હિંમત ન હારીએ – જયવતી કાજી

(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર)

જેમ્સ કૉરબેટ હેવી વેઈટ કુસ્તીનો ચૅમ્પિયન હતો. એણે બહુ સરસ વાત કહી હતી : ‘એક છેલ્લો રાઉન્ડ લડી લો. જ્યારે તમારા પગ એટલા થાકી જાય કે તમારે રિંગની વચ્ચે લથડતે પગે જવું પડે, ત્યારે એક વધુ રાઉન્ડ લડી લો. તમારા હાથ સાવ થાકીને ઢીલા થઈ જાય ત્યારે એક વધુ રાઉન્ડ લડી લો. તમારા નાકમાંથી લોહી નીકળે, આંખ કાળી પડી જાય અને તમને લાગે કે તમારો હરીફ તમારું જડબું તોડી હમણાં જ તમને પછાડીને ખલાસ કરી નાખશે, ત્યારે પણ એક વધુ રાઉન્ડ લડી લો. કારણ કે તમને ખબર નથી કે સફળતા તમારી કેટલી હાથવેંતમાં છે!’

જે લોકો આવી રીતે હાર્યા વગર-નિરાશ થયા વગર છેલ્લી ક્ષણ સુધી ઝઝૂમતા રહે છે એમને જ અંતે વિજય મળે છે. સિદ્ધિનાં શિખરનો માર્ગ તો ઘણો કપરો અને વિકટ જ હોય છે, પણ માનવીના મનના દ્રઢ સંકલ્પની શક્તિ એટલી તો પ્રબળ હોય છે કે વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને પણ એનો વિજય સ્વીકારવો પડે !

૧૯૫૨ના વર્ષમાં એડમંડ હિલરીએ માઉન્ટ એવરેસ્ટ પર પ્રથમ વખત આરોહણ કર્યું ત્યારે એને નિષ્ફળતા મળી. શિખર પર એ પહોંચી ન શક્યો. એને પાછા ફરવું પડ્યું હતું. થોડાક સમય પછી ઈંગ્લેન્ડમાં એક પ્રતિષ્ઠિત ક્લબ તરફથી એને વ્યાખ્યાન આપવા માટે આમંત્રણ મળ્યું. એણે એ સ્વીકાર્યું. સ્ટેજની એક બાજુએ બૉર્ડ પર હિમાલયનું ચિત્ર મૂકેલું હતું. હિમાલય તરફ જોયું અને એણે મોટેથી પડકાર ફેંક્યો, ‘માઉન્ટ એવરેસ્ટ ! તેં મને પ્રથમ વખત હરાવ્યો છે પણ હું જરા પણ હાર્યો નથી. બીજી વખત હું તને હરાવીને જ રહીશ.’ આ પ્રસંગ પછી બીજે જ વર્ષે એટલે કે તા.૨૯મી મે, ૧૯૫૩ને દિને એડમંડ હિલેરી માઉન્ટ એવરેસ્ટનો પ્રથમ આરોહક બન્યો ! એની આ મહાન સફળતાનું રહસ્ય શું છે ? એ નિષ્ફળતાથી ડર્યો નહીં અને ડગ્યો પણ નહીં. એણે ઉપાડેલું કામ છોડ્યું નહીં.

એક વિદ્વાન બ્રાહ્મણનો પુત્ર એને પોતાને પ્રખર વિદ્વાન બનવું હતું, પણ એને શબ્દોની અને ભાષાની જટિલતા સમજાતી નહોતી. એને પોતાના અભ્યાસથી સંતોષ નહોતો. એના મગજમાં ઘણું ઘૂસતું નહોતું. એને થયું સંસ્કૃત ભાષાનું વ્યાકરણ બરાબર નથી. એનું ‘સ્ટાન્ડર્ડ’ વ્યાકરણ હોવું જોઈએ. આવી ગડમથલ ચાલ્યા કરતી હતી ત્યાં એક દિવસ એને એક જ્યોતિષી મળી ગયો. એણે પોતાનો હાથ બતાવ્યો. જ્યોતિષીએ એનો હાથ જોઈ કહ્યું, ‘બેટા, તારા હાથમાં વિદ્યાની રેખા બહુ ટૂંકી છે. તને વિદ્યા પ્રાપ્ત નહીં થાય. તું ઝાઝું ભણવાનો નથી.’

‘મહારાજ ! વિદ્યાની રેખા કઈ ?’

‘આ રહી એ. કેટલી ટૂંકી છે !’ જ્યોતિષીએ હાથની રેખા બતાવતાં કહ્યું. આ સાંભળી છોકરો ઊભો થઈ ગયો. પાસે એક ચપ્પુ પડ્યું હતું. એણે એ ઉઠાવ્યું અને એનાથી વિદ્યાની રેખા પર લાંબો ચીરો કર્યો.

