમાજ સમૃદ્ધ બને તો જ ગરીબી સાથે જોડાયેલી ગુપ્ત હિંસા (લેટન્ટ વાયોલન્સ) ટળે. અપરિગ્રહનો મહિમા હોય એવો સમાજ સમૃદ્ધ શી રીતે હોય ? મને આ બાબતે મહાવીર, બુદ્ધ અને ગાંધી કરતાં કબીરજીની વાત વધારે મૌલિક અને વ્યવહારુ લાગે છે. કબીર કહે છે :
સાંઈ ઈતના દીજિયે, જામે કુટુંબ સમાય,
મૈં ભી ભૂખા ન રહૂં ઔર સાધુ ભૂખા ન જાય.

આદિ શંકરાચાર્યે એક સૂત્ર આપ્યું : કૌપિનવંતઃ ખલુ ભાગ્યવંતઃ । (લંગોટી સિવાય બીજું કશું ન રાખે તે ખરો ભાગ્યશાળી) શું આ સૂત્ર સમાજને સમૃદ્ધિ તરફ લઈ જનારું છે ? જો આવા આત્યંતિક અપરિગ્રહવ્રતને માનવસમાજે સ્વીકાર્યો હોત તો આજે પણ આપણે પાષાણયુગમાં જ જીવતા હોત. માનવ-ઈતિહાસમાં જે કંઈ પ્રગતિ થઈ તેમાં પરિગ્રહનો સીધો ફાળો છે.
ગાંધીજીની કેટલીક વ્રતનિષ્ઠા માનવીના સહજ ‘સ્વ-ભાવ’ સાથે મેળ પાડનારી નથી જણાતી. મને લાગે છે કે અતિલોભની નિંદા ભલે થાય, પરંતુ સહજ લોભ નિંદનીય નથી. અતિમોહની નિંદા થવી જ જોઈએ, પરંતુ વિવેકયુક્ત મોહ રાખવામાં ન આવે તો કોઈ સંતાન મોટું ન થાય અને થાય તો કશેય ધાડ ન મારે. એ જ રીતે અક્રોધનો મહિમા કરવામાં ઉચિત ક્રોધ (મન્યુ)ની ઉપેક્ષા ન થવી જોઈ. વેદનો ઋષિ ભગવાનને પ્રાર્થના કરે છે : ‘હે પરમાત્મા ! તું મન્યુસ્વરૂપ છે, મને મન્યુ પ્રદાન કરો.’ પોતાની પત્ની પર બળાત્કાર કરવા આવેલા ગુંડા પર ક્રોધ નહીં કરવાનો ? એ માટે ઉચિત ક્રોધ (મન્યુ) આવશ્યક છે. તમારા ઘર પર ખંજર લઈને ધસી આવનારા ગુંડા કે આતંકવાદીનો સામનો અહિંસાથી શી રીતે કરવો ? હાથમાં જે હથિયાર આવ્યું તે ઉપાડીને એનો સામનો સ્વબચાવમાં કરવો જ પડે. એમ ન કરવું એ કાયરતા છે, અહિંસા નથી. અરે ! ગુંડાથી બચવા માટે પાછલે બારણે નાસી જવામાં પણ કશું અનુચિત નથી. દક્ષિણ આફ્રિકામાં તા.૧૩-૧-૧૮૯૭ને દિવસે ડરબનમાં ગોરા લોકોએ બાળબચ્ચાં સહિત ગાંધી પરિવારને બાળી મૂકવાનો પ્રયત્ન કર્યો ત્યારે ગાંધીજી પણ પોલીસ સુપ્રિટેન્ડન્ટની સલાહથી ભાગી છૂટ્યા હતા. (‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’, ગાંધીજી, પાન ૫૬-૫૭) એમ કરવું એ આપદ્‍ધર્મ ગણાય.

દુનિયાની પ્રજાને આનંદવિરોધી, સહજવિરોધી, જીવનવિરોધી અને પ્રકૃતિવિરોધી વાતોને કારણે થતા કેટલાક અતિરેકો માન્ય નથી થવાના. પ્રવચનોમાં જે બાબત નભી જાય તે બાબત જીવનમાં નભે તો બેડો પાર ! એકવીસમી સદીમાં ‘સનાતન ગાંધી’ ટટ્ટાર બનીને ઊભા છે. આવનારાં હજારો વર્ષો સુધી લોકો એમને યાદ કરશે, પરંતુ વ્યૂહાત્મક ગાંધીનો નિરપવાદ સ્વીકાર કરવાને કારણે આપણે ફુલ્લી નપાસ થતા રહ્યા છે. એમાં આપણો બહુ વાંક નથી. આજે પીતાંબર પહેરીને કૃષ્ણ ફળિયામાં આવે તો લોકો એમની મશ્કરી જ કરે, પરંતુ ગીતાના યોગેશ્વર કૃષ્ણને લોકો કદી પણ ભૂલશે ખરા ? કૃષ્ણ માનવીય મનોવિજ્ઞાનની માવજત કરનારા યોગેશ્વર છે. તેઓ ગીતામાં કહી શકે છે : ધર્મનો વિરોધી નહીં એવો (ધર્માવિરુદ્ધો) કામ કરું છું. (૭,૧૧) કૃષ્ણના જીવનદર્શનમાં સેક્સનો સ્વીકાર છે. એ જ રીતે ધર્મની સ્થાપના માટે, દુર્જનોના વિનાશ માટે અને સજ્જનોના (સાધુઓના) પરિત્રાણ માતે અનિવાર્ય એવી હિંસાનો પણ સ્વીકાર છે. કૃષ્ણ કર્મયોગ સાથે કર્મની કુશળતાને જોડે છે. કૃષ્ણ સ્થિતપ્રજ્ઞતાને પ્રસન્નતા (પ્રસાદ) સાથે જોડે છે.

