તમારા આવેગોનું વળતર તમારે જ ચૂકવવું પડશે – ડૉ. કુમારપાળ દેસાઈ

(‘આનંદ ઉપવન’ સામયિક, ડિસેમ્બર ૨૦૧૪ના અંકમાંથી સાભાર)

ધનુષ્યમાંથી છૂટેલા અને એક દિશામાં સડસડાટ જતાં તીવ્રવેગી, લક્ષ્યવેધી બાણની માફક વ્યક્તિમાં આવેગ આવે છે, ત્યારે વધુને વધુ આવેગના આવેશમાં આગળ વધે છે, સતત તીવ્ર બનતો આવેગ અનિષ્ટ પર પૂર્ણવિરામ પામે છે. ઈંગ્લૅન્ડની પોસ્ટ ઑફિસમાંથી નિવૃત્ત થતા પોસ્ટમેનના હ્રદયમાં પોતાના સાથીઓ માટે એટલો બધો ગુસ્સો ધૂંધવાતો હતો કે એણે આડેધડ પિસ્તોલ કાઢીને દસેક સાથીઓને ઢાળી દીધા અને પોતાની નિવૃત્તિ ઉજવી. આ આવેગ જો વાસનાનો હશે, તો એક યુવાન કોઈપણ સ્ત્રી સાથે સ્વચ્છંદી સ્વેચ્છાચાર કરતાં અચકાતો નથી.

ન્યૂજર્સીના એક સ્વજનને ત્યાં ખાણાના ટેબલ પર બેઠો હતો, ત્યારે એમના પુત્રએ ભોજન પૂર્વે કોકોકોલા પીવાની માગણી કરી. પિતાએ એનો ઈનકાર કરતાં છોકરાએ કહ્યું, Daddy, I Will kill you. (હું તમને ગોળીએ દઈશ) આમ આજના જમાનાનું લક્ષણ અસહિષ્ણુતામાં કે અસંયમમાંથી આવતો આવેગ છે અને તે સઘળાં ક્ષેત્રોમાં પ્રવર્તે છે. થોડા સમય પહેલાં મૅનેજમેન્ટના એક સિદ્ધાંતની બોલબાલા હતી કે બૉસે કર્મચારીઓની નાનામાં નાની ભૂલ જોઈને સતત તતડાવતા રહેવું જોઈએ. બધાને ધાકમાં રાખવા જોઈએ. તમારા બિઝનેસમાં પણ સામી વ્યક્તિને આક્રમક દલીલોથી આંજી દેવાનો કે પરાસ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

વ્યક્તિનું જીવન વિચાર, લાગણી અને આવેગ એ ત્રણના તાંતણે ચાલતું હોય છે. આ આવેગ ઘણી વાર સામાન્ય વાતમાંથી પતિપત્ની વચ્ચેના કે અન્ય મૈત્રીભર્યા સંબંધોમાં ઉલ્કાપાત સર્જે છે. એ જેના પર ગુસ્સે થશે, તેના પર બધું ભૂલીને આવેગથી તૂટી પડશે. એ સમયે એ વ્યક્તિ સાથેના ભૂતકાળને તો ભૂલી જ જશે, પરંતુ એથીય વિશેષ પોતાની આસપાસની પરિસ્થિતિને ય વિસરી જશે.

કોઈ ફાઈવસ્ટાર હોટલમાં જઈને વ્યક્તિ એક પછી એક વાનગીનો ઓર્ડર આપે, ત્યારે એને વાનગી આરોગવામાં ભારે મજા આવે છે અને એ વાનગીથી એ હ્રષ્ટપુષ્ટ થતો જાય છે, મોજમાં ઝૂમવા લાગે છે. એવું જ આવેગોનું છે. આવેગ એટલે માણસ એમાં ડૂબી જાય છે. કામ કે વિકારનો આવેગ હોય, તો એની મોજમસ્તીમાં પરોવાઈ જાય છે. ઈર્ષાનો આવેગ હોય તો એ સામી વ્યક્તિ પર વધુને વધુ દોષારોપણ કરવાની મજા માણતો રહે છે. ગુસ્સાનો આવેગ હોય, તો ભીતરમાં પોતાના ક્રોધને સતત સળગાવતો રહે છે.

