ધર્મ એટલે સારુ જીવન જીવવાની નિયમાવલી – દિનેશ પાંચાલ

(પ્રસ્તુત લેખ રીડ ગુજરાતીને પાઠવવા બદલ શ્રી દિનેશ પાંચાલ (નવસારી) નો ખૂબ ખૂબ આભાર)

એકવાર અમે ટ્રેનમાં જઈ રહ્યાં હતા. મિત્રો જોડે ધર્મની ચર્ચા ચાલતી હતી. તેમાં એક મુસાફરે વચ્ચે પૂછ્યું, ‘તમે ક્યો ધર્મ પાળો છો ?’ જવાબમાં શું કહેલું તે યાદ નથી પણ આજે કોઈ પૂછે તો કહીએ કે અમે જીવનધર્મ પાળીએ છીએ. જીવનધર્મ આમ તો માનવધર્મનો જ પર્યાય ગણાય પણ બે વચ્ચે થોડો ફેર છે. માનવધર્મ આદર્શવાદી છે. જીવનધર્મ વાસ્તવવાદી છે. થોડા ઉદાહરણો વડે એ વાત સમજવાનો પ્રયત્ન કરીએ. માનવધર્મ એટલે કોઈનું બૂરું ન કરવું, પાપ ન કરવું, બેઈમાની ન આચરવી, દુઃખીઓને મદદ કરવી, ભૂખ્યાઓને ભોજન આપવું… વગેરે વગેરે. અને જીવનધર્મ એટલે તમે જ્યાં જે સ્થિતિમાં ઊભા હો તે સ્થિતિમાં જે રીતે જીવવું પડે તેમ જીવવું તે જીવનધર્મ કહેવાય. એક દાખલો લઈએ. બસમાં ચઢતી વેળા (ધક્કામુક્કી કરવાને બદલે) લાઈનમાં, શિસ્તબદ્ધ રીતે બસમાં ચઢવું એ નાગરિક ધર્મ ગણાય. પણ બધા જ પેસેન્જરો ધક્કામુક્કી કરીને ચઢતાં હોય તો તમારે પણ ન છૂટકે એ રીત અપનાવવી પડે. જો તમે શિસ્તબદ્ધ રીતે બસમાં ચઢવાનો આગ્રહ રાખો તો સવારની સાંજ પડે તોય કોઈ બસમાં ચઢી ના શકો. પ્રથમ નજરે આ વાત ખોટા ઉપદેશ જેવી લાગશે, પણ રસ્તો જ વળાંકવાળો હોય તો સીધા માણસે પણ વંકાવું પડે. એક બીજી ય વાત સ્વીકારવી પડશે. જીવનમાં માત્ર અહિંસાની જ નહીં, હિંસાનીય જરૂર પડે છે. એથી ક્યારેક દયા ત્યજીને હિંસા આચરવી પડતી હોય છે. આપણા સૈનિકો ચીન કે પાકિસ્તાન સામે જે બંદૂકબાજી કરે છે તે હિંસા જ કહેવાય પણ દેશના રક્ષણ માટે તે જરૂરી છે. (પાકિસ્તાનના લશ્કરમાં કોઈ ભારતીય સૈનિક હોય અને તેણે ભારતના સૈનિકો પર ગોળીબાર કરવો પડે તો તે તેનો જીવનધર્મ ગણાય. જો તેને આપણે ભારત સાથેની બેવફાઈ કહીશું તો આપણા દેશના પાકિસ્તાન તરફી મુસ્લિમોને વખોડવાનો આપણને કોઈ હક રહેશે નહીં.) જીવનધર્મની આચારસંહિતા એ છે કે જેની ઘંટીએ દળીએ તેના ગીત ગાઈએ.

