ક્ષણે ક્ષણે ઉજાસ (પ્રેરક પ્રસંગો) – નીલેશ મહેતા

(નીલેશ મહેતા દ્વારા સંક્ષેપ અને સંકલન થયેલ ‘ક્ષણે ક્ષણે ઉજાસ’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

(૧) આપણી હથેળી

એક ગરીબ અને અભણ બ્રાહ્મણ રાજાના મહેલમાં ગયો. બ્રાહ્મણ હાથ જોડીને બોલ્યો : ‘રાજાજી, આપ મારી પર કૃપા કરો જેથી મારી ગરીબી દૂર થાય.’ રાજાએ કહ્યું : ‘ઠીક છે. આપ જે કંઈ આશીર્વાદસૂચક કે વાત જાણતા હો તે બોલો. હું પ્રસન્ન થઈશ તો તમને ન્યાલ કરી દઈશ.’ બ્રાહ્મણ, ‘હું તો અભણ, મને કશું આવડતું નથી.’ રાજા દાની હતો. તેમણે કહ્યું, ‘આપને જરૂર ધન આપીશ પણ હું કંઈ પણ પૂછું તેનો ઉત્તર આપશો તેવી આશા છે.’ બ્રાહ્મણ બોલ્યો, ‘હું ભણેલો નથી પણ મારો પ્રભુ ભણેલો છે, તે મને જરૂર મદદ કરશે. ભગવાનને યાદ કરીને હું જવાબ આપીશ.’ નિખાલસ અને ભોળી વાતથી રાજા જ નહિ પણ દરબારીઓ પણ હસી પડ્યા. રાજાએ બ્રાહ્મણને પ્રશ્ન પૂછ્યો : મહારાજ, આપના આખા દેહ પર વાળ છે. પરંતુ આપની હથેળી પર વાળ કેમ નથી ? ભગવાનને યાદ કરી બ્રાહ્મણે જવાબ આપ્યો. ‘રાજાજી, હું રહ્યો યાચક, મારો ધંધો નિત્ય દાન લેવાનો. આ માટે વારંવાર લોકો આગળ હાથ લંબાવવો પડે.

આમ દાન લેતાં મારી હથેળી પરના વાળ ઘસાઈ ગયા.’ રાજાએ કહ્યું ‘પરંતુ તો પછી મારી હથેળીમાં વાળ કેમ નથી ?’ બ્રાહ્મણે જવાબ આપ્યો. ‘રાજાજી, આપ રોજ દાન આપો છો, એટલે આપની હથેળીના વાળ તેનાથી ઘસાઈ ગયા છે.’ રાજાએ કહ્યું : ‘હું આપની દલીલ સાથે સંમત છું. પરંતુ આ દરબારીઓ, સેવકો, ચોકીદારો તો કંઈ દાન લેતા કે દેતા નથી તો પછી તેમની હથેળીમાં કેમ વાળ નથી ?’ બ્રાહ્મણે કહ્યું : ‘રાજાજી, જ્યારે આપ મને દાન આપો છો ત્યારે આ લોકોને તે ગમતું નથી. તેઓ ઈર્ષ્યા કરે છે અને આ અદેખાઈમાં પોતાના હાથ મસળ્યા કરે છે. તેથી તેમની હથેળીઓ વાળ વગરની થઈ ગઈ છે.’ રાજા બ્રાહ્મણના આ ઉત્તરથી ખુશ થઈ ગયા અને બ્રાહ્મણને હજાર સુવર્ણ મુદ્રાઓ બક્ષિસમાં આપી.

