ભક્તિ, જ્ઞાન અને યોગસાધનાનું ઉન્નત ગરવું શિખર સંત કવયિત્રી : ગંગાસતી – ડૉ. દલપત પઢિયાર

(‘આનંદ ઉપવન’ સામયિકમાંથી સાભાર)

ગંગાસતીનું નામ આપણા બહુજન સમાજમાં ખૂબ જ જાણીતું અને માનીતું છે. ભજનપ્રેમીઓ અને અધ્યાત્મ તેમ જ સંતસાહિત્યના અભ્યાસીઓના હ્રદયમાં તેમનું સ્થાન બહુ ઊંચું અને આદરણીય છે. ગુજરાતનાં ગામડે ગામડે તેમનાં ભજનો ઊલટથી ગવાય છે. કેટલાંક ‘વીજળીને ચમકારે મોતી રે પરોવો પાનબાઈ’, ‘મેરુ રે ડગે પણ જેનાં મન નો ડગે’, ‘શિલવંત સાધુને વારે વારે નમીએ’, ‘વચન વિવેકી જે નરનારી, પાનબાઈ !’ આદિ ભજનો લોકવાણીની જેમ સર્વભોગ્ય અને વ્યાપક રીતે પ્રસરેલાં છે. શિક્ષિત અને શહેરી સમાજ પણ તેમની વાણીથી પ્રભાવિત બનતો જાય છે.

ગંગાસતીની આ સઘળી ઓળખ, પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા ઉપનિષદના ગહન દર્શનને સાદી, સરળ, તળપદી લોકભાષામાં અભિવ્યક્ત કરતી તેમની વાણીને લઈને છે. આ વાણીએ એટલો બધો પ્રભાવ પાથરેલો છે કે એની આભામાં આપણે ગંગાસતીના જન્મ, જીવન અને કાર્ય વિશે કશું જાણવાની કે અંતરિયાળ ગ્રામીણ સમાજમાં આવી ઉન્નત નારીપ્રતિભા કઈ રીતે પ્રગટી તે વિશેની વિગતમાં જવાનું ભૂલી ગયા છીએ !

ગંગાસતીનાં બધાં પદો પાનબાઈને ઉદ્દેશીને રચાયેલાં છે. ગંગાસતીની સાથે પાનબાઈનું નામ આ રીતે જોડાયેલું છે તેટલું જાણીએ છીએ. આથી વિશેષ એમના વિશેની જાણકારી નથી. અને તેથી જ ગંગાસતી અને પાનબાઈ સાસુવહુ હતાં એવી બારોબાર, અધ્ધર અને ખોટી માહિતી આપણે ચલાવી લીધેલી છે. ગંગાસતીના પતિ કહળસંગ ગોહિલ પહોંચેલા સંતભક્ત હતા, ભગતબાપુ તરીકેની એમની ખ્યાતિ હતી તે અંગે પણ ભાગ્યે જ કશું જાણીએ છીએ.

પહેલી નજરે જોતાં, ગંગાસતી મધ્યકાળનાં સંત-કવયિત્રી લાગે. તેમની વાણી, તેમનું દર્શન, તેનું વાતાવરણ, ભાષા તથા સમગ્ર અભિવ્યક્તરૂપ જોતાં એવી છાપ બંધાય તે સ્વાભાવિક પણ છે. હકીકતમાં ગંગાસતી એટલાં આઘેનાં નથી. તેમનું સમાધિવર્ષ ઈ.સ.૧૮૯૪નું છે. એટલે કે તેઓ અર્વાચીન કાળનાં છે. તેમના દેહત્યાગને હજી સવા સો વર્ષ પણ પૂરાં થયાં નથી. અલબત્ત એમના દર્શન, અનુભવ અને અભિવ્યક્તિનું સીધું અનુસંધાન મધ્યકાલીન સંતપરંપરા સાથેનું છે તે સ્પષ્ટ છે. એવું કહી શકીએ મધ્યકાલીન સંતસાધનાધારાનાં તેઓ છેલ્લાં અને સમર્થ સ્ત્રી સંત કવયિત્રી છે.

