- ReadGujarati.com - http://www.readgujarati.com -

ફોર્માલિટી (ટૂંકી વાર્તા) – મોના લિયા

(પ્રસ્તુત વાર્તા રીડગુજરાતીને પાઠવવા બદલ યુવાસર્જક મોનાબેનનો આભાર. તેમની આ વાર્તા ‘મમતા’ સામયિકમાં પ્રકાશિત થઈ છે. તેઓ લેખનક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ. તેમનો monabhuj@gmail.com પર સંપર્ક કરી શકશો.)

આમ જુઓ તો પહેલી વાર અમે બંને આ પ્રસંગે કોઈનાં ઘરે જતાં હતાં. મનમાં ખૂબ અવઢવ હતી. ત્યાં પહોંચીને શું બોલવાનું ? વાતની શરૂઆત કઈ રીતે કરવી ? પાછા એ લોકોથી ખાસ કોઈ ઓળખાણ નહીં. આમ તો અમે બીજા માળે રહીએ ને એ લોકો પાંચમા માળે. છેલ્લા ચાર મહિનામાં કયારેય એમનાથી ઓળખાણ નથી કેળવાઈ.

સ્મિત સાથે સવારમાં દસ વાગ્યે હું નીકળી જાઉં બેન્ક જવા, ને પછી તો વહેલા વાગે સાડા છ, કયારેક ઘરે પહોંચતાં સાત પણ વાગી જાય. શનિ-રવિમાં તો મોટાભાગે અમે કયાંક બહાર નીકળી જઈએ. એટલે લિફટમાં જતાં-આવતાં જે લોકો મળે એમને મોઢાથી ઓળખીએ. બહુ બહુ તો નામ આવડે, પણ ત્રણેક ઘરને બાદ કરતાં કોઈનાય ઘરે અમારી અવરજવર નહિવત્.

એમાં આ લોકો કોણ એ યાદ નથી આવતું. એટલે વધુ અવઢવ થાય છે. દુઃખ તો વાત જાણી ત્યારનું હતું, પણ જે બની ગયું છે એને સ્વીકાર્યે જ છૂટકો.

એ દિવસે સવારના પોણા છની ટ્રેન પકડવાની હતી. જો ચૂક્યા તો ઈન્ટરવ્યુમાં સમયસર ન પહોંચાય એટલે રાતના સૂતાં પહેલાં સ્મિતે બંને ફોનમાં અલાર્મ મૂકી દીધા હતા. મોબાઈલની અલાર્મ રિંગથી સવાર શરૂ થઈ ગઈ. બધું ઝડપથી કરવાનું હતું. તૈયાર થઈ ઘરને લોક લગાવતી હતી. સ્મિતે લિફ્ટની સ્વિચ દબાવી. એ બે મિનિટ દરમિયાન ઉપરથી કોઈના રડવાનો ધીમો ધીમો અવાજ સંભળાતો હતો, સાવ આવો વિચાર તો કેમ આવે ! લિફ્ટ આવી એટલે ઉતાવળમાં અમે નીકળી ગયા. રેલવે સ્ટેશન પર પહોંચી ગાડી પાર્ક કરીને પ્લેટફોર્મ પર ગયાં. પાંચેક મિનિટમાં ટ્રેન આવી ગઈ. બારી બહારના ઝાડવાં, નદી અને વચ્ચે વચ્ચે આવતાં પુલ પરથી ટ્રેન પસાર થતી હતી. આ બધું વહેલી સવારે બહુ રમ્ય લાગતું હતું. લીલાછમ ખેતર અને નાળિયેરીનાં વૃક્ષને જોતાં અમદાવાદ કયારે આવી ગયું ખબર ન રહી.

ઈન્ટરવ્યુ માટેના વેઈટિંગ રૂમમાં બેઠાં હતાં. મારો સાતમો નંબર હતો. એ સમયે બાજુવાળા પ્રકાશભાઇનો ફોન આવ્યો, તમે કેમ દેખાયા નહી સવારે ? એ સમયે તો પ્રકાશભાઈને વાત ગળે ન ઉતરી. પછી ખુલાસો કર્યો ત્યારે આખી વાત સમજાઈ. પાંચમા માળે રહેતા વિનોદભાઈનું વહેલી સવારે અવસાન થયું હતું. એમની સ્મશાનયાત્રામાં સ્મિત કેમ ન દેખાયો એ માટે જ ફોન હતો.

એ દિવસે રાતે ઘરે પહોચ્યાં ત્યારે રાતના બાર વાગી ગયા હતા, બીજા દિવસે ઓફિસ જતાં નક્કી કર્યું. સાંજે બેસવા જઈશું.