‘મહારાજ ! મારી વિદ્યાની રેખાને મેં મારી જાતે લાંબી કરી દીધી છે. હવે હું જરૂર એક દિવસ પંડિત થઈશ.’

આશ્ચર્યની વાત તો એ છે કે જે છોકરાના હાથમાં વિદ્યાની રેખા નાની હતી તે જ આગળ જતાં મહાન પંડિત બન્યો ! ‘સિદ્ધાંત કૌમુદી’ના ગ્રંથ દ્વારા એણે સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આપ્યું. એ છોકરો બીજો કોઈ નહીં પણ આપણે સૌ જેને ભગવાન પાણિનિના નામે ઓળખીએ છીએ તે ! વ્યાકરણકાર ભગવાન પાણિનિ ! સાચું જ કહ્યું છે ને આપણે જ આપણા ઘડવૈયા થવાનું છે ! આપણું ભાવિ આપણે જ ઘડવાનું છે.

કોઈ પણ મહત્વનું કાર્ય કરવા માટે આદર્શ વખત જીવનમાં આવતો નથી. એવા સમયની રાહ જોવા બેસીએ તો સમય અને તક બંને સરકી જવાનાં અને આપણે હાથ ઘસતાં રહી જઈએ. જે લોકો તકની રાહ જોતાં બેસી નથી રહેતાં, પણ તકને જોઈ લે છે અને પછી સમગ્ર શક્તિથી એની પાછળ રાત દિવસ જોયાં વગર પુરુષાર્થ કરતા રહે છે, તેઓ જ જીવનમાં કશુંક મૂલ્યવાન પામતા હોય છે.

કોઈ પણ મુશ્કેલ, મહત્વનું કે મહાન કામ હોય તો તે અઘરું હોવાનું જ. પડકારરૂપ પણ હોવાનું જ. એ કરવાનો માર્ગ કપરો હોવાનો. માર્ગમાં ઝાડવાં, કંટકો, પથરા, ખાડા-ટેકરાં આવવાનાં જ. ચાલતાં પગને છાલાં પડવાનાં-શરીરે ઉઝરડાં પડવાના, લોહી નીકળવાનું, એક પગલું આગળ ચાલવાનું દોહ્યલું બનવાનું પણ તે વખતે આપણને થશે, હવે બસ થઈ ગયું. મારાથી નહીં પહોંચાય. તે વખતે આપણે થાકી-હારી આપણું લક્ષ્ય અધૂરું છોડી પાછા ફરીશું ?

આવા કટોકટીની નિર્ણયાત્મક પળે આપણે યાદ કરીએ કે શા માટે – ક્યા હેતુ માટે આ કાર્ય ઉપાડ્યું હતું ? એની પાછળ આપણને આપણાં અસ્તિત્વનો આનંદ અને સાર્થકતા લાગતા હોય હોય, સુખ અને પરિતૃપ્તિ લાગતી હોય તો એને કેમ છોડાય ? એ પૂર્ણ કરવું જ રહ્યું એવું વિચારશો તો ફરી નવો ઉત્સાહ તમારામાં આવશે. તમે નવી ધગશથી એ કામ ચાલુ રાખી શકશો. પ્રયત્નનું પૂરું ફળ ત્યારે જ મળે છે, જ્યારે માનવી અધૂરું છોડતો નથી. આવા સંકલ્પને પ્રાર્થનાનું બળ મળતું હોય છે. ઈશ્વર સફળતા પ્રદાન કરે છે.

ઈતિહાસ બતાવે છે કે દુનિયામાં જેમણે વિવિધ ક્ષેત્રે મોટી સફળતા પ્રાપ્ત કરી જગતને સમૃદ્ધ કર્યું છે, તેમના માર્ગમાં અનેક સંકટો આવ્યાં હતાં પણ એ વ્યક્તિઓએ કામને અધૂરું છોડવાનો સતત ઈનકાર જ કર્યો હતો.

