ગૃહિણી : ઢળતા દામ્પત્યના નવદ્રશ્યોનું મોન્ટાજ – જયદેવ શુક્લ

(‘શબ્દસૃષ્ટિ’ સામયિકમાંથી સાભાર)

કવિ હરીશ મીનાશ્રુના આ પૂર્વેના છ કાવ્યસંગ્રહોમાંથી પસાર થનાર સહ્રદયને પ્રતીત થશે કે આ સર્જકે ગીત, ગઝલ ને અછાન્દસની આપણી પરમ્પરાને આત્મસાત કરી નિજી રણકો પ્રગટાવવાના સબળ ને સફળ પ્રયત્નો કર્યા છે. અને એને પરિણામે આપણને તેમની પાસેથી કેટલીક સ્મરણીય કાવ્યકૃતિઓ સાંપડી છે. એ પછી કવિ હરીશે દીર્ઘકાવ્ય ‘નાચિકેત-સૂત્ર’માં અગ્નિનાં વિવિધ રૂપો તથા પુરાકથાને પદાવલિના નોખા નોખા લયાવર્તનો સહિત સંવિધાન- ભાતમાં મેળવી તેમની વિલક્ષણ સર્જકતા પ્રગટાવી છે. તો તેમનાં ‘નારંગી’, ‘પંખીપદારથ’, ‘ચીતરવા વિષે’ જેવા કાવ્યગુચ્છોમાં આધુનિકો ને સમકાલીનોએ રચેલા અછાન્દસ કરતાં નોખી દિશાના અછાન્દસ સ્વાદ, સુગન્ધને સ્પર્શ માણવા મળે છે.

કેટલાક આધુનિક કવિઓએ પરમ્પરા-વિદ્રોહના અભિનિવેશ સાથે મુખ્યત્વે પોતાની અન્દરની હલચલને પદાવલિની તોડફોડ દ્વારા તેમજ વિવિધ પ્રકારની પદાવલિના સંયોજન દ્વારા વ્યક્ત કરી છે. એ પછીના જે કેટલાક અનુઆધુનિક કવિઓએ પોતાની અન્દરના ઉપરાન્ત બહારના વાસ્તવ સાથેનો મુકાબલો નોંધપાત્ર રીતે ને પ્રમાણમાં ઉચિત કાવ્યબાની સાથે આરંભ્યો તેમાંના એક છે કવિ હરીશ મીનાશ્રુ.

આધુનિકતાના પ્રવર્તન દરમિયાન રોજરોજની સામાન્ય દેખાતી ઘટનાઓ/સામગ્રી વડે પ્રૌઢ દમ્પતીના સંવેદનો કાવ્યમાં રૂપાન્તરિત થાય એવું આપણે કલ્પી ન શકીએ. હા, ઉશનસ્‍નાં કેટલાંક સૉનેટો ને ઉત્તર સિતાંશુ યશશ્ચન્દ્રનાં ‘પત્નીને’, ‘ધરુણીનો પ્રાયમસ’ આદિ કાવ્યોનું સ્મરણ થાય છે. પણ, હરીશ મીનાશ્રુ ‘ગૃહસ્થ સંહિતા’ના ‘ગૃહિણી’, ‘ગૃહઉદ્યાન’ વગેરે ગુચ્છમાં કથનાત્મકતાના અંશોથી સભર ગદ્યની નજીક રહેતી અવનવી પદાવલિ, કુંવારાં દ્રશ્યકલાનો, તાજપભર્યાં રૂપકો ને વિશેષણોના તિર્યક વિનિયોગ દ્વારા નોખી નોખી વાત કઈ રીતે સરજે છે તે અને પરિચિત જગતની અપરિચિતતામાં ભાવકને કઈ રીતે મૂકી આપે છે તેની તપાસ રસપ્રદ બને એમ છે.