પણ અમે બેય માંથી કોઈ હજુ સુધી ન તો કયારે પ્રાર્થનાસભામાં ગયાં હતાં, ન આ રીતે બેસવા. પાછી મૂંઝવણ એ હતી કે આ વિનોદભાઈ કોણ એ અમે જાણતા ન હતા. પાંચમા માળ પર આવેલા ચાર ફ્લેટમાંથી વિનોદભાઈનો ફ્લેટ કયો હતો તેનીય અમને ખબર નહોતી. મેં સ્મિતને પૂછ્યું એ ખરું, કોઇ ઓળખાણ વગર આમ આપણે જઈશું તો કેવું લાગશે ? પણ એની વાત પણ સાચી હતી. આ પહેલાં અમારા મકાનમાલિક ગુજરી ગયા ત્યારે અમે શહેરની બહાર હતાં એટલે એમનાં ઘરે મળવા કે પ્રાર્થનાસભામાં પણ અમે ન હોતાં જઈ શકયા.

સુરતથી મુંબઈ ગોઠવાયાં એને ઝાઝો સમય નહીં થયો હોય, માંડ વધીને છ મહિના થયાં હશે. લગ્ન પછીનો આ સંસાર બંને માટે નવો એટલે આવા સામાજિક વ્યવહારોમાં મતિ મૂંઝાય. કયારેક બધું અર્થવિહીન, પોકળ અને બહારથી ખોખલું લાગે, માત્ર ફોર્માલિટી જે કોઈ પણ સંજોગોમાં પૂરી કરવાની છે. નિકટના સ્વજન સાથે વ્યવહારમાં કયારે આવા વિચારો નથી આવ્યાં. હજી હમણાં જ મારા એક સાઠ વર્ષનાં મિત્રના ભાઈનું મૃત્યુ થયું. એમને ઈ-મેઈલ કરતી વખતે મને શું લખવું એવો પ્રશ્ન થયો ન હતો. મનમાં આવતું ગયું ને લખાતું ગયું.

એક આછા વાદળી રંગની સાડી કાઢી મેચિંગ બ્લાઉઝ શોધતી હતી ત્યાં જ સ્મિત બોલ્યો, વ્હાઈટ રંગની કોઈ સાડી નથી ? મારી નજર એકધારી એને જોતી રહી. શું થયું ? એ ફરી બોલ્યો.

મેં વાદળી સાડી પાછી કબાટમાં મૂકી. કોલેજમાં પંદરમી ઓગસ્ટના પ્રોગ્રામ માટે સીવડાવ્યો હતો એ વ્હાઈટ ડ્રેસ કાઢ્યો. કપડાં બદલાવી વાળ ઓળ્યા. સ્મિતે વ્હાઈટ કુર્તો રૂટીન પેન્ટની ઉપર ચડાવ્યો. રસોડા અને બેડરૂમની લાઈટ બંધ કરીને બહાર નીકળ્યા. સામેવાળા કંકુમાસી અને તારાબહેન વાતો કરતા દેખાયાં.
અમારા કપડાનો રંગ જોઇ તેમણે મને ઈશારાથી નજીક બોલાવી.

ખોટું ન લગાડતી, પણ એક સો આના સાચી વાત કહું. કંકુમાસી મારા હાથની આંગળી પકડીને બોલ્યાં.

હા હા કહોને. તમારી કોઈ વાતનું મને કયારે ખોટું લાગ્યું છે? કંકુમાસી આમ તો મારા ગાઈડ હતાં. રસોઈમાં કંઈ ન આવડે તો કંકુમાસીને બોલવું, કરિયાણું ક્યાં સારું મળશે, એમને ખબર હોય, પોતાના અનુભવો કહે એ સાંભળવા હું એમની ગોઠડી કરું.

બેસવા જઈએ ત્યારે ચાંદલો અને મંગળસૂત્ર ન પહેરી. એમનો અવાજ ધીમો થતો ગયો. હું સમજી ગઈ એ શું કહેવા માંગતાં હતાં.

ઘરમાં જઈને મેં મંગસૂત્ર ઉતાર્યું અને કપાળ પરનો ચાંદલો કાઢીને અરીસામાં ચોંટાડી દીધો.

ઘડિયાળ તરફ નજર કરી. હું ઝડપથી બહાર આવી. સ્મિત કોઈ સાથે ફોનમાં વાત કરતો હતો. ઘર લોક કરી લિફ્ટની સ્વિચ દબાવી.

પાંચમા માળે લિફ્ટમાંથી બહાર આવ્યાં, ખૂણામાં ૫૦૨ નંબરના ઘરના ખુલ્લા દરવાજાં સામે ઉતારેલી ચંપલની સંખ્યા પરથી એવું માની લીધું કે આ જ વિનોદભાઇનું ઘર હશે. અમે અંદર ગયાં. ડ્રોઈંગ રૂમમાં વ્હાઈટ કપડામાં આધેડ વયના એક કાકા અને થોડા યુવાન માણસો બેઠા હતા. એમાંથી એક ભાઈએ મારી તરફ અંદરના રૂમમાં જવા ઈશારો કર્યો. સ્મિત ત્યાં એમની વચ્ચે ગોઠવાઈ ગયો અને હું અંદર ગઈ. દીવાલ પાસે શેતરંજી પાથરીને આઠ-નવ બહેનો બેઠેલી હતી.

