દાનત – પ્રિયકાન્ત બક્ષી

રવિવારનો દિવસ હતો. ઉનાળાની ગરમી એટલે કાળ-ઝાળ ઉકળતો ચરુ, એવા સમયે બહાર જવાનું તો નામ જ ન લેવાય. અમે મિત્રો, બપોરનું ભોજન પતાવીને ગપસપ કરતા ભુવનને ત્યાં બેઠા હતા. વાતચીત કરતા- કરતા વિષય નિકળ્યો કે આજકાલ ભલાઈનો જમાનો ક્યાં રહ્યો છે!

સુબંધુ કહે, ‘કંઈક સારુ કરવા જાવ અને બલા તમારા પર આવી જાય. કોઈનો માર્ગમાં અકસ્માત થયો હોય અને તમે મદદ કરવા જાવ એટલે આફતનું પોટલુ તમારા પર. હજાર જાતના પોલીસના લફરાં. આપણે તો સો ગજ દૂર જ રહીએ.’

વિકાસ બોલ્યો, ‘એ તો પલાયનવાદ કહેવાય, સમજો કે આજે કોઈ વ્યક્તિને અકસ્માત થયો છે અને એની જગાએ આપણે કે આપણા સગા-સંબંધી હોય તો? માનવતા પણ કોઈ ચીજ છે કે નહીં? જો એવા સમયે તાત્કાલિક મદદ મળી જાય તો અકસ્માત થયેલ વ્યક્તિ બચી જાય. જો બીજું કશું સમાજોપયોગી કામ ન થાય તો કંઈ નહીં પરન્તુ કોઈના આવા કપરા સમયે દેખ્યું – નદેખ્યું કેવી રીતે થાય?’

ભુવન કહે, ‘આજ-કાલ નર્યો સ્વાર્થ જ નજરે ચઢે છે. કોઈ- કોઈનું નથી. પોતાના લાભની વસ્તુ હશે તો તે લટુડો-પટુડો થશે. ગરજ હટી કે હું કોણ અને તું કોણ? દયા, કરુણા, પરમાર્થ વગેરેને હવે ભૂલી જાવ. બીજાને ઉપદેશ આપવો સહેલો છે કિન્તુ પોતાને માટે?’

સુધાકર બોલ્યો, ‘હવે દરેકેદરેક ક્ષેત્ર શુધ્ધ ક્યાં રહ્યું છે? નાનુ અમથુ કામ હશે તો કંઈ ચાંપો તો જ થાય. દરેક ચીજમાં ભેળસેળ. અને ભાવ? કમર તોડી નાખે એવા. આપણા વડીલો એમના જમાનાની વાત કરતા હતા, તે જમાનો ગયો. મારા દાદા વારંવાર કહે છે કે હળાહળ કળયુગ આવ્યો છે. હવે કોઈ કોઈનુ નહીં થાય. ખરેખર આપણે સ્પષ્ટપણે એ જોઈએ છીએ ને?’

મેં કહ્યું, ‘માણસાઈ હજી મરી પરવારી નથી. સમાજના સામાન્ય ગણાતા માણસની નીતિ તો જુઓ? પાસે કશું નહીં હોય પણ ચારિત્ર્ય તો બુલંદી પર. મારું માનવું તો એવું છે કે ગમે તેવો સ્વાર્થી મનુષ્ય કેમ ના હોય, જો તમારી દાનત શુધ્ધ હશે તો તેનો બદલો જરૂર વાળશે. આપણે શું કરીએ છીએ? બધા જ નકારાત્મક વિચાર. જેને બીજા પર લાગણી છે, ભલેને ક્ષણિક કેમ ના હોય, તે જરૂર આગળ-પાછળનો વિચાર કર્યા વિના, કશી આશા રાખ્યા વગર મદદ માટે ઝંપલાવે છે. તે વ્યક્તિને કુદરત પણ સાથ આપે છે. આ જુઓને, ૨૦૦૫માં આપણા મુંબઈમાં મુશળધાર વરસાદે કેવો કેર વર્તાવ્યો હતો. આપણે બધાએ ક્યાં અનુભવ્યું નથી? સામાન્યમાં સામાન્ય માણસો એ ફસાઈ ગયેલાં લોકોને કેવી કેવી મદદ કરી હતી. હા, બધે વાતાવરણ બદલાઈ ચૂક્યું છે. કોણે કોના પર ભરોસો રાખવો એ નક્કી થઈ શકતુ નથી. તેનો અર્થ એવો તો નહીં ને કે આપણે આપણી માનવતા ભૂલી જવી. જો આપણે સમાજમાં બનતા નાના-નાના બનાવો પ્રત્યે ધ્યાનથી જોઈશું તો તમને લાગશે કે જો દાનત સારી હશે તો સામેવાળો બેઈમાન કેમ ન હોય, એનો માહ્યલો જાગશે ને જાગશે જ. મારો બિહારનો સ્વાનુભવ કહું. મારી આત્મપ્રશંસા નથી કરતો પણ હું એ તારતમ્ય પર આવ્યો છું કે જો નિસ્વાર્થ ભાવે, અપેક્ષા વિના, માત્ર માંહ્યલાના અણસારથી કુદરતી રીતે કંઈક બની શકે એવી મદદ જરૂરતમંદને સમયસર થાય તેનુ પરિણામ અવશ્ય સારું જ આવે છે. એનાથી તમને લૌકિક તેમજ અલૌકિક આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય છે. આ મારો સ્વાનુભવ છે.’