ફાઈવસ્ટાર હોટેલમાં વાનગી ખાવાની મજા પડે. પરંતુ જ્યારે બિલ આવે ત્યારે ખબર પડે, એ જ રીતે આવેગનો અનુભવ વ્યક્તિને ચિત્તરંજક, મનોરંજક કે દેહરંજક લાગતો હોય છે, પરંતુ એનું પરિણામ આવે ત્યારે એને એનાથી થયેલાં અનિષ્ટનો ખ્યાલ આવે છે. પછી એનું વળતર ગુસ્સાના આવેગને ચૂકવવાનું હોતું નથી, પરંતુ તમારે પોતે ચૂકવવાનું હોય છે.

જીવનમાં અનિયમિત આવેગોને કારણે ઘણીવાર વ્યક્તિને એની મોટી કિંમત ચૂકવવી પડે છે. કોઈ આવેગને વશ થઈને કશુંક એવું બોલી નાખે છે કે જેને કારણે એમનો મધુર સંબંધ ઝેર જેવો બની જાય છે. કોઈ આવા આવેગને વશ થઈને પોતાની નોકરી ગુમાવે છે. આમ જુદા જુદા આવેગો જુદું જુદું પરિણામ લાવતા હોય છે, પરંતુ આ બધામાં એક વાત એટલી નક્કી હોય છે કે આવા આવેગને કારણે વ્યક્તિનું ભવિષ્ય અંધકારમય બને છે.

મહાવીર સ્વામીને દંશ આપનારા ચંડકૌશિક નામના સર્પમાં દંશમાં તો વિષ હતું, પરંતુ એની આંખમાં પણ વિષ હતું. આથી જેના પર એની દ્રષ્ટિ પડતી, તે વિષથી મૃત્યુ પામતા. આકાશમાં ઊડતાં પંખીઓ પર એની નજર પડે અને એ નજરના દંશથી-દ્રષ્ટિવિષથી મરી જતા. આ પ્રતીકનો અર્થ એ છે કે ક્રોધનો આવેગ એ વ્યક્તિની વાણીમાં જ નહીં, બલકે એના સમગ્ર વ્યક્તિત્વમાં ઓગળી ગયો હોય છે. આવી જ રીતે માણસના જીવનમાં આવતા આવેગો એ એના જીવનના ઘણા અવરોધોનું કારણ બનતા હોય છે.

અહીં મારા સ્મરણપટ પર ગૃહસ્થાશ્રમના મધુર કાવ્ય સમાન રામાયણનાં બે દ્રશ્યો તરવરે છે ! એક છે રામ વનવાસમાં ગયા પછી ભરત પાછો આવે છે અને અયોધ્યામાં પગ મૂકતાંની સાથે ભરતને બધું જ સૂમસામ દેખાય છે. માતા કૈકૈયીને પૂછે છે, તો જાણે છે કે એના પિતા રાજા દશરથ મૃત્યુ પામ્યા છે અને એ જ કૈકૈયી એને કહે છે કે રામ પિતાની આજ્ઞાથી વનમાં ગયા, સીતા અને લક્ષ્મણ એમની સાથે ગયા છે. વિશેષમાં કૈકૈયી ગર્વભેર કહે છે કે એને માટે અયોધ્યાનું રાજપાટ અને રામને ચૌદ વર્ષનો વનવાસ એણે રાજા પાસેથી માગી લીધા છે, માટે હવે તું અયોધ્યાનો રાજા છે.

આ સાંભળતાં જ ભરત ગુસ્સે થઈને કહે છે કે, “પિતા પરલોક ગયા અને રામ વનમાં ગયા, પછી હવે અહીં જીવીને મારે શું કામ છે ? તું દૂર હટ. તું મારી મા નથી. શું કરું, રામ તને માતા કહે છે, નહીં તો હમણાં જ હું તને બોલતી બંધ કરી દઉં.”

અને ભરત પાગલ થયો હોય તેમ જોરથી ચીસો પાડે છે. અહીં ભરતનો આવેશ દ્રષ્ટિગોચર થાય છે.

આવી જ રીતે બીજું દ્રશ્ય છે રામને વનમાં મળવા માટે ભરત આવે છે, ત્યારે લક્ષ્મણ દૂરથી ધૂળ ઊડતી જોઈને વિચારે છે કે કોઈ સેના આવી રહી છે અને પછી રથ પર ફરકતો અયોધ્યાનો ધ્વજ જોઈને વિચારે છે કે ભરત સેના લઈને વનવાસ વેઠતા રામને હેરાન કરવા માટે આવ્યો લાગે છે. તેથી તે રામ પાસે દોડી જઈને કહે છે, “આજે કાં ભરત નહીં, કાં હું નહીં” અને ત્યારે રામ એને શાંત પાડતા કહે છે, “જરી ઠંડો પડ, શાંત થા. તું ભરતને ઓળખવામાં ભૂલ કરે છે.”

