ત્રણ ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ

કવિ ગઝલકાર મિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિની ત્રણ અદ્રુત ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે, તેમનો જન્મદિવસ તા. ૧ જાન્યુઆરીના રોજ હતો, એ નિમિત્તે તેમને શુભેચ્છાઓ તો તેમના ઘરે નાનકડા ઢીંગલીબેન આવ્યા છે, એ નિમિત્તે પણ તેમને અનેક શુભેચ્છાઓ સહ તેમની જ ગઝલોની વધામણી. રીડગુજરાતીને તેમની આ સુંદર ગઝલરચનાઓ પાઠવવા બદલ આભાર સહ તેમને શુભકામનાઓ.

૧. વ્હાણની આંખે

એમ તારી યાદના પગલા ફૂટ્યા,
રાખથી જાણે ફરી તણખા ફૂટ્યા.

આગલી પીડાને અવગણતા ફૂટ્યા,
જખ્મથી જે કૈ નવા સણકા ફૂટ્યા.

ઝાડ છોડીને ઉડ્યા જ્યાં પંખીઓ,
ઝાડના સૂનકારને ફણગા ફૂટ્યા.

રાતના થૈ સ્વપ્ન તારું આવવું,
ઘોર અંધારા મહીં તડકા ફૂટ્યા.

જોઈ દીવાદાંડીને આજે જુઓ;
વ્હાણની આંખે નવા નકશા ફૂટ્યા!

આંખ પણ છે પહાડનો પર્યાય દોસ્ત;
અશ્રુના આકારે જ્યાં ઝરણા ફૂટ્યા!

૨. પ્રસ્તાવ પર

એક ચહેરાના સરસ વર્તાવ પર,
મેં સફર આખી લગાવી દાવ પર.

ભાગ્યનું કહેવુ હતું બદલાવ લાવ,
ગાલ મેં બીજો ધર્યો પ્રસ્તાવ પર.

શાંત છે આજે પવન તો શું થયું;
પાણીનું જોખમ વધું છે નાવ પર.

પીંજરા સૌ કાઢવાનો પ્રશ્ન લઈ;
ઊતર્યો છે પંખીઓ દેખાવ પર.

આ રમત જીતીને પણ શું ફાયદો?
જ્યાં મુકી હો પાનખર સરપાવ પર.

આપનો ઈન્કાર ક્યાં મુકૂ કહો;
હાલ બેઠી છે પીડાઓ ઘાવ પર!

૩. આગવા મિજાજનું

કાળથી છુટું પડેલ પાન છીએ;
ના પૂછો, કે કેટલા હેરાન છીએ.

ઠેસની આંખે ચડ્યું સોપાન છીએ;
સાવ એટલે સાવ બસ વેરાન છીએ.

આગ-પાણી બેઉમાં જોવા મળીશું;
આગવા મિજાજનું સૂકાન છીએ.

માફ કરજે આંખ, તારો સાથ છોડ્યો;
સ્વપ્નનું આજે ફલ્યું વરદાન છીએ.

રહી ગયા છે ને ટહુકાના અભરખા;
એ વિરહને કંઠ અટક્યું ગાન છીએ.

વેગળા કરતાં જરા વિચાર કરજો;
નખ છીએ પણ હાથનું સન્માન છીએ.

– જિતેન્દ્ર પ્રજાપતિ


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous હિંમત ન હારીએ – જયવતી કાજી
વર્ષ-૨૦૧૪ના નૉબેલ સાહિત્ય પારિતોષિક વિજેતા પેટ્રિક મોડીઆનો વિશે ‘જાણ્યું છતાં અજાણ્યું’ – મુક્તભાવાનુવાદ : ડૉ. પ્રણવ જોશીપુરા Next »   

3 પ્રતિભાવો : ત્રણ ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ

 1. Pari patel says:

  ખુબ જ સરસ છે…..

 2. P. PRAJAPATI says:

  i love the gazal”s very much
  PRAJAPATI ROCKS

 3. કાલિદાસ વ. પટેલ {વાગોસણા}. says:

  જિતેન્દ્રભાઈ,
  સુંદર ગઝલ બદલ આભાર.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.