બે ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

૧. પ્યાસમાં જીવ્યો

ઘણાં વર્ષો સુધી અંધારના હર ત્રાસમાં જીવ્યો,
સવારે સૂર્ય મારો ઉગશે, વિશ્વાસમાં જીવ્યો.

ન જાણે શુંય સ્કૂલમાં શીખવ્યું – ગોખાવ્યું બચપણમાં,
ગુલામીના દિવસ સારા ગણી ઈતિહાસમાં જીવ્યો.

મઝા એક જ પડી ઓ સંતજી સત્સંગ – કથાઓની,
નદીના સ્વપ્ન લઈને હું ચિરંતન પ્યાસમાં જીવ્યો.

જીવનનું પૂછતાં હો તો નિરંતર યુદ્ધ છે કિન્તુ,
સતત રક્ષા કરે છે કોઈ એ અહેસાસમાં જીવ્યો.

વહોરી પારકી પીડા ધબકતો ક્યાંક દેખાયો,
ઘણી ઓછી વખત મિસ્કીન રાજેશ વ્યાસમાં જીવ્યો.

૨. શું મળ્યું?

ખૂબ શીખીને કરામત શું મળ્યું?
રોજ ઢાંકીને હકીકત શું મળ્યું?

તું ઘણો બાહોશ વેપારી હતો,
બોલ કરવાથી ઈબાદત શું મળ્યું.

ખૂબ બુદ્ધિશાળી મિત્રો પૂછતાં,
તે કરી સૌને મહોબ્બત શું મળ્યું.

નામની તક્તીઓ ખંડિત ચોતરફ,
ઓ ગણતરીની સખાવત! શું મળ્યું.

રૂપ બદલાયા ગુલામીના ફક્ત,
મન કરી સઘળે બગાવત શું મળ્યું.

જેમને તાર્યા એ ડૂબાડી ગયા,
સ્તબ્ધ થૈ પૂછે છે હિંમત, શું મળ્યું?

શ્વાસ મિસ્કીન બાણશૈયા થૈ ગયા,
મૌન રહેવાની ઓ આદત ! શું મળ્યું?

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
(‘શબ્દસૃષ્ટિ’ સામયિક, એપ્રિલ ૨૦૧૧ના અંકમાંથી સાભાર)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “બે ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”

Copy Protected by Chetan's WP-Copyprotect.