જણસ – નયનાબેન ભ. શાહ

(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર)

જેમિષાની સાસુના મનમાં ડર હતો. પોતે ફોન તો કરેલો કે સવારે સાત વાગ્યાની ફ્લાઈટમાં હું આવીશ. મને એરપોર્ટ પર લેવા આવજે. જેમિષાના પતિને રાતપાળી ચાલતી હતી અને નવો પ્રોજેક્ટ ચાલતો હતો એટલે એ આવી શકે એમ ન હતો અને એ પોતે પણ જેમિષાને કહેતાં ખચકાતાં હતાં, પરંતુ હવે જેમિષાને કહ્યા વગર છૂટકો જ ન હતો. એમને તો જોકે વિશ્વાસ હતો કે જેમિષા એરપોર્ટ પર લેવા નહીં આવે, પરંતુ કદાચ જો એ આવે તો પોતાને અચૂક સારું લાગે એમ હતું.

એ પોતે પણ જે વટથી અમેરિકા જેમિષા જોડે ઝઘડીને ગયેલાં ત્યારબાદ એમને લાગતું હતું કે હવે તો ભારતમાં જેમિષા જોડે કઈ રીતે રહેવાશે ? અને જેમિષા પણ એમના ભૂતકાળના વર્તન બદલ બદલો લીધા વગર રહેવાની નથી.

પોતાના દીકરાએ એમની જ કંપનીમાં કામ કરતી પરજ્ઞાતિની છોકરી સાથે લગ્ન કર્યા ત્યારથી એમના મનમાં જેમિષા પ્રત્યે કડવાશે તો હતી જ. જોકે એમણે જેમિષાને જોઈ પણ ન હતી પરંતુ એમનો વિરોધ યથાવત હતો. કારણ પોતાની જ્ઞાતિની સિવાયની જ્ઞાતિની છોકરી કઈ રીતે સારી હોઈ શકે ? તેથી જ જેમિષા જ્યારે પરણીને ઘરમાં આવી ત્યારથી જ એનાં સાસુનું વર્તન જેમિષા માટે ઓરમાયું જ રહ્યું હતું.

પતિ જેટલું જ કમાતી જેમિષાની ઘરમાં કિંમત ન હતી. ચૂપચાપ ઘરનું કામ કર્યા કરતી જેમિષા અળખામણી હતી. પરંતુ દિયરે ચૂપચાપ લગ્ન કર્યા એ સમાચાર જાણી જેમિષાના બંને જેઠ-જેઠાણી અમેરિકાથી આવી ગયાં હતાં અને જેમિષાના પતિ પાસે લગ્ન નિમિત્તની ભેટ પણ માંગી હતી. જેમિષાના પતિએ હસીખુશી આપી હતી. એ તો ઠીક પરંતુ જેમિષાએ પણ બંને જેઠાણીઓને ભેટ સોગાદો આપી હતી. ત્યારે પણ એની સાસુ એવું જ કહેતાં, ‘બહુએ કમાય છે. આપ્યું એમાં શું ઘાડ મારી ? લગ્ન તો વેદમંદિરમાં કરી ખર્ચો બચાવ્યો જ છે ને ?’

જેમિષા લગ્ન બાદ પતિ સાથે બહારગામ ફરવા ન જાય એટલે લગ્ન બાદ તરત જ બંને જેઠ તથા જેઠાણી અમેરિકાથી આવી ગયાં હતાં અને જેમિષાને કહેતાં, ‘સારું થયું કે તું આવી ગઈ, હવે તું અમને ગરમાગરમ રોટલી ખવડાવજે અને તું તો નાની છો એટલે તારા પર અમારો હક બને છે.’