ગંગાસતીની વાત થાય છે ત્યારે તેઓ પોતે જેમનાં જીવનસંગિની તરીકે આજીવન જીવ્યાં છે તે તેમના પતિ કહળસંગની તથા ગંગાસતીએ જેમને સંબોધીને ગહન પરમોદ ગાયો છે તે પાનબાઈની એમ આ ત્રણેની વાત એક સાથે કરવી પડે એમ છે.

ગંગાસતીનો જન્મ ઈ.સ.૧૮૪૬માં ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં બરવાળી નદીને કાંઠે વસેલા રાજપરા ગામે થયેલો એવી વિગત મળે છે. નામ ગંગાબા. તેમનું બીજું નામ હીરાબા પણ હતું. ‘ગંગાસતી’ એવી ખ્યાતિ સંભવતઃ તેમના પતિ કહળસંગે સમાધિ લીધી તે પછીના એમના જીવન અને પાનબાઈને ભજનરૂપે આપેલી અધ્યાત્મબોધની ગરવી ઊંચાઈને લઈને બનેલી જણાય છે.

ગંગાબાનાં માતાનું નામ રૂપાળીબા અને પિતાનું નામ ભાઈજીભી. તેમનું કુળ સરવિયા ક્ષત્રિય. માતા રૂપાળીબા ચિત્રાવાવના રાઓલ સતાજી હોથીજીનાં પુત્રી હતાં. આ રાઓલ કુટુંબ પહેલેથી જ દારૂ, પરમાટીભક્ષ-માંસાહાર આદિથી દૂર રહેનારું, ભક્તિ અને ધર્મપ્રેમી હતું. ગંગાબાને તેમના જીવનઘડતર અને ઉછેરમાં માતૃપક્ષના ઊંચા સંસ્કાર સાંપડ્યા. ગૃહસ્થજીવનમાં ભાઈજીભી સરવૈયા અને રૂપાળીબાને એક દીકરી અને ચાર દીકરા એમ કુલ પાંચ સંતાન. આમાં ગંગાબા સૌથી મોટાં. ગંગાબામાં નાનપણથી જ ભક્તિ અને ધર્મભાવના પ્રબળ હતી. દેવીદેવતાઓની મૂર્તિઓ બનાવતાં. તેમની પૂજાઅર્ચના કરતાં. નૈવેદ્ય ધરાવતાં, પ્રસાદ વહેંચતાં, વ્રતઉપવાસ પણ કરતાં. સાથે ઘરના કામકાજ અને સેવાસહકારમાં પણ એટલાં જ ઉત્સાહી હતાં. વડીલોની આમાન્યા રાખતાં તે સાથે પોતાનાથી નાનાં સાથે પણ માયા અને પ્રેમથી વર્તતાં. વૃક્ષપ્રેમી અને પ્રકૃતિપ્રેમી પણ હતાં. બાળપણમાં તેમણે પોતે વાવેલો લીમડો આજે પણ એમના આંગણે અડિખમ ઊભો છે. ગંગાબાનું લગ્ન ઈ.સ.૧૮૬૪માં સમઢિયાળા ગામના ગોહિલ ક્ષત્રિય કહળસંગ સાથે થયું હતું.

કહળસંગનો જન્મ ઈ.સ.૧૮૪૩માં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં, કાળુભાર નદીને કાંઠે આવેલા સમઢિયાળા ગામે દરબાર ગઢમાં થયો હતો. તેમના પિતાનું નામ કલભા અને માતાનું નામ વખતુબા. કહળસંગને જીભાઈ નામે એક નાનો ભાઈ હતો. પિતા કલભા નીતિવાન, વ્યવહારકુશળ અને ઈશ્વરપરાયણ હતા. માતા વખતુબા સેવાભાવી, ઉદારદિલ, ઘરરખુ અને ધર્મપ્રેમી હતાં. કહળસંગનું ગંગાબા સાથે લગ્ન થતાં પાનબાઈ તેમની સાથે વડારણ તરીકે આવ્યાં હતાં.