બધા મિત્રો કહે, ‘ત્યાંના કિસ્સા સંભળાવ.’

મેં કહ્યું, ‘આમ તો નાની અમસ્તી વાત છે. ત્યાં લાઈટનું કશું ઠેકાણુ નહીં. આખા દિવસમાં ભાગ્યેજ ચાર થી પાંચ કલાક લાઈટ આવે. નિયમિત સમય નહીં. તેથી નળમાં પાણી થોડી વાર જ આવે. અમે રસોઈ અને પીવાનું પાણી જેમ તેમ કરીને ભરી લેતાં. બાકી ન્હાવા, કપડા ધોવા, હાથ-પગ ધોવા, કીચન સાફ કરવું વગેરે માટે જાહેરમાં ડંકી હતી (જેને ત્યાં ચાપાકલ કહે છે) ત્યાંથી લાઈન લગાડીને લાવવાનુ. કાયમી ત્યાં રહેતા હોય અને જેને પોષાતુ હોય તેઓ જનરેટર વાપરે, પોતાને ત્યાં ચાપાકલ પણ હોય તેથી તેમને આવી ઉપાધી નહીં. એક દિવસની વાત છે, હું ચાપાકલ પર પાણી લેવા ગયો. લાઈન રોજ કરતાં મોટી હતી. શેરીનો લીડર સૌની દેખ ભાલ કરતો. ટંટો ફીસાદ ન થાય તેનું ધ્યાન રાખતો હતો. મારો ટર્ન આવ્યો. મને કહે, ‘ચાપાકલની મરમ્મત કરાવવી પડશે. બધા પાસેથી ચાર આના (૨૫ પૈસા) લઈએ છીએ. રીપેરીંગનો ખર્ચો છે.’ એવા ખર્ચા બતાવીને, થોડા પૈસા મારી ખાય છે. એવી માન્યતા મહોલ્લાના લોકોમાં હતી. તેમજ માથાભારે હોવાથી કોઈ એને છેડતા નહીં.’

મેં કહ્યું, ‘હું તો નાઈટ ડ્રેસમાં જ આવ્યો છું. મારી પાસે પાકીટ નથી. પાછો પાણી લેવા આવું છું, ત્યારે લેતો આવીશ.’

તે કહે, ‘બધા આમ જ કહે છે અને પછી આપતા નથી.’

મેં કહ્યું, ‘મારા પર વિશ્વાસ રાખ. જો ભરોશો ન હોય તો હું આ બાલ્દી અહીં મૂકીને ઘરેથી પૈસા લઈ આવું છું.’

તે કહે, ‘તમારી જબાન પર ભરોશો છે. તમારે બાલ્દી અહીં મૂકવાની જરૂર નથી.’

હું ઘરે ગયો. જોયું તો છૂટા પૈસા ન હતા. મેં રૂપિયાની નોટ લીધી અને ફરી પાણી ભરવા ગયો. મને થયું એની વાત સાચી છે. જો કોઈ પૈસા ન આપે તો રીપેરીંગ કેવી રીતે થાય? મ્યુનિસિપાલિટિના ભરોસે રીપેરીંગ માટે રાહ જોઈએ તો કેટલાય દિવસો નિકળી જાય. પાણી તો દરરોજ જોઈએ. જો આમ ચાલે તો રોજનો પાણી માટે કકળાટ. મહોલ્લાનું આટલું કામ કરે છે તે જ ઘણું કહેવાય. હું તેની પાસે ગયો અને કહ્યું, ‘લે રૂપીઆની નોટ.’

તે કહે, ‘ મારી પાસે છૂટા નથી, પરચૂરણ (ખુદરા) ભેગા થયે આપીશ.’

મેં કહ્યું, ‘મારે બાકીના પૈસા નથી જોઈતા. કોઈ આપે કે ના આપે તો રીપેરીંગ કામ ક્યારે થાય? જો તમને રીપેરીંગમાં ખૂટતા લાગે તો મને જણાવજો, હું બાકીના આપી દઈશ. રીપેરીંગ કામ અગત્યનું છે.’

તે ઘણો પ્રસન થયો. ત્યારથી તે મને પાણી માટે આવતો જુએ કે બાલ્દી તરત જ ભરી આપે. મારે લાઈન નહીં લગાડવાની! મારો સવારનો ઘણો સમય બચી ગયો.

આમા મારી શુધ્ધ દાનતે કામ કર્યું. મેં બદલાની આશા ન હતી રાખી. એનો માંહ્યલો જાગ્રત થયો.