(૨) બુદ્ધિની કસોટી

એક રાજાએ પોતાના પ્રધાનની બુદ્ધિની કસોટી કરવા માટે કહ્યું કે, ‘આ નગરમાંથી ચાર વસ્તુઓ લાવીને આપો.’ પ્રધાને પૂછ્યું, ‘આ ચાર વસ્તુઓ કઈ ?’ રાજાએ કહ્યું : ‘એક તો છે ને છે, બીજે છે ને નથી. ત્રીજી નથી ને છે તથા ચોથી નથી ને નથી : એવી ચાર વસ્તુઓ લાવો.’ પ્રધાન ખૂબ જ શાણા અને ચતુર હતા. તેમણે વિચારીને રાજાને કહ્યું, ‘એક બે દિવસનો સમય આપો.’ રાજા કહે, ‘ભલે.’ પછી બીજે દિવસે પ્રધાને દરબારમાં પ્રથમ એક શેઠને તેડાવ્યા. બીજી એક વેશ્યાને બોલાવી, ત્રીજા એક સાધુ અને ચોથો એક ભિખારી એમ ચારેયને રાજા સામે ઊભા રાખ્યા અને પ્રધાને કહ્યું, ‘હું તમારી ચારેય વસ્તુઓ લાવ્યો છું.’ રાજાએ એનો અર્થ પૂછ્યો, ત્યારે પ્રધાને પ્રથમ શેઠેને દેખાડીને કહ્યું કે, ‘આને તો આ ભવમાં ધન સંપત્તિ વૈભવ છે અને તે પુણ્યદાન સત્કર્મ કરે છે. માટે બીજે ભવે પણ તેમને બધું જ એવું મળશે. માટે એને તો છે ને છે ! પહેલી વસ્તુ જાણવી.’ બીજી વેશ્યાને દેખાડી કહ્યું કે, ‘આ વેશ્યાને અહીં સુખ ભોગનાં સાધન છે. પણ તે પાપકર્મથી મેળવેલાં હોવાથી પરભવે કાંઈ મળવાનું નથી માટે એને તો છે ને નથી, બીજી વસ્તુ જાણવી.’ ત્રીજા તેમણે સાધુ દેખાડ્યા કહ્યું કે, ‘આ સાધુને આ જન્મે ધન વૈભવ કાંઈ નથી, પણ એ જે તપ કરે છે તેના પુણ્યથી બીજે વિવિધ સુખ સંપત્તિ મળશે માટે એને ‘નથી ને છે’ ત્રીજી વસ્તુ જાણવી.’ ચોથા તેમણે ભિખારી દેખાડી કહ્યું કે ‘આ ભિખારીને આ જન્મે ખાવા પીવા મળતું નથી તેથી તે પાપકર્મ કરે છે અને એ પાપકર્મના યોગથી બીજે જન્મે એથી પણ ખરાબ દશા થવાની માટે એને તો ‘નથી ને નથી’ તેમ ચોથી વસ્તુ જાણવી.’ પ્રધાનની આવી શાણી અને ચતુર બુદ્ધિ જોઈ રાજા ખૂબ આનંદ પામ્યા.

(૩) સંતની મહાનતા
સંત તુકારામની ધર્મપ્રિયતા અને સહનશીલતાનો કોઈ પાર નહિ. લક્ષ્મીનો કોઈ દિવસ સંત તુકારામને મોહ નહિ. પોતાના રોટલામાંથી અડધો રોટલો તેઓ ભૂખ્યાને આપતા તેવા દયાળુ સંત તુકારામ હતા. ખેતરમાંથી સાંજના ઘરે આવે ત્યારે ખેતરમાં ઊગેલું અનાજ કે પાક પોતાની સાથે લેતા આવે અને રસ્તામાં જે કોઈ ભિક્ષાર્થી મળે તેને આપતા આવે. ઘેર અનાજ પહોંચે કે ન પહોંચે તેની એમને લેશમાત્ર પરવા નહિ.

એકવાર એમણે પોતાના ખેતરમાં શેરડી વાવી હતી. શેરડીનો પાક સારા પ્રમાણમાં ઊતર્યો હતો. એક દિવસ સાંજના તેઓ માથે શેરડીનો એક મોટો ભારો મૂકીને ઘર તરફ પાછા ફરતા હતા. રસ્તામાં ગામના છોકરા તેમને ઘેરી વળ્યા અને કહેવા લાગ્યા, ‘મને શેરડી આપો, મને શેરડી આપો.’ સંત તુકારામ તો દયાના મહાસાગર હતા. છોકરાને આખો ભારો વહેંચી દીધો. એમની પાસે શેરડીનો માત્ર એક જ સાંઠો રહ્યો. સંત તુકારામ ઘેર આવ્યા. તેમની ધર્મપત્ની ભારે ક્રોધવાળી હતી. તુકારામના હાથમાં શેરડીનો માત્ર એક જ સાંઠો જોઈને તે આગ બબૂલી થઈ, ધૂંવાપૂંવા થઈ ગઈ.