જ્યારે પણ મારું કરવા ધારેલું કામ પાર પડતું નથી, છોડી દેવાનો સતત વિચાર આવ્યા કરે છે ત્યારે એ નિરાશાની ઘડીએ હું યાદ કરું છું આ મહાન વિજ્ઞાનીઓને – એડિસનને – માર્કોનીને – ક્યુરી દંપતીને. કાર્ય પૂરું થવા આવ્યું હતું. સફળતા નિશ્ચિત હતી ત્યારે બધાં સંશોધનોની ફાઈલોવાળી એડિસનની પ્રયોગશાળામાં આગ લાગી હતી ! માર્કોનીના ટેલિગ્રાફિક સ્ટેશનમાં પણ આગથી બધું ભસ્મીભૂત થયું હતું. મેડમ ક્યુરી અને એમના પતિ પિઅરી ક્યુરી બંને સાથે જ સંશોધન કરી રહ્યાં હતાં. ત્યાં અચાનક ડૉ. પિઅરીનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું ! મેડમ ક્યુરી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પણ એમણે હિંમત અને આત્મસંયમ ગુમાવ્યાં નહીં. આદરેલું કામ અધૂરું મુક્યું નહીં. અંતે એમણે માનવજાતિને રેડિયમની ખૂબ જ મહત્વની ભેટ આપી.

આ લખતાં લખતાં મને એક પ્રેરક કાવ્યરચના યાદ આવે છે. ડી.એચ.ગ્રોબર્ગના એક સુંદર કાવ્ય ‘ધ રેસ’માં આઠ-દસ વર્ષના છોકરાના ભગીરથ પુરુષાર્થની હ્રદયસ્પર્શી વાત છે.

બાળકોની દોડવાની સ્પર્ધા હતી. દરેક છોકરાના દિલમાં થતું હતું, ‘રેસમાં જીતીને હું મારા પિતાને બતાવી આપું કે હું રેસમાં જીતી શકું છું.’ સમય થયો. સિસોટી વાગી અને સ્પર્ધા શરૂ થઈ. છોકરાઓ દોડવા લાગ્યા. એક છોકરો ગિરદીમાં એના પિતા ઊભા હતા તેની નજીક આવી પહોંચ્યો. જીતવા માટે એણે વધુ ઝડપથી દોડવા માંડ્યું પણ ત્યાં અચાનક એને જોરથી ઠોકર વાગી અને એ પડ્યો. લોકોને એને પડતો જોઈ હસવું આવ્યું. છોકરાને થયું, હવે શું થશે ? એ પહોંચી નહીં શકે. એની આશા ભાંગી પડી. એને વિચાર આવ્યો, આ રેસમાંથી નીકળી જ જાઉં. મારે દોડવું જ નથી કારણ કે હવે જીતવાની કોઈ આશા જ નથી. ત્યાં તો એના પિતા એની પાસે આવીને ઊભા. એમણે સ્નેહ અને વિશ્વાસથી એના મોં સામે જોયું. એને થયું, એના પિતા એને કહી રહ્યા છે, ‘ઊભો થઈ જા, દોડવા માંડ અને રેસ જીતી જા.’

છોકરાને શરીરે ખાસ ઈજા થઈ નહોતી. એણે તો એકદમ ઝડપથી દોડવા માંડ્યું. એ થોડોક પાછળ પડી ગયો એટલે એણે પોતાની ઝડપ વધારી અને પૂરી તાકાતથી એણે દોડવા માંડ્યું. ખૂબ જ ઝડપથી દોડવાને કારણે એ થાક્યો હતો. એના પગ લથડ્યા અને પાછો પડ્યો ! એને થયું, હવે તો મારે માટે દોડવાનો કોઈ અર્થ જ રહ્યો નથી. એ છોડી દેવા તૈયાર થાય છે, ત્યાં એને એના પિતા ફરી દેખાયા. એના કાનમાં પિતાજીના શબ્દો સંભળાવા લાગ્યા, ‘ઊભો થા ! દોડવા માંડ અને રેસમાં જીત.’

ફરી દોડવા માંડયું. થોડુંક દોડ્યો ત્યાં ગબડી પડ્યો ! ત્રણ ત્રણ વખત એ પડ્યો. દરેક વખતે એને એના પિતાના વિશ્વાસથી ભરેલા શબ્દો સંભળાયા, ‘ઊઠ, ઊભો થા, દોડવા માંડ, રેસમાં જીત.’

છોકરો ઊભો થયો. એ રેસમાં છેલ્લો આવ્યો હતો ! એ નીચે મોંએ ઊભો રહ્યો, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે લોકોએ તેને સૌથી વધુ તાળીથી વધાવ્યો. એના પિતાએ એને પ્રેમથી કહ્યું, ‘તું રેસમાં જીત્યો જ છે, કારણ કે દરેક વખતે તું પડીને ઊભો થયો છે. તે રેસમાં દોડવાનું છોડ્યું નહીં !’

‘For all of life is like that race
With ups and down and all
And all you have to do to win
Is rise each time you fall.
Rest ! If you must, but never quit.’

– જયવતી કાજી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “હિંમત ન હારીએ – જયવતી કાજી”

Copy Protected by Chetan's WP-Copyprotect.