ગાંધીજી સેક્સ અંગે લગભગ ‘મરજાદી’ જણાય છે. એ જ રીતે અગિયાર વ્રતનો આગ્રહ રાખનારા ગાંધીજી માનવસહજ ઊર્મિઓની અવગણના કરીને જીવનને શુષ્કતા, કઠોરતા અને અતિ ગાંભીર્યની ખીણમાં ધકેલી દેનારા મહાત્મા જણાય છે. જડબેસલાક વ્રતનિષ્ઠામાં જકડાયેલા અસહજ જીવનમાંપ્રતિક્રિયાઓના જે ખાળકૂવા સર્જાયા તેમાં સાધુજનો પણ બચી ન શક્યા. પુત્ર હરિલાલ પોતે પણ વિકરાળ પ્રતિક્રિયાનો ભોગ બન્યો હોય એવો વહેમ પડે છે. કદાચ ગાંધીજીના વિચારવિશ્વમાં મનોવિજ્ઞાન જેવો કોઈ વિષય પણ હોઈ શકે એવી સમજણની કોઈ નિશાની ઝટ જડતી નથી. એમણે બાળપોથી લખી તેમાં પણ આ કડવા લીમડાના દાતણનો મહિમા થયો ! સંયમગ્રસ્ત અને વ્રતત્રસ્ત જીવનશૈલી હોય એવા પરિવારમાં બાળક તરીકે જન્મ લેવા માટે કોણ તૈયાર થાય ? ગાંધીજી સેક્સની બાબતે શુકદેવજીનો આદર્શ ધ્યાનમાં રાખનારા હતા. શુકદેવજી વિકારશૂન્ય સ્થિતિમાં જન્મ્યા હતા અને યુવાનીમાં નગ્ન અવસ્થામાં ફરતા, પરંતુ તેમને જોઈને સ્ત્રીઓ કશો સંકોચ કે વિકાર અનુભવતી ન હતી. આ વાત કથા તરીકે ખોટી નથી, પરંતુ વાસ્તવમાં ભારે ખતરનાક છે. મનુ ગાંધી સાથેના ભયંકર પ્રયોગો મનુ માટે ખતરનાક હતા. પાછલી અવસ્થામાં મનુબહેનને માનસિક હાલત શી હતી ? તેઓ શું પ્રયોગપ્રાત્ર (guineapig) હતાં કે ?

નવી પેઢી સમક્ષ મહાત્માની વાતો કરતી વખતે એમના બ્રહ્મચર્યવ્રત અંગે ઉપદેશાત્મક ભાષામાં વાતો કરવાનું યોગ્ય નથી. એમના જીવનની કેટલીક વિગતો કાળક્રમે ખરી પડશે, પરંતુ જેમ જેમ સદીઓ વીતતી જશે, તેમ તેમ ગાંધીનું સત્ય અને એમનો સત્યાગ્રહ જગતના ઈતિહાસમાં વધારે ને વધારે પ્રસ્તુત બનતાં જશે. સત્ય સ્વભાવે શાશ્વત છે, માટે (સનાતન) ગાંધી શાશ્વત છે. એમનો સત્યપ્રેમ મહાન છે, બાકીની વાતો કેવળ વિગતો છે. માણસમાત્રને પરમેશ્વરે સહજ વિવેકની મૂલ્યવાન ભેટ આપેલી છે. એ વિવેક કોઈ પણ મહામાનવની વાતો આંખ મીંચીને સ્વીકારી લેવાની છૂટ નથી આપતો. ક્યારેક ગાંધીજીનું આંધળું અનુકરણ અને અનુસરણ કરનારા નિષ્ઠાવંત લોકોએ પોતાનાં સ્ખલનો દ્વારા સાબિત કરી છે : ‘લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.’ આ બાબતે સરદાર વલ્લભભાઈ પટેલ ઉમદા અપવાદ ગણાય. એમાં આંધળું અને વિવેકહીન અનુકરણ દંભના ઉકરડા સર્જનારું બની રહે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “સનાતન ગાંધી – ડૉ. ગુણવંત શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.