સંત તુકારામે શેરડીનો સાંઠો પોતાની પત્નીના હાથમાં આપ્યો અને કહ્યું : ‘એક તારા માટે !’

પત્નીએ સાંઠો તુકારામની પીઠ પર માર્યો અને શેરડી સાંઠાના બે કટકા થઈ ગયા.

સંત તુકારામ હસ્યા અને બોલ્યા : ‘લોકો ભલે તારી નિંદા કરે, પણ તું સાચી પતિવ્રતા છે. તે શેરડીના સાંઠામાંથી બે ભાગ બનાવ્યા એક તારા માટે અને એક મારા માટે ! સાચી પત્નીનો એ જ આદર્શ હોઈ શકે. લોકો નાહક તારી નિંદા કરી તને વગોવે છે.’

સંત તુકારામની આવી આદર્શ ભાવના જોઈ તેમની પત્ની તેમના ચરણોમાં પડી ગઈ.

(૪) ગીતાનો પાઠ

ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીથી એકવાર દક્ષિણ ભારત તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે એક બ્રાહ્મણને ગીતાપાઠ કરતો જોયો. બ્રાહ્મણના મુખ પર આનંદની રેખાઓ ઊપસી રહી હતી. તે તલ્લીન બનીને ગીતાપાઠ બોલી રહ્યો હતો. ચૈતન્યપ્રભુ તેની પાસે ગયા અને પાછળ ઊભા રહી તેમના શ્લોકો સાંભળવા લાગ્યા.

બ્રાહ્મણનો ગીતાપાઠ પૂરો થયો. તેણે પાછળ નજર કરી તો ચૈતન્ય મહાપ્રભુ પોતાની પાસે ઊભેલા જોઈ તેના આનંદનો કોઈ પાર રહ્યો નહિ. તેણે ચૈતન્ય મહાપ્રભુના ચરણમાં પોતાનું શિર નમાવ્યું. શ્રી ચૈતન્ય સ્વામી બોલ્યા : ‘તમારો ગીતાપાઠ મેં સાંભળ્યો. તમારા સંસ્કૃત ઉચ્ચારો તો ઘણા જ અશુદ્ધ હતા અને તેમ છતાં તમે આવી આનંદ સમાધિ કેવી રીતે મેળવી શકો છો ?’

બ્રાહ્મણે હાથ જોડી જવાબ આપ્યો : ‘પ્રભુ મને સંસ્કૃત ક્યાં આવડે છે તે હું શુદ્ધ ઉચ્ચાર કરી શકું ? સાચા ખોટા કે શુદ્ધ અશુદ્ધ ઉચ્ચારો કરીને, ગમે તે રીતે શ્લોકો બોલ્યા કરું છું. એ શ્લોકનો શો અર્થ થતો હશે એ તો આપ જેવા વિદ્વાનો જ સમજી શકે. પણ હા, એક વાત છે. હું જે વખતે ગીતાપાઠમાં બેસું છું એ વખતે હું કુરુક્ષેત્રમાં પાંડવો અને કૌરવોની સેનાઓ વચ્ચે એક સુંદર રથ જોઉં છું. રથની અંદર અર્જુન બેઠા છે અને રથના સારથિ તરીકે જગતના પરમાત્મા શ્રીકૃષ્ણ ઊભા છે અને વારંવાર તેઓ પોતાનું મુખ ફેરવીને અર્જુનને ઉપદેશ આપ્યા કરે છે. આ બધું મને દેખાયા કરે છે. એ દ્રશ્ય જોઈને મારો આત્મા પુલકિત બની જાય છે અને તેમાં હું તલ્લીન બની જાઉં છું.’