સુરતના મુસ્લિમ બિરાદર મરહુમ ફિરોઝ સરકાર સાહેબ કહેતા : ‘ધર્મ માણસને બીજા સાથે હળીમળીને કેમ જીવવું તે શીખવે છે.’ તેઓ એક પંક્તિ ટાંકતા : ‘મજહબ નહીં સિખાતા આપસ મેં બૈર રખના… હિન્દી હૈ, હમ વતન સૈ હિન્દુસ્તાં હમારા !’ હમણાં બે ત્રણ મુસ્લિમ મિત્રોને મળવાનું બન્યું ત્યારે ફિરોઝ સરકાર સાહેબનું સ્મરણ થયું. મિત્રોએ ઈસ્લામ ધર્મ અંગે જે વૈજ્ઞાનિક અને મહિમાસભર વાતો કરી તે સાંભળી આનંદ થયો. અમારે કબુલવું જોઈએ કે અમે કોઈ પણ ધર્મના અધિકૃત અભ્યાસુ નથી પણ એટલું સમજાય છે કે કોઈ પણ ધર્મ કદી માણસને ઝનૂની કે હિંસક બનવાનો ઉપદેશ આપતો નથી. ધર્મોને ગ્રંથો કરતાં જીવન સાથે વધુ ગાઢ સંબંધ હોય છે. ધર્મ એટલે બીજું કાંઈ નહીં, સારું જીવન જીવવાની નિયમાવલી ! ધર્મ હિંસા ન આચરવાનું કહે છે પણ એ વાતને વિવેકબુદ્ધિના ત્રાજવે તોળીને તેનો અમલ કરવો પડે. ગાંધીજી અહિંસાવાદી હતા પણ તેમણે આશ્રમમાં રોગથી પીડાતા વાછરડાને ઈંજેક્શન મૂકાવી જીવનમુક્ત કરાવ્યો હતો. (આજે તેઓ ફરી જન્મે તો મચ્છરોના ત્રાસ સામે તેમણે પણ બેગોનસ્પ્રેનો છંટકાવ કરવો પડે) મહાભારતના યુદ્ધવેળા અર્જુને મુંઝવણ વ્યક્ત કરી હતીઃ ‘જેના પર મારે બાણ ચલાવવાના છે એ બધાં તો મારા ભાઈઓ છે. હું એ આપ્તજનો શી રીતે મારી શકું ?’ કૃષ્ણને બદલે ગાંધીજી હોત તો તેમણે જવાબ આપ્યો હોતઃ ‘અહિંસા પરમો ધર્મ’ એમ હુંય માનું છું પણ મારા બગીચામાં ઉધઈ, ઈયળ કે અન્ય જીવાતો છોડવાઓનો નાશ કરતી હોય તો મારે વિવેકબુદ્ધિ વાપરીને તેનો નાશ કરવો પડે. ઘરમાં વીશ પચ્ચીશ ઉંદરો ચીજવસ્તુઓનો બગાડ કરતા હોય તો તેમના પ્રત્યે કરૂણા ન દાખવી શકાય. જે વિનાશ કરે છે તેનો નાશ કરવો એ પાપ નથી જીવનધર્મ છે.

દોસ્તો, ફરજના ભાગરૂપે હિંસા આચરવી પડતી હોય તો તે જરૂરી છે. કોઈ માણસ કસાઈને ત્યાં પશુઓની કતલ કરવાની નોકરી કરતો હોય તો તેનાથી અહિંસક બની શકાય ખરું ? તે દયાળુ હોઈ શકે પણ હિંસા એનો જીવનધર્મ બની રહે છે. કોઈનું ખૂન કરતા ગુંડાને (અથવા બોમ્બબ્લાસ્ટ કરતાં આતંકવાદીને) પોલીસો એન્કાઉન્ટરમાં મારી નાખે તો તેવી હત્યા પવિત્ર ગણાય. (રીઢા ગુનેગારને ફાંસીની સજા થાય ત્યારે તે રાષ્ટ્રપતિને દયાની અરજી કરે છે. મોટેભાગે રાષ્ટ્રપતિ તેની અરજી માન્ય રાખીને તેને ફાંસીથી બચાવી લે છે. એવી કહેવાતી દયા ‘મૂર્ખામીભરી માનવતા’ ગણાય. આતંકવાદીઓ કે ધંધાદારી ખૂનીઓ દયાને પાત્ર હોતા નથી. કાયદો તેને ફાંસીની સજા ફરમાવે પછી તેની દયાની અરજી માન્ય રાખવી એ થૂંકેલુ ચાટવા જેવી સંવૈધાનિક બેવકૂફી ગણાય) પાકિસ્તાનના આતંકવાદી અજમલ કસાબને ફાંસી થયેલી તે પૂર્વે આખા દેશનો જીવ તાળવે ચોંટી ગયો હતો. (ન કરે નારાયણ ને સરકાર એ શેતાનને ફાંસીને બદલે ‘શતમ્‍ શરદ જીવમ્‍’નો આશીર્વાદ આપી બેસે !) આપણા રાજકારણીઓમાં પણ ૧૬૨ સાંસદો પર કોર્ટમાં કેસો ચાલે છે એથી ક્રિમિનલો પ્રત્યે તેમનો સ્થાયીભાવ ક્ષમાનો જ રહેતો આવ્યો છે. (એમ જ હોય… વાઘ જંગલનો વડોપ્રધાન બને તો તે હરણોને બંદૂકની ફેક્ટરી ખોલવાનું લાયસન્સ નહીં આપે. દીપડો કદી ‘અહિંસા પરમોધર્મ’નું પાટિયું ગળામાં લટકાવીને ફરે ખરો?)