લગ્ન બાદ જેમિષાએ નોકરીમાંથી રજા લીધી ન હતી. ઘરે આવતાં વહેલું મોડું થાય તો પણ જેમિષાએ જ આવીને રસોઈ બનાવવી પડતી. જેમિષા થાકી જતી પણ મોંએથી ફરિયાદ કરતી ન હતી. કદાચ ફરિયાદ કરવાનું એના સ્વભાવમાં જ ન હતું. જેવા સંજોગો હોય એવા સંજોગોમાં હસીને રહેવાનું એવું એ નાનપણથી શીખી ગઈ હતી. પળે પળ હસીને ખુશીને રહેનારને ક્યારેય દુઃખ સ્પર્શી શકતું નથી અને ખરેખર પોતે તો બંને જેઠાણીઓ કરતાં નાની હતી અને બે કામ વધુ કરવાથી સામેનાનું દિલ તમે સહેલાઈથી જીતી શકો છો.

જોકે સમાજમાં સાઈઠ ટકા ઝઘડા પૈસાના કારણે જ થતા હોય છે અને બાકીના ચાલીસ ટકા ઝઘડા કામના હોય છે અને પોતે થોડું વધારે કામ કરે અને એનાથી ક્લેશ ના થતો હોય તો ખોટું પણ શું ? પિયરમાં પણ મા નહીં હોવાથી નાનાં ભાઈ-બહેનોએ એને અઢળક પ્રેમ આપવામાં પાછીપાની કરી ન હતી અને એની અપેક્ષા સાસરીમાં પણ એટલો જ પ્રેમ પ્રાપ્ત કરવાની હતી.
જેમિષાનો પગાર તો એના પતિ કરતાં પણ વધુ હતો. અત્યાર સુધીની એની બચત ઘણી હતી કારણ કે એના પિતા એટલી બધી મિલકત મૂકીને ગયા હતા કે એના વ્યાજમાંથી ઘર સરળતાથી ચાલી શકતું હતું. ક્યારેક એ એના પગારમાંથી નાનાં ભાઈ-બહેનો માટે ભેટ લઈ આવતી તો એ લોકો તરત કહેતાં, ‘બહેન, તારો પગાર તારા લગ્ન માટે રહેવા દે. કાલ ઊઠીને અમે મોટાં થઈ જઈશું અને કમાતાં થઈ જઈશું. તું તારી આવક સાચવીને રાખજે. ભવિષ્યમાં તને જ કામ લાગશે. કદાચ મમ્મી પપ્પા હોત તો પણ તારો પગાર ઘરમાં ન લેત. તું તારો પગાર બચાવતી જ રહેજે. તું અમને સાચવે છે એ જ બહુ મોટી વાત છે અને થોડા સમય બાદ અમે બધાં ભણી-ગણીને નોકરી કરતાં થઈ જઈશું.’

તેથી જેમિષાએ ક્યારેય પૈસાને મહત્ત્વ આપ્યું ન હતું. પરંતુ તેના પતિ જગતની મમ્મીને જેમિષા બીજી જ્ઞાતિની હોવાથી પસંદ ન હતી. બીજી બે મોટી વહુઓને તો સિટીઝનશિપ હતી તેથી મોટા બંને પુત્રો અમેરિકામાં સ્થાયી પણ થઈ ગયા હતા.

જેમિષાની સાસુને અમેરિકાની ચમકદમકની વાતો સાંભળી ત્યાં જવાની અદમ્ય ઈચ્છા હતી. એમની ઈચ્છા એવી હતી કે ત્રણેય પુત્રો અમેરિકામાં રહેતા થઈ જાય તો પોતે પણ કાયમ માટે અમેરિકામાં રહેતી થઈ જાય અને સમાજમાં પોતાનો વટ પડી જાય કે એના ત્રણે દીકરાઓ અમેરિકામાં છે એને પોતે ત્રણેય વહુઓને ત્યાં વારાફરતી રહે અને સાસુપણું ભોગવી શકે પરંતુ જેમિષાએ આવીને બધાં સપનાંઓ તોડી કાઢ્યાં. જગત જેવો કહ્યાગરો પુત્ર એની પસંદગીની છોકરીને અને તે પણ પરજ્ઞાતિની છોકરીને ઘરમાં લાવે એ કઈ રીતે સહન થાય ?

