કવયિત્રીઓનાં કેટલાક કાવ્યો – સંકલિત

(પ્રસ્તુત કાવ્યો ‘કવિતા’ સામયિકના દીપોત્સવી વિશેષાંકમાંથી લેવામાં આવ્યા છે. દેશ અને પરદેશમાં સક્રિય એવી વિવિધ કવયિત્રીની રચનાઓનો સમાવેશ આ વિશેષાંકમાં કરવામાં આવ્યો હતો.)

૧)

મારાથી પણ જરાક મને પર કરી શકે
હોવું તમારું બસ મને સદ્ધર કરી શકે.

આકાશ આંબવાનો ખરો અર્થ આમ કર
કોઈનો હાથ ઝાલીને, પગભર કરી શકે !

સંજોગ, તારા હાથમાં બસ, આટલું જ છે,
જે ભીતરે છે એને ઉજાગર કરી શકે !

ખુલ્લું હ્રદય જો રાખ તો હળવાશ લાગશે,
તાજી હવા યે ભીતરે હરફર કરી શકે !

ઘટના અને બનાવ અલગ ભાત પાડશે
તું જાતને અગર અહીં વસ્તર કરી શકે !

મહિમા કરી શકીશ, ખરેખર તું બેઉ નો,
જો મૌન છોડી વાત સમયસર કરી શકે !

અસબાબ રાતનો વધે પણ, એક શર્ત છે,
જો સાંજને સવારથી બહેતર કરી શકે !

– લક્ષ્મી ડોબરિયા

૨) સ્વીકાર્ય છે…

સ્વીકાર્ય છે કે એક મુઠ્ઠીથી વધુ અસ્તિત્વ છે નહીં,
પણ હાર માની ચૂપ રહું એવું જરા વ્યક્તિત્વ છે નહીં

વિશ્વાસનો લઈ મત સદા જીતી જશું સંજોગ આકરા,
સંકલ્પથી હો પાંગળું એવું જુઓ નેતૃત્વ છે નહીં

સોપાન થઈ સૌને શિખર પહોંચાડવા યત્નો કર્યા સતત
રસ્તા ઉપરના પથ્થરો જેવું કદી કતૃત્વ છે નહીં

પીતા ન સહેજે આવડ્યું તેથી ફક્ત બોલી રહ્યા હશે,
પ્યાલી ધરી જે પ્રમની એમાં જરાયે સત્ત્વ છે નહીં.

પ્રત્યેક કણમાં નાદ એનો સંભાળ્યો બસ એ ક્ષણે થયું,
અસ્તિત્વ એનું હોય ના એકેય એવું તત્ત્વ છે નહીં.

– જિજ્ઞા ત્રિવેદી

૩) મુક્તિનો શ્વાસ

આટલો બધો દફ્તરનો બોજ ?
રમવાનું હોય નહિ, ફરવાનું હોય નહિ,
ભણ ભણ કરવાનું રોજ !
નાજુકશા વાંસા પર મણમણનો ભાર ઝીલી,
સપનાં સેવે છે પતંગના,
પાંખોને કાપીને આપે આકાશ,
એવા કર્યા છે હાલ આ વિહંગના !
મુક્તિનો શ્વાસ મળે એવી કોઈ શાળાની
ક્યારે થવાની હવે ખોજ ? …આટલો બધો દફ્તરનો બોજ ?

જાતજાતના વિષયનું વિષ જાણે ઘોળીને,
બાળપણું છીનવી લીધું છે,
કોચિંગ ક્લાસ, ટ્યુશનની બોલબાલા એવી,
હાય ! કોણે આ ભણતર દીધું છે ?
વેકેશન બેચ અને સન્ડે પણ ટેસ્ટ,
પછી કેમ કરી કરવાની મોજ ? …આટલો બધો દફ્તરનો બોજ ?

કોમ્પ્યુટર, મોબાઈલ ને ટી.વી.ના ચસકામાં,
ભૂલે છે રમતો એ કેટલી !
હોમવર્ક ને પ્રોજેક્ટ ને વીકલી અસેસમેન્ટની,
યાદી સમજાય નહિ એટલી
પોતાની ફરિયાદ ને પોતાના આંસુ લઈ,
ક્યાં જાશે બચ્ચાની ફોજ ? …આટલો બધો દફ્તરનો બોજ ?

– આશા પુરોહિત

૪)

ભીંતો પર ટાંગેલી ખાલી ફ્રેમ છે,
સંબંધો જાણે ઈશ્વરની રહેમ છે.

ધાંધલ થઈ ગઈ ઈચ્છાઓની ભીતરે
અમથું એણે જ્યાં પૂછ્યું, કે ‘કેમ છો…!’

દોડ્યાતા સપના જાગીને આંખથી
સમજાવ્યા એમને કે ‘છોડો, વહેમ છે…!’

આમ કોઈ ને કોઈની નિસ્બત પણ છે ક્યાં !
પૂછે કોઈ તો કહેવાનું હેમખેમ છે.

આઠે પ્રહર દિલમાં ગુંજે તે શું છે
મુરલીએ છોડ્યો માધવ નો પ્રેમ છે…

– સ્મિતા શાહ

૫) એવું નથી કે…

એવું નથી કે સર્વને આફત નડી નથી
બસ એક એવી હું હતી નજરે ચડી નથી

સૂરજને સામે ચાલીને કહેશો નહીં કદી
તારા વિના જિવાઈ, જા, તારી પડી નથી !

વૃક્ષો કપાયાં તે છતાં ચિંતા કરી પૂછે
આ માનવીને શ્વાસમાં અડચણ પડી નથી ?

ખાલીપણું તે લઈ લીધુ મારું, બધું, પછી
ખોવાઈ છું હું ભીડમાં, મુજને જડી નથી

સારું હજી કે જીતનો ચડતો નથી કશો
ને હારમાં ‘પ્રજ્ઞા’ હજી કૈં લડખડી નથી.

– પ્રજ્ઞા દી. વશી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “કવયિત્રીઓનાં કેટલાક કાવ્યો – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.