ધર્મના મૂળ મુદ્દા પર આવીએ. માણસની પાર વિનાની અંધશ્રદ્ધાઓને કારણે ધર્મમાં એટલી વિકૃત્તિઓ પ્રવેશી ગઈ છે કે આજે ધર્મ ન પાળવા કરતાં પાળવાથી વધુ મુશ્કેલીઓ ઊભી થાય છે. નાસ્તિકો ભગવાનનું અસ્તિત્વ નથી એમ કહીને શાંતિથી બેસી રહે છે. પણ આસ્તિકો શ્રદ્ધાને નામે મોટું ધર્મયુદ્ધ આચરી બેસે છે. એશ-આરામબાપુ અને નારાયણ સાંઈ નાસ્તિક હોત તો સેંકડો સ્ત્રીઓ બચી ગઈ હોત. (પેલી ભોગ બનેલી સગીરા પણ નાસ્તિક હોત તો બાપુના આશ્રમમાં જવાનું તેને ના સૂઝ્યું હોત) દોસ્તો, દરેક સત્ય વાત શક્ય હોતી નથી. બધાંને રાતોરાત નાસ્તિક બનાવી દઈ શકાતા નથી. પણ સત્ય અને ન્યાયનો ધરમકાંટો બન્નેનો સરખો ન્યાય કરે છે. આસ્તિક નાસ્તિકને વચ્ચે લાવ્યા વિના એક વાત છાતી ઠોકીને કહી શકાય, કોઈ પણ વ્યક્તિ દુષ્ટતા આચરે તો તેનો બચાવ ન થઈ શકે. એક સત્ય વારંવાર સમજાય છે, દેશના તમામ હિન્દુ મુસ્લિમો નાસ્તિક હોત તો (અથવા વધુ સાચું એ કે તેઓ સમજદાર આસ્તિકો હોત તો) મંદિર મસ્જિદનો કલહ ના થતો હોત. વિનોબા ભાવેએ કહેલું : ‘બે ધર્મો કદી લડતાં નથી. બન્ને ધર્મના અજ્ઞાની અનુયાયીઓ લડે છે’ એક ‘ધર્મખોર હિન્દુ’ અને એક ‘ધર્મખોર મુસ્લિમ’ જીદે ચઢે તો ધર્મયુદ્ધના નામે ધીંગાણું થાય છે. પણ સજ્જન હિન્દુઓ અને સજ્જન મુસ્લિમો ભેગાં મળે તો એ સ્થળે ધર્માદા હૉસ્પિટલ બને અને ઈશ્વર અલ્લાના લાખો ગરીબ ભક્તોનો મફત ઈલાજ કરે. ધર્મના મૂળિયા જીવનમાં પડેલા છે. પણ માણસ સ્થૂળ ધર્મથી નહીં, બુદ્ધિયુક્ત ધર્મથી જ સુખી થઈ શકે. એ કારણે ધર્મ કદી બુદ્ધિ વગરનો ન હોઈ શકે. વાત ન સમજાય તો હવે આગળ વાંચો. ભૂખ એ કુદરતી પ્રકૃતિ છે, અને અન્ન વિના માણસ મૃત્યુ પામી શકે છે. એથી ભૂખ્યાને અન્ન આપવું એ ધર્મ કહેવાયો. એ કારણે જ ભોજનને ‘અન્નદેવતા’ કહેવામાં આવે છે. જળ વિના જીવન અશક્ય છે એથી તરસ્યાને પાણી પાવું એ ધર્મ કહેવાયો. (ઉનાળામાં લોકો તરસ્યા મુસાફરો માટે પરબ માંડે છે) દ્રષ્ટિ વિના માણસની જિંદગી નકામી થઈ જાય છે. એથી અંધજનો માટે ચક્ષુદાન કરવું એ ધર્મ કહેવાયો. એ રીતે રક્તદાન, દેહદાન, કીડનીદાન, વિદ્યાદાન, વસ્ત્રદાન, અન્નદાન એ સર્વ શબ્દો સાથે ‘દાન’ શબ્દ જોડાયો છે. યાદ રહે પૂજાપાઠ, આરતી, ધૂપ, દીપ, હોમ-હવન જેવા કર્મકાંડોનો ઉલ્લેખ વેદ ઉપનિષદોમાં ક્યાંય નથી. એ બધું પાછળથી ધર્મગુરુઓએ ઘુસાડ્યું છે. પરંતુ માણસની જીવનલક્ષી જરૂરિયાતો પરાપૂર્વથી ચાલી આવે છે એથી ઉપર જણાવ્યા તે સર્વ પ્રકારના દાન કરવા એ આજનો શ્રેષ્ઠ માનવધર્મ છે. અને એથીય સર્વશ્રેષ્ઠ તો એ જીવનધર્મ ગણાય.