તેથી તો એમણે જેમિષાને હેરાન કરવાનું નક્કી કર્યું હતું. એટલું જ નહીં, સગા-સંબંધીઓમાં પણ કહેતાં રહેતાં કે જ્ઞાતિની છોકરી એ જ્ઞાતિની છોકરી. મેં તો નક્કી જ કર્યું છે કે મારી પાસે જે કાંઈ પણ છે એ બધું મારી બે મોટી વહુઓને જ આપવાનું છે. હા, એના બાપની મિલકતમાંથી ભલેને ત્રણેય જણાં પૈસા લેતાં. બાકી મારી પાસે તો ઘણી જણસો છે.

જ્યારે બંને મોટા દીકરાઓ અને વહુઓએ આ વાત જાણી ત્યારે તેઓ ખૂબ ખુશ થઈ ગયાં હતાં. એટલું જ નહીં પરંતુ સાસુને આગ્રહ કરી કરીને કહેતાં કે તમે અમારી સાથે અમેરિકા ચાલો. જેમિષાની સાસુને તો દોડવું હતું અને ઢાળ મળી ગયો.

ત્યારબાદ તો એમણે જેમિષાને વધુ હેરાન કરવાનું શરૂ કર્યું. મા-બાપ વગરની અનાથ છોકરીમાં શું સંસ્કાર હોય ? સંસ્કાર વગરની છોકરીઓ જ ભાગીને લગ્ન કરે. જેમિષાને થયું કે એ કહી દે કે તમારા દીકરાને તો સંસ્કાર હતા. તો પણ એણે મારી જોડે ભાગીને લગ્ન કર્યા એનું શું ? પરંતુ જેમિષા ચૂપ રહી.

સાસુઓને વહુઓને પજવવાનો અબાધિત અધિકાર હોય છે એવું એણે સાંભળેલું હતું. જોકે આજકાલ સમાજમાં સાસુઓની હાલત પણ દયનીય થઈ ગઈ છે એ પણ એક સત્ય હકીકત છે.
પરંતુ જેમિષા પ્રેમની ભૂખી હતી એણે જિંદગીમાં ક્યારેય પૈસાને મહ્ત્વ આપ્યું ન હતું. પરંતુ એક આશા સાથે જીવી રહી હતી કે જિંદગીમાં સાસરિયામાં પણ મને અઢળક પ્રેમ મળશે. ચૂપ રહેવાથી સામેનાનું દિલ જીતી શકાય છે. એક દિવસ એ પણ એના સાસુનું મન જીતી લેશે.

બંને વહુઓ સમજી ગઈ હતી કે હવે મમ્મી પાસે જે કંઈ દાગીના છે એ અમારા જ છે. તેથી જ જેમિષાની સાસુને બંને વહુઓએ આગ્રહ કરી અમેરિકા સાથે આવવાનું જ કહ્યું. જેમિષાની સાસુ ખૂબ ખુશ હતી. તે તો વારંવાર જેમિષા સાંભળે એમ બોલતી કે આનું નામ નહુ કહેવાય. સાસુના માટે કેટલું કરે છે ? હવે તો હું સુખેથી બંને વહુઓને ત્યાં વારાફરતી રહીશ. મારી તો બંને વહુઓ સંસ્કારી છે.

જેમિષાનું મન કહેતું, મમ્મી, તમે મારી સાથે રહ્યા વગર જ મારા વિશે આવો અભિપ્રાય આપી જ કઈ રીતે શકો ? પરંતુ એ ચૂપ રહેતી.
જ્યારે જેમિષાની સાસુને વિઝા મળી ગયા ત્યારે તો જાણે એમના પગ જમીન પર ટકતા ન હતા.