પાનબાઈ રાજપરા ગામના હમીરભાઈ પઢિયારનાં દીકરી હતાં. ગંગાબાને તેમની સાથે પહેલેથી બહેનપણાં હતાં. બેઉ લગભગ સરખી ઉંમરનાં, સરખી ધર્મભાવનાવાળાં અને સરખી સર-રુચિવાળાં હતાં. રાજપૂતોમાં ત્યારે શ્વરસુરગૃહે પરણીને જતી દીકરી સાથે ત્યાં તેને મદદરૂપ બની રહે, હૂંફ અને સધિયારો મળી રહે તે માટે યોગ્ય કુળની કન્યાને દાસી-વડારણ તરીકે મોકલવાની પ્રથા હતી. આમ પાનબાઈ ગંગાસતીનાં બાળપણનાં સહેલી હતાં અને વડારણ તરીકે આવ્યાં હતાં.

દાંપત્યજીવનમાં કહળસંગ અને ગંગાબાને બે પુત્રીઓ હતી. મોટી દીકરી બાઈરાજબા અને નાનાં હરિબા. તેમને કોઈ પુત્ર ન હતો. કહળસંગને અજુભા નામે એક પુત્ર હતો અને પાનબાઈ તેમનાં પુત્રવધૂ હતાં એ વાતો કે એ વિગત સાચી નથી.

દંપતી તરીકે કહળસંગ અને ગંગાબા તથા સેવિકા તરીકે આવેલાં પાનબાઈ આ ત્રણેનો મેળાપ એ જાણે વિધિએ રચેલો અનન્ય યોગ હતો. શ્વસુરગૃહે આવેલાં ગંગાબાએ કૌટુંબિક જવાબદારીઓ કુળમર્યાદાને છાજે એવી રૂડી રીતે નિભાવવા માંડી. સાથે ભક્તિ, જપ, યોગ, રહસ્યસાધના વિષે પણ ઊંડાં ઊતરતાં ગયાં. કહળસંગ પણ વ્યાવસાયિક જવાબદારીઓ સાથે ભક્તિ, યોગ અને સાધનામાં આગળ વધતા ગયા. પતિ-પત્ની બેઉને અધ્યાત્મગતિ એકરૂપ, સુસંવાદી, બળવત્તર અને ઉત્તરોત્તર ઊર્ધ્વગામી બનતી ગઈ. પાનબાઈ પહેલેથી ભક્તિપ્રેમી અને સાત્વિક હતાં. ગંગાસતી સાથે આવ્યાં હતાં સેવિકા તરીકે પણ તેમની વિશુદ્ધ રહેણી, સમર્પિત સેવાભાવના અને ઉત્કટ ધર્મભાવનાને લઈને કુટુંબમાં આત્મિય સ્વજન બની ગયાં હતાં. રોજિંદા જીવનમાં સહજ રીતે ઉચ્ચ સંતભક્ત દંપતીનો સતસંગ અને સાધનાસંસ્કાર પામતાં ગયાં.

કહળસંગની કિશોરવયનો એક પ્રસંગ સૂચક છે. એક વખત મ્રુગયા ખેલીને – સસલાનો શિકાર કરીને તેઓ આવી રહ્યાં હતાં. રસ્તામાં એક અવધૂત યોગી મળ્યા. યોગીએ પૂછ્યું ‘થેલામાં શું છે ?’ કહળુભાએ પોતે જાણે કશું અજુગતું કર્યું નથી એવા ભાવથી જવાબ આપ્યો – ‘શિકાર છે.’ અવધૂતે ગંભીર પણ હ્રદયદ્રાવક સ્વરમાં કહ્યું, ‘બચ્ચા, ક્ષત્રિયોનું કામ નિર્દોષોની હત્યા કરવાનું નહીં પણ રક્ષા કરવાનું છે. સાચો ક્ષત્રિયધર્મ કોઈને મારવામાં નહીં; જીવાડવામાં છે. અવધૂતના વેણ કહળુભાને વાગ્યાં. પોતાના અપરાધનું ભાન થયું. હ્રદયમાં પશ્ચાતાપ જાગ્યો. અવધૂત યોગીની સમક્ષ સંકલ્પથી હત્યાનો માર્ગ ત્યાગ્યો. કહેવાય છે કે પછી, પેલું મરેલું સસલું જીવતું થઈને છલાંગો મારતું જતું રહેલું. અહીં મરેલું સસલું જીવતું થઈ ગયું તેનીથીયે મહત્વનું એ છે કે કહળસંગનું પાપી મન મરી ગયું.

