જાદુઈ લાકડી – પ્રણવ કારિયા

(‘જન્મભૂમિ પ્રવાસી’ માંથી સાભાર)

ભગલો સાવ ભોળો માણસ હતો પરંતુ તેની વહુ ભારે વઢકણી ! વહુ ભગલાને જ્યારે ને ત્યારે ખૂબ વઢતી હોય ; તેના પર ખૂબ ગુસ્સો જ કરતી હોય ! એક દિવસ તો વહુએ ભગલાને ચોખ્ખું કહી દીધું : ‘જાઓ, નોકરી-ધંધો કરો નહિ, ત્યાં સુધી આ ઘરમાં પગ મૂકશો નહિ !’

ભગલાને માથે આભ અને નીચે ધરતી ! ભગલો હૈયામાં હિંમત ધરી ચાલી નીકળ્યો. નદી-નાળા અને પર્વત ચઢતો, ભગલો એક ગાઢ જંગલમાં મોટા ને વિશાળ મઠમાં પહોંચી ગયો. આ મઠ (મઢી) અઘોરી સાધુઓનો હતો. સૌ સાધુઓ પરશાળમાં ધૂણી ધખાવીને બેઠા હતા. ભગલાએ સાધુની જમાતને હાથ જોડી પ્રણામ કર્યાં અને આ સાધુઓની સેવામાં સેવક બની સેવા કરવા લાગી ગયો !

રાત પડી. સાધુઓએ પટારામાંથી જાદુઈ હીરો કાઢ્યો અને હથેળી પર રાખી તેને ભાતભાતનાં ભોજન લાવવાં હુકમ કર્યો અને પળવારમાં સૌ સાધુઓ માટે જમણ પીરસાઈ ગયું ! ભગલો પણ સૌ સાધુઓ સાથે જમ્યો. ભગલાને આ મઢમાં રહેવા-જમવાની મજા પડી ગઈ.

એક દિવસ સૌ સાધુઓ પર્વતની ટેકરી પર શંકરનાં મંદિરમાં ઘોર જપ-તપ અને સાધના કરવા ચાલ્યા ગયા ! ભગલો આ તકનો લાભ લઈ, પટારામાંથી જાદુઈ હીરો લઈને ગુપચુપ પલાયન થઈ ગયો !

રસ્તે ચાલતાં ભગલાને કલુ કઠિયારો મળ્યો. તેના હાથમાં જાદુઈ લાકડી હતી. કલુ કઠિયારાએ ભગલાને કહ્યું : ‘ઓ ભાઈ મને ભૂખ લાગી છે, તારી પાસે કંઈ ખાવાનું હોય તો મને આપ !’

ભગલાએ ખિસ્સામાંથી જાદુઈ હીરો કાઢ્યો અને હથેળી પર મૂકી તેને શિખંડ-પૂરી અને પાત્રા લાવવા હુકમ કર્યો કે તુરત શિખંડ-પૂરી પાત્રા હાજર ! કલુ અને ભગલો બેઉ પેટ ભરીને જમ્યા !
કલુએ કહ્યું : ‘ઓ ભગલા ! આ જાદુઈ હીરો મને આપી દે ! હું તને આ જાદુઈ લાકડી આપી દઉં ! આ લાકડીને લહેકાભરી રીતે તમે વાત કરશો, તો તમારું બધું જ કામ તે પળવારમાં કરી આપે છે !’

ભગલાએ મનમાં ખૂબ વિચાર કરી કલુ કઠિયારાને જાદુઈ-હીરો આપ્યો અને તેના બદલામાં જાદુઈ લાકડી લઈ લીધી ! કલુ કઠિયારો જાદુઈ હીરો લઈને થોડો આગળ ચાલ્યો કે તુરત જ ભગલાએ લહેકાભરી રીતે ગાવાનું શરૂ કર્યું !
‘ઓ લાડલી લાકડી ! તને લડાવું લાડ !
કલુ કઠિયારાને તું મેથીપાક જમાડ !!’