જેમિષા પર સતત વ્યંગબાણોનો વરસાદ વરસતો રહેતો હતો. બંને વહુઓ સાસુને સમજાવતી રહી કે લોકરમાં તમે કોઈ જ દાગીના રાખતાં નહીં. તમારું અને જગતનું બંનેનું નામ છે. તો જગત લોકરમાંથી દાગીના ઉપાડી એની પત્નીને આપી દેશે. એના કરતાં તમે તમારા હીરાના જે દાગીના પ્લેટિનમમાં છે એ પહેરી લો અને સોનાના દાગીના અમે બંને વહુઓ પહેરી લઈશું. પછી જગત શું કરી શકશે ?

આ વાત જેમિષાની સાસુને પસંદ પડી ગઈ હતી. લોકરના હીરાના દાગીના અમેરિકા જતી વખતે પોતે પહેરી લીધા અને બાકીના દાગીના વહુઓએ પહેરી લીધા હતા. ટૂંકમાં લોકર બિલકુલ ખાલી કરી કાઢ્યું હતું. પોતે પોતાની યોજના પર ખુશ હતાં. કારણ એમની ગેરહાજરીમાં જગત લોકરમાંથી દાગીના લઈ ના શકે.

પરંતુ અમેરિકા પહોંચ્યા બાદ બંને વહુઓ વચ્ચે સાસુને પોતાના ઘરે લઈ જવા બાબત મીઠો ઝઘડો થઈ રહ્યો હતો. એ સાંભળી જેમિષાની સાસુની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. સમગ્ર પૃથ્વી પરની ભાગ્યશાળી નારી પોતાને માનવા લાગ્યાં હતાં. આખરે બંને વહુઓ દીકરાઓ થોડા દિવસ સાથે જ રહે એવું નક્કી થયું.

ધીરે ધીરે બંને વહુઓએ સાસુને કહી દીધું કે જે દાગીના પોતે ભારતથી પહેરીને આવ્યાં છે એમના થઈ ગયા ને સાસુએ પહેરેલા દાગીનાના પણ તેઓએ અંદરોઅંદર ભાગ પાડી દીધા હતા. સાસુ વર્ષોથી આંગળીઓ પર પહેરી રાખતી હીરાની વીંટીઓ પણ વહુઓએ સાસુના અનેક વિરોધ વચ્ચે લઈ લીધી. દાગીના મળી જતાંની સાથે જ વહુઓનું વર્તન બદલાવા લાગ્યું હતું. એમને અમેરિકામાં માત્ર વહુઓનો તિરસ્કાર જ મળતો રહેતો હતો.

એને પતિના શબ્દો યાદ આવતા હતા. ‘આ બધી જણસો તારી પાસે રાખજે. એ તારી બુઢાપાની મૂડી છે. પાસે જણસો હશે તો જ દીકરા વહુઓ ચાકરી કરશે, નહીં તો તારું કોઈ નહીં કરે.’

જે વહુઓ સાસુને સાથે રાખવા માટે ઝઘડતી હતી હવે એ જ વહુઓ સાસુને કાઢી મૂકવા તત્પર હતી. પાછલી ઉંમરમાં વહુઓનો તિરસ્કાર એ સહન કરી શકતાં ન હતાં. અંદર ને અંદર મૂંઝાતાં હતાં. બંને વહુઓએ એમને ખાવાપીવાનું પૂછવાનું પણ છોડી દીધું હતું. એક વાર તો એમણે વહુને ફોન પર વાત કરતાં સાંભળી કે, ‘ડોશી, એક ખૂણામાં પડી રહેશે. કંટાળીને એની જાતે ભારત ભેગી થઈ જશે.’

હવે તો જેમિષાની સાસુનું મન અમેરિકામાંથી ઊઠી ગયું હતું. તેથી જ એમણે ભારત પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી એટલું જ નહીં, છેલ્લી વાર આજીજી કરતાં બોલ્યાં, ‘મારા હીરાના દાગીનાનો સેટ મને પાછો આપી દે.’ પરંતુ બદલામાં માત્ર અને માત્ર તિરસ્કાર જ મળ્યો.