કહળસંગને નવું જીવન અને નવી દિશા આપનાર અવધૂત યોગી તે ગિરનારના સિદ્ધ સંતયોગી રામેતવન હતા. પ્રસંગ પછી થોડા જ સમયમાં કહળસંગ તેમના પિતરાઈ ભાઈ વજુભાઈ સાથે ગિરનારમાં રામેતવનની જગ્યામાં પહોંચ્યા હતા. કેટલાય દિવસ ત્યાં રોકાઈને યોગ, સાધનાની દીક્ષા લીધી હતી. ગુરુએ તેમને ગૃહસ્થાશ્રમ જીવન સ્વીકારીને, સંસારમાં રહીને આધ્યાત્મસાધનાનો માર્ગ ઉજ્જવળ કરવાની આજ્ઞા કરી હતી. તેઓ ત્યાંથી પરત આવ્યા હતા. માતાપિતા પોતાનો પુત્ર ઘરે પાછો આવ્યો તેથી રાજી થયાં હતાં. પછી તો કહળસંગનું લગ્ન થયું. સંસારજીવન પણ ચાલ્યું અને સાધનાજીવન પણ વિક્ષેપ વગર ચાલ્યું.

કહળસંગના પિતા કલભા બાપુ ઈ.સ.૧૮૮૯માં અવસાન પામ્યા. પિતાના પરલોકગમન બાદ કહળસંગ અને ગંગાબા ગામમાં ગરબાર ગઢમાં રહેવાને બદલે સીમમાં વડીલોપાર્જિત જગ્યામાં વાડીમાં આવીને વસ્યાં. જપ, સાધના, સ્મરણ, ભજનકીર્તન, સંતસમાગમ અને સાધુસંતોભક્તોની સેવાસરભરા માટે આ સ્થળ વધારે અનુકૂળ બની રહ્યું. અહીં ઝુંપડી બાંધી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી. વાડીના વસવાટ પછી યોગ અને રહસ્યસાધનાની બંને રીતે ખૂબ જ ઊંચી સ્થિતિએ પહોંચી ગયાં. અધ્યાત્મમાર્ગની તેમની ઊંચાઈ, ઉપલબ્ધી અને તેમની નિર્મળ ભક્તિની સુવાસ દૂર દૂર ફેલાતી ગઈ. કહળસંગ ગોહિલ ‘ભગતબાપુ’ તરીકે ઓળખાવા લાગ્યા.

ભગત દંપતીને તેમની ઊંચી યોગ સાધનાને લઈને કેટલીક શક્તિઓ અને સિદ્ધિઓ પણ પ્રાપ્ત હતી. પરંતુ તેમને સિદ્ધિઓનું જરા પણ અભિમાન ન હતું. બેઉ નિર્મળ ભક્તિ અને સહજ વહેવારને વરેલાં હતાં. ગંગાસતી વધારે પીઢ, ઠરેલ, અંતરંગ આત્મસ્થ સ્થિતિ વિષે વિશેષ કેન્દ્રિત હતાં. તેમણે શક્તિઓ કે સિદ્ધિઓનો ક્યારેય વ્યવહારમાં પ્રયોગ કર્યો ન હતો. તેઓ સિદ્ધિઓના પડાવને ક્યારનાંય અતિક્રમી ગયાં હતાં. કહળસંગ પણ એ જ કક્ષાએ પહોંચેલા હતા. પરંતુ સ્વભાવે તેઓ ખૂબ જ ઋજુ, ભોળા, કરુણાળુ અને અતિ સંવેદનશીલ હતા. આથી પરહિતાર્થે, કરુણાવશ ક્યારેક સાત્વિકપણે અભાનતામાં તેમનાથી સિદ્ધિશક્તિઓનો સહજ વ્યવહાર થઈ જતો. તેમની સાધનાસિદ્ધિના ચમત્કારો કે પરચાઓની અનેક દંતકથાઓ પ્રચલિત છે. શ્રદ્ધાળુઓએ તેમના નામે લીધેલ બાધામાનતાઓ ફળી હોય એવી કથાઓ પણ ઘણી છે. પણ સમગ્ર રીતે તેમનું જીવન અને કાર્ય જોતાં એ આવું કરતા હતા તેના કરતાં એવું થઈ જતું હતું એમ કહેવું વધારે ઉચિત લાગે છે.