‘ગૃહિણી’ ગુચ્છનાં નવ કાવ્યો પ્રૌઢ વયના કોણથી રચાયાં છે. ‘આસ્તે આસ્તે અસ્તાચળે જઈ’ રહેલા સંસારની સંવેદનરહિત ક્ષણો કવિએ મુખ્યત્વે પત્નીના વર્તન અને પતિના પ્રતિભાવોમાંથી આકારી છે.

પ્રથમ કાવ્યનો આરંભ સવારના દ્રશ્યથી થાય છે. બીજા ખણ્ડમાં સીધો જ રાત્રિનો સન્દર્ભ જોડાય છે. કાવ્યમાંથી કવિએ ઊંચકી લીધેલી બપોર ભાવકને આઠમા કાવ્યમાં આવી મળે છે.
ઢળતી વયે ઘેરી ઊંઘ ન આવતી હોય. સવારે માંડ આંખ મળી હોય ત્યાં જ ઊઠવાનું થાય ત્યારનો ભાવ આ રીતે વ્યક્ત કર્યો છે.

સવારે
બારીના કાચ પર કાચી ઊંઘના ઓઘરાળા.

એ પછી કવિએ નાયિકાને ફ્રેમમાં નથી મૂકી. ક્લોઝ અપમાં રજૂ કર્યો છે. લંબાયેલો એક ‘ઘરગથ્થુ હાથ’ ભાવકનું ધ્યાન ‘ઘરગથ્થુ’ વિશેષણ પર ન જાય તો જ આશ્ચર્ય સાથે જ આપણી સામે આવે છે ‘ચીનાઈ માટીની તરલ વ્યંજના’ ને કડીમાં ‘વાકી વળેલી’ ‘કૂણી નખપાંદડી’ વાળી તર્જની કાવ્યના બીજા ખણ્ડમાં પરિવેશ રાત્રિનો છે. ને સ્થળ છે બન્નેનો શયનખણ્ડ. અહીં એ જ હાથ દ્વારા થતી બે ક્રિયા ફોક્સમાં આવે છે :

રાતે,
બધું પરવારીને, એ જ હાથે
કલવો પીરસતી હોય એમ ધરે છે સુદર્શન ઘનવટી,
વસ્ત્ર જરાતરા ઊંચું કરીને
કુબિજના નાનકડા દડાના રંગના ઊજળા ઘૂંટણ પર
મસળે છે બામ ને
અમારા વિશ્રંભે પામેલા સહશયનમાં
ઘૂસી જાય છે કપૂરની ગંધવાળી નિદ્રા
ઇજમેટનાં ફૂલનાં સ્વપ્ન. રાતે.

લગ્નપૂર્વે કન્યાની માતા ને કન્યા પક્ષની સ્ત્રીઓ લાડથી ભાતભાતની મિષ્ટ વાનગીઓ વરરાજાને ખવડાવે છે તે કલવો. હસ્તમેળાપ પછી વરકન્યા લગ્નવેદીના અગ્નિથી રાંધેલો કંસાર કાંસાની થાળીમાંથી પરસ્પરને ખવડાવે છે તે ‘ચરભક્ષ’. કલવો પત્ની નથી ખવડાવતી એટલું નોંધીને પંક્તિના ભાવને સમજીએ તો જે લાડ-પ્યારથી લગ્ન પછીના દિવસોમાં પત્નીએ પતિને કોળિયા ભરાવ્યા છે એ જ હાથ. ત્રણ દાયકા પછી આજે તેને સમજાવી-પટાવી સુદર્શનઘનવટી આપે છે. બે અલગ ભાવસ્થિતિને કવિએ એક જ પંક્તિમાં સહોપસ્થિતિ વડે સૂઝપૂર્વક ને સહજ રીતે મૂકી આપી છે. પછીની બે પંક્તિમાં નાયિકાને કુબિજના નાનકડા દડા જેવા ઘૂંટણ પર બામ મસળતી આપણે જોઈએ છીએ. ઘૂંટણ અને કુબિજના દડા વચ્ચેનું સાદ્રશ્ય જોવા – બતાવવામાં રહેલી સર્જકતા ભાવકને સ્પર્શે છે. પ્રથમ ખણ્ડમાં ચાનો મગ આપતા હાથ પછી ઘૂંટણ પર બામ મસળતો હાથ કરી ક્લોઝ અપમાં આવે છે. નાયિકાનો મુલતાની માટીવાળો ચહેરો તો છેક સાતમા કાવ્યમાં જોવા મળે છે. રાતભર ઊંઘમાં બામની ગન્ધ જંપવા દેતી નથી એવું સીધું સીધું કવે તે શાનો કવિ ? કપૂરની ગન્ધવાળી નિદ્રા સહશયનમાં પ્રવેશી જાય છે નહીં ; ‘ઘૂસી જાય છે’ એવો વ્યુત્ક્રમ રસપ્રદ છે.