આખરે બધી જ જણસો અમેરિકા છોડીને પાછા ભારત આવવાનું નક્કી કર્યું. પરંતુ જેમિષા પોતાને લેવા ના આવે તો પોતાનું શું થશે ? એકલી કઈ રીતે ઘેર જશે. દીકરાઓએ તો એમની પાસેથી ડોલર પણ છીનવી લીધા હતા. એમની તબિયત પણ લથડતી જતી હતી.

પરંતુ એમના આશ્ચર્ય વચ્ચે જેમિષા એરપોર્ટ પર લેવા આવી હતી. એટલું જ નહીં સાસુને પગે લાગતાં એમના હાથમાંથી બેગ પણ લઈ લીધી. ઘરે આવ્યા બાદ જેમિષાએ સાસુને ગરમાગરમ ચા અને નાસ્તો આપી બોલી, ‘મમ્મી, તમારા માટે ગરમ પાણી નાહવા માટે કાઢ્યું છે. નાહીને તમે સૂઈ જાવ, તમારો થાક ઊતરી જશે. આજે હું ઓફિસ નથી જવાની તમે આરામ કરો.’

થોડા દિવસોમાં જેમિષાને ખ્યાલ આવી ગયો કે સાસુમા અંદરથી મૂંઝાઈ રહ્યાં છે અને જમી પણ શકતાં નથી. તેથી જેમિષા સાસુનો વધુ ને વધુ ખ્યાલ રાખતી થઈ ગઈ હતી. સાસુનું માથું ઓળવા, એમના નખ કાપવા, નાહવા માટે ગરમ પાણી મૂકી આપવું. ચા-નાસ્તો હાથમાં ને હાથમાં આપવો. ક્યારેક એ સાસુને પૂછી પણ લેતી, ‘મમ્મી, તમારે શું ખાવું છે ? તમને કંઈ ઈચ્છા હોય તો કહો. કોઈ બહેનપણીને મળવું છે ? મમ્મી, તમે કોઈ વાતે મૂંઝાશો નહીં. હું તમારી દીકરી જ છું ને ?’

આ વાક્ય સાંભળતાં જ જેમિષાની સાસુની આંખમાં આંસુ આવી ગયાં. બોલ્યાં, ‘જો, મારી પાસે હવે તને આપવા માટે કોઈ જણસ રહી નથી. તું મારી સેવા-ચાકરી કરીશ તો પણ હું તને કંઈ આપી નહીં શકું. મારી પાસે કંઈ જ નથી.’

‘મમ્મી, તમે ખોટું બોલો છો, તમારી પાસે બહુ મોટી જણસ છે.’

‘ના, જેમિષા, બધું મારું લૂંટાઈ ગયું છે. હવે આપવા જેવું કંઈ નથી. આટલા દિવસથી હું જોઉં છું કે તું મારી બહુ જ સેવા કરે છે પણ…’

‘મમ્મી તમારી પાસે જે જણસ છે એ તમને ખબર નથી. તમે આટલા દિવસથી મને સગી માનો પ્રેમ આપી રહ્યાં છો એ જ જણસ મારે જોઈએ છે કે જે કોઈ છીનવી ના શકે. બોલો, તમારી એ જણસ મને કાયમ માટે આપશો ને ?’

જેમિષાનું વાક્ય પૂરું થતાં જ એની સાસુ એને ભેટી પડી અને આ મિલન જોનાર જગતની ખુશીનો પાર ન હતો.

નયનાબેન ભ. શાહ


· ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous દાનત – પ્રિયકાન્ત બક્ષી
જિંદગીમાં ઊઠતા દરેક પ્રશ્નનો ઉત્તર શોધવાની જરૂર નથી – અવંતિકા ગુણવંત Next »   

14 પ્રતિભાવો : જણસ – નયનાબેન ભ. શાહ

 1. Gita kansara says:

  ઊત્તમ લેખ્. સત્ય ઘતના આજ્ના સમાજ્મા ઘેર ઘેર જોવા મલે ચ્હે.જિમિશા જેવા પાત્ર ભાગ્યે જ હોય. સત્ય પ્રતિબિમ્બ વાચક સમક્ષ્
  રજુ કર્યુ. આભાર્.