સિદ્ધિઓના સંદર્ભમાં એક પ્રસંગ ખરી કસોટીવાળો, કટોકટીવાળો અને નિર્ણાયક બની રહ્યો. એક વખત કહળસંગ નિત્યક્રમ પ્રમાણે સવારે કાળુભાર નદીમાં સ્નાન કરી ત્રાંબાના લોટામાં જળ ભરીને વાડીએ જઈ રહ્યા હતા. એ જ વખતે કેટલાક દલિતો મરેલી ગાયને ઉપાડીને ગામની બહાર આવી રહ્યા હતા. ગામ અને નદીની વચ્ચે રસ્તામાં ચોરા ઉપર કેટલાક ગામગોઠિયાઓ બેઠા હતા. ગામમાં કંઈ બધા આસ્તિક કે ભગત થોડા હોય ! સ્વાભાવિક રીતે બધે જે નાસ્તિક, અદેખાં, ઈર્ષાળુ તત્વો રહેવાનાં. બેઠકિયાઓમાંથી કોઈક ઠેકડીના ભાવથી, ભગતને સંભળાવવાના ઈરાદાથી મોટેથી દાઢમાં બોલ્યું, ‘અલ્યા, ગાયને હેઠી મૂકો. લ્યો, આ ભગત આવી ગયા. હમણાં ગાયને જીવતી કરી દેશે !’ આ કટાક્ષવેણ સાંભળી ભગતનું હ્રદય ઘવાયું. શું કરવું શું ન કરવુંની વિક્ષુબ્ધ ચિત્તદશામાં તેમને કદાચ આમાં ઈશ્વરની લાજનો મુદ્દો મોટો લાગ્યો હશે. તેઓ ઊભા રહ્યા. ગાયના મૃતદેહને નીચે ઊતરાવ્યો. ઈશ્વરસ્મરણ કરી લોટામાંથી જળની ત્રણ અંજલિ ગાયના મૃતદેહ પર છાંટી. અરજ કરતાં બોલ્યા, ‘મા, ઊભી થા. તારા વિના તારાં વાછરડાં વલવલે છે.’ કહેવાય છે કે ગાય જીવતી થઈને ગામમાં તેના માલિકની ગમાણે પહોંચી ગઈ હતી.

પરચાની આ ઘટના વાયુવેગે બધે પ્રસરી ગઈ. ભગત દંપતી ખૂબ વિમાસણમાં પડી ગયું. તેમને લાગ્યું કે આ પહોંચ્યાનાં પ્રમાણ નથી આ તો અધવચ અટકી ગયાનાં એંધાણ છે. નિયતિનું પોતાનું સંચાલન અલગ છે. એમાં આપણો વિક્ષેપ ઈષ્ટ ન ગણાય. અને જગત તો પરમાત્મા નહીં માગે; આવાં પ્રમાણો જ માગશે. આ વહેવાર અ-ભાનપણે પણ પોતાનાથી થયો હતો એટલે તેના મંથન વાસ્તે કહળસંગે ત્રણ દિવસનો એકાંત સેવ્યો. એકાંતવાસમાંથી બહાર આવીને ગંગાસતીને કહ્યું કે પોતે સમાધિ લેશે. તેનાં વાર, તિથિ પણ જણાવી દીધાં. ગંગાસતીએ પણ તેમને કહ્યું કે ‘પોતે પણ તેમની સાથે થશે.’ આ સાંભળી ભાંગી પડેલાં પાનબાઈ પણ બોલ્યાં ‘બાઈજી, મારું કોણ ?’ ત્યારે કહળસંગે ગંગાસતીને કહ્યું, ‘પાનબાઈ જીવનભર આપણી સાથે રહ્યાં છે. આપણી સેવા કરી છે, આપણી સાધનાને પણ અનુસરતાં આવ્યાં છે. એમને એકલાં મૂકીને ન જવાય. પણ એમની સાધના હજી અધૂરી છે. તેને પૂરી કરાવીને પછીથી તમે આવજો.’ ગંગાસતી પતિઆજ્ઞા માથે ચડાવી રોકાઈ ગયાં. કહળસંગે અગાઉથી નિયત કર્યા મુજબ ઈ.સ.૧૮૯૪, વિ.સં.૧૯૫૦ પોષ સુદ પૂનમને રવિવારના રોજ વાડીની જગ્યામાં, સૌ આત્મજનો અને સંત્સંગીઓની ઉપસ્થિતિમાં સૌને છેલ્લા જુહાર કરી, પદ્માસન વાળી હરિ સ્મરણ સાથે શરીર છોડી દીધું. તેમની ઈચ્છા શરીરના સમાધિસંસ્કારની હતી, પરંતુ કેટલાક રૂઢિચુસ્ત ક્ષત્રિયોના આગ્રહવશ થઈ તેમના શરીરને અગ્નિદાહ આપવો પડ્યો હતો. કહેવાય છે કે આખી ચિતા ઠરી ગયા પછી પણ ભગત બાપુની જમણી ભૂજા બળ્યા વિનાની એમની એમ રહી હતી. પછીથી ભૂજાને વિધિવત્ સમાધિ આપવામાં આવેલી. વાડીમાં જે સમાધિસ્થાન છે તે કહળસંગની જમણી ભૂજાનું છે.