પતિનું દુઃખતું હ્રદય ગૃહિણી સવારે ફંફોસી લે છે એવા ભાવની કાવ્યમાં આગન્તુક લાગેલી પ્રથમ ખણ્ડની પંક્તિઓ કાવ્યની સંરચનામાં ઔચિત્ય સાથે પ્રવેશી છે એની પ્રતીતિ કાવ્યાન્તે થાય છે,

ફૂદીનાને ફૂટી નીકળે છે નવી નવી પત્તીઓ.
અને હ્રદયને નવી નવી પીડાઓ,-
રાત દરમિયાન
ગૃહિણીની મરજી મુજબ

કાવ્ય અહીં અટકતું નથી, કાવ્યમાંની સવાર સાથેના સન્દર્ભે તે વિસ્તરે છે. હ્રદયનો આકાર ઇલાયચી સાથે જોડાતાં ઝીણી નજરના કવિ હરીશ આપણી સામે પ્રગટે છે.
સાતમા કાવ્યની નાયિકા અનેક સ્ત્રીઓની જેમ વયને ઢાંકવા કે પ્રૌઢતા તરત છતી ન થાય એ માટે સક્રિય છે. પતિ આ જોઈ ‘મુલતાની માટીમાંથી/કંડારેલી વિનસની વિસ્મય મૂરત’ તરીકે પત્નીને વર્ણવે છે. માટી સુકાતાં તેમાં નાની નાની તિરાડો પડે છે એ હકીકતને કવિ ત્રણ દાયકાના પ્રણય કલહો દરમિયાન અનુભવાયેલી સાંવેદનિક તિરાડો સાથે જોડી શક્યા છે. એથી, કૃતિ અભિધાની સીમામાં રહી જશે કે શું ? – એવી ભીતિને ઝાઝો અવકાશ રહેતો નથી. કાવ્યાન્તે પાકટ વયના નાયકને ‘રમૂજ ભરેલી મૂંઝવણ થાય’ છે કે થોડી ક્ષણોમાં પ્રગટનારી તંગ ત્વચાવાળી માસુકાને-રતિને પોતે કઈ રીતે પ્રસન્ન કરી શકશે ? આ પ્રશ્ન પણ સૂચક છે.

ક્યારેક ક્યારેક મરેઠણ, મદ્રાસણ, પંજાબણ ને બંગાળણ રૂપે પ્રગટતી આ ઘઉંવર્ણી ગુજરાતણના રૂપો કદચ કોઈને શરૂઆતમાં ગોઠવેલાં લાગે પરંતુ તેની વિવિધ છટાઓ જાતને ટકાવવાના, પ્રૌઢત્વને આ રીતે પાછળ હડસેલવાના સભાન પ્રયત્નો છે. એની ભાળ અંતિમ પંક્તિઓમાંથી મળે છે :

‘ઘરના અરીસા યે હવે તો કંટાળી ગયા છે
એની નિત નવી રીતે ઓળખાઈ આવવાની
આ જીદથી !’

અહીં અરીસો ને પત્નીનાં આ રૂપો ઝીલનાર પતિ પરસ્પરમાં ભળી ગયાં છે.