  • એક યોગ મિત્રએ આ વાર્તા મને મોકલિ હતિ. બહુજ સરસ સન્દર્ભ આપ્યો.બધા આ દિશા મા વિચાર્વાનુ શરુ કરે તો પન ક્રાન્તિ થૈ શકે. ધરતિ ઉપર સ્વર્ગ ગોતવા ના જવુ રહ્યુ. ફક્ત અગનાન નુ આવરન હતાવવાનુ રહ્યુ તો બધિ શ્થિતિ મા સ્વર્ગ જ લાગે.

 2. jignisha patel says:

  ખુબ ખુબ સરસ. ખબર નહિ સાસુઓ ને વહુ ની કિંમત લાસ્ટ મા જ કેમ થાય છે?
  પહેલા થી જ સારુ રાખતા હોય તો શું બગડી જાય ?

 3. p j paandya says:

  ભવિશ્યનોિચાર કરિને સાસુ પહેલેથિજ વહુનેસાચવે તો પ્સ્તવાનો વારો ન આવે

 4. sandip says:

  nice story….

  thanks……….

 5. K.G.Bhakta says:

  નાટ્યાત્મક-કાલ્પનિક બોધદાયક સારી વાર્તા.
  પરન્તુ હવે (!?) ઘરડાઘરોની સખ્યામા વધારો થવામા વહુઓનો ખુબ મોટો ફાળો છે.

 6. rajendra shah says:

  સરસ લેખ્.

 7. asha.popat Rajkot says:

  સ્પટ જોઈ શકાય છે સ્ત્રી સ્ત્રીની દુશ્મન બની છે. સ્ત્રી ધારે તો રણચંડી બની શકે, દુર્ગા બની શકે. સ્ત્રી જ સ્ત્રી થી જેલર્સ થાય છે. એક સ્ત્રી તરીકે મને બહુ દુખ થાય છે. ગુસ્સો પણ આવે છે. ખેર, અતે સાસુમા સીધા તો થયા॰

 8. Arvind Patel says:

  જીવન માં ત્રણ પ્રકારના લોકો હોઈ છે. સાત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક માણસો સાચા હોઈ છે. ભલે તેમના માં દુનિયા ડરી નથી હોતી. ખોટા માણસોને ખોટો ચળકાટ કરતા આવડે છે. જે સાત્વિક માણસોના સ્વભાવ માં નથી હોતો. સાચું હર હાલમાં સાચું જ હાય છે. ખોટી વ્યક્તિ વહેલી મોડી પુરવાર થઇ જ જાય છે.

 9. gopal khetani says:

  બહુ મોડો પ્રતિભાવ એટ્લે આપુ છુ કારણા કે વાર્તા હમણા જ વાંચી. બિજી ઘણી વાર્તા મા મે વડીલો (જે પોતે સાસુ સસરા છે) એ પ્રતિભાવો મન મુકી ને આપ્યા છે જે વાર્તા ઓ મા દિકરા વહુ સાસુ સસર નુ ધ્યાન ન્થી રખ્તા વગેરે વગેરે (બહુ બધી વાર્તા ઓ આવિ જ આવે છે અને સમાજ મા આવુ થાય છે એ પણા હુ માનુ છુ). પણા વસ્તવીક્તા એ છે કે પુત્ર – પુત્રવધુ અને તેમના માતા પિતા જો વાસ્તવિક સમય સાથે સંતુલન અને એક બિજા ને માન આપતા સિખિ જાય તો જ આ સમસ્યા નુ નિવારણા મળે.

  • Kalidas V.Patel { Vagosana } says:

   સાચી વાત છે, ગોપાલભાઈ.
   નયનાબેને ખૂબ જ પૉઝીટીવ વાર્તા આપી. આભાર નયનાબેનનો.
   સમાજમાં આવા પૉઝીટીવ વિચારો વાર્તારૂપે દર્શાવવા એ સમાજના ઉત્કર્ષનું જ કામ છે.
   કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.