ભગલાની વાત સાંભળતાં વેંત એ જાદુઈ લાકડી, કલુ કઠિયારા પર તૂટી પડી અને તેને માર મારી ખોખરો કરી નાખ્યો, એટલે ભગલાએ તેના ખિસ્સામાંથી જાદુઈ હીરો કાઢી લઈ લીધો અને આગળ રસ્તે ચાલવા લાગ્યો !

ભગલો થોડે આગળ ગયો હશે ત્યારે રસ્તામાં તેને શિવલો શિકારી મળ્યો ! તેના હાથમાં જાદુઈ તલવાર હતી ! શિવલા શિકારીએ ભગલાને કહ્યું : ‘ઓ ભગલા ! મને ભૂખ લાગી છે. તારી પાસે કંઈ ખાવાનું હોય તો મને આપ !’

ભગલાએ ખિસ્સામાંથી જાદુઈ હીરો કાઢ્યો અને હથેળી પર મૂકી તેને દૂધપાક, પૂરી અને ઢોકળાં લાવવાં હુકમ કર્યો અને પળવારમાં જ બધું હાજર ! શિવલો અને ભગલા બેઉ સાથે બેસી જમ્યા ! શિવલાએ ભગલાને કહ્યું : ‘ઓ ભગલા ! મને તારો જાદુઈ હીરો આપી દે, હું તને આ જાદુઈ તલવાર આપીશ ! જે એક હજાર સૈનિકનાં માથાં પળવારમાં ધડથી જુદાં કરી શકે છે !!’

ભગલાએ જાદુઈ હીરો શિકારીને આપ્યો અને જાદુઈ તલવાર લઈ લીધી ! શિવલો શિકારી જાદુઈ હીરો લઈને આગળ ચાલ્યો કે તુરત જ ભગલાએ જાદુઈ લાકડી કાઢીને લહેકાભરી રીતે ગાવાનું શરૂ કર્યું !

‘ઓ લાડલી લાકડી ! તને લડાવું લાડ !
શિવલા શિકારીને તું મેથીપાક જમાડ !!’

આ ગીત સાંભળતાંવેંત, જાદુઈ લાકડી શિવલા શિકારી પર તૂટી પડી ! અને તેને માર મારીને અધમૂઓ કરી દીધો, એટલે ભગલાએ તેના ખિસ્સામાંથી જાદુઈ હીરો કાઢી લીધો અને ઘરભણી ઊપડ્યો !

આગળ જતાં ભગલાને રસ્તામાં ઊનનો વેપારી મળ્યો ! તેણે ભગલાને કહ્યું : ‘ઓ ભગલા ! કંઈ ખાવાનું હોય તો મને આપ !’

ભગલાએ ખિસ્સામાંથી જાદુઈ હીરો કાઢ્યો અને હથેળી પર રાખી હુકમ કર્યો. ‘ઘીથી લચપચતા લાડુ અને ભજિયાં લઈ આવ !’ ભગલાની વાત સાંભળતાં તુરત જ ઘીથી લચપચતા લાડુ અને ભજિયાં થઈ ગયાં હાજર ! ભગલો અને ઊનનો વેપારી બેઉ સાથે જમ્યા ! ઊનના વેપારીએ ભગલાને કહ્યું : ‘ઓ ભગલા ! તું મને જાદુઈ હીરો આપ, હું તને જાદુઈ ઊનનો તાકો આપીશ ! આના એક ટુકડાથી મૃત્યુ પામેલા માણસના ધડ સાથે માથું તરત જ જોડાઈ જાય છે ! ભગલાએ ઊનના વેપારીને જાદુઈ હીરો આપ્યો અને જાદુઈ ઊનનો તાકો લીધો.
ઊનનો વેપારી જાદુઈ હીરો લઈને આગળ ચાલ્યો કે તુરત જ ભગલાએ જાદુઈ લાકડીને લહેકાભરી રીતે કહ્યું :
‘ઓ લાડલી લાકડી ! તને લડાવું લાડ !
ઊનના વેપારીને તું મેથીપાક જમાડ !!’