સમગ્ર ગુચ્છમાં પાંચમા ક્રમના કાવ્યમાં મને વિશેષ રસ પડ્યો છે. યુવાનીનાં વાણી-વર્તનનાં તોફાનો હવે શાન્ત થયાં છે. પૂરનાં નીર આછર્યાં છે. અડી-અડીને બેસવાના ને અટકચાળાં કરવાના ઓરતા ઓસર્યા છે. પતિ-પત્ની ડાઈનિંગ ટેબલ પર સામસામે બેઠા છે. આ સાદગીસભર દ્રશ્ય પોતે જ પ્રતીકાત્મક બની ગયું છે :

આસ્તે આસ્તે
અસ્તાચળે જઈ રહ્યો છે સંસાર.
નથી કોઈ ભાષા, નથી કોઈ ભંગિ :
અમે બેઠાં છીએ સામસામે.
વચ્ચે ડાઈનિંગ ટેબલ પર તાસકમાં
તાજા કાપેલા પપૈયાની ચીર,
વિખરાયેલી કીડિયાસેર કાળાં મોતીની.

‘વચ્ચે ડાઈનિંગ ટેબલ પર તાસકમાં તાજા કાપેલા પપૈયાની ચીર’ પંક્તિ વાંચતાં જ મનમાં પ્રશ્ન થયો કે પપૈયાની ચીર શા માટે ? તરતની જ પંક્તિમાં વિખરાયેલી કીડિયાસેરનાં કાળાં મોતી અને પપૈયાનાં બી એકાકાર થઈ ગયાં છે. આરંભના વર્ષોની તંગ કીડિયાસેર પણ હવે ઢીલ પડી છે વગેરે સન્દર્ભો આ દ્રશ્યકલ્પનમાંથી વિસ્તરતા રહે છે. કેસરિયા પાશ્વર્ભૂ પરનાં કાળાં બીનું રંગ-વૈષમ્ય પણ આપણને ખેંચી રાખે છે.

હવે પપૈયાની ચીર કેસરમાં બોળેલો બીજ-ચન્દ્ર બને છે ને તેમાંથી રસ દદડે છે. આ રૂપાન્તર ગૃહિણીના મનમાં ચિન્તા સર્જે છે કે ‘આ પાક્કા પીળા રંગના ડાઘા / હવે કેમ કરીને જશે?’ સાતમા કાવ્યમાં કાવ્યનાયકના મનમાં મૂંઝવણ થઈ છે તેનો ઉલ્લેખ પૂર્વે કર્યો જ છે. પતિ અને પત્ની બન્નેના પ્રશ્નો દામ્પત્યની સ્થિતિને સંકેતે છે.

આઠમા કાવ્યમાં ગૃહિણીની એક બપોર આપણી સામે પ્રગટી છે. આગલી રાતે ટીવી સિરિયલમાં ઊજવાયેલો કડવા ચોથનો એપિસોડ આ બપોરે જોવા ગૃહિણી ઉત્સુક છે. ઢોકળાનું ખીરું પલાડી તે પલંગમાં પડી છે. ભાવકના મનમાં સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે આ વાસ્તવનો મુકાબલો કવિ કઈ રીતે કરશે ? એનો ઉત્તર મળે છે : ‘પછી આખા ઘરને આથો ચઢવા માંડે છે’ એટલું જ નહીં,

ગૃહિણીના ગાલ હોઠને ચિબુક ઊભરાવા માંડે છે
સહેજ વધારે પડતી ખટાશથી.

આ ત્રણ પંક્તિઓ કાવ્યનું પરિણામ બદલવામાં ઉપયોગી બને છે, ઘરને આથો આવવાની સાથે પત્નીના શરીર પર થોથર ચઢે છે – ને ધ્યાનથી આસ્વાદીએ તો બપોરની અલસમંથર સુસ્ત ક્ષણોનો ભાર ને નાયિકાના સ્વભાવની વધુ ખટાશનો સન્દર્ભ ઉકેલી શકાય છે.