કહળસંગ ભગતે સમાધિ લીધા બાદ ગંગાસતી પતિએ આપેલી આજ્ઞાના કાર્યમાં પરોવાઈ ગયાં. ‘વીજળીને ચમકારે મોતી પરોવવું’ની ભક્તિ, યોગ અને રહસ્યસાધનાના પાઠ તેમણે પાનબાઈને આપવા માંડ્યા. અહીં કુરુક્ષેત્રના યુદ્ધમેદાન વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કરેલા ઉપદેશનું પાવન દ્રશ્ય યાદ આવે. આ સાધનાદીક્ષા બાવન દિવસ ચાલી હતી. મા દીકરીને વાત્સલ્યપૂર્વક ભક્તિસંસ્કારથી છલકાવી દે તેમ, ગુરુ શિષ્યને જ્ઞાનથી ભરી દે તેમ બાવન દિવસ સુધી ગંગાસતીએ પાનબાઈને સેવ્યાં, પરમોધ્યાં અને પૂર્ણ કર્યાં. યોગ અને રહસ્ય-સાધનાને સમજ આપવાની વિશિષ્ટ રીત રૂપે એમણે રોજ એક એક પદની રચના કરી છે. એમ બાવન દિવસનાં બાવન પદની રચના થયેલી મનાય છે. આ બાવન પદ આપણે માટે તો આજે ‘બાવન બા’ર’ ના દેશના વિહારની અમૂલ્ય અને અખૂટ સંપદ બની રહી છે. પાનબાઈને પૂર્ણતાની દીક્ષા આપીને બાવન દિવસ બાદ, ઈ.સ.૧૮૯૪, વિ.સં.૧૯૫૦, ફાગણ સુદ આઠમ ને ગુરુવારના દિવસે સૌની ઉપસ્થિતિમાં, સૌની રજા લઈ પદ્માસન વાળી પ્રભુસ્મરણ કરતાં શરીર છોડી દીધું. તેમના શરીરને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો. પછી વાડીમાં જ પતિ કહળસંગ બાપુની બાજુમાં તેમની ફૂલસમાધિ કરાઈ.

પાનબાઈ તો ગંગાસતીનાં બાળપણનાં સખી હતાં એટલે તેમની સાથેનો સંબંધ સરવાળે તો ઘણાં વર્ષોનો હતો. ગંગાસતીની સાથે આવ્યા પછી ભગતદંપતી સાથેનો સંબંધ પણ લગભગ અઠ્ઠાવીસથી ત્રીસ વર્ષ જેટલો લાંબા ગાળાનો હતો. તેઓ આજીવન કુંવારું જીવ્યાં હતાં. એમની સાથે પડછાયાની જેમ રહ્યાં હતાં. અને કહી શકીએ કે છેલ્લે સહેલી કે સેવિકા મટી શિષ્યા થયાં હતાં. ગંગાસતીએ આપેલા અધ્યાત્મબોધ થકી પૂર્ણત્વ પામ્યાં હતાં. સમય અને કાર્ય પૂર્ણ થતાં તેમણે પણ ગંગાસતીએ સમાધિ લીધાના ત્રણ દિવસ બાદ ચોથા દિવસે ઈ.સ.૧૮૯૪, વિ.સં.૧૯૫૦ ફાગણ સુદ તેરસને સોમવારે સૌની રજા લઈ વાડીની જગ્યામાં પોતાની જીવનલીલા સંકેલી લીધી. તેમના સ્થૂળ શરીરનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