આ સાંભળીને શ્રી ચૈતન્ય પ્રભુ તેને ભેટી પડ્યા અને ગદ્‍ગદ્‍ કંઠથી બોલી ઊઠ્યા : ‘બસ, ભાઈ ! ગીતા પાઠનો આ જ એક અર્થ છે અને તેં એ અર્થને જાણ્યો છે !’

(૫) શિક્ષક અને વાલી

આદર્શ શિક્ષક ગિજુભાઈ બધેકા વર્ગમાં બાળકોને ભણાવી રહ્યા હતા. દરેક બાળક તલ્લીન થઈ પાઠ્યપુસ્તક વાંચતા હત. તેમને મનમાં ખૂબ આનંદ થયો. તેમણે ફરીવાર નજર કરી તો એક વિદ્યાર્થા તેની પાસે બેઠેલા એક બીજા વિદ્યાર્થીના પાઠ્યપુસ્તકમાં નજર ફેરવી રહ્યો હતો. આ જોઈને ગિજુભાઈએ પેલા વિદ્યાર્થીને ઊભા થવાનું કહ્યું. પેલો ડરને માર્યો ઊભો થયો. ગિજુભાઈએ તેને પૂછ્યું : ‘તારી પાસે પાઠ્યપુસ્તક નથી ? તેં હજી સુધી તે ખરીદ્યું નથી ? બીજાના પુસ્તકમાં શા માટે જુએ છે ?’

આવા ઉપરાઉપરી પ્રશ્નોથી પેલો વિદ્યાર્થી ગભરાઈ ગયો. તે એટલું જ બોલી શક્યો : ‘અમે પુસ્તક ખરીદી શકીએ તેમ નથી.’ ગિજુભાઈએ પછી તેને બેસી જવા કહ્યું. શાળાનો સમય પૂરો થયો. ગિજુભાઈ ઘેર આવ્યા, પણ તેમના મનને સતત એક પ્રશ્ન ડંખી રહ્યો હતો : ‘મેં તેને ઊભો કર્યો, કારણ કે તેની પાસે પાઠ્યપુસ્તક નહોતું. પણ શા માટે નહોતું ? તેનાં માતાપિતા એ ખરીદી શકે તેવી સ્થિતિ ધરાવતાં નથી એટલે જે ને !’ અને પછી આ પ્રશ્ન પણ થયો : ‘હું શું તેનો શિક્ષક જ છું ? તેનો હું વાલી નથી શું ?’

બીજે દિવસે ગિજુભાઈએ પેલા વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો અને તેના હાથમાં પૈસા આપીને બોલ્યા : ‘હવે તું પાઠ્યપુસ્તક ખરીદી લેજે.’ પેલો વિદ્યાર્થી ગળગળો થઈ ગયો ને બોલ્યો : ‘તમે મારા શિક્ષક છો, કંઈ મારા વાલી નથી કે આમ મને પાઠ્યપુસ્તક ખરીદવા પૈસા આપી રહ્યા છો !’

ગિજુભાઈ બોલ્યા : ‘બેટા, આજ સુધી હું પણ એ જ ભ્રમમાં હતો કે હું તારો શિક્ષક જ છું. પણ આજે મારો ભ્રમ હવે દૂર થયો છે અને હું સમજી શક્યો છું કે હું તારો શિક્ષક જ નહિ, વાલી પણ છું. બધા શિક્ષકોએ વહેલું મોડું આ સમજવું જ પડશે.’

[કુલ પાન ૪૮. કિંમત રૂ. ૪૫. પ્રાપ્તિસ્થાનઃ નવયુગ પુસ્તક ભંડાર, નવા નાકા રોડ, ૧ લે માળે, રાજકોટ – ૩૬૦૦૦૧ ફોન. (૦૨૮૧) ૨૨૨૫૫૯૬]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “ક્ષણે ક્ષણે ઉજાસ (પ્રેરક પ્રસંગો) – નીલેશ મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.