કડવા ચોથ ઊજવતાં સિરિયલનાં પાત્રોને પત્નીના પિયરિયાં કહેવામાં તથા ‘હું તો ક્યારનોય ચંદ્રને ઊગી નીકળવા કાકલૂદી કરું છું’ – માં હળવાશભર્યો કટાક્ષ માણી શકાય છે.

અન્ય એક કાવ્ય (ક્ર્મ બીજો)માં નાયક પત્નીને ‘બજારમાંથી કંઈ લાવવાનું છે કે ?’ જેવો રોજનો પ્રશ્ન ઘર તરફ ડોક ફેરવી પૂછે છે એ ક્ષણને કાવ્યમાં આલેખવામાં કવિ કેવી પ્રયુક્તિ યોજે છે તે જોઈએ :

હું આંગણામાં ઊભો ઊભો મોરની ગરદન પર મફલર વીંટાળું છું.

એ સમયે પત્ની અગાસીમાં આવી લહેરિયું જોરથી છંટકોરે છે. એની ફરફરફરના સ્પર્શ સાથે લટક ચમેલીનાં લટકાં સહજ રીતે જોડાય છે. કાવ્યાન્તે પેલી ફરફર, માગશરનો પવન અને મફલરને કવિ શબ્દચાતુરીથી જોડે છે :

હું નહોતો જાણતો કે
માગશર મહિનાનો આ પવન મફલર જેટલો જ ગળેપડુ
હશે !

આ ગુચ્છના મોટા ભાગનાં કાવ્યોનો આરંભ ગૃહસ્થજીવનના વિવિધ અંશોને નિરૂપે છે ; જ્યારે ચોથા કાવ્યનો આરંભ કલ્પનાશ્રિત હોવાથી નોખો પડે છે :

કોકવાર
બારી કને બેસી
ભીના પવનની લહર પર
એ ભરે છે રબારી ભરત.

પ્રથમ કાવ્યની જેમ આ કાવ્યમાં પણ પત્નીનું આધિપત્ય પતિના અન્તઃસ્થલમાં પીડા જન્માવે છે. ભીના પવનની લહર પર ભરાતો કળાયેલ મોર વર્ષાના વાતાવરણને સંકેતે છે અને એથી કાવ્યના અન્તમાં આવતા અષાઢના નિરૂપણમાં આપણને રસ પડે છે :

ચોરપગલે
અષાઢ મારી પીઠ પાછળથી સરકી જાય છે
પરપુરુષની જેમ.

નવમા કાવ્યમાં ગૃહિણીના હાથમાંથી પાત્ર છટકે છે ને રાજગરો વેરાઈ જાય છે. રાજગરાના દાણા સાથે કવિએ ગ્રહ-નક્ષત્રોનું જે સાદ્રશ્ય રચ્યું છે તે સહ્રદયને ભાવી જાય છે.

‘ગૃહિણી’માં ઢળતા દામ્પત્યના વૈવિધ્યસભર નવ દ્રશ્યોનું મોન્ટાજ રચાય છે. વર્તમાનની ક્ષણ પર ઊભા રહી આલેખાયેલી આ દ્રશ્યાવલિમાં ત્રણ દાયકાના સંવેદનોના લસરકા પણ ઝિલાયા છે.
કાવ્યમાં કે કોઈ પણ કૃતિમાં, વ્યક્તિની અન્દર કે બહાર, નજીક કે દૂર બનતી ઘટનાનું સર્જક શું કરે છે અને કેવી રીતે કરે છે એમાં સહ્રદયને રસ પડતો હોય છે. એટલે કે કોઈ ઘટના કે સામગ્રી રસપ્રદ હોય કે ન હોય એનું કોઈ મૂલ્ય નથી. એ સામગ્રીનું કૃતિમાં સર્જનાત્મક રૂપાન્તર સિદ્ધ થાય તો જ એનું મહત્વ છે. કવિ હરીશ મીનાશ્રુ ‘ગૃહિણી’માં ચાનો કપ આપવો, દવા આપવી, કપડાં છંટકોરી સૂકવવા, પપૈયાની ચીર ટેબલ પર મૂકવી, શરીર પર પ્રસાધન સામગ્રી લગાડવી, ટીવી સિરિયલો જોવી, રાજગરો વેરાઈ જવો જેવી રોજરોજની ઘરગથ્થુ ઘટનાઓનું મોટે ભાગે રમ્ય રૂપાન્તર સાધી શક્યા છે તેને આપણે માણ્યું-પ્રમાણ્યું પણ ખરું.