આ લોકનો અને પરલોકનો સાથસંગાથ કેવો અંતર વિનાનો અને કેવો ઉજળો હોય તેનું ઝળહળ, પવિત્ર અને પુનિત ત્રિવેણી-તીર્થ બીજે ક્યાં મળે ?

ભજનોની સંખ્યાની રીતે કહીએ તો ગંગાસતીનાં બાવન ભજનો મળે છે. આ ઉપરાંત કહળસંગ ભગતબાપુએ સાતેક જેટલાં પદ રચેલાં છે. પાનબાઈનાં પણ ત્રણેક પદ મળે છે. શ્રી મજબૂતસિંહ જાડેજાએ તેમના ‘શ્રી કહળસંગ ભગત, ગંગાસતી અને પાનબાઈની સંશોધન પર સંક્ષિપ્ત જીવન કથા’ પુસ્તકમાં આ સઘળી રચનાઓ સંપાદિત છે. ગંગાસતીના જીવન અને કાર્યના સંદર્ભમાં આવું આધારભૂત, સંશોધનલક્ષી, સમતોલ કાર્ય અન્યો પાસેથી મળ્યું નથી જેની સાનંદ, સાદર નોંધ લેવી ઘટે.

આ સંતત્રિપુટી અને તેમની વાણીના સંદર્ભમાં એક આનુષાંગિક વિગત જાણવા જેવી છે. સમઢિયાળાની બાજુના પીપરાળી ગામના એક દલિત સાધુ નામે ભૂદરદાસ આસપાસનાં ગામોમાં ‘વાઢ’ માટે નીકળતા. વાઢ એટલે ભિક્ષા. અવારનવાર તેઓ વાડીએ આવતા. ભૂદરદાસ ભજનનો ભંડાર હતા. તેમને અગણિત ભજનો મોઢે હતાં. મધુર અને સૂરીલો કંઠ હતો. ભગતદંપતીને તેમનું ભજન ખૂબ ભાવતું. ભગતદંપતી ક્ષત્રિય હતાં પણ અંદરનું ભજન જડી જતાં તેમના બહારના જાતિપાંતિના ભેદ ખરી પડ્યા હતા. ભૂદરદાસને તેમણે વાડીમાં વસવાટ કરવા કહ્યું. તેઓ તૈયાર થતાં વાડીમાં તેમને જગ્યા કાઢી આપી. ભૂદરદાસ ઝુંપડી બાંધીને રહ્યા. આગળ જતાં દલિતવાસ માટે જમીન ફાળવાતાં ત્યાં પોતાને મળેલી જમીનમાં મકાન બાંધી રહેલા.

વાડીમાં ભૂદરદાસનો વસવાટ એ કદાચ કુદરતી સંકેત સમાન હતો. ભૂદરદાસ થોડું લખીવાંચી પણ જાણતા. તેઓ કંઈક નવું હોય, ગમતું હોય, નવી વાણી હોય તે નોંધી લેતા. ભગતદંપતી અને પાનબાઈના સંદર્ભમાં તેમનાં ભજનો, નોંધવા જેવી ટિપ્પણો, પ્રસંગો વગેરેની તેમણે નોંધ કરી હતી. એમનું કામ તો ઘરે ઘરે અને ખળે ખળે એકતારો લઈ ગાતા ગાતા ફરવાનું અને ટહેલ નાખવાનું હતું. અન્ય સંતોભક્તોનાં ભજનોની જેમ ભૂદરદાસે ગંગાસતીનાં ભજનો પણ મોઢે કરીને બધે ગાયાં હશે. આજે આ ભજનો ગવાતાં ગવાતાં, ઝીલાતાં ઝીલાતાં અને ફરતાં ફરતાં આપણા હાથમાં આવ્યાં છે, તેનો બધો યશ અને આભાર સાધુ ભૂદરદાસના ખાતે ચડે છે. ભૂદરદાસ ન હોત તો કદાચ ગંગાસતીનાં ભજનો વિષે આપણે રાંક હોત.