ભગલાની વાત સાંભળતાંની સાથે જાદુઈ લાકડી ઊનના વેપારી પર તૂટી પડી અને તેને મારીને ખોખરો કરી દીધો એટલે ભગલો તેની પાસેથી જાદુઈ હીરો લઈને હેમખેમ ઘેર પહોંચી ગયો.
ભગલાનાં બાળકો ફળિયામાં રમતાં હતાં. ભગલાને જોતાવેંત તેને ઘેરી વળ્યાં. ભગલાએ તેની વહુને જાદુઈ હીરો, જાદુઈ તલવાર અને ઊનનો તાકો બતાવ્યો અને જાદુઈ લાકડી તેણે દરવાજાની પાછળ મૂકી દીધી !

ભગલાની વહુ તેના પર ગાળોનો વરસાદ વરસાવવા લાગી ! જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી ભગલાએ સહન કર્યું, પણ પછી તેણે જાદુઈ લાકડીને કહ્યું : ‘ઓ લાડલી લાકડી ! તને લડાવું લાડ ! આ મેમસાબને મેથીપાક જમાડ !’

આ સાંભળતાંની સાથે જાદુઈ લાકડી તુરત જ ભગલાની વહુ પર તૂટી પડી અને તેને મારીમારીને તેની સાન ઠેકાણે લાવી દીધી ! તે સીધી દોર થઈ ગઈ !

ભગલાએ જાદુઈ હીરો હથેળીમાં રાખી તેને હુકમ કર્યો : ‘બત્રીસ જાતનાં ભોજન તુરત ટેબલખુરશી પર લઈ આવ’ પળવારમાં ભોજન તૈયાર અને ભગલો, તેનાં બાળકો અને તેની વહુ બધાં સાથે બેસી જમ્યાં ! ભગલો થોડા દિવસમાં માલેતુજાર-પૈસાદાર થઈ ગયો ! રહેવા માટે આલીશાન બંગલો અને બાગ-બગીચા સાથે !

ભગલાની વહુનો મિજાજ ઠંડો પડ્યો. એણે ભગલાને કહ્યું : ‘આપણે રાજા અને સૌ પ્રધાનોને સહપરિવાર આપણા બંગલે જમવા બોલાવીએ !’ ભગલો કહે : ‘રાજા બહુ લોભી હોય છે ! તે આપણો જાદુઈ હીરો પડાવી લેશે અને આપણને જેલમાં પૂરી દેશે !!’ ભગલાની વહુ બહુ જિદ્દી હતી એટલે ભગલાને તેની વાત માનવી પડી ! ભગલાએ રાજાને અને પ્રધાનોને પરિવાર સાથે મિજબાની માટે બોલાવ્યા ! ભાત ભાતનાં ભોજન અને જાહોજલાલી જાદુઈ હીરાની છે એ જાણ્યા પછી, રાજાએ ભગલાને કહ્યું : આ જાદુઈ હીરો મને આપી દે ! ભગલાએ નમ્રતાથી ના પાડી એટલે રાજાએ સૈનિકોને તેનો જાદુઈ હીરો છીનવી લેવા હુકમ કર્યો ! ભગલાએ જાદુઈ તલવાર કાઢીને હજાર સૈનિકનાં માથાં ધડથી જુદાં કરી નાખ્યાં અને રાજાને પણ જાદુઈ લાકડીથી મેથીપાક જમાડ્યો ! રાજાની સાન ઠેકાણે આવી ગઈ ! તેણે ભગલાને જાદુઈ હીરો પાછો આપી દીધો અને તેના હજાર સૈનિકોને જીવતા કરવા કહ્યું, ભગલાએ જાદુઈ ઊનના ટુકડા દરેક ધડ-માથાં પર મૂક્યા અને હજાર સૈનિક જીવતાજાગતા થઈ ગયા અને સૌ એકી અવાજે બોલી ઊઠ્યા : ‘ભગલા શેઠનો જય હો !’

– પ્રણવ કારિયા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “જાદુઈ લાકડી – પ્રણવ કારિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.