‘ગૃહિણી’, ‘ગૃહઉદ્યાન’, ‘પડોશી’, ‘છાપાવાળો છોકરો’, ‘ચીતરવા વિષે’ આદિ કાવ્યોમાં પ્રયોજાયેલા અછાન્દસને તપાસીશું તો આપણને સમજાશે કે ગદ્યના સ્તરને તથા તેના સ્વાદને જાળવી તેને કાવ્યોમાં વિહરવાની હળવાશ ને મોકળાશ રચવામાં કવિ સફળ થાય છે. સામાન્ય રીતે વિશેષણો ફુલાવેલાં, નિરર્થક ને ચોંટાડેલાં લાગે છે તેથી વિશેષણ-વિરોધનું વલણ પણ ક્યારેક જોવા મળે છે. પરંતુ ‘ગૃહઉદ્યાન’ અને અન્ય કાવ્યોમાં પ્રયોજાયેલા વિશેષણો કેટલાં કાર્યસાધક છે ને તે વિ-લક્ષણ કેમ છે એને વિષે વિગતે વાત થઈ શકે એમ છે એટલું નોંધી અટકું છું.

ગૃહિણી ગુચ્છના ત્રીજા કાવ્યમાં જૂના ફિલ્મી ગીતનાં પંચમહાભૂતમાંથી ઘડાયેલી છે. એના ચહેરાની તરજ જેવી પંક્તિઓ અસ્પષ્ટ રહી ગઈ હોવાને કારણે કાર્યસાધક બનતી નથી. અને એથી જ નાનું કાવ્ય ને છઠ્ઠા કાવ્યમાં લોસ એન્જેલસનાં રાંધણિયાનો સન્દર્ભ આગન્તુક લાગે છે. પ્રથમ કાવ્યમાં ફૂદીનાની ગન્ધવાળી ગૃહિણી નાક વાટે ‘દેહમાં ઘૂસી જાય છે’ પદાવલિ ઔચિત્યનો પ્રશ્ન સર્જે છે. ‘પ્રવેશી જાય છે’ એમ કહેવાનું કવિએ કેમ પસન્દ નહીં કર્યું હોય ? ફૂદીનાવાળી ચાની સુવાસ આમ જેટલી તીવ્ર નથી જ. અલબત્ત, આવાં સ્થાનો ઓછાં જ છે ને કાવ્યાનુભાવ વિશેષ છે.

મેં તો એક ભાવક તરીકે કેવળ ‘ગૃહિણી’ ગુચ્છનાં કાવ્યો સાથે સંવાદ રચ્યો છે. આ દરમિયાન મને જે કેટલાંક સૌન્દર્યસ્થાનો સાંપડ્યાં છે એની જ મેં અહીં વાત કરી છે ! અન્ય ભાવકોને બીજાં સૌન્દર્યસ્થાનો જડી આવશે એ નિઃશંક છે. મારા સશક્ત સમકાલીન કવિમિત્ર હરીશ મીનાશ્રુને ઉષ્માથી અભિનન્દુ છું.

– જયદેવ શુક્લ

(ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રગટ થનાર હરીશ મીનાશ્રુના કાવ્યસંગ્રહ ‘પંખી પદારથ’માંનો લેખ)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “ગૃહિણી : ઢળતા દામ્પત્યના નવદ્રશ્યોનું મોન્ટાજ – જયદેવ શુક્લ”

Copy Protected by Chetan's WP-Copyprotect.