ઈન્ટરવ્યૂના અજબ-ગજબ સવાલ-જવાબ – વિકાસ નાયક

(‘સ્પર્શ’ પુસ્તકમાંથી સાભાર. પ્રસ્તુત પુસ્તક રીડ ગુજરાતીને મોકલવા બદલ શ્રી વિકાસ નાયકનો ખૂબ ખૂબ આભાર. તેમણે આ પુસ્તક મૃગેશ શાહને અર્પણ કરેલ છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવેલ છે.)

આપણામાંના ઘણાયે જીવનમાં ક્યારેક ને ક્યારેક ‘ઈન્ટરવ્યૂ’નો સામનો કર્યો હશે. મોટા ભાગે આવા ‘ઈન્ટરવ્યૂ’માં એક સરખા પ્રશ્નો પૂછાતા હોય છે અને તેમના બીબાઢાળ જવાબો અપાતા હોય છે. પણ અહીં ‘ઈન્ટરવ્યૂ’માં પુછાતા સામાન્ય પ્રશ્નોના અસામાન્ય ઉત્તરો વાંચવાની તમને ચોક્કસ મજા પડશે. વાસ્તવિક ‘ઈન્ટરવ્યૂ’માં આ જ કે આવા ઉત્તરો આપતાં નોકરી મળે કે ન મળે પણ આ જવાબો તમારા મોઢા પર સ્મિત પણ લાવી દેશે એ નક્કી !

૧. તમે આ નોકરી / પદ માટે શા કારણથી અરજી કરી રહ્યા છો ?
જવાબ : મેં તો અહીંની સાથે બીજી અનેક જગાએ અરજી કરી છે પણ તમારે ત્યાંથી મને અત્યારે બોલાવવામાં આવ્યો છે, તેથી હું અહીં છું.

૨. તમારે અમારી કંપનીમાં શા માટે જોડાવું છે ?
જવાબ : મારે તમારી કંપનીમાં જ જોડાવું છે એવું નથી. મારે તો નોકરી કરવી છે, જે કંપની સારું કામ અને સારો પગાર આપે તેમાં જોડાવા હું તૈયાર છું.

૩. મારે તમને શા માટે નોકરીએ રાખવા જોઈએ ?
જવાબ : તમારે કોઈકને તો નોકરી આપવાની જ છે. તો પછી મને શા માટે નહીં ?

૪. જો તમને આ નોકરી મળી જાય તો તમે શું કરશો ?
જવાબ : સાચું કહું તો હું ખૂબ મૂડી છું. આથી મને આ નોકરી મળી જાય તો મારા તે સમયના મૂડ અને પરિસ્થિતિ પર હું શું કરીશ તેનો આધાર રાખે છે.

૫. તમારી મોટામાં મોટી લાયકાત કે તાકાત કઈ ?
જવાબ : સાચું કહું તો જે કંપની મને ખૂબ ઊંચો પગાર આપે તે કંપનીના ભવિષ્યનો વિચાર કર્યા વગર તેમાં જોડાઈ જવાની તાકાત…

૬. તમારી સૌથી મોટી નબળાઈ ?
જવાબ : છોકરીઓ !

૭. તમારી સૌથી મોટી ભૂલ તમે કઈ કરેલી અને તેમાંથી તમે શું શીખ્યા ?
જવાબ : મારી પાછલી કંપનીમાં જોડાયો એ અને શીખ્યો કે મારે વધારે ઊંચો પગાર મેળવવા બીજી નવી જગાએ જોડાવું પડશે અને તેથી જ આજે અહીં ‘ઈન્ટરવ્યૂ’ માટે આપ સમક્ષ ઉપસ્થિત થયો છું.

૮. તમારી છેલ્લી નોકરીમાં મેળવેલી કઈ કઈ સિદ્ધિઓ બદલ તમે ગૌરવ અનુભવો છો ?
જવાબ : જો એવી કોઈ સિદ્ધિ મેળવી હોત તો મારે નવી નોકરી શોધવા શીદને નીકળવું પડત ? પગાર વધારો માગી ત્યાં જ ન ટક્યો હોત ?

૯. એક પડકારભરી પરિસ્થિતિનું વર્ણન કરો જેનો તમે સામનો કર્યો હોય અને તમે એમાંથી કઈ રીતે બહાર આવ્યા તે જણાવો.
જવાબ : સૌથી મોટો પડકાર છે “તમે શા માટે નવી નોકરી શોધી રહ્યા છો” એ પ્રશ્નનો જવાબ આપવામાં. અને તેનો સામનો મેં વ્યર્થનો બડબડાટ કરીને સામાવાળાને ગૂંચવી મારી કર્યો હતો.

૧૦. તમે શા માટે તમારી પાછલી નોકરી છોડી દીધી / છોડવા જઈ રહ્યા છો ?
જવાબ : એ જ કારણથી જેને લીધે તમે તમારી પાછલી નોકરી છોડી દીધી હતી.

૧૧. તમને આ નવી નોકરી પાસેથી શી શી અપેક્ષાઓ છે ?
જવાબ : ઓછામાં ઓછા કામ અને વધારેમાં વધારે પગાર અને નિયમિત પગારબઢતીઓની.

૧૨. તમારા કારકિર્દી ધ્યેય ક્યા ક્યા છે અને તમે તે કઈ રીતે હાંસલ કરવા ઈચ્છો છો ?
જવાબ : વધુમાં વધુ પૈસા કમાવા અને એ માટે દર બે વર્ષે નોકરીઓ બદલ્યા કરવી.

૧૩. તમે અમારી કંપની વિશે સાંભળ્યું છે ? તમે અમારા વિશે શું જાણો છો ?
જવાબ : હા, હું જાણતો જ હતો કે તમે આ પ્રશ્ન પૂછશો. એટલે જ અહીં આવતા પહેલાં હું તમારી વેબસાઈટ ખૂંદી વળ્યો હતો.

૧૪. તમને કેટલા પગારની અપેક્ષા છે અને તમે તેને કઈ રીતે યથાર્થ લેખાવશો ?
જવાબ : કોઈ પોતાની પહેલી નોકરી જેટલા જ પગાર માટે નોકરી બદલે નહીં. આથી હું ઓછામાં ઓછા ૨૦% ઊંચા પગાર સાથે જોડાવા ઈચ્છીશ. (મને ખબર જ છે હું ગમે એટલો પગાર વધારવા કહીશ, તમે એ સંદર્ભે ભાવતાલ કરવાના જ છો. તેથી મેં મારી હાલની નોકરીમાં મેળવું છું એ કરતાં ૩૦% ઊંચો પગાર જ તમને જણાવ્યો છે !)

[કુલ પાન ૧૩૪. કિંમત રૂ.૧૨૫/- પ્રાપ્તિસ્થાનઃ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “ઈન્ટરવ્યૂના અજબ-ગજબ સવાલ-જવાબ – વિકાસ નાયક”

Copy Protected by Chetan's WP-Copyprotect.