બીજો પ્રસંગ જણાવું. રેશનની દુકાનમાં હું રેશન લેવાનો વારો આવે, તે રવિવારે જતો. મારા પત્નીની કાયમી ફરિયાદ હોય કે ‘અનાજમાં કસ્તર ઘણું આવે છે. અનાજના ૨૫% જેટલું અનાજ કચરામાં ફેંકવામાં જાય છે. જો હું મોં પર કપડું બાંધીને અનાજ સાફ ન કરું તો મને સખત ખાંસી ઉપડે છે.’ મેં કહ્યું, ‘જે છે તે છે. આપણે એકલા રેશન નથી લાવતા. બધાને આમ થતું હશે. આપણે અહીં ક્યાં લડવા જઈશું?’

ત્યાં એક પ્રથા હતી કે રેશન લો અને પૈસા દુકાનદારને ચૂકવો તે વખતે તમારે કેશ મેમો પર સહી કરવી પડે. દુકાનદારનું પૈસા લેવામાં ધ્યાન હોય અને કોઈ એની બોલપેન (ત્યાં એને ડોટ પેન કહે છે) ચોરી જાય. મારો નંબર આવ્યો અને મને સહી કરવા ડોટપેન આપી. મેં સહી કરીને પાછી આપી.
તે કહે, ‘શુક્રિયા, આવી તો મારી ઘણી ડોટપેન ઘરાક લઈ ગયા છે. પૈસા ગણવામાં ધ્યાન આપું કે ડોટપેન પર? કાયદો એવો છે કે અમારે કેશ મેમો પર ઘરાકની સહી લેવી પડે. ગર્દીના સમયે બધે ક્યાંથી ધ્યાન રહે?’

મેં કહ્યું, ‘ તમે એને જાડા દોરાથી બાંધી દેતા હો તો? તમારી સમસ્યા હલ થઈ જાય.’

તે કહે, ‘એ પણ કરી જોયું. દોરો સરકી જાય છે. ‘

ત્યારબાદ મારી રજાઓમાં હું તથા મારા પત્ની મુંબઈ આવ્યાં. દાદર સ્ટેશનના રેલવે બ્રીજ પર એક ફેરીવાલો કડીવાળી બોલપેનો વેચતો હતો, તેને મેં જોયો. મેં કહ્યું, ‘ઓ ભાઈ, બોલપેન કેમ આપી?’

તે કહે, ‘ ૫૦ પૈસેકા એક.’

મેં કહ્યું, ‘ચાર દે દો.’

ત્યારબાદ જ્યારે પાછો બિહાર ગયો, ત્યારે એક રવિવારે રેશન લેવા ગયો. મેં દુકાનદારને કહ્યું, ‘લો, આ ડોટપેન તમારા માટે મુંબઈથી લાવ્યો છું. એના ઉપર કડી હોવાથી તમે દોરીથી બાંધશો એટલે સરકી નહીં જાય.’

તે કહે, ‘કેટલાની થઈ?’

મેં કહ્યું, ‘આ ચારે ચાર રાખો. બહુ મોંઘી નથી આવી. મેં એક જગાએ આ જોઈ અને તમે યાદ આવ્યા, તેથી ખાસ તમારા માટે લેતો આવ્યો છું. મારે એના પૈસા નથી જોઈતા. તમે ક્યાં મંગાવી હતી?’

તે કહે, ‘તમને સમય છે? ‘

મેં કહ્યું, ‘હા, કેમ?’

તેને એના માણસને બૂમ પાડી, ‘ગનુ, સા’બકે લિયે ખુર્સી સાફ કરો. ઔર આજકા અખબાર લાના.’

તે કહે, ‘તમે અખબાર વાંચો તે દરમ્યાનમાં ગર્દી ઓછી થશે એટલે તમને રેશન આપીશું. ‘

ગર્દી નહીવત થઈ ત્યારે દુકાનદારે ગનુને આદેશ આપ્યો, ‘પેલી બોરીમાંથી સા’બને માટે રેશન જોખીને આપ.’

હું તો રેશન લઈને ઘરે ગયો. બીજે દિવસે મારા પત્ની બોલ્યા, ‘કાં, આજે સોનાનો સુરજ ઉગ્યો કે શું?’

મેં કહ્યું, ‘વાત શું છે, તે આમ મોણ નાખીને વાત માંડી છે.’

તે બોલ્યાં, ‘અનાજ તદ્દન ચોખ્ખું આવ્યું છે. જરાએ ક્સ્તર ના મળે. શું દુકાન બદલી કે?’

મારી ટ્યુબ લાઈટ ચમકી. મેં કહ્યું, ‘આ તો ડોટપેનનો પ્રતાપ લાગે છે.’

‘મિત્રો, મારું કહેવું એ છે કે કોઈ પણ અપેક્ષા વગર શુધ્ધ દાનતથી કામ કરીએ ત્યારે એ વ્યક્તિ ભલે બેઈમાન હોય પરન્તુ એનો માહ્યલો જાગે ને જાગે જ.’

બધા કહે, ‘ યાર, તારી વાતમાં વજન લાગે છે. માનવતાનું કાર્ય હોય કે આવા બેઇમાનીઓનું, માહ્યલો જાગ્રત જરૂર થાય ખરો.’

– પ્રિયકાન્ત બક્ષી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “દાનત – પ્રિયકાન્ત બક્ષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.