મન મેં લડ્ડુ ફૂટા?… – કંદર્પ પટેલ

હિંદુ પરંપરા મુજબ વ્યક્તિને આપવામાં આવતા સોળ સંસ્કારો પૈકી નો એક સંસ્કાર એટલે ‘વિવાહ સંસ્કાર’. લગ્નની આદિ કાળથી ચાલતી આવતી પ્રથા મુજબ તેને એક સંસ્કાર તરીકે ગણાવ્યો છે. ખેર, આ સંસ્કાર વિષે પછી ક્યારેક વિસ્તૃત છણાવટ કરીશ. અત્યારે તો વાત છે, પૂર જોશમાં ચાલતી રહેલી ‘લગ્ન સિઝન’ પર કેટલીક વાતોની પુષ્ટિ કરવાનો.

“કેટલા વર્ષ થયા, બેટા? “..

“જી, દાદા બાવીસમું ચાલે છે..”

પપ્પા તરફ જોઇને , “કન્યા ગોતવી પડશે હવે તો, વરરાજા તૈયાર થઇ છે.” અને એ પછી, દાદા.. કેવી શોધવી કન્યા? કોની હાજર સ્ટોકમાં પડેલી (ધ્યાનમાં) છે? કોનું કુટુંબ ‘બહુ સોજુ’ છે? કોની દીકરી ભણેલી છે? ‘અથ’ થી ‘ઇતિ’ સુધીની સફર કરાવે.

ક્યારેક મમ્મી પાસે જવાનું થાય ચાલુ લગ્નમાં, ત્યારે આજુબાજુ બેઠેલી ‘મોટા બા – મોટા મમ્મી – ભાભી – બહેનો’ ..દરેક બિચારાની અણી કાઢવામાં થોડુક પણ બાકી ન રાખે. બહેનો તો વળી, ‘ખી ખી ખી’ ..કરતી જાય ને મમ્મીને પાનો ચડાવતી જાય. બહેનને ચોટલો પકડીને બંધ કરાવવાનું મન થાય પણ શું કરવું?

ભાભીઓ… પ્રણામ છે એ જાતિને તો. “ચણીયાચોળીનો અત્યારથી ઓર્ડર આપી દીધો છે, લાલુભાઈ. હવે જલ્દી લઇ આવો ભાભી, અને અમને તમારા ‘લગન’માં નાચવાનો મોકો આપો.”

આપણું મન કહે, ‘ભાભી, મોકો તમને આપવો જ છે હવે મારેય.’ અને, ગાલમાં હસવું આવે. (સાચુકલું હોં….!)

મોટી બા એટલે મોટી બા પણ બાકી, ત્રાંસો હોઠ કરતી જાય અને કહેતી જાય, “હા, બેટા. હવે ગોતવાનું ચાલુ કરી દો ત્યારે વર્ષે માંડ મેળ પડશે. એમાં પણ હવે બહુ તકલીફ વધતી જાય છે.”

ત્યારે મનમાં એમ થાય, ‘તકલીફ શું પડે મોટી બા, હીરા સામું તો જુઓ એક વાર.’

આ બધી વાતો તો ચાલુ જ રહે. એમાંય જો લગ્નમાં થોડુંક ભૂલથી સિન્સિયરલી કામ થઇ જાય એટલે પૂરું.

“કોનો છોકરો છે..?”

“તમારો લાલો, સવારનો કામ કરે છે આજે.”

“બહુ ડાહ્યો છોકરો છે, પાણી પાયું બધાને, ગાદલા ગોઠવ્યા, બધાને વેવાઈના ઘરે મૂકી ગયો.”

અને વાતો પછી ચાલુ.

અને, રાસ-ગરબા હવે લગ્નમાં એક ફરજીયાત વિધિની જેમ કંકોત્રીમાં ઉમેરવામાં આવે છે. અને કોઈની આંખે ચડવાનો અને બીજાની વાતોનો ચર્ચાસ્પદ મુદ્દો બનવાનો સૌથી સારો મોકો.
શરમના માર્યા, શરૂઆતમાં તો બધાને ના પાડીએ.

“અરે, ના.. ના.. તમે જાવ ને..! મને નથી ફાવતું.”

જવું તો હોય જ પાછું, એ તો પાક્કું જ હોય એકદમ.

બે-ત્રણ વાર કોઈ કહે પછી જ જવું એવો નિયમ. અને એમાં પણ મોટા વડીલ કહે, “હવે તારો જ વારો છે બેટા, તારા લગનમાં જોઈ લેજે, કોઈ નહીં નાચીએ અમે…”
અને થોડુંક ખોટું પણ લાગી જાય. કે એક વાર લગન કરવાના, અને એમાંય આ બધા ન નાચ્યા તો?

હીરો ચડી જાય ગરબાના ગ્રાઉન્ડ ઝીરો લેવલ પર અને ચાલુ કરી દે ગરબાની રમઝટ.

એમાં પણ છેલ્લે ‘ફટાફટ સોંગ’.. અરે આપણું ડીડીડીડી.. ડીજે ડોલ્બી. ભલે પગ ઝડપીના કુદે પણ પ્રયત્ન તો પુરેપુરા કરે મારો વાલીડો.

એમાં પણ જો ઘરે જ જમવાનું હોય અને પીરસવામાં ઉભા રહ્યા હોઈએ એટલે દરેક સગા – સંબંધી – કુટુંબની બહેનો શાક – પૂરી – રસ – ઢોકળા લેતા જાય અને કહેતી જાય, “હવે, ક્યારે…?”, અને આપણે તરત જ ગાલમાં હસીએ, કંઈ શરમાઈએ… અહહાહા..! જાણે સાચે જ કન્યા મળી ગઈ હોય અને કોઈ પૂછી લે કે, ”હવે, છોકરા ક્યારે?”

તલવાર – સાફો – ફેંટો – શેરવાની – મોજડી – અને ખાસ તો વારે ઘડીએ બધું વરરાજાને સરખું કરી આપતો ‘અણવર’. ક્યારે આવા સ્વપ્નવત દિવસો આવશે એવું એક વાર તો લાગે જ… રસ્તા પર બગીમાં બેઠેલો ભોળો છોકરો નીકળે અને ત્યારે આખી દુનિયા એને જોઇને માપદંડ સ્થાપિત કરી મૂકે. મજા છે ભાઈ બે દિવસની. અને આ તો એવું છે કે, ”લગ્નનો લાડુ, ખાય એ પણ પસ્તાય, ન ખાય એ પણ પસ્તાય.’

પણ ત્યારે એવો વિચાર નથી આવતો કે, ‘આ બકરો તો હલાલ થવા જઈ રહ્યો છે અને એટલે જ શણગારાઈ રહ્યો છે.’

ખરેખર, આ જ તો મજા છે ને દોસ્ત. આખું કુટુંબ સાથે હોય ત્યારે, આપણી નોંધ લેવા વાળા ઘણા લોકો છે એવું લાગે. એક ગજબ ઉલ્લાસ, આત્મીયતા, મુલાકાત, અનુભવ, વિવેચન, વિચારશીલતા, પોતીકાપણું.

આ દરેકનો સમન્વય એટલે જ તો લગ્નની મજા છે દોસ્ત.

અંતે, ‘મન મેં લડ્ડુ ફૂટા…’ ની પરિસ્થિતિ જો કોઈને પણ એક પણ વાર ના આવી હોઈ તો કૈક તકલીફ છે આપણામાં હવે…, એમનામાં નહિ.

– કંદર્પ પટેલ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “મન મેં લડ્ડુ ફૂટા?… – કંદર્પ પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.