બિલિપત્ર –

‘રક્તદાન, ચક્ષુદાન કે દેહદાન કર્યા પછી માણસે મંદિરમાં જઈ ઘંટ વગાડવાની જરૂર રહેતી નથી. જો એટલાં પુણ્ય કરો તો તમારી જીવનની સફર સુખરૂપે પૂરી થઈ શકે એટલું પુણ્યનું પેટ્રોલ ઉપરવાળો તમારી જીવનની ટાંકીમાં પૂરી આપે છે.’


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કવયિત્રીઓનાં કેટલાક કાવ્યો – સંકલિત
ઈન્ટરવ્યૂના અજબ-ગજબ સવાલ-જવાબ – વિકાસ નાયક Next »   

7 પ્રતિભાવો : ધર્મ એટલે સારુ જીવન જીવવાની નિયમાવલી – દિનેશ પાંચાલ

 1. rajendra shah says:

  very superb articles….congratulation dineshbhai…..every ones read this

 2. sandip says:

  very nice article……..

 3. gita kansara says:

  ઉત્તમ લેખ્.સાચેજ લેખમા સત્યને મહત્વને જિવન જિવવા માતેનેી ગુરુચાવેી સરલ શૈલેીમા સમજાવેી.આભાર્.

 4. Jayshree says:

  સતય પ્રેમ કરુણા – મોરારેી બાપુ
  સરસ લેખ્

 5. Nisha Shah says:

  સ્ત્ય, હકિકત્.. સેન્સિબ્લ્ લેખ્..

 6. Nisha Shah says:

  આટ્લી નાની પણ્ મહત્વ્ની વાત લોકોને સમ્જાય જાય તો પચિ કાઈ ન જોઇયે.

 7. Arvind Patel says:

  સૌથી પહેલો ધર્મ એટલે માનવતા. માણસાઈ ને મહત્વ આપે તે ધર્મ. બીજું બધું ખોટું. ધર્મને નામે ભેદભાવ ઉભા થાય, હિંસા થાય, વિવાદ થાય, મારું સાચું અને તારું ખોટું, વગેરે. મંદિર કે મસ્જીદ કે દેવળ નહિ હોય તો ચાલશે, પણ માણસાઈ અને માનવતા જોઈશેજ. આજ કાલ ધર્મની આડમાં ખુબ ખુબ ખોટું થઇ રહ્યું છે. આમ ના થવું જોઈએ. સમજુ અને આવનાર નવી પેઢી આના કારણે ધર્મ થી નારાજ છે. ધર્મને નામે રાજકારણ બંધ કરો.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.