ભૂદરદાસે આ સંતત્રિપુટીનાં ભજનો, પ્રસંગો વગેરેની નોંધનું એક પુસ્તક પણ તૈયાર કર્યું હતું. પોતાના નવા વાસમાં જઈને રહ્યા પછી એક વખત સંવત ૨૦૦૪માં કાળુભાર નદીમાં વિનાશકારી પૂર આવતાં આખા વાસમાં પાણી ફરી વળેલાં. આ આકસ્મિક કુદરતી આપત્તિમાં ભૂદરદાસે તૈયાર કરેલું બધું હસ્તલિખિત સાહિત્ય તણાઈને નાશ પામેલું. ભૂદરદાસ જેવા સાધુઓએ કંઠસ્થ કરેલું, તરતું તરતું આપણા સુધી આવ્યું તે જો આટલું ભવ્ય, દિવ્ય અને માતબર છે તો જે તણાઈ ગયું તેની ભવ્યતાનો અંદાજ તો શું અને કેટલો માંડવો ?

ગંગાસતીનાં ભજનો અને તેના અભિવ્યક્તપક્ષ વિષે જેટલી વાતો કરીએ તેટલી ઓછી પડે એમ છે. આમ સંખ્યાની દ્રષ્ટિએ બાવન વાણી છે પણ સાર અને સંકેતની રીતે આ ‘બાવન બા’ર’ની વાણી છે. પાર જાય તે પામે અથવા પામે તે પાર જાય ! આપણાં ઉપનિષદોનું જે નિગૂઢ, રહસ્યમય દર્શન છે તે ગંગાસતીની વાણીમાં આપણી ઘરગથ્થું તળપદી લોકભાષામાં સાવ સરળ, સહજ અને સમર્થ રૂપમાં પ્રગટી છે. એનાં ઓજ અને ઊંડાણ અપાર અને અતાગ છે. ભક્તિ, યોગ અને રહસ્યસાધના અનુભવદર્શનની અભિવ્યક્તિ રૂપે સર્જાયેલાં આ ભજનોમાં આપણી ગુજરાતી ભાષા અપૂર્વ સર્જન પામી છે. તેમનું આ વાણીસર્જન તેમને ગુજરાતી ભાષાનાં ઉત્તમ કવયિત્રી તરીકે સ્થાપે છે. સાહિત્યિક ગુણવત્તાની દ્રષ્ટિએ આ વાણીનાં વસ્તુપદાર્થ, વસ્તુનિર્વહણ, ભાષા, પરિભાષા, અર્થ, સંકેતો, સત્વ, તત્વ, લય, સંવાદ, સૌંદર્ય, સમગ્ર રૂપબંધ વગેરે વિષે સ્વતંત્ર અને અલગથી વાત કરવી પડે. અહીં આટલે ઊભા રહીએ. ગંગાસતી આપણાં સ્ત્રીસંતોની ગિરિમાળાનું ઉન્નત, ઓજસ્વી, ગરવું શિખર છે. આવાં શિખરો ભલે આપણાથી ચડાય નહીં પણ એ તરફ થોડાં ડગલાં ભરાય તોય ઘણું…

– ડૉ. દલપત પઢિયાર

સંપાદકની નોંધ – ગંગાસતીના સંકલિત ભજનોનું નિઃશુલ્ક ઈ-પુસ્તક અહીં આપેલ ઈ-પુસ્તક ડાઊનલોડ પાનાં પર જઈને ડાઊનલોડ કરી શકાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “ભક્તિ, જ્ઞાન અને યોગસાધનાનું ઉન્નત ગરવું શિખર સંત કવયિત્રી : ગંગાસતી – ડૉ. દલપત પઢિયાર”

Copy Protected by Chetan's WP-Copyprotect.