માનવીય આવેગના આ બે પ્રસંગોમાં લાગણીની સાથે આવેશ ભરેલો છે. રામાયણની તમામ ઘટનાઓમાં રામ સદૈવ સ્વસ્થ લાગે છે. કદાચ ઋષિ વાલ્મીકિએ હોયું હશે કે ભારતવર્ષની પ્રજા અત્યંત લાગણીશીલ છે. લાગણીવેડામાં સરી જાય છે. એને લાગણીના પૂરમાં ઘસડાઈ જવાને બદલે લાગણીના આવેગોને સ્વસ્થતાથી શાંત પાડવાનો ઉપદેશ રામકથા મારફતે આપ્યો છે.
તમે રમકડાં માટે જીદ કરતા બાળકને જોયો છે. એ બાળક એટલી બધી જીદ કરે છે કે તમારે એની આગળ નમતું જોખવું પડે છે અને જો તમે એને એ રમકડું ન આપો, તો એ બીજી કોઈ વસ્તુ લઈને ફેંકી દેશે. તોડફોડ કરશે, ગુસ્સો કરશે, જોરથી રડશે, ઘરમાંથી ભાગી જશે. બાળપણમાં આવા આવેગો સહજ હોય છે, પરંતુ વ્યક્તિ મોટી થાય અને પેલાં બાળકોની જેમ ઉધમાત મચાવે તે કેવું ? બાળકની માફક એ ઘરમાં તોડફોડ શરૂ કરી દે, તે કેવું ? આવા અનિયંત્રિત આવેગને કારણે આજે અનેક ઘરોમાં આપણે જોઈએ છીએ કે ગુસ્સે થયેલો પતિ એ એના હાથમાં જે કોઈ વસ્તુ હોય, તે એની પત્ની પર ઝીંકતો હોય છે, એને તમાચો મારતો હોય છે કે એના પર પ્રહાર કરતો હોય છે. સામ સામી હૈયાહોળી થતી હોય છે.

અમેરિકા જેવા પ્રગતિશીલ ગણાતા દેશમાં પણ આજે પત્નીને માર મારવાની ઘટના પુષ્કળ પ્રમાણમાં બને છે. આનું કારણ એટલું કે એ વ્યક્તિને પોતાના આવેગોને ઓગાળીને સ્વસ્થતા કેમ ધારણ કરવી, તે શીખવા મળ્યું નથી. આવેગો પ્રમાણે ચાલતો બાળક જેમ પોતાનું રમકડું કે ઘરની ચીજવસ્તુ તોડી નાખે છે, એ જ રીતે આવેગશીલ માણસ પણ પોતાની જાતને નુકસાન કરે છે.
આજના સમયમાં કુટુંબો વધુને વધુ નાનાં થવાં લાગ્યાં છે. એક સમયે સંયુક્ત કુટુંબમાં યુવાનને પોતાનો આવેગ પ્રગટ કરવા માટે ઘણાં આધારસ્થાનો હતાં. એ મોટા ભાઈને વાત કરી શકતો, પિતાને વાત કરી શકતો, એથી આગળ વધી દાદાને વાત કરી શકતો. આજે આવા આવેગોનું ઉત્સર્જન કરવાની અનુકૂળતા કુટુંબમાં રહી નથી અને તેને પરિણામે પતિનો આવેગ પત્નીના દુઃખનું કારણ બને છે અને એથીય વિશેષ તો એ આવેગનું પરિણામ દિવસો સુધી એ દંપતીને અનુભવવું પડે છે. આવેગ એક ઝંઝાવાત જેવો છે. જે ઘરના સંબંધોમાં વાવેલાં પ્રેમનાં વૃક્ષોને મૂળિયાં સહિત ઉખેડી નાખે છે. એ વ્યક્તિને વર્તમાનમાં તો હાનિ કરે છે, પરંતુ એના ભવિષ્યને પણ અંધકારમય બનાવે છે.

– ડૉ. કુમારપાળ દેસાઈ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “તમારા આવેગોનું વળતર તમારે જ ચૂકવવું પડશે – ડૉ. કુમારપાળ દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.