ખરી પરીક્ષા હવે હતી. મને નથી ખબર કે આ બધાંમાથી વિનોદભાઈનાં પત્ની કોણ ? કોની પાસે જઈને બેસું ? મારી સામે જોઇ એક બહેને હાસ્ય વેર્યું. અચંબા સાથે હું એ તરફ દોરવાઈ. આખા ટોળામાં વચ્ચે બેઠેલાં એ બહેન પાસે જઇને હું ત્યાં બેઠી. અંદરોઅંદર કંઈક ગણગણાટ ચાલુ હતો.

દરરોજ ભાત બે વાર તો ચડાવવા જ પડે. બાજુમાં બેઠેલા એક બહેન ચિંતાના સૂરમાં કહેતા હતાં.

મારી સામે જોઇ ફરી એમણે આ વાત દોહરાવી. મને કંઇ સમજાતું ન હતું. અહીં શું ચાલી રહ્યું છે.

ત્રણ ટાઇમ મારાજ સાયબ આવે. હો. ઓહ તો ભાત બે વખત ચડાવવા પડે, એનું આ કારણ હતું. દેરાસર બાજુમાં અને આખું બિલ્ડિંગ જૈનોનું એટલે ત્રણ ટાઇમ દરેક ઘરને ધર્મલાભ મળતો.

અમે કાલે બહારગામ હતાં. રાતે મોડાં આવ્યાં ત્યારે જાણીને બહુ દુઃખ થયું. મેં એમની સામે જોઇને કહ્યું.

તમારાં હસબન્ડ શું કરે છે ? વિનોદભાઈના પત્ની મને પૂછતાં હતાં.

આવા સમયે એમના તરફથી આવેલા આ સવાલથી હું ડઘાઈ ગઈ. એ સી.વી. મહેતા સ્કૂલમાં ટીચર છે.

આજુબાજુની સ્ત્રીઓ મારી સામે અહોભાવથી જોવા લાગી. ને તમે…?

હું બેન્કમાં છું. મને સમજાતું ન હતું કે આ શું ચાલી રહ્યું છે.

આ તો શું કે કયારેક કંઈ કામ હોય તો ખ્યાલ આવે.

મને વિચાર આવ્યો કે બહાર સ્મિત શું વાતો કરતો હશે. નાનાં છોકરાં આમ તેમ રમતાં હતાં. નવી પરણેલી વહુઓ રસોડામાં હતી. રસોઈની સુગંધ આવતી હતી. દીવાલ પર લાગેલા વોલપીસ સ્થિર હતા. ઘરના ક્યા ખૂણે હવા ઘટ્ટ છે એ જાણવા મેં ઊંડો શ્વાસ લીધો.

શું થયું હતું વિનોદભાઈને ? મારો અવાજ નરમ પડી ગયો.

કંઈ નહીં. બરોબર જ હતાં. એ અવાજમાં શોકની લાગણી શોધવા મેં એમની આંખોમાં જોયું.

એ પછી તો ત્યાં શિક્ષણ વિશેની કેટલીયે વાતો ચાલી. આજે કેટલા બધા વિષયો અને વારંવાર લેવાતી પરીક્ષા, ફી માં વધારો. બેન્કમાં ખાવા પડતા ધક્કા અને મુશ્કેલીઓની લાંબું લિસ્ટ.
મેં કાંડાઘડિયાળમાં જોયું. મારા આવ્યાને અડધો કલાક થઈ ગયો હતો.

જય જિનેન્દ્ર કહીને હું ઊભી થઈ. બહારના રૂમમાં સ્મિત ન હતો. ઘરે આવી ત્યારે એ મોબાઈલમાં કંઈક ટાઇપ કરતો હતો.

આવી ગયો તું ?

હા. શું વાત કરવી ? એણે મારી સામે જોયા વિના જ કહ્યું. એનું ટાઈપીંગ ચાલુ હતું.

કપડાં બદલાવી હું રસોડામાં આવી. પરાણે ટકાવી રાખેલી થોડી ગમગીનીની રેખાઓ અધવચ્ચે લિફ્ટમાં જ રહી ગઈ હોય એવું લાગ્યું. સ્મિતે પંજાબી ખાવાની ઈચ્છા વ્યક્ત કરી. રોટલી માટે ઘઉંનો લોટ કાઢતાં મારો હાથ અટકી ગયો. મને વિનોદભાઈના ઘરમાં રસોડામાંથી આવતી સુગંધ યાદ આવી અને મેં ડબ્બો બંધ કરી દીધો.

– મોના લિયા