જિંદગીમાં ઊઠતા દરેક પ્રશ્નનો ઉત્તર શોધવાની જરૂર નથી – અવંતિકા ગુણવંત

(‘આંગણની તુલસી’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને પ્રસ્તુત પુસ્તક મોકલવા બદલ જનક્લ્યાણ કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

હમણાં હમણાં જ દ્રુમાને રૂપાબહેનનો પરિચય થયો છે. વરસોથી રૂપાબહેન પરદેશ વસ્યાં હતાં. ઊતરતી અવસ્થાએ તેઓ દેશમાં રહેવા આવ્યાં છે. દ્રુમાના ઘરથી પાંચ છ પ્લોટ દૂર સોસાયટીના બીજા છેડે રૂપાબહેનનું ઘર છે. છતાં બંને વચ્ચે એવી આત્મીયતા જાગી છે કે રોજેરોજ મળે છે. મળ્યા વગર એમને ચાલતું નથી. અને મળે કે તરત હ્રદયના કમાડ ખૂલી જાય છે. અંતરંગ વાતો શરૂ થઈ જાય છે, જાણે કે એમની વાતો ખૂટતી નથી.

એક દિવસ દ્રુમાએ રૂપાબહેનને કહ્યું, ‘આપણી વચ્ચે ઉંમરનો ખાસ્સો, પચીસ ત્રીસ વર્ષનો, ફરક છે પણ તમારી સાથે એવો ગાઢ આત્મીય ભાવ અનુભવાય છે કે મારા મનની એક એક વાત તમને કહું ત્યારે જ મને શાંતિ થાય છે. તમને ન મળું તો હું બેચેન થઈ જાઉં છું. તમારી ઓળખાણ નહોતી થઈ ત્યાં સુધી મને મારા જીવનમાં કોઈ ખોટ નહોતી લાગતી પણ તમને મળ્યા પછી મારું જીવન એટલું ભર્યું ભર્યું લાગે છે કે હવે મને ખ્યાલ આવ્યો કે મારા જીવનમાં શું ખૂટતું હતું.’

‘શું ખૂટતું હતું ?’ રૂપાબહેને પૂછ્યું.

‘એક એવી વ્યક્તિ જે મને પૂરેપૂરી સાચી રીતે સમજી શકે. મારા વગર કહે મારાં મનની વાત સમજી જાય, મારો મૂડ સમજી જાય અને મને મારા મૂડ પ્રમાણે પ્રેમથી સાચવે.’

રૂપાબહેન બોલ્યાં, ‘તારા જીવનમાં તારો વર સૌમિલ છે જ તો ! એ હરપળે તને સમજવા અને સાચવવા મથે છે. આવો જીવનસાથી દરેક પરિણીત સ્ત્રીને નથી મળતો.’
‘તમારી વાત સાચી છે. મારા હ્રદય અને જીવનનું કેન્દ્રબિંદુ જ એ છે પણ થોડા સમયથી…’ આટલું કહીને દ્રુમા અટકી ગઈ.

રૂપાબહેને એને વિશેષ પૂછ્યું નહિ. તેઓ તેમના ખોળામાં પડેલા દ્રુમાના હાથને પંપાળતા રહ્યાં. થોડી વારે દ્રુમા બોલી, ‘કોને ખબર કેમ, છેલ્લા કેટલાય દિવસોથી હું મારો સ્વાભાવિક આનંદ ઉત્સાહ ગુમાવી બેઠી છું. જાણે મારી ભીતર કશું થીજી ગયું છે અને એની અસર બધે પ્રસરી રહી છે. સૌમિલના આવવાના સમયે રોજની જેમ એને આવકારવા રાહ જોતી ઓટલાના હીંચકે બેસું છું મારો હીંચકો ઝૂલે છે પણ મારું મન થનગનતું નથી. જાણે હું નિષ્પ્રાણ થઈ ગઈ છું. સૌમિલ આવે ત્યારે એ તો રોજની જેમ એની ધૂનમાં મસ્ત હોય છે, મારા નિરુત્સાહ તરફ એમનું ધ્યાન જતું જ નથી. આ વાત મને ખૂંચે છે. શું એમનો પ્રેમ ઓસરવા માંડ્યો છે ? એમના જીવનમાં પહેલાંની જેમ મારું વિશિષ્ટ સ્થાન નથી ? કેમ, તેઓ આવા થઈ ગયા છે ! એમની સંવેદનશીલતા બહેરી થઈ ગઈ છે ? મારામાં હવે રસ રહ્યો નથી ?’

દ્રુમાએ ખૂબ ગંભીરતાથી પોતાની મનોદશા અને વ્યથાનું વર્ણન કર્યું. પણ રૂપાબહેને એની વાત જાણે કે ખાસ મહત્વની ન હોય એમ સ્વાભાવિક સૂરમાં કહ્યું, ‘દ્રુમા, ઘણી વાર આપણને આવું થતું હોય છે, જેમ ભરતી ઓટ આવે છે, ચંદ્રની કળામાં વધઘટ થાય છે એમ આપણા પ્રેમમાંય થાય.’

‘પણ હ્રદયમાં અમાસ થઈ જાય ત્યારે હ્રદયમાં કેવું અંધારું થઈ જાય ? મારો જીવ ગભરાય છે.’ ફફડાટથી દ્ર્મા બોલી.

‘અમાસથી ગભરાવાનું શું ? અમાસ પછી પૂનમ આવે જ છે, ચંદ્રના સૌમ્ય અને શીતળ તેજથી સમગ્ર પૃથ્વી ચમકી ઊઠે છે. પણ દ્રુમા પતિપત્ની વચ્ચે તો સંપૂર્ણ નિખાલસતા હોવી જ જોઈએ, જે ભાવ તે મારી આગળ પ્રગટ કર્યો એ ભાવ, તારી મનોદશા તારા પતિ સૌમિલને તું કેમ નથી કહેતી ? તારી ભીતરની વાત એને જણાવવી જ જોઈએ.’

દ્રુમા ક્ષણેક વાર શાંત રહી, એના મનમાં કોઈ દ્વિધા હોય એવું લાગ્યું પણ પછી એ દ્વિધામાંથી ઉપર ઊઠીને એને રૂપાબહેને કહ્યું, ‘કોને ખબર કેમ પણ સૌમિલને કહેવાનું મને મન જ નથી થતું. ભલે અમે એક ઘરમાં સાથે સાથે જીવીએ છીએ, પણ અમારી વચ્ચે કોઈ અદૃશ્ય દીવાલ ક્યાંકથી ફૂટી નીકળી છે, આ દીવાલ અભેદ્ય છે, આ અદૃશ્ય દીવાલ કદી તૂટશે નહિ એવો મને ડર છે. પરિણામે મારું મન ઉદાસ ઉદાસ થઈ ગયું છે, અમારા અદ્વૈતમાં મને વિશ્વાસ નથી રહ્યો, અમારું દામ્પત્ય જાણે હચમચી ઊઠ્યું છે. દામ્પત્યનું ખોખું રહ્યું છે પણ પ્રેમ ઓસરવા માંડ્યો છે.’

રૂપાબહેન અનુભવી હતાં, વિચારશીલ હતાં. એમણે ખૂબ જ પ્રેમથી દ્રુમાને કહ્યું, ‘દ્રુમા, તું બુદ્ધિશાળી છે, સમજદાર છે. તું જે માને, જે કહે એની સામે દલીલ કરાય જ નહિ એવું હું માનું છું. પણ દ્રુમા, આપણને એક ડહાપણભરી વાણી સંભળાય છે કે ‘સંશયાત્મા વિનશ્યતિ’- શંકા માણસને પછાડે છે, ધૂળમાં રગદોળે છે અને પછી નષ્ટ કરે છે, માટે તું શંકા ન કરીશ. તું તારી ભીતરમાં ડોકિયું કર કે કેમ તને આવી શંકા જાગી છે ? તારી અપેક્ષા મુજબ કંઈક બન્યું નથી ! તારી અપેક્ષા સંતોષાઈ નથી અને તને આઘાત લાગ્યો છે ? તને કોઈ કડવો અનુભવ થયો છે ! સૌમિલનાં વાણીવર્તન તને શંકાસ્પદ લાગ્યાં છે ? તું તટસ્થ રીતે સૌમિલનાં વાણીવર્તન તપાસ અને છેલ્લે તું તારી જાતને તપાસ. તારાં મન અને શરીરનો વિચાર કર. ક્યારેક અમુક ઉંમરે વ્યક્તિનાં હોર્મોન્સની વધઘટના કારણે પણ એનું મન શંકાશીલ અને આળું થઈ જાય છે. એ એની સ્વાભાવિક સ્વસ્થતા, તંદુરસ્તી ખોઈ બેસે છે, અને ધડમાથા વગરની શંકા કુશંકા સેવીને પોતાના નિકટતમ પ્રિયજનને અન્યાય કરી બેસે છે.’

‘આવી રીતે જ ગેરસમજ ઊભી થાય છે અને સુદ્રઢ સંબંધની કાંકરી ખરવા માંડે છે. પછી આપણે રડવા બેસીએ છીએ. સામી વ્યક્તિનો વાંક કાઢીએ છીએ, અને ક્યારેક સોનાનો સંબંધ કથીર થઈ જાય છે. વ્યક્તિ જીવનમાંથી સ્વાભાવિક રસ ગુમાવી બેસે છે, એને ડીપ્રેશન આવી જાય છે, પછી સાઈકાટ્રીસ્ટને મળો ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે, સંબંધનો શ્વાસ વિશ્વાસ ગૂંગળાઈને કરમાવા માંડ્યો હોય છે, પછી નિરાશા અને નિરસતા સમગ્ર સંબંધ અને જીવનને ગ્રસી લે છે.

માટે દ્રુમા, માણસે પોતે જ પોતાના મનોચિકિત્સક થવું જોઈએ. દ્રુમા, તું તારા સંબંધને ઝીણવટથી તપાસ. તમારાં એક્શન રીએક્શનની વિગતવાર તારી ડાયરીમાં નોંધ રાખ, તો તને તારા સંબંધનો ખ્યાલ આવશે.’

‘અને એક વાતનો તું ખાસ ખ્યાલ રાખ કે માણસનું મન અકળ છે, આપણે જ આપણા મનને પૂરેપુરું સમજી શકતાં નથી, અને મન પરિવર્તનશીલ છે, મન જીવંત છે. એની પર બહારનાં પરિબળોની અસર પડે જ છે, એ વાત કદી ન ભૂલીશ. દામ્પત્યજીવનનો આપણો આદર્શ તો હ્રદય, મન, શરીરનું અદ્વૈત છે. તું જરાય નિરાશાવાદી ન બન, શંકાશીલ ન બન. તારા પ્રેમમાં દૃઢ વિશ્વાસ રાખ ; સમય પારખીને એક વાર નિરાંતે તું તારા મનની વાત – શંકા સૌમિલને કહે. સૌમિલ તને અઢળક પ્રેમ કરે છે, તને બરાબર સમજે છે, અને જ્યાં તું નિર્બળતા અનુભવતી હોઈશ ત્યાં એ તને હૂંફ આપશે. તારી શંકાનું નિરાકરણ લાવશે. માટે તું મનોમન દુ”ખી ના થઈશ.’

દ્રુમા રડમસ અવાજે બોલી, ‘આજ સુધી મને એવું લાગતું હતું કે સૌમિલ મને બરાબર સમજે છે પણ આજે હું મૂંઝવણમાં છું, કદાચ થોડી શંકાશીલ પણ બની છું. સૌમિલ જોઈ રહ્યા છે કે હું બેચેન છું, પણ એ મારી બેચેનીનું કારણ કેમ મને પૂછતા નથી ? મને ઉદાસ જોઈને એ આકુળવ્યાકુળ કેમ નથી થઈ જતા ? એમને મારી કંઈ જ પડી નથી. મારી ઉદાસીનતા એમને ડંખતી નથી. આવું બધું જોઈને મને ઓછું ના આવી જાય ? રૂપાબહેન, તમે જ કહો, હું સૌમિલ પાસેથી અપેક્ષા ના રાખું તો બીજા કોની પાસેથી રાખું ? એમનું દુઃખ એ મારું દુઃખ, એમનું સુખ એ મારું સુખ છે. મારા વિચારો, ભાવ, ભાવનામાં એ જ રમે છે, અને એમને મારી કંઈ પડી જ નથી.’

‘દ્રુમા, આવી બાલિશ કલ્પનાઓ ના કર. તું જાગ્રત રહે, ચિંતનશીલ રહે, તારા જીવનમાં કોઈ પ્રોબ્લેમ નથી. ખાલી ખોટા અનુમાનો કરીને દુઃખી ના થઈશ. તું સુખી જ છે, નસીબદાર છે.’

‘આજ સુધી હું મારી જાતને સુખી અને નસીબદાર માનતી હતી, પણ હવે નથી માની શકતી.’ ઉદાસ સૂરે દ્રુમા બોલી.

‘કેમ નથી માની શકતી ? તું દામ્પત્યના એક એવા આદર્શની કલ્પના કરે છે, જે કવિની કવિતામાં મળે, વાસ્તવિક દુનિયામાં નહિ. સહેજ બાંધછોડ કરવી પડે એ તદ્દન સ્વાભાવિક છે, એમાં તું કંઈ ત્યાગ નથી કરતી કે ગુમાવતી નથી. લગ્નજીવનને સાજું નરવું રાખવા કંઈક આપવું પડે, મૂલ્ય ચૂકવવું પડે. એ પ્રફુલ્લિત મને પૂરા હ્રદયથી કરવું પડે તો જ સહજીવન મહેકી ઊઠે.

તું તારી માંદલી વિચારસરણી છોડી દે. દ્રુમા, તું તારા પોતાના હ્રદયમનનો એક ચિકિત્સકની જેમ ઈલાજ કર. કુદરતના સાંનિધ્યમાં જા. સારું સાહિત્ય વાંચ. જીવનમાં આવા વળાંકો તો આવે, આવી પરિસ્થિતિ તો સર્જાય, સહેજ ઊંડા ઊતરીને વિચાર કરવાનો. પરિસ્થિતિને અનેક દૃષ્ટિએ મૂલવવાની અને એ પરિસ્થિતિનો સૌમિલની દૃષ્ટિએ વિચાર કર, નહિ તો તું તારા હાથે જ તારા જીવનનો ભૂકો બોલાવી દઈશ. દ્રુમા, રસ્તા પર વાહન ચલાવનાર એના વાહનનું ગિયર બદલે છે, ક્યારેક ન્યૂટ્રલમાં નાખે છે, અને એનું વાહન ક્યાંય અથડાયા વગર ચાલે જ જાય છે. એવી જ રીતે જીવનની ગાડી ચલાવવાની છે, ક્યારેક પૂરપાટ, ક્યારેક ધીમે. આપણે તો જીવનની સુંદરતા-મધુરતા નષ્ટ ના થાય એનો પ્રથમ ખ્યાલ રાખવાનો છે. કોઈ વાર વિપરીત સંજોગો ઉપસ્થિત થાય તો જાગરત થઈને કુનેહ, કુશળતાથી એક મનોચિકિત્સકની જેમ એ વિસંવાદિતાને સંવાદિતામાં પરિવર્તિત કરવાની. નૃત્યકાર ક્યારેક ચાર ડગલાં આગળ જાય છે, અને બે ડગલાં પાછળ રહે છે પણ નૃત્યનો લય જાળવે છે, એવી જ રીતે જીવનમાં લય જાળવવો એ એક પડકાર છે, એ પડકારને કલાત્મક રીતે ઝીલી લેવાનો. જરાય મૂંઝાવાનું નહિ કે અકળાવાનું નહિ.’

‘પણ મારી જ જિંદગીમાં કેમ આવું ?’ દ્રુમા નિષ્પ્રાણ સૂરે બોલી.

‘દ્રુમા, જીવનમાં ઊઠતા કેટલાય પ્રશ્નોના ઉત્તરો આપણે જાણતા નથી, એ કાયમ યાદ રાખવું. અને એ કૂટ પ્રશ્નોના ઉત્તરો જાણ્યા સિવાય મોજથી જીવી શકાય છે. માટે તું પ્રશ્નોના જવાબ શોધવાના બદલે જીવન જીવ. જીવન ખરેખર ઈશ્વર તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ છે. એને સુંદર મધુર બનાવવા કોશિશ કર.’

[કુલ પાન ૧૫૯. કિંમત રૂ. ૮૫/- પ્રાપ્તિસ્થાનઃ પુનિત પ્રકાશન, સંત પુનિત માર્ગ, મણિનગર, અમદાવાદ-૩૮૦૦૦૮]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “જિંદગીમાં ઊઠતા દરેક પ્રશ્નનો ઉત્તર શોધવાની જરૂર નથી – અવંતિકા ગુણવંત”

Copy Protected by Chetan